- હોટલાઈન - ભાલચંદ્ર જાની
- અમેરિકન સરકારે સાડા પાંચ કરોડ પેમ્ફલેટ જનતામાં વહેંચ્યા હતા જેમાં લખ્યું હતું કે અણુયુદ્ધ ફાટી નીકળે એવા સંજોગોમાં શું કરવું અને શું ન કરવું?
- ગ્રીનલેન્ડ, યુક્રેન, વેનેઝુએલા તથા ઈરાનને કારણે હાલમાં જગત આખું ઉકળાટ અનુભવી રહ્યું છે તેમાંય ઈરાનના સર્વેસર્વા ખામનેઈ પ્રમુખ ટ્રમ્પ સામે રોજ નવા પડકાર ફેંકતા જાય છે.
જેને કારણે અમેરિકા પર અણુ હુમલાનો ભય વધતો જાય છે. આતંકખોરો પાસે તથા કેટલાક ઈસ્લામીક દેશના સરમુખત્યારો પાસે અણુશસ્ત્રો હોવાનું કહેવાય છે. બિન લાદેને ૨૫ વર્ષ પૂર્વે તો માત્ર ન્યુયોર્કના બે મકાનો અને પેન્ટાગોનના લશ્કરી મથકને જ ધ્વંસ કરીને સંતોષ માન્યો હતો. પણ કાલ ઉઠીને કોઈ માથા ફરેલ ત્રાસવાદી વોશિંગ્ટન કે બીજે ક્યાંય અણુહુમલો કરે તો? અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાને વ્હાઈટ હાઉસ પર અણુમિસાઈલ ઝીંકવામાં આવે તો? લાદેને વાસ્તવમાં એક વિમાન વ્હાઈટ હાઉસ સાથે અથડાવાનું જ ધાર્યું હતું. પરંતુ નસીબજોગે તે પેનસીલ્વેનિયા રાજ્યમાં કશેક તૂટી પડયુ અથવા તો અમેરિકન એરફોર્સને વિમાનના શંકાસ્પદ ઈરાદાની ગંધ આવી જતાં તેને અધવચ્ચે જ તોડી પાડવામાં આવ્યું હતું.
સોવિયેત સંઘ અને અમેરિકા વચ્ચે શીતયુધ્ધ ચાલતું હતું ત્યારે બંને દેશો પર અણુ હુમલાનો ખતરો ખૂબ વધારે હતો. અમેરિકાએ અણુ હુમલાના સંજોગોમાં પ્રમુખ તથા બીજા ચાવીરૂપ મંત્રીઓ- લશ્કરી અમલદારોની સુરક્ષા માટે જડબેસલાક પ્લાન ઘડી રાખ્યો હતો. આ પ્લાનને ડ્રૂમ્સડે પ્લાન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૂમ્સ ડે પ્લાન અંતર્ગત અમેરિકાના દુર્ગમ પહાડી વિસ્તારોમાં અણુહુમલા સામે રક્ષણ આપી શકે એવા ભૂર્ગભ બંકરો બનાવવામાં આવ્યા છે. આ બંકરોમાં મહિનાઓ સુધી ચાલે તેટલી ખાધાખોરાકી, દવાઓ તેમજ બહારની દુનિયા સાથે સંપર્ક બનાવી રાખવા માટે સંદેશ વ્યવહારના આધુનિક સાધનો પણ મુકવામાં આવ્યા છે.હુમલાની શંકા હોય એવા સંજોગોમાં અથવા તો હુમલો થઈ ગયા બાદ પ્રમુખને વ્હાઈટ હાઉસમાંથી કોઈ એક સુરક્ષિત બંકરમાં લઈ જવા માટે ખાસ કાફલો રચવામાં આવ્યો છે. ૧૯૫૦ના દશકમાં પેનસીલ્વેનિયાના ઓલ્મસ્ટડ નામના એરબેઝ ૫૨ ૩૬૫ દિવસ માટે હેલિકોપ્ટર ટૂકડી હાજર રાખવામાં આવતી હતી. આ ટૂકડીએ અપાતકાલીન સંજોગોમાં આર્મીની ઝડપી હેરફેર કરવા ઉપરાંત ફસાયેલા નાગરિકોને સલામત સ્થળે ખસેડવાનું કાર્ય કરવાનું રહેતું હતું.
