Get The App

ટેક્સી ડ્રાઈવર @ 50

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ટેક્સી ડ્રાઈવર @ 50 1 - image

- સિનેમા એક્સપ્રેસ - શિશિર રામાવત

- માસ્ટર ફિલ્મમેકર માટન સ્કોર્સેેઝી અને મહાન અભિનેતા રોબર્ટ દ નીરોની યાદગાર ફિલ્મ 'ટેક્સી ડ્રાઇવરે' હમણાં પચાસ વર્ષ પૂરાં કર્યાં. દુનિયાભરના ડિરેક્ટરો-એક્ટરો આ ફિલ્મથી પ્રભાવિત થતા રહ્યા છે - ગુજરાતી ફિલ્મ 'લાલો'ના અદાકાર કરણ જોશી સુધ્ધાં.   

અમુક ફિલ્મો એટલી માતબર હોય છે કે દાયકાઓ પછી પણ એનો પ્રભાવ ઓછો થવાનું નામ લેતી નથી. હોલિવુડની 'ટેક્સી ડ્રાઇવર' એવી જ એક ઓલ-ટાઇમ-ગ્રેટ ફિલ્મ છે. દુનિયાભરના એક્ટરો, ડિરેક્ટરો અને લેખકોની એકાધિક પેઢીઓએ આ ફિલ્મ પાસેથી ખૂબ શીખ્યું છે. ત્યાં સુધી કે, બમ્પરહિટ ગુજરાતી ફિલ્મ 'લાલો'ના હીરો કરણ જોશી અને ડિરેક્ટર અંકિત સાખિયાની પ્રલંબ મુલાકાતોમાં પણ આપણે 'ટેક્સી ડ્રાઇવર' ફિલ્મના ઉલ્લેખો થતા રહે છે. 

 'ટેક્સી ડ્રાઇવર' ફિલ્મે આ મહિને પચાસ વર્ષ પૂરાં કર્યાં (રિલીઝ ડેટઃ ૮ ફેબુ્રઆરી ૧૯૭૬). આ નિમિત્તે ફિલ્મના ડિરેક્ટર માર્ટિન સ્કોર્સેઝી, એક્ટર રોબર્ટ દ નીરો અને લેખક પૉલ શ્રેડર આજકાલ મીડિયાને ખૂબ બધા ઇન્ટરવ્યુઝ આપી રહ્યા છે. 

એવું તે શું છે આ ફિલ્મમાં? ટ્રેવિસ બિકલ (રોબર્ટ દ નીરો) નામનો એક અમેરિકન જુવાનિયો આ ફિલ્મનું કેન્દ્રીય પાત્ર છે. વિયેતનામ વોર વખતે એ અમેરિકન નૌકાદળનો સભ્ય હતો. હવે (એટલે કે પચાસ વર્ષ પહેલાંના ન્યુયોર્ક શહેરમાં) એ કોઈ ખખડધજ ફ્લેટમાં એકલો રહે છે. મા-બાપ સાથે એને માત્ર ક્રિસમસ કાર્ડ અને બથર્ડે કાર્ડ લખવા જેટલો જ સંબંધ બચ્યો છે. માથાફરેેલ ટ્રેવિસ ઓછોબોલો ને અતડો છે. અધૂરામાં પૂરું બાપડો અનિદ્રાની બીમારીથી પીડાય છે. દિવસે ફાલતુ થિયેટરોમાં જઈને પોર્નોગ્રાફિક ફિલ્મો જોયા કરે અને રાતે સમય પસાર થઈ જાય તે માટે ટેક્સી ડ્રાઈવર તરીકે કામ કરે. કોફી પીધા કરે અને મધરાતે કોઈક જગ્યાએ લૂસ-લૂસ ખાઈ લે.

તદ્દન શુષ્ક અને યાંત્રિક જિંદગી જીવન જીવતા ટ્રેવિસને બેટ્સી (સિબિલ શેફર્ડ) નામની યુવતી પસંદ છે. અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા એક સેનેટર માટે બેટ્સી પ્રચારનું કામ કરે છે. શરૂઆતમાં તો બેટ્સીને પણ ટ્રેવિસ ગમી જાય છે. એક વાર ટ્રેવિસ એને ડેટ પર લઈ જાય છે. ક્યાં? એક પોર્નોગ્રાફિક ફિલ્મ જોવા. બેટ્સી ભડકી ઉઠે છેઃ તું મને સમજે છે શું? તારી આવી હિંમત કેમ થઈ? એ ટ્રેવિસને તરછોડીને જતી રહે છે. 

એક વાર રાતે ટેક્સીમાં રઝળપાટ કરતી વખતે ટ્રેવિસનો ભેટો આઈરિસ (જુડી ફોસ્ટર) નામની વેશ્યા સાથે થાય છે. ના, વેશ્યા નહીં, પણ બાળવેશ્યા. એ ફક્ત બાર જ વર્ષની છે. દલાલની ચુંગાલમાંથી બચવા એ ટ્રેવિસની ટેક્સીમાં ઘુસી જાય છે, પણ દલાલ એને ઢસડીને ખેંચી જાય છે. કોણ જાણે કેમ પણ આ છોકરી ટ્રેવિસના દિમાગમાંથી ખસતી નથી. કોણ હશે આ માસૂમ બાળકી? કેમ અવળા રસ્તે ચડી ગઈ છે એ? શું મજબૂરી હશે એની? ટ્રેવિસ મનોમન નક્કી કરી લે છે કે હું છોકરીને ગમે તેમ કરીને ગંદકીમાંથી બહાર કાઢીને જ રહીશ. દિવસ દરમિયાન એ આઈરિસને મળીને સમજાવે છે, પોતાનાં મા-બાપ પાસે જવા એના હાથમાં પૈસા પણ મૂકે છે. 

ટ્રેવિસનું વર્તન ધીમે ધીમે વધારે વિચિત્ર અને આક્રમક બનતું જાય છે. એ વિચિત્ર રીતે માથું મૂંડાવે છે. એની પાસે ગન છે અને એ ચુંટણી લઈ રહેલા પેલા સેનેટરને ઉડાવી દેવા માગે છે. સેનેટરની એક સભા વખતે એ ગન લઈને નીકળે પણ છે, પણ સિક્યોરિટીના માણસોને શંકા જતા એ શૂટઆઉટનો વિચાર માંડી વાળે છે. એના હાથમાંથી જોકે ખજવાળ ગઈ નથી. એ પેલી બાળવેશ્યા આઈરિસના દલાલને ઉડાવી દે છે. એના વેશ્યાવાડામાં જઈને બાઉન્સર જેવા દેખાતા માણસ પર ગોળી ચલાવીને જીવ લે છે. એ પોતે પણ ઘાયલ થાય છે. લોહીની હોળી ખેલ્યા પછી ટ્રેવિસ આત્મહત્યા કરવાની કોશિશ કરે છે, પણ બંદૂકમાં ગોળી ખૂટી પડી છે. પોલીસ આવે છે. બાળવેશ્યાને એનાં માબાપ પાસે મોકલી દેવામાં આવે છે. ગળગળું થઈ ગયેલાં માબાપ કાગળ લખીને ટ્રેવિસનો આભાર માને છે. ટ્રેવિસે એક સારું કામ કર્યું છે તેથી મિડીયા એની નોંધ લે છે. 

ફિલ્મમાં છેલ્લે બેટ્સી સાથે ફરી એની મુલાકાત થાય છે. બેટ્સી એની ટેક્સીમાં બેસે છે, સામેથી એની સાથે વાતો કરે છે, એનું જે નામ થયું છે તેના વિશે ચર્ચા કરે છે, પણ ટ્રેવિસ હવે એના પ્રત્યે ઉદાસીન થઈ ગયો છે. એ બેટ્સીને એનાં ગંતવ્યસ્થાને ઉતારે છે અને ટેક્સીભાડું ધરાર લેતો નથી. પછી રિઅર-વ્યુ અરીસામાં બેટ્સી તરફ અછડતી નજર ફેંકીને એ રવાના થઈ જાય છે. આ બિંદુ પર ફિલ્મ પૂરી થાય છે.

ડિરેક્ટર માટન સ્કોર્સેઝી અને અદાકાર રોબર્ટ દ નીરો - આ બન્નેએ એકબીજાની કરીઅરને ઊંચાઈ પર પહોંચાડવામાં ચાવીરૂપ ભુમિકા ભજવી છે. એમણે સાથે કરેલી કેટલીય ફિલ્મોમાંથી 'ટેક્સી ડ્રાઇવર' એક. 'ટેક્સી ડ્રાઈવર' ડિરેક્ટ કરવા માટે સૌથી પહેલાં બ્રાયન દ પાલ્માનો અપ્રોચ કરવામાં આવ્યો હતો. કોઈક કારણસર બ્રાયને પ્રોજેક્ટ છોડયો ને તેમના સ્થાને માટન સ્કોર્સેઝી ગોઠવાઈ ગયા. રોબર્ટ દ નીરોએ ૩૫,૦૦૦ ડોલરમાં સાઈન કરવામાં આવ્યા હતા, પણ ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું હતું એ જ અરસામાં એમને 'ધ ગોડફાધર પાર્ટ ટુ' માટે ઓસ્કર અવોર્ડ મળ્યો. પ્રોડયુસરોને ટેન્શન થઈ ગયું કે રોબર્ટ દ નીરો હવે વધારે પૈસાની માગણી કરશે. સદભાગ્યે, દ નીરોએ એમને ખાતરી આપી કે ફિકર ન કરો, જેટલાં પૈસા નક્કી થયા છે એટલા જ મને આપજો. શૂટિંગ દરમિયાન પ્રોડયુસરો અને માર્ટિન સ્કોર્સેઝી વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા. એક વાર તો પ્રોડયુસરો સ્કોર્સેઝીને કાઢી મૂકવાની અણી પર પહોંચી ગયેલા, પણ રોબર્ટ દ નીરો વચ્ચે પડયા. એમણે મજબૂતીથી પોતાના ડિરેક્ટરનો પક્ષ લીધો. રોબર્ટ દ નીરો જેવા તાજા તાજા ઓસ્કરવિનર બનેલા એક્ટરની ઇચ્છા વિરુદ્ધ નિર્માતાઓ જઈ શકે તેમ નહોતા. પરિણામે સ્કોર્સેઝી ટકી ગયા. આ વાતનો ઉલ્લેખ સ્કોર્સેઝી આજની તારીખે પણ અચૂક કરે છે.  

વિચાર કરો કે લેખક પૉલ શ્રેડરે માત્ર દસ દિવસમાં 'ટેક્સી ડ્રાઇવર'ની સ્ક્રિપ્ટ લખી નાખી હતી. એ પોતાની કારમાં જ પડયાપાથર્યા રહેતા. એવુું પણ કહેવાય છે કે સતત પ્રેરણા મળતી રહે તે માટે પાલ ફિલ્મ લખતી વખતે કારના ડેશબોર્ડ પર ભરી બંદૂક મૂકી રાખતા! 'ટેક્સી ડ્રાઈવર'ની વાર્તા કંઈક અંશે આત્મકથનાત્મક છે. લેખક પૉલ શ્રેડર નર્વસ બ્રેકડાઉનમાંથી તાજા તાજા પસાર થયા હતા. એમના ડિવોર્સની પ્રક્રિયા શરૂ થઈ ચુકી હતી. મિત્રો દૂર થઈ ગયા હતા. ભયંકર એકલતા અનુભવી રહ્યા હતા એ. અઠવાડિયાઓ સુધી એ કોઈની સાથે એક શબ્દ નહોતા બોલતા. આ અરસામાં તેમને બંદૂકો પ્રત્યે ગજબનું વળગળ થઈ ગયું હતું. દિવસોના દિવસો સુધી એ કારમાં એકલા એકલા ફર્યા કરતા. એમને થતું કે હું ટેક્સી ડ્રાઈવર હોત તો? 

ટાઈટલ રોલમાં રોબર્ટ દ નીરોએ કમાલ કરી છે. પોતાના પાત્રને સમજવા માટે તેમણે કેટલાંય અઠવાડિયાં ન્યુયોર્કમાં સાચેસાચ ટેક્સી ચલાવી હતી. તીવ્ર એકલતા અનુભવતો ટેક્સી ડ્રાઈવર બીજાઓ સાથે સંબંધ બનાવવા, કનેક્ટ થવા માગે છે, પણ એમ કરી શકતો નથી. એ ખૂલવા માગે છે, પણ ખૂલી શકતો નથી, એ સફળતાપૂર્વક અને અથર્પૂર્ણ રીતે કમ્યુનિકેટ કરી શકતો નથી. અંદરને અંદર ધૂંધવાયા કરે છે. રાઈટર-ડિરેક્ટરે પાત્રાલેખન કરતી વખતે બહુ વિગતો ન મૂકી હોય તો પણ માત્ર સંવેદનાના આધારે કેરેક્ટરને કેટલી અદ્ભુત રીતે ઊપસાવી શકાય એ રોબર્ટ દ નીરોએ આ રોલ થકી દેખાડી આપ્યું. અરીસા સામે ઊભા ઊભા 'આર યુ ટોકિંગ યુ મી?' ડાયલોગ અને તે સીન અવિસ્મરણીય બની ગયો છે. તે આખો સીન રોબર્ટ દ નીરોએ જાતે ઈમ્પ્રોવાઈઝ કરેલો છે.   

બાળવેશ્યાનું પાત્ર ભજવનાર જુડી ફોસ્ટર એ વખતે ખરેખર બાર વર્ષની હતી. શૂટિંગ શરૂ કરતાં પહેલાં કેલિફોનિર્યાના લેબર બોર્ડના કાયદા પ્રમાણે જુડી ફોસ્ટરનું સાઈકોલોજિકલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું - હિંસાના ચિક્કાર દશ્યોવાળી ફિલ્મમાં વેશ્યાનો રોલ કરવાથી એના બાળમાનસ પર કોઈ ખરાબ અસર નહીં થાયને, તે ચકાસવા!  

'ટેક્સી ડ્રાઈવર' બોક્સ ઓફિસ પર પણ સરસ ચાલી. એને ચાર ઓસ્કર નોમિનેશન મળ્યાં. અમુક ફિલ્મો એવી એવરગ્રીન હોય છે કે જેને કેટલીય વાર જોઈ શકય અને દરેક વખતે નવેસરથી મજા આવે. 'ટેક્સી ડ્રાઈવર' એ કક્ષાની ક્લાસિક ફિલ્મ છે. નેટફ્લિકસ પર તે અવેલેબલ છે. જોજો!  

શો સ્ટોપર 

આજે જ્યારે સ્ટાર્સ મોટો ઇગો લઈને ફર્યા કરતા હોય છે ત્યારે રણબીર કપૂર એક એવો માણસ છે, જે આજની તારીખે પર સેટ પર આવીને સિનિયર કલાકારોને પગે લાગે છે.  - અનિલ કપૂર