Get The App

ખામોશી, પણ કેવી અભિશપ્ત!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
ખામોશી, પણ કેવી અભિશપ્ત! 1 - image

- કેમ છે, દોસ્ત - - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- ''મમ્મી, ઘણી સધવાઓનું જીવન વિધવાઓ કરતાં પણ બદતર હોય છે. મારે કહેવાતી 'અખંડ સૌભાગ્યવતી' નથી બનવું'' - ખામોશીનું જીવનદર્શન

ખામોશી પણ કેવી અભિશપ્ત ! એને માતા-પિતાનો સ્નેહ તો ન મળ્યો... પણ એના જન્મ પછી એક જ મહિનામાં એના પિતાનું આકસ્મિક અવસાન થયું. ખામોશીના મમ્મી ભૂમિદેવી તો એનું નામ 'પનોતી' પાડવા ઇચ્છતા હતા.. પણ 'ખામોશી' એ ફોઈબાએ પાડેલું નામ હતું. ખામોશીના મમ્મી ભૂમિદેવીના મનમાં તેના પ્રત્યે નફરતવૃદ્ધિ માટે એક એ કારણનું ઉમેરણ થયું કે ખામોશી એમની બીજા નંબરની દીકરી હતી. પુત્રની આશામાં જીવી રહેલા ભૂમિદેવીને ખામોશી બિલકુલ પસંદ નહોતી. ખામોશી સમજણી થઇ ત્યારથી તેના મમ્મીએ એના હાથનું પાણી પણ પીધું નહોતું. ખામોસીએ પીરસેલી થાળીને ઠુકરાવીને તેમણે ભોજન કરવાનું ટાળ્યું છે. સવારના પહોરમાં ખામોશીનું મોં નજરે પડે કે તરત જ ભૂમિદેવી ભગવાનના ફોટા સમક્ષ દર્શન માટે ધસી જતા.

ઉપેક્ષાના અફાટ રણમાં ખામોશી માટે કોઈ રણદ્વીપ હોય તો એનાં વૃદ્ધકાકીમા. મોટી બહેન મુગ્ધા તો પરણીને સાસરે ચાલી ગઇ હતી.

ખામોશીના કાકીમા વૈધવ્ય પછી તેના પપ્પાજીની સાથે જ રહેતાં હતાં. કાકીમા ખામોશીની મમ્મીને સગી બહેન કરતાં અધિક ચાહતાં હતાં. દિયરની અમાનતસમી ખામોશીને પણ તેઓ ફૂલની જેમ સાચવતાં હતાં, પણ ભૂમિદેવી તો એને પુત્રી રૂપી પથરો જ માનતા હતા.

ભૂમિદેવી ખામોશીને અપશુકનિયાળ ગણતાં હતાં અને નાની નાની વાતમાં નિર્દય રીતે ઝૂડી નાખતા હતા.

એકમાત્ર કાકીમાના સહારે નાનકડી ખામોશીએ દિવસો પસાર કર્યા... અણગમતી વસ્તુને ય 'પસ્તી' કે 'કબાડી' માર્કેટમાં ભાવ ઉપજવાની શક્યતાને લક્ષમાં રાખીને કોક ખૂણાનો અધિકાર બક્ષવામાં આવે છે... પણ ખામોશીની મમ્મી તો એને સાપનો ભારો ગણતી હતી. એમણે કાકીમાને અલ્ટિમેટમ આપી દીધું હતું કે કોઈપણ મુરતિયો મળે કે તરત જ ખામોશીને પરણાવીને ઘરમાંથી કાઢો. એના અભ્યાસ પાછળ પૈસા બરબાદ કરવાની જરૂર નથી.

પૂરાં પાંચ વર્ષ વહી ગયાં... ખામોશી ગ્રેજ્યુએટ પણ થઇ ગઈ... અને ખામોશી એક અણગમતા મહેમાનની જેમ માતૃગૃહે દિવસો ઉદાસ મને પસાર કરી રહી હતી. ભૂમિદેવી ખામોશીને ગમે ત્યાં પધરાવીને નિશ્ચિત બનવાની રાહ જોઈ રહ્યા હતા.

એક દિવસ ખામોશી ભૂમિદેવીના ઓર્ડર પ્રમાણેની બજારમાંથી વસ્તુઓ ખરીદીને પાછી ફરી રહી હતી. ત્યારે એક અજાણ્યા યુવકે સાદ કર્યો ઃ 'ખામોશી, જરા ઊભાં રહો' અને મરક મરક હસતો એ યુવક એની નજીક આવ્યો. પોતાનો પરિચય આપતાં કહ્યું ઃ 'મારું નામ છે લોચન. હું વિદેશથી લગ્ન કરવા ભારત આવ્યો છું. તમારા નમ્ર અને નિખાલસ સ્વભાવ વિષે મેં સાંભળ્યું છે. તમારા જન્માક્ષર તથા ફોટો લઇને તમારા કાકીમા મારા મમ્મી પાસે આવ્યા હતા. તમારી જન્મકુંડળીમાં મંગળદોષ છે. હું જાણું છું કે મારી કુંડળીમાં મંગળ નથી, પણ મારા એક જ્યોતિષે મંગળના દોષવાળી કુંડળી મને તૈયાર કરી આપવાની તૈયારી બતાવી છે. જો તમને વાંધો ન હોય તો... આમ કરવાથી આપણા બન્નેની કુંડળીનો મેળ ખાઈ જશે.'

ખામોશી એકાએક બોલી ઃ 'લોચન, બધું જ મને મંજૂર છે. નડતો મંગળ, નડતા તમામ ગ્રહો,... ઘરની ઉપેક્ષાના નર્કથી કંટાળેલી આ 'પારકી થાપણ' અને 'સાપના ભારા'ને બધું જ મંજૂર છે.કહી ખામોશી બેહોશ બની ઢળી પડી હતી. લોચને પડોશમાં આવેલા ઘરમાં તેને સુવાડીને મોં પર પાણી છાંટી તેને સ્વસ્થ બનાવી હતી. ખામોશીએ આંખ ખોલી ત્યારે લોચન તેની નજરે પડયો હતો.... જેની આંખોમાંથી આત્મીયતા અને પોતીકાપણાંના અમી ટપકી રહ્યાં હતાં.

ખામોશીના કાકીમાએ પણ લોચનને મનોમન ખૂબ આશીર્વાદ આપ્યા. પોતાની ફૂલ શી કોમળ ભત્રીજીનો હાથ જાલવા બદલ... અને જાણે કે ખામોશીનાં નસીબ આડેથી પાંદડું ખસી ગયું.

ખામોશીના સસરા એક અમીર વેપારી હતા. લોચનને એક એકથી ચઢિયાતી છોકરીઓ બતાવવામાં આવી હતી, પણ એકેય એના મનમાં વસતી નહોતી. એણે પસંદગીનો કળશ ઢોળ્યો ખામોશી ઉપર. ખામોશી પાસે રૂપ છે, પણ અનોખી અદા નથી, નજાકત છે પણ આધુનિકતા નથી. ભારતીય યુવકને આકર્ષે એવું ખામોશી પાસે કશું નહોતું, સિવાય કે સાદગી. બસ એ જ સાદગી પર તો લોચન ફિદા થયો હતો. એનાથી લોચનના દોસ્તોને પણ આશ્ચર્ય થયું હતું. ત્યારે લોચને મિત્રો આગળ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું ઃ 'જીવનસંગિની અંગેના મારા ખ્યાલો તમારા કરતાં જરાક જુદા છે. હું નથી ઇચ્છતો કે મારી પત્ની રૂપનો સાગર હોય, હું નથી ઇચ્છતો કે મારી પત્ની ફેશન પરસ્ત હોય, ... હું મહત્વ આપું છું જીવન વિષેની એની સમજને, હું મહત્ત્વ આપું છું એના જીવન પ્રત્યેના ગાંભીર્યને, સાદગીને, સમર્પણને, શીલને, સંસ્કારને અને સંકોચને. મારી પત્ની પોલિટીક્સ અંગે મારી સાથે ગરમાગરમ ચર્ચામાં નહીં ઉતરે તો ચાલશે, પણ પત્ની તરીકેની ઉષ્માથી વંચિત રાખે એ નહીં ચાલે. લગ્ન એ પરસ્પરમાં જે ખૂટતું હોય, તે શોધવાનો, અને ઉભયના સહકારથી પામવાનો પ્રયત્ન છે.'

અને ખામોશીનાં લોચન સાથે લગ્ન નક્કી થઇ ગયાં. ખામોશીની મમ્મીએ આ નિર્ણય જાહેર કર્યો ત્યારે તેમના શુભચિંતકો તેમની પાસે દોડી આવ્યા હતા અને કહ્યું હતું ઃ 'ભૂમિબેન, ગમે તેમ કરીને પણ ખામોશીનું લોચન સાથેનું લગ્ન અટકાવો. લોચન ક્રૂર છે. તે વાતો કરે છે એવો જરાપણ નથી. તેની મમ્મીનો સ્વભાવ પણ બહુ ખરાબ છે. વિદેશ રહીને આવેલા બત્રીસ વર્ષના લોચનના કેરકટરનો પણ શો ભરોસો ?'

ખામોશીનાં કાકીમાએ લોકોની વાત સાંભળી ખામોશીને એ સંબંધ તોડી નાખવા માટે દબાણ કર્યું હતું. પણ ખામોશી પોતાની મમ્મી ભૂમિદેવીની આણમાંથી મુક્તિ મેળવવા માગતી હતી. એને હંમેશા લાગ્યા કરતું હતું કે પોતે ઘરમાં બોજસમાન છે. મમ્મીની નફરત હવે પોતાનાથી સહન થતી નથી. પોતાને ઘરમાંથી સત્વરે વિદાય કરવાની મમ્મી રાહ જ જુએ છે. લોચનના લાગણી નીતરતા શબ્દો અને ભારતીય સંસ્કારો પ્રત્યેનો પ્રેમ જોઈ ખામોશીના મનમાં પાકી ખાતરી થઇ ગઇ હતી કે લોચન ખરેખર સારો યુવક છે. લોકોની વાતોમાં કોઈ દમ નથી. નહીં તો શું પોતાના જેવી મંગળગ્રસ્ત યુવતીને કોઈ યુવક પસંદ કરે ખરો ?

એકવાર લોચને સામેથી ખામોશી આગળ વાત કાઢી ઃ 'ખામોશી, એકવાર મારી નજર સાથે નજર મિલાવીને કહે, મારી આંખમાં તને શું દેખાય છે ? તારા પ્રત્યેનો અપાર પ્રેમ અને લાગણી સિવાય દેખાય છે કશું ?...'

'ખામોશી મને જાણવા મળ્યું છે કે અમુક લોકો ઇર્ષ્યાને કારણે મારા અને મારા પરિવાર વિષે અપપ્રચાર કરી રહ્યા છે. 

પણ એ બધી વાતો ઉપજાવી કાઢેલી છે.... કારણ કે ભલભલા મોટા જ્ઞાાતિજનોની દીકરીઓનાં માંગા મેં પાછા ઠેલ્યાં છે. મારાં મમ્મી-પપ્પા તો મેં તારી પર પસંદગી ઉતારી એનાથી ઘણાં જ ખુશ છે. તેઓ પોતે ઇચ્છતાં હતાં કે દેખાવમાં ભલે સામાન્ય હોય, પણ વહુ તો નમ્ર, સરળ અને ભારતીય સંસ્કારોવાળી જ હોવી જોઇએ.'

'... મારી મમ્મી એટલે વહાલની વાદળી. મારી જીવનસંગિની બનીને એકવાર મારા ઘરમાં તો આવ, તને ખબર પડશે કે તેં આજ સુધી કરેલાં વ્રતો કેવાં શાનદાર સ્વરૂપે ફળ્યાં છે. લોકોની વાતમાં ફસાઈ તો હાથમાં આવેલી તક ગુમાવીશ.'

લોચનની વાતોમાં વિશ્વાસ મૂકીને ખામોશીએ કશાય ખર્ચ વગર સાદી વિધિથી તેની સાથે લગ્ન કરી લીધું હતું. પણ ખામોશીએ લોચનના ઉંબરે પગ મૂક્યો ત્યારથી ઘરમાં અમંગળ ઘટનાઓ આકસ્મિક રીતે ઘટિત થવાની શરૂઆત થઇ ગઈ હતી. સાંજે સૌ ડાઇનિંગ ટેબલ પર જમવા માટે ગોઠવાયાં એટલામાં ફોન આવ્યો લોચનનાં દાદાજીનું અવસાન થયું છે. આ સમાચાર સાંભળી ઝડપથી ઊભા થવા જતાં લોચનનાં મમ્મી પડી ગયાં. તેમને ગંભીર ફ્રેકચર થયું હતું અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ઘરની બધી જ જવાબદારી ખામોશી પર આવી પડી હતી.

બીજે દિવસે સવારે ખામોશીએ હોસ્પિટલના સ્પેશિયલ રૂમમાં માંડ પગ મૂક્યો, ત્યાં તો વાઘણની જેમ તેનાં સાસુ તાડૂક્યાં હતાં ઃ 'ખામોશી આવતાંની સાથે જ તારાં અપશુકનિયાળ પગલાંનો પરચો તો અમને મળી ગયો છે. ભગવાન બચાવે તારાથી ઘરની જવાબદારી તારી પર આવી એટલે ફુલાઈ જવાની જરૂર નથી. હજી હું મરી નથી ગઈ. જીવતી છું. આ તો તું ગરીબ ઘરમાંથી આવી છે એટલે મારે કહેવું પડે. અમારા ઘરમાં ચીજવસ્તુઓ અને રૂપિયાની રેલંછેલ જોઇને તારી દાનત ન બગાડીશ, કારણ કે ગરીબી અને બેઇમાનીને સીધો સંબંધ હોય છે.'