અણુયુધ્ધના સંજોગોમાં માત્ર પ્રમુખને જ સલામત સ્થળે ખસેડી લેવાથી કામ પતી જતું નથી. આખા જગતને માલૂમ પડે કે સરકારને લકવો નથી લાગી ગયો અને હજુ પણ લોકશાહીની પ્રણાલી મુજબ સરકારી તંત્ર ફરજ બજાવે છે એ માટેનું વ્યવસ્થાતંત્ર પણ ગોઠવી દેવામાં આવ્યું છે. અમેરિકાની સાંસ્કૃતિક ધરોહર જેવી ઈમારતો- સ્મારકોને હુમલાથી બચાવવાનું પણ મહત્ત્વનું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા અનાજનું રેશનિંગ કરવું, ગુનાહિત તત્વોને જેલ ભેગાં કરી દેવા, પ્રેસ પર સેન્સરશી૫ લાદવી અને નાગરિકી સ્વાતંત્ર્ય મર્યાદિત બનાવવાની બંધારણે પ્રમુખને સત્તા આપી છે. ૧૯૬૦ના દશકામાં તો ૧૫,૦૦૦ અમેરિકન સ્કૂલોમાં કિરણોત્સર્ગનું સ્તર માપતા વિજાણુ યંત્રો બેસાડવામાં આવ્યા હતા.
અમેરિકન સરકારે સાડા પાંચ કરોડ પેમ્ફલેટ જનતામાં વહેંચ્યા હતા જેમાં લખ્યું હતું કે અણુયુધ્ધ ફાટી નીકળે એવા સંજોગોમાં શું કરવું અને શું ન કરવું. ઘણા અમેરિકનોએ એ વખતે પોતાના ઘરના વાડામાં ભૂગર્ભ બંકરો બાંધ્યા હતા. વોશિંગ્ટનની સરકારી ઈમારતોમાં દેશના બધા રાજ્યોના પાટનગર સાથે જોડતી ટેલિફોન લાઈનો બીછાવવામાં આવી હતી.આઈઝન હોવરે એમના જમાનામાં દર વર્ષે અણુયુધ્ધ કવાયત કરી હતી. મતલબ કે અણુયુધ્ધ ફાટી નીકળ્યું છે એવી ધારણા બાંધીને સરકારી તંત્રને બચાવ-રાહતના કામે લગાડયું હતું. તેમની આખી કેબિનેટે યુધ્ધના સમયે છૂપાવાના બંકરની ઘણીવાર મુલાકાત પણ લીધી હતી. પેન્સીલ્વેનીયા રાજ્યના ગેટ્સબર્ગ મથક પાસે આવેલા ૨૪,૬૦૦ ચો.મી.માં ફેલાયેલા સાઈટ આર નામે ઓળખાતા મથકમાં આઈઝનહોવર જાતે ગયા હતા. એ સિવાય વજનિયામાં આવેલ માઉન્ટ વેધર નામના બંકરમાં પણ તેઓ રહી ચૂક્યા હતા. અમેરિકન સેનેટરો માટે વેસ્ટ વજનિયામાં ગ્રીનબર્ગર નામનું ફાઈવસ્ટાર બંકર બાંધવામાં આવ્યું છે. અહીં કિરણોત્સર્ગ પ્રૂફ સંસદભવન પણ છે! આ બધી બાતમીઓ ૧૯૯૨સુધી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી. પંરતુ શીતયુધ્ધ પુરું થવાની સાથે ધીરે ધીરે બધું લીક થવા માંડયું હતું.
ખેર, આ તો થઈ ડૂમ્સ ડે પ્લાનની વાત હવે આપણે રાષ્ટ્રીય કટોકટીના સમયે કામ આવતા ડૂમ્સ ડે પ્લેનની રસપ્રદ વિગતો જાણીએ.
થોડાં સપ્તાહ પૂર્વે લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર અમેરિકાના સૌથી ગુપ્ત લશ્કરી વિમાનોમાંથી એક બોઇંગ ઈ-૪મ્ નાઇટવોચ, જે ડૂમ્સડે પ્લેન તરીકે પ્રખ્યાત છે, તેના દુર્લભ અને અણધાર્યા દેખાવથી વ્યાપક અટકળો અને તીવ્ર ઓનલાઈન ચર્ચા શરૂ થઈ હતી. આ વિમાન પરમાણુ યુદ્ધ અથવા મોટી રાષ્ટ્રીય કટોકટી દરમિયાન એરબોર્ન કમાન્ડ સેન્ટર તરીકે કાર્ય કરવા માટે રચાયેલ છે. ગયા મહિનાની શરૂઆતમાં લોસ એન્જલસમાં તેનું ઉતરાણ ખૂબ જ ધ્યાન આકર્ષક હતું. હાલમાં આવા ફક્ત ચાર વિમાનો અસ્તિત્વમાં છે, અને તે ભાગ્યે જ જાહેર જનતાને જોવા મળે છે. સંરક્ષણ નિરીક્ષકો કહે છે કે તેની ૫૧ વર્ષની સેવામાં આ પહેલી વાર છે જ્યારે 'ડૂમ્સડે' પ્લેન લોસ એન્જલસની બહાર ઉડતું જોવા મળ્યું છે.
