Get The App

ગોધરાની વકીલાત વલ્લભભાઈ માટે સીધા અને ઊંચા ચઢાણની હતી

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ગોધરાની વકીલાત વલ્લભભાઈ માટે સીધા અને ઊંચા ચઢાણની હતી 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- પ્લેગનો રોગચાળો પત્યા પછી ઝવેરબા ગાનાથી અને વલ્લભભાઈ નડિયાદથી ગોધરા પરત ફર્યા, એ પછી ત્યાંની કોર્ટમાં વલ્લભભાઈની વકીલાત બરાબરની જામી

વ લ્લભભાઈનું લગ્નજીવન કેટલાં ટૂંકાગાળાનું હતું. તેઓ પરણ્યાં તો હતા ૧૮૯૩માં, પરંતુ પત્ની ઝવેરબા સાથેનો ઘરસંસાર શરૂ થયો ૧૯૦૦ના વર્ષમાં, અને ૧૯૦૮ના જાન્યુઆરીમાં ઝવેરબા આંતરડાના વ્યાધિમાં ભરજુવાનીએ અવસાન પામ્યાં. વિતેલાં આ આઠ વર્ષમાં વળી પાછા પેલા અઢી વર્ષ ઓછા થયા, આ વિઠ્ઠલભાઈ ઈંગ્લેન્ડ ગયા ત્યારે તેમના પત્ની દિવાળીબા બોરસદના ઘરે રહેતાં હતા તે ગાળો. ઝવેરબાને પતિઆદેશે કરીને પરાણે બે નાના બાળકો સાથે પિયરઘરમાં રહેવું પડેલું, ઈ.સ.૧૯૦૨ના વર્ષોમાં. ઉપરાંત તેમના બંને બાળકો, મોટાપુત્રી મણિબેન અને બીજો દીકરો ડાહ્યાભાઈની સુવાવડ વખતે પણ પિયરના ગાના ગામે રહેલાં. આ બધાનો સરવાળો કરીએ તો વલ્લભભાઈ અને ઝવેરબાના લગ્ન સહવાસના ઈ.સ.૧૯૦૦ થી ૧૯૦૮ વચ્ચેના આઠ વર્ષમાં વળી પાછા બીજા પાક્કા સાડા ચાર વર્ષની બાદબાકી થાય, તો બધુ મળીને તેમની વચ્ચેનો લગ્ન સહવાસ માંડ ત્રણ-સાડા ત્રણ વર્ષનો જ રહ્યો હતો, એટલું નક્કી.

લગ્ન થયાને આઠ-આઠ વર્ષ વિત્યા પછી વલ્લભભાઈએ તેમને ગોધરા તેડાવ્યાં તો ખરાં, પણ નસીબ આડે પાંદડું, તે ગોધરામાં અચાનક પ્લેગનો મહાવ્યાધિ ફાટી નીકળ્યો. એક પછી એક લોકો મરવા માંડયા. વલ્લભભાઈના  એક ખાસ મિત્ર, નામે રાવજીભાઈ એકલા જ રહેતા હતા. તેઓ ગોધરાની અદાલતના નાઝર (કેશીયર) હતા. અચાનક તેમનો જુવાનજોધ પુત્ર પ્લેગમાં લપેટાયો. વલ્લભભાઈએ તેની ઘણી કાળજી લીધી, તેને ઘેર જઈને સારવાર કરી, પણ કાંઈ વળ્યું નહીં, અને વલ્લભભાઈની રાતદિવસની સારવાર-કાળજી છતાં તે બચ્યો નહીં.

આખરે એ મિત્રપુત્રને વલ્લભભાઈ હિંમતપૂર્વક સ્મશાને વળાવીને પાછા આવ્યા, ત્યાં જ તેઓ ખુદ પ્લેગમાં સપડાઈ ગયