Get The App

મહાદેવ : શૂન્યમાંથી સર્જન અને લયનું વિસર્જન

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
મહાદેવ : શૂન્યમાંથી સર્જન અને લયનું વિસર્જન 1 - image

- હોરાઈઝન - ભવેન કચ્છી

- શિવ જીવન જીવવાની કળા પણ શીખવી જાય છે : સંસારી પણ વૈરાગ્ય ભાવ રાખે અને શિવ જેવા ગુણો કેળવે  તો શિવની નજીક પહોંચી જાય છે

- 'શિવોહમ' મંત્ર કહે છે કે મારામાં જ શિવતત્વ છે : અર્ધનારેશ્વર સ્વરૂપ અને  નૃત્યનું તત્ત્વજ્ઞાન સમજવા જેવું છે

આજે મહાશિવરાત્રીનો પર્વ. જૂનાગઢમાં યોજાયેલ મેળાને આ વખતે મીની કુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભગવાન શંકરને મહાદેવ તરીકે  તો આપણે પૂજીએ જ છીએ પણ તેમના સૂક્ષ્મ સ્વરૂપ અને તત્ત્વ જ્ઞાનને પણ સમજવું રહ્યું. શિવ એટલે શૂન્ય અને શિવ એટલે જ અનંત. જેના ઉદ્ભવના કોઈ સગડ નથી અને જેનો  અંત પણ અગમ્ય છે, તેવા મહાકાલના જીવનદર્શનમાં આજના આધુનિક મેનેજમેન્ટ અને માનસિક શાંતિના અનેક પાઠ ૫ણ છુપાયેલા છે.

ભારતીય સંસ્કૃતિના અનંત આકાશમાં જો કોઈ એવું વ્યક્તિત્વ હોય જે વિરોધાભાસોનો સંગમ હોવા છતાં અત્યંત સંતુલિત છે, તો તે છે 'ભગવાન શિવ'. શિવ એ માત્ર એક દેવતા નથી, પણ એક એવી ગહન ચેતના છે જે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. 'શિવ' શબ્દનો સંસ્કૃતમાં અર્થ જ 'કલ્યાણકારી' થાય છે. તેમના દર્શનમાં જીવન અને મૃત્યુ, સર્જન અને વિનાશ, અને પરમ શાંતિ તથા પ્રચંડ તાંડવનો જે અનોખો સમન્વય છે, તે માનવજીવનને ઉંડી દ્રષ્ટિ પૂરી પાડે છે.

શિવ કોણ છે ?

શિવ કોઈ વ્યક્તિ કે ચોક્કસ ભૌગોલિક સીમા પૂરતા મર્યાદિત નથી. શાસ્ત્રો કહે છે કે શિવથી પર કશું જ નથી. શિવ એ 'શૂન્ય' પણ છે અને 'અનંત' પણ છે. જ્યારે બ્રહ્માંડમાં કશું જ નહોતું ત્યારે પણ શિવ હતા અને જ્યારે બ્રહ્માંડનો લય થશે ત્યારે પણ શિવ જ હશે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો, શિવ એ તે શક્તિ છે જે પદાર્થને ગતિ આપે છે અને અંતે તેને પોતાનામાં સમાવી લે છે. તેઓ 'આદિદેવ' છે અને 'અનાદિ' પણ છે. શિવલિંગનો આકાર પણ બ્રહ્માંડના અંડાકાર જેવો છે, જે સૂચવે છે કે પરમાત્મા નિરાકાર હોવા છતાં સર્વવ્યાપી છે.

શિવના પ્રતીકો

શિવના રૂપમાં રહેલું દરેક પ્રતીક આપણને જીવન જીવવાની એક અનોખી કળા શીખવે છે :

૧. મસ્તક પર ચંદ્ર : ચંદ્ર મનનું પ્રતીક છે. શિવના મસ્તક પર ચંદ્ર હોવો એ દર્શાવે છે કે પરિસ્થિતિ ગમે તેવી વિકટ હોય, સાધકે પોતાના મસ્તિષ્ક પર નિયંત્રણ રાખી તેને શાંત અને શીતળ રાખવું જોઈએ.

૨. ત્રિશૂળ : આ માનવ શરીરના ત્રણ મુખ્ય પાસાઓ - ઈડા, પિંગલા અને સુષુમ્ણા નાડીઓનું અથવા સત્વ, રજ અને તમ ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે. શિવ ત્રિશૂળ ધારણ કરે છે એનો અર્થ એ કે તેમણે પ્રકૃતિના આ ત્રણેય ગુણો પર વિજય મેળવ્યો છે.

૩ જટામાં ગંગા : ગંગા જ્ઞાનના અવિરત પ્રવાહનું પ્રતીક છે. તે દર્શાવે છે કે જ્ઞાન હંમેશા ઉચ્ચ શિખર (વિવેક) પરથી નીચે વહેવું જોઈએ જેથી તે જગતનું પવિત્રીકરણ કરી શકે.

૪. ગળામાં સર્પ : સર્પ અહંકાર અને ભયનું પ્રતીક છે. શિવ તેને આભૂષણ તરીકે પહેરે છે, જેનો સંદેશ એ છે કે યોગ દ્વારા ડરને વશ કરી શકાય છે.

૫. શરીર પર ભસ્મ : સ્મશાનની રાખ એ માનવ દેહનું અંતિમ સત્ય છે. તે આપણને અહંકાર મુક્ત થઈને યાદ અપાવે છે કે આ ભૌતિક શરીર ક્ષણભંગુર છે.બધું જ માટીમાં ભળી જવાનું છે.

સમુદ્ર મંથનનું દર્શન

શિવના કરુણાસભર વ્યક્તિત્વને સમજવા માટે સમુદ્ર મંથનની કથા શ્રેષ્ઠ છે. જ્યારે દેવો અને દાનવો અમૃત માટે મંથન કરી રહ્યા હતા, ત્યારે સૌ પ્રથમ ભયાનક હળાહળ વિષ નીકળ્યું. શિવે જગતના રક્ષણ માટે એ વિષને પી લીધું અને તેને પોતાના કંઠમાં જ રોકી રાખ્યું.

આ કથા જીવનનો મોટો પાઠ છે : 'વિષપાન'. આજના સમયમાં આપણા મનમાં આવતી નકારાત્મકતા, અપમાન અને કડવાશને આપણે 'નીલકંઠ' બનીને ગળે રોકી લેવી જોઈએ તેને બીજા પર ઓકવી પણ ન જોઈએ અને હૃદયમાં ઉતારીને ખુદને નુકસાન પણ ન પહોંચાડવું જોઈએ. તે ઉપદેશ આપે છે.

શિવ અને તાંડવ

શિવનું નર્તન એટલે 'નટરાજ'. તેમના તાંડવના બે પાસા છે : લાસ્ય (સર્જનાત્મક) અને રૌદ્ર તાંડવ (વિનાશક). શિવનું તાંડવ આપણને શીખવે છે કે પરિવર્તન અનિવાર્ય છે. જૂનું જશે તો જ નવું આવશે. વિનાશ એ અંત નથી, પણ નવા સર્જનની પૂર્વતૈયારી છે. જીવન અને સૃષ્ટિમાં આવતા ફેરફારો કે પરિવર્તનથી ગભરાવું ન જોઈએ.આ આધુનિક વિજ્ઞાનના કોસ્મિક ડાન્સ  જેવું જ છે. રાવણ દ્વારા રચાયેલું 'શિવ તાંડવ સ્તોત્ર' આ જ પ્રચંડ ઊર્જાનું ગાન છે.તે લય અને છંદ શાસ્ત્રની પરાકાષ્ઠા છે. તે એમ પણ શીખવે છે કે રાવણની જેમ વિદ્યા અને કળાથી શિવને રિઝવી શકાય છે. પરંતુ જો તેમાં અહંકાર ભળે (રાવણે કૈલાશ ઉપાડવાનો મદ સાથે પ્રયત્ન કર્યો હતો. ભગવાન રામ સામે પણ યુદ્ધ છેડયું હતું)તો ઈશ્વર તેને બોધ પાઠ ભણાવે છે. જ્ઞાન અને ભક્તિની કક્ષાએ પહોંચ્યા પછી સમર્પણ ભાવ અને નમ્રતા ધારણ કરવી જોઈએ, માલિકી ભાવ નહીં. જો અહંકાર ભાવ અને અવિવેક  આવી જાય તો વિનાશ નિશ્ચિત છે.

બાર જ્યોતિર્લિંગની મહત્તા

ભારતની ભૌગોલિક એકતાને સમજવા માટે શિવના બાર જ્યોતિર્લિંગોનું વિશેષ મહત્વ છે. ગુજરાતમાં સોમનાથથી લઈને હિમાલયમાં કેદારનાથ સુધીના આ લિંગો  ઊર્જાના કેન્દ્રો છે. જે ભારતીય સંસ્કૃતિની એકતા અકબંધ રાખે છે. જ્યોતિર્લિંગનો અર્થ એટલે 'પ્રકાશનો સ્તંભ. તે નિર્દેશ કરે છે કે 'સત્યમ શિવમ સુન્દરમ' પ્રકાશનો પુંજ છે. શિવ એ 'પશુપતિનાથ' પણ છે. તેઓ મહેલોમાં નહીં પણ કૈલાસ પર્વત પર પ્રકૃતિના ખોળે રહે છે. આ દર્શાવે છે કે ઈશ્વરની સાચી સમીપતા પ્રકૃતિ અને જીવમાત્ર પ્રત્યેના પ્રેમમાં રહેલી છે.

અર્ધનારીશ્વર દર્શન

શિવનું 'અર્ધનારીશ્વર' સ્વરૂપ વિશ્વને સમજાવે છે કે સ્ત્રી અને પુરુષ તત્વો એકબીજાના પૂરક છે.એટલું જ નહીં પ્રત્યેક વ્યક્તિમા પુરુષ અને સ્ત્રીત્વનો સમન્વય પણ હોય છે. પ્રકૃતિ (શક્તિ) વગર પુરુષ (શિવ) શબ સમાન છે. સાચો માનવી તે છે જે પોતાનામાં રહેલા સ્ત્રીત્વ (કરુણા, મમતા, સર્જન) અને પુરુષત્વ (શક્તિ, સાહસ, દ્રઢ્તા) બંનેને આદર આપે અને વખત આવે બહાર લાવે. પુરુષ અને સ્ત્રી સ્પર્ધક નહીં પણ પૂરક છે. 

જાગૃતિની રાત્રી

મહા શિવરાત્રી એટલે શિવ અને શક્તિના મિલનનું પર્વ. આ રાત્રે પ્રાકૃતિક રીતે માનવ શરીરમાં ઊર્જા ઉપરની તરફ ગતિ કરે છે. આથી જ આખી રાત જાગરણ અને કરોડરજ્જુ સીધી રાખીને ધ્યાન કરવાનું મહત્વ છે. તે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જવાની યાત્રા છે.

જીવનનું મેનેજમેન્ટ 

આજના કોર્પોરેટ યુગમાં શિવના ગુણો અત્રે પ્રસ્તુત છે :

- ટીમ વર્ક : શિવની સાથે દેવો, ગણો અને પશુઓ બધા જ છે. જે ત્યજાયેલા છે તેમને સાથે રાખીને ચાલવું એ જ સાચું નેતૃત્વ છે.

- ત્રીજું નેત્ર (Vision) : સામાન્ય દ્રષ્ટિથી પર જોઈને વિવેકબુદ્ધિથી નિર્ણય લેવો તે શિવ પાસેથી શીખવા મળે છે.

સાદગી : દેવોના દેવ હોવા છતાં ન્યૂનતમ સાધનોમાં જીવવું એ 'જીૈસૅની નૈપૈહય, રૈયર ારૈહંૈહય'નો સંદેશ છે.

વૈરાગ્ય અને કર્તવ્ય : શિવ સંસારી પણ છે અને સન્યાસી પણ છે. આપણે વૈરાગ્ય ભાવ સાથે ભૌતિક જગતમાં રહીને કર્તવ્ય પાર પાડવાનું છે. જો શિવ સંસારી હોવા છતાં શિવ બની શકતા હોય તો આપણે પણ સંસારમાં રહેતા ઉર્ધ્વ ગતિ પામી જ શકીએ.

સ્વજાગૃતિ : શિવ હંમેશા ધ્યાનમાં મગ્ન હોય છે. તે શીખવે છે કે સાચું સુખ બહારની દુનિયામાં નહીં પણ પોતાની અંદર ઉતરવામાં છે.

જીવમાં શિવ

શિવની ભક્તિ એટલે માત્ર મૂર્તિ પર જળ ચઢાવવું નહીં, પણ તેમના ગુણોને જીવનમાં ઉતારવા. શિવ એ આપણા શ્વાસમાં વસેલો 'સોહમ્' નાદ છે. જે દિવસે આપણે બીજાની પીડા દૂર કરીશું અને અહંકારનો ત્યાગ કરીશું, તે દિવસે આપણી અંદર સાચા શિવત્વનો ઉદય થશે.જયારે આપણે અન્યાય સામે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે આપણું તાંડવ જાગે છે. શિવ સત્ય છે, શિવ જ પરમ કલ્યાણ છે. શિવ એ કોઈ ભૂતકાળની વાર્તા નથી પણ દરરોજ  જીવાતું સત્ય છે.

આપણી અંદર રહેલ જીવ એ જ શિવ છે. શિવની સાચી પૂજા મૂર્તિ કે લિંગ પર દૂધ ચઢાવવાથી નહીં, પણ આપણા મનમાં રહેલા ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર અને  ભયના વિષને પી જવાથી થાય છે. જે દિવસે આપણે બીજાના દુ:ખમાં ભાગીદાર બનીશું અને સમાજ કલ્યાણ માટે આપણી સુખ સુવિધાઓનો ત્યાગ કરીશું તે દિવસે આપણી અંદરનું શિવત્વ જાગૃત થશે.

જ્ઞાન પોસ્ટ

સૃષ્ટિનું રહસ્ય ડમરુના નાદ અને તાંડવના લયમાં છે.. જેના કંઠમાં વિષ છે તેના હૈયે આખુ વિશ્વ સમાઈ જતું હોય છે.