આ ઘટના પછી બોઇંગ ૭૪૭ ના વિડિઓ અને તસ્વીરો ઝડપથી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા. ઘણા દર્શકોએ આ દૃશ્યને વધતા વૈશ્વિક તણાવ, પરમાણુ તૈયારી અને ગુપ્ત લશ્કરી પ્રવૃત્તિ સાથે જોડયું. કેટલાક લોકોએ તેને ચિંતાજનક સંકેત તરીકે વર્ણવ્યું, જ્યારે અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે શું યુએસ સરકાર કોઈ અપ્રગટ કટોકટીનો જવાબ આપી રહી છે.
આ પ્લેનનો ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન નેબ્રાસ્કામાં ઓફુટ એરફોર્સ બેઝથી રવાના થયું હતું, જે તેનું લાંબા સમયથી ઘર હતું. ત્યારબાદ તે લોસ એન્જલસ જતા પહેલા વોશિંગ્ટન ડીસી નજીક મેરીલેન્ડમાં કેમ્પ સ્પ્રિંગ્સ ખાતે ઊતર્યું. આ પ્લેનના અસામાન્ય સ્થાનિક રૂટ રહસ્યમાં વધારો કર્યો હતો. કારણ કે વિમાન સામાન્ય રીતે ભારે કટોકટીની પરિસ્થિતિઓ માટે અનામત રાખવામાં આવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે પાછળથી એ વાતને પુષ્ટિ આપી હતી કે જ્યારે વિમાન લોસ એન્જલસમાં ઉતર્યું ત્યારે સંરક્ષણ સચિવ પીટ હેગસેથ આ પ્લેનમાં જ હતા. આ મુલાકાત તેમના ચાલુ આર્સેનલ ઓફ ફ્રીડમ પ્રવાસનો એક ભાગ હતી, જે યુએસ ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા અને લશ્કરી ભરતીને વેગ આપવા માટે એક પહેલ હતી.
જોકે, પેન્ટાગોને એ વાતની સ્પષ્ટતા કરી નહોતી કે ઈ-૪મ્નો ઉપયોગ સરકારી વિમાનને બદલે શા માટે કરવામાં આવ્યો હતો.
ફ્લાઈંગ પેન્ટાગૉન કે ઉડતા વ્હાઇટ હાઉસ તરીકે જાણીતું વાયુસેનાનું આ સૌથી રહસ્યમય અને શક્તિશાળી વિમાન પરમાણુ યુદ્ધ કે રાષ્ટ્રીય કટોકટીમાં સરકાર અને સેનાની કમાન સંભાળવા માટે બનાવવામાં આવ્યું છે.
થોડા સમય પહેલાં અમેરિકાએ વેનેઝુએલા પર હુમલો કર્યો હતો અને રશિયાના એક જહાજને પણ જપ્ત કર્યું હતું. એ સિવાય ગ્રીનલેન્ડ અને ઇરાનના મામલે પણ યુરોપ- અમેરિકામાં યુદ્ધનો માહોલ જામ્યો છે. ત્યારે આ વિમાનની હિલચાલ કંઈક વધુ ગંભીર થવા જઈ રહ્યું હોવાનાં એંધાણ છે. સત્તાવાર રીતે અમેરિકા તરફથી કોઈ કટોકટીની ઘોષણા કરવામાં નથી આવી, પરંતુ આ વિમાનની હાજરી માત્ર એનો સંકેત છે કે અમેરિકા દરેક પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર છે.
બોઇંગ ૭૪૭-૨૦૦ છે. તેની સૌથી મોટી તાકાત વિપરીત સ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા છે. તે પરમાણુ વિસ્ફોટોને કારણે થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ સામે સલામત રહે છે, પાવર ગ્રીડ અને સંદેશાવ્યવહાર નેટવર્કના મોટા ભાગોને અક્ષમ કરવામાં આવે તો પણ તેની કામગીરી ખોરવાતી નથી. યુએસ એરફોર્સના એક પ્રવક્તાના જણાવ્યા મુજબ, વિમાનમાં અદ્યતન સંદેશાવ્યવહાર પ્રણાલીઓ છે જે નેતાઓને કપરી, કટોકટીની સ્થિતિમાં પરમાણુ દળો, લશ્કરી એકમો અને વૈશ્વિક કમાન્ડ સેન્ટરો સાથે જોડાયેલા રહેવાની સુવિધા આપે છે. વાસ્તવમાં, તે આકાશમાં મોબાઇલ પેન્ટાગોન તરીકે કાર્ય કરે છે. પ્લેનની અંદર, વિમાનને છ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે જેમાં કમાન્ડ એરિયા, બ્રીફિંગ રૂમ, ઓપરેશનલ વર્કસ્પેસ, કોમ્યુનિકેશન હબ અને આરામ કરવાના વિસ્તારોનો સમાવેશ થાય છે. તે ૧૧૧ વ્યક્તિઓને લઈ જઈ શકે છે, જેમાં વરિષ્ઠ લશ્કરી નેતાઓ, સંયુક્ત સેવા કામગીરી ટીમો, સંદેશાવ્યવહાર નિષ્ણાતો, સુરક્ષા કર્મચારીઓ અને ફ્લાઇટ ક્નો સમાવેશ થાય છે.
ઈ-૪મ્ વિમાન રિફ્યુઅલિંગ વગર ૧૨ કલાક સુધી હવામાં રહી શકે છે અને આકાશમાં ઉડતાં રહીને રિફ્યુઅલિંગ દ્વારા તેના ઉડાન સમયને વધારી શકે છે. એક વાત અહીં સ્પષ્ટ કરવી જોઈએ કે યુ.એસ. પ્રમુખ દ્વારા વપરાતાં એરફોર્સ વન, જે પરિવહન અને રાજદ્વારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેનાથી વિપરીત ડૂમ્સ ડે પ્લેન (ઈમરજન્સીમાં વપરાનાર) નાઇટવોચ ખૂબ જ કપરી પરિસ્થિતિમાં ઊંચે આકાશમાંથી મોરચો સંભાળવા (કમાન્ડ કંટ્રોલ) માટે બનાવવામાં આવ્યું છે.
ડૂમ્સડે પ્લેનને નિયમિતપણે તાલીમ અને જાળવણીને માટે ઉડાડવામાં આવે છે, પરંતુ તેની ઉડાન ખાનગી રાખવામાં આવે છે. ૨૦૦૧ માં ૧૧ સપ્ટેમ્બરના હુમલા પછી નેતૃત્વની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ઈ-૪મ્ ડૂમ્સ ડે પ્લેન કાર્યરત જોવા મળ્યું હતું. વિમાનનો ઉપયોગ આપમેળે નિકટવર્તી ખતરાનો સંકેત આપતો નથી. ઘણા કિસ્સાઓમાં તેની ઉડાણ હર હંમેશ તૈયાર રહેવા માટેની હોય છે અથવા ઉચ્ચ-સ્તરીય સુરક્ષા આયોજન સાથે જોડાયેલ છે.
હાલમાં અમેરિકા પાસે ચાર 'ડૂમ્સ ડે' પ્લેન છે જેમાંથી એકને સતત 'ઇમરજન્સી મોડ' પર રાખવામાં આવે છે. તાજેતરમાં યુ.એસ. એરફોર્સ દ્વારા ઈ-૪મ્ના અનુગામી તરીકે સિયેરા નેવાડા કોર્પોરેશનને કોન્ટ્રેકટ અપાયો છે. જે કોરિયન એર પાસેથી પાંચ બોઇંગ-૭૪૭ મેળવીને તેમાં આવશ્યક ફેરફાર કરી રહી છે. આ પાંચેય પ્લેનની ડિલીવરી જુલાઇ ૨૦૩૬ પહેલાં પૂરી કરાશે અને તેનું કોડ નામ ઈ-૬ મકર્યુરી રાખવામાં આવશે.
વિશ્વના સૌથી ગુપ્ત વિમાનોમાંના એકની નિયમિત ગતિવિધિ પણ વિશ્વભરનું ધ્યાન ખેંચી શકે છે. ડૂમ્સડે પ્લેન અંગેની સિક્રેસીએ ફરી એકવાર લોકોનું ધ્યાન એવી સિસ્ટમો તરફ ખેંચ્યું છે જે બાકીની બધી બાબતો નિષ્ફળ જાય ત્યારે કાર્ય કરવા માટે રચાયેલ છે. પણ પોતાની કામગીરી સુપેરે પાર પાડી શકે છે.


