Get The App

વસંતનો વૈભવ .

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
વસંતનો વૈભવ                                          . 1 - image

- આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

- વસંત અને પાનખર કેવળ ઋતુના વિભાવો નથી માનવ જીવનનાં સુખ દુઃખ, રાગ દ્વેષ, ભરતી ઓટ, જન્મ મૃત્યુ અંધકાર-ઉજાસ જેવાં દ્વન્દ્વોને સહન કરવાનો બોધ પણ છે.

મહા અને ફાગણના દિવસોની ડાળે ડાળે વસંતની પગલીઓ પડે છે એના આગમનનો અણસાર સાર્વજનિક સમીર આંગડિયો આપી રહ્યો છે. વાસંતી પવન કોઈ કટોરામાં નહિ, આપણી કાયામાં પુરાયેલી ઇન્દ્રિયોના દ્વારે જઈને સુગંધની લહેરખીઓને વ્હેંચે છે. કવિ કાલિદાસે અને વસંતવિલાસના અજ્ઞાાત કવિએ વસંતના ચિત્તમાં પ્રવેશ કરીને એની ચૈતસિક ભૂમિકાઓ મોકળે મને ગાઈ છે. આપણે જેને સુગંધ કહીએ છીએ તે સુગંધ નથી - વસંત છે ! આપણે જેને કેસરિયો રંગ કહીએ છીએ તે રંગ નથી - વસંત છે ! વસંતનો તૃપ્તિકર પરિચય નગરમાં નહિ વનમાં જ થાય. વનમાં અને મનમાં વસંત ઉત્સવ ઉજવે છે. આમ્ર વૃક્ષ, શીમળો અને પલાશ આ ત્રણેય વૃક્ષોની કેવળ પરિક્રમા કરીએ તો વસંતની જાતરા પૂર્ણ થાય. વસંત યાત્રા મહાપ્રયાગ-કુંભની યાત્રા કરતાં વધારે સૂક્ષ્મ અને સમૃદ્ધ છે.

આમ્રવૃક્ષની કાયામાં સોનેરી પીતાંબર કોણ ઓઢાડે છે ? પીતાંબર પહેરતાંની સાથે આમ્રવૃક્ષની કાયામાં કસ્તૂરી પ્રવેશે છે. દૂરથી નિહાળીએ તો આમ્રવૃક્ષો પીળા મુકુટધારી રાજર્ષિ જેવાં લાગે છે. વસંત એની ઉપર ઓળઘોળ છે - પૂર્ણતાથી પ્રેમ કરે છે. આપણે એમ કહીએ છીએ કે આમ્રવૃક્ષ વસંતનું પ્રતિનિધિત્વ કરે છે ! ડાળે ડાળે કોયલ ટહુકે છે કે વસંત ! મંજરીની ભીતરમાં મરવા પ્રસવે છે કે વસંત ! કાચી કેરીની કડુચી ગંધ આંબાની કે વસંતની ?

પલાશ પર્ણોને ખેરવી નાખીને કેસરિયા આકાશનો ખેસ ધારણ કરીને વરરાજા થઈને ઊભા છે. પર્ણોની જગ્યાએ પુષ્પો સોહે છે. પર્ણો ઉપર જ પુષ્પોનું સામ્રાજ્ય !! કેસૂડા ફૂટયા કે વસંત ફૂટી ! ગંધ ફૂટી કે રંગ ફૂટયો !! રંગ અને ગંધ સમેત વસંત ફૂટી છે અંગે અંગ એ કેસૂડો ! આંબાને એક આંખમાં સમાવી, બીજી આંખે પલાશને પ્રેમ કરતી વસંત પલાશપ્રિયા છે, આપણે ઘડીભર ભ્રમમાં પડી જઈએ કે વસંત કોને વરશે પલાશને કે આંબાને ? લીમડો અણવર થઈને નવલ વસ્ત્રોમાં અરમાનો વીંટી સજ્જ થયો છે. એક તરફ લીમડો અણવર છે તે બીજી તરફ અશોક, પીપળો, કણજ, બોરસલી, પારિજાત જેવાં વૃક્ષો અને પુષ્પો જાનૈયાની મોજ માણે છે. પલાશ એ વસંતસેનાનો બીજો પ્રેમી છે - એને દેશીજનો ખાખરો કહે છે. એનાં પર્ણો પૃથ્વીના પટ ઉપર ખરી પડે છે એની કાયા પતરાળા જેવી બની જાય છે અને એમાં વસંત કેસરિયો રંગ પિરસે છે. એ કેસરિયા સાફાળો પલાશ વનમાં વરણાગી વરરાજાની શોભા ધારણ કરીને ઊભો છે ! 'વસંત વિલાસ' કાવ્યમાં કેસૂડાનું વર્ણન આ મુજબ છે.

કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણથી જાણિ

વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ

(વસંત વિલાસ-૨૪)

( કેસૂડાંની અતિ વાંકી કળી તે જાણે મદનની આંકડી છે જેના વડે મદન વિરહિણીઓનાં કાળજાં તરત બહાર ખેંચે છે)

આવો પલાશ મદનઘેલો થયો છે - એના કારણમાં વસંતનું સૌંદર્ય છે... પલાશને પુષ્પ ફૂટે છે ત્યારે વર્ષાબુંદ જેવો ભાસ રચાય છે અને ફટ કરતો ઘનરવ સંભળાય છે. આવી ઘટના જાણવા, સાંભળવા પલાશવનમાં જવું પડે ત્યારે તેનો વૈભવ પામી શકાય. વસંત એ રીતે નાક, કાન અને આંખનો ઉત્સવ છે. શીમળો એજ સ્પર્ધામાં ઊભેલો ત્રીજો ઉમેદવાર છે. એની કાયા ઉપર પણ રાતાં ચટ્ટક પુષ્પો ઉઘડે છે. એની કાયા પુષ્પો-પર્ણોથી આચ્છાદિત થઈ જાય છે. એની ઉપર મુગ્ધ થઈને વસંત ત્રાંસી આંખે એની સાથે સંવાદ સાધે છે. વસંત ત્રણેયની પ્રેયસી છે. ત્રણેય પ્રેમીઓ સ્પર્ધામાં છે.

શિશિરનાં પગલાં કેડી ઉપરથી ભુંસાઈ ગયાં છે એની વેદના ઝાકળરૂપે વનસ્પતિનાં આંસુ થઈને ઉપસી આવે છે. તરત જ આંબો અને પલાશ પ્રાણવાન બની જાય છે. ડાળે ડાળએ કોયલ કૂજે અને મ્હોર લ્હેરાય! સીમમાંથી ઘઉં-રાજગરો-રાયડો-વરિયાળીનાં ગાડાં વસંતના નવ્યરૂપ લઈને હાલ્યાં જાય છે. જે હજુ ખેતરમાં લ્હેરાયા કરે છે એવા પાકની અડખેપડખે વસંત આંટા માર્યા કરે છે. વાસંતી વૈભવની લ્હેરખીઓ સીમના ચહેરા ઉપર પ્રસન્નતા દર્શાવે છે. શિશિરની વિદાય પછી વસંતનાં પગરણ મંડાય છે. મધુપાનથી મત્ત બનેલા ભ્રમરોનો ગુંજારવ સંભળાય એટલે સમજવાનું કે વસંત આવી. મંજરીથી મ્હોરેલા આમ્રવૃક્ષોમાં ટૌકા કોના ? કોયલના કે વસંતના ? કેસૂડાની કટોરીમાં વસંત છે કે તેમાં ફૂટેલા અણિયારા ભાલામાં ? વસંત શીમળાને બેઠી છે કે શીમળાએ વસંતને આલિંગનમાં લીધી છે ? ત્રણેય વરરાજાઓ રંગની અને ગંધની શરણાઈ છેડી રહ્યા છે ને વસંત છાની છાની એ રૂપ જોઈ મલકાય છે ! પવન પ્રસન્નતાનો આહલેક રચે છે ! વસંતઘેલી વેલીઓ વસંતઘેલા ભ્રમરની સંનિધિ ઝંખે છે. વસંત વૈભવી ઋતુઓ છે એનાથી પ્રકૃતિ રળિયાત છે. 'મને ફાગણનું એક ફૂલ આપો' એટલે શું ? વસંત આપો... આમ, વસંત અને પાનખર કેવળ ઋતુના વિભાવો નથી માનવ જીવનનાં સુખ દુઃખ, રાગ દ્વેષ, ભરતી ઓટ, જન્મ મૃત્યુ અંધકાર-ઉજાસ જેવાં દ્વન્દ્વોને સહન કરવાનો બોધ પણ છે. ટાઢ અને તાપની જેમ સમયની સાથે વહ્યા કરે છે. દ્વન્દ્વો... એ અનાવાર્ય છે. પરિવર્તન આવકાર્ય છે. પ્રકૃતિમાં અને જીવનમાં પણ.'

વસંત છાને પગલે અઢળક વૈભવ વેરે છે, તેનાથી આપણી આંખ, નાક, કાન, ત્વચા અને જીભ જેવી પંચેન્દ્રિયો ધન્યતાનો અનુભવ કરે છે. ભ્રમર-કોયલના ગુંજારવ અને ટહુકારથી કર્ણો, બોરસલી, ચંપો, કેસૂડો, અશોક, શિરીષ જેવાં વૃક્ષો એ પુષ્પોના વૈવિધ્યથી આંખો, પમરાટથી નાસિકા, સ્વાદોથી જિહ્વા વસંતમય બને છે. આપણે એ વૈભવથી શ્રીમંત બનીએ.