- અગોચર વિશ્વ - દેવેશ મહેતા
- શ્વેતાશ્વતર ઉપનિષદ અને અથર્વશિરસ ઉપનિષદો દર્શાવે છે કે શિવ જ એક માત્ર શાશ્વત, સર્વવ્યાપી અને નિરાકાર ચેતના, આનંદ સ્વરૂપ છે જે વ્યક્તિગત આત્મા અને બ્રહ્માંડકીય ચેતનાની એકતાના માધ્યમથી મુક્તિ પ્રદાન કરે છે
'જ્ઞાનયોગસ્ય સિદ્ધાંત : જીવ બ્રહ્મૈકયતા યથા ।
તસ્મિન્ જ્ઞાતે ભવેન્મુક્તિઃ સત્યં સત્યં ન સંશયઃ ।।
જ્ઞાનયોગનો સિદ્ધાંત જીવ અને બ્રહ્મની એકતા છે. એને જાણી લેવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે એ સાચું છે, એકદમ સાચું છું. એમાં કોઈ સંશય નથી.' - શિવ સંહિતા, પ્રથમ પટલ, શ્લોક- ૧૫૮
'ન શિવઃ શક્તિ નિર્મુક્તઃ ન શક્તિઃ શિવવર્જિતા ।
ઈતિ સંભાવયન્ યોગી મુચ્યતે નાત્ર સંશયઃ ।।
શિવ (ચેતના) શક્તિ (ઊર્જા) વિના રહેતા નથી અને શક્તિ શિવ વિના રહેતી નથી. આ એકતાને સમજનાર યોગી મુક્ત થઈ જાય છે એમાં કોઈ શંકા નથી.' - વિજ્ઞાન ભૈરવ તંત્ર, તંત્રોક્ત સૂત્ર, શ્લોક ૧૮
'દેહસ્થં સર્વ વિદ્યાશ્ચ દેહસ્થં સર્વદેવતાઃ ।
દેહસ્થં સર્વતીર્થાનિ દેહસ્થં ગુરુવાક્યતઃ ।।
બધી વિદ્યાઓ, દેવો અને તીર્થો આ શરીરની અંદર જ (સૂક્ષ્મ ઊર્જા કેન્દ્રો રૂપ ચક્રોમાં) રહેલા છે.' - શિવ સંહિતા, પટલ-૧, શ્લોક- ૯૨
વેદોમાં ભગવાન શિવને પર બ્રહ્મ, જગતના સૃષ્ટા, પાલક અને સંહારક કહેવાયા છે. શ્વેતાશ્વતર ઉપનિષદ અને અથર્વશિરસ ઉપનિષદો દર્શાવે છે કે શિવ જ એક માત્ર શાશ્વત, સર્વવ્યાપી અને નિરાકાર ચેતના, આનંદ સ્વરૂપ છે જે વ્યક્તિગત આત્મા અને બ્રહ્માંડકીય ચેતના (બ્રહ્મ)ની એકતાના માધ્યમથી મુક્તિ પ્રદાન કરે છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં રુદ્ર (શિવ)ને સર્વોચ્ચ સત્તા, નિયંતા અને બધાનું મૂળ કારણ બતાવવામાં આવ્યા છે. શિવ જ એક માત્ર સત્ય છે. એમના સિવાય બીજું કોઈ નહીં. તે બધા જીવોમાં નિવાસ કરે છે. શિવને સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, નિર્ગુણ સાથે સગુણ ઈશ્વરના રૂપમાં પણ પૂજવામાં આવે છે.
અર્વાચીન ભૌતિક વિજ્ઞાન બહારના જગતને સમજવાનો પ્રયાસ કરે છે જ્યારે શિવયોગ અંતર્વિજ્ઞાન (Inner science) છે જે ચેતના અને ઊર્જા (શિવ અને શક્તિ)ના નિયમો પર આધારિત છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાન માને છે કે બ્રહ્માંડનો અધિકાંશ ભાગ ખાલી સ્થાન (શૂન્ય) છે જે ઊર્જાથી ભરેલો છે. શિવયોગમાં આ શૂન્ય કે અનંત આયામને જ 'શિવ' કહેવામાં આવેલ છે. વિજ્ઞાન પ્રમાણે ઊર્જા (Energy) નો નાશ કરી શકાતો નથી. શિવ યોગ પણ કહે છે કે શક્તિ અવિનાશી છે. શિવ (ચેતના) અને શક્તિ (ઊર્જા)નું મિલન જ સૃષ્ટિનું સર્જન કરે છે. ભૌતિક વિજ્ઞાન પદાર્થ, ઊર્જા, સમય અને અંતરિક્ષનું અધ્યયન કરે છે. તે કહે છે કે બધું ઊર્જાના રૂપમાં વિદ્યમાન છે. તે પરમાણુ કણ, તરંગો, ફિલ્ડ અને વેવ્ઝની સમજૂતી આપી એ વાસ્તવિકતા દર્શાવે છે જે શિવયોગ ચેતના, શક્તિ, પ્રાણ અને કુંડલિનીની પરિભાષામાં દર્શાવે છે. ભૌતિક વિજ્ઞાન કહે છે કે બધું એક જ મૂળ ઊર્જાથી બનેલું છે તો શિવયોગ કહે છે કે બધું એક જ ચેતના (શિવ)થી બનેલું છે.
ઈ.સ. ૧૯૩૩નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર ઓસ્ટ્રિયન-આઇરિશ થિયરિટિકલ ભૌતિક વિજ્ઞાન ઈરવિન શ્રોડિન્જર પણ કહે છે - The total number of minds in the universe is one - બ્રહ્માંડમાં ચેતના (મન)ની સંખ્યા એક જ છે. એટલે કે અલગ-અલગ મન દેખાય છે, પણ મૂળ ચેતના એક જ છે. ઉપનિષદ કહે છે - સત્ય એક જ છે. પર બ્રહ્મ એક જ છે - 'એકં સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ.' 'એકમેવાદ્વિતીયમ્ અર્થાત્ એકમ્ એવ અદ્વિતીયમ્. શ્રોડિન્જર કહે છે -' Consciousness is singular - ચેતના એક માત્ર, અદ્વિતીય છે.' આમ ઉપનિષદ અને વિજ્ઞાન એક જ સત્ય અલગ ભાષા કે શબ્દોમાં કહે છે. શિવ યોગ કહે છે - ચિદાનંદ રૂપઃ શિવડહમ્ શિવોડહમ્ - ચિદાનંદ રૂપ હું શિવ છું' એટલે ચિદાનંદ રૂપ હું શુદ્ધ ચેતના છું. એ રીતે તે એમ પણ કહે છે - તત્ત્વમસિ (તત્ ત્વમ્ અસિ - અર્થાત્ તું તે છે. છાંદોગ્ય ઉપનિષદ કહે છે - સર્વં ખલ્વિદં બ્રહ્મ (સર્વ ખલુ ઇદં બ્રહ્મ) અર્થાત્ સંપૂર્ણ જગત બ્રહ્મ જ છે.
તૈત્તિરીય ઉપનિષદમાં કહેવાયું છે - સત્યં જ્ઞાનં અનન્તં બ્રહ્મ (૨.૧) બ્રહ્મ, સત્ય છે, જ્ઞાન છે અને અનન્ત છે. ઉપનિષદ કહે છે - આખું જગત બ્રહ્મ છે. શિવયોગ કહે છે - 'શક્તિ જ શિવનો વિસ્તાર છે.' ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે - Matter is Condensed energy - પદાર્થ ઊર્જાનું સંઘટ્ટિત સ્વરૂપ છે.' વિજ્ઞાન જેને ઊર્જા (energy) કહે છે ઉપનિષદ એને બ્રહ્મ શક્તિ કહે છે. શિવ યોગ એને શિવ સંબંધિત શક્તિ કહે છે.
આપણા ઉપનિષદમાં શક્તિ વિશે કહેવાયું છે - 'પરાસ્ય શક્તિઃ વિવિધૈવ શ્રુયતે । સ્વાભાવિકી-જ્ઞાન બલ ક્રિયા ચ ।। (શ્વેતાશ્વતર ઉપનિષદ (૬-૮) એ પરમ શિવની શક્તિ અનેક પ્રકારની દર્શાવવામાં આવી છે. એમની જ્ઞાન, બળ અને ક્રિયાની શક્તિઓ સ્વાભાવિક છે, એમને ઉત્પન્ન કરવી પડતી નથી.' શિવની શક્તિ કોઈ પ્રયાસથી નહીં, એમના અસ્તિત્વમાંથી સહજ પ્રગટ થાય છે. શ્વેતાશ્વર ઉપનિષદ કહે છે - માયાં તુ પ્રકૃતિં વિદ્વાન્ માયિનં તુ મહેશ્વરમ્ ।। એટલે કે પ્રકૃતિને માયા જાણો અને માયાના સ્વામીને શિવ. માયા અસત્ય નથી, પણ પરમ સત્ય પણ નથી. માયા એટલે જે દેખાય છે તે જેવું દેખાય છે તેવું નથી.
ભૌતિક વિજ્ઞાની વર્નર હાઇઝેનબર્ગ કહે છે - Atoms are not things - પરમાણુઓ વસ્તુઓ નથી, સંભાવનાઓ છે. ભૌતિક વિજ્ઞાની નિલ્સ બોહર આવી જ વાત કરે છે - '‘No Phenomenon is a Phenomenon until it is observed - કોઈ પણ ઘટના ત્યાં સુધી વાસ્તવિક ઘટના નથી બનતી, જ્યાં સુધી એ અવલોકન ન કરાય.' શિવયોગમાં માયા વિશે જે વાત કરવામાં આવી છે, ભૌતિક વિજ્ઞાનના પ્રયોગોના પરિણામોથી પણ સાબિત થાય છે. ભૌતિક વિજ્ઞાનના ડબલ-સ્લિટ પ્રયોગ (Double-Slit Experiment) એવું પ્રમાણિત થયું કે જ્યારે ઈલેકટ્રોન, ફોટોનને જોયા વગર છોડવામાં આવે છે ત્યારે તે તરંગ (Wave) ની જેમ વ્યવહાર કરે છે, પણ જ્યારે તેને જોવામાં આવે છે ત્યારે તે કણ (Particle) બની જાય છે. અર્થાત્ જોવાથી વાસ્તવિકતા બદલાઈ જાય છે. વાસ્તવિકતા સ્થિર નથી, પણ સંભાવનાઓમાં રહે છે. નિલ્સ બોહર કહે છે - Everything We Call real is made of things that can not be regarded as real - જેને આપણે સાચું, વાસ્તવિક કહીએ છીએ તે એ વસ્તુઓથી બનેલું છે જેને વાસ્તવિક ના માની શકાય.'