અને ખામોશીએ સાસુના શબ્દોનો પ્રતિકાર કરવાને બદલે લોચન તરફ મદદ માટે પોતાની લાચાર દ્રષ્ટિ ફેંકી હતી. પણ લોચનના શબ્દો એ તો તેની મમ્મીે પ્રજ્વલિત કરેલી આગમાં ઘી હોમવાનું કામ કર્યું ઃ 'અરે મમ્મી, તું શું કામ ચિંતા કરે છે ? ચૌદમા રતન આગળ ભલભલી બેઇમાની ગાયબ થઇ જાય છે. આ તો તું જીદ કરતી હતી કે મારો છોકરો કુંવારો છે... અને તારે ભારતીય પુત્રવધૂ જોઇતી હતી ને આ તારું મહેણું ભાગવા જ મેં લગ્ન કર્યું છે. દાદીનું બારમું - તેરમું પતે એટલે આ બંદા તો અમેરિકા પાછા ઊપડી જશે. પછી તું જાણે અને તારી આ કન્ટ્રીટાઈપ વહુ જાણે.' કહીને લોચને પોતાની કાર હંકારી મૂકી. અને ખામોશી જોઈ રહી હતી.... બળેલા પેટ્રોલનો ધુમાડો.

એ પછીનો ખામોશીના જીવનનો ઇતિહાસ ઉપેક્ષા, અપમાન, ત્રાસ, જુલમ અને મૂંગી વેદનાની કહાણી બની ગયો. ખામોશીની સાસુ બહાર એવો પ્રચાર કરવા લાગી કે વહુનાં પગલાં સારાં નથી. જેને પોતાની મમ્મી નફરત કરતી હોય એવી કન્યા સાસરિયામાં સુખી રહી શકે ખરી ? જેના જન્મના એક જ મહિનામાં પિતાનું મૃત્યુ થયું હોય એવી અપશુકનિયાળ છોકરીએ અમારા દીકરાની જિંદગી પણ છિન્ન-ભિન્ન કરી નાખી.'

ખામોશીની સાસુમાએ ઘરના રસોઈયાને છૂટો કરી દીધો. ફુલટાઈમ રામાને પણ ડુંગરપુર ભેગો કરી દીધો. એક વર્ષ સુધી ખામોશી તેની સાસુમાનો તાપ અને ત્રાસ સહન કરતી રહી. અને પતિત પતિત્ત્વનો શિકાર બનીને દિવસો પસાર કરતી રહી. એ પછી ખામોશીને પિયર મોકલી દેવામાં આવી... માતૃત્વની તૈયારી કાજે !

અને દીકરી મિલીના જન્મને એક વર્ષ થઇ ગયું, પણ ખામોશીની ખબર ના લોચને લીધી કે ના એની સાસુમાએ. મિલીને લઇને ખામોશી લાચાર દશામાં મમ્મીને ઘેર દિવસો વિતાવી રહી હતી. એક દિવસ એની મમ્મીએ કહ્યું હતું ઃ 'ખામોશી, હવે તારો તારા ઘેર પાછાં જવું જોઇએ. ક્યાં સુધી તું આમ પિયરમાં પડી રહીશ ? મને ખાતરી છે કે તારા વાંકે જ જમાઈરાજા અને વેવાણ રિસાયાં હશે. જા, જમાઇની માફી માગી લે એટલે બધું ઠેકાણે આવી જશે.' બળી જળી દીકરી ખામોશીને આશરો આપવાને બદલે, એની મમ્મી એને વળી પાછી કાંટાળા રસ્તે ધકેલી રહી હતી.

ખામોશીનાં કાકીમા એની મમ્મીને સમજાવે છે, પણ તેઓ પોતાનાં નિર્ણયમાં અડગ રહે છે. અને ખામોશીને સાસરે જવા માટે દબાણ કરે છે.

અને ખામોશી તાડૂકે છે ઃ 'મમ્મી, ઘણી સધવાઓનું જીવન વિધવાઓ કરતાં પણ બદતર હોય છે. મારે કહેવાતી 'અખંડ સૌભાગ્યવંતી' નથી બનવું. બોલો કાકીમા, તમે મારાં સાથી બનશો ? ચાલો, આપણે તમારે ગામડે જઇએ. તમે 'પરાયે ઘેર' પડયા રહેવાના મનોદુઃખમાંથી મુક્ત થશો અને હું કહેવાતા સૌભાગ્યની જાળ જંજાળમાંથી મુક્ત થઇશ. મમતાનું ઠેકાણું માત્ર લોહીના સંબંધોમાં નહીં, લાગણીના સંબંધોમાં પણ છે. સાચી લાગણીને સંબંધની લાલિમા ગુમાવવાનો ક્યારેય ડર લાગતો નથી. એક નારીની લાચારી એ સમગ્ર નારીજીવનની લાચારી છે. એવી લાચારીને અલવિદા કહેવા માટે નારીજગતે પોતાનું માનસ બદલવું પડશે.'

અને બીજે દિવસે ખામોશી અને કાકીમાનો 'નવો સંસાર' શરૂ થયો હતો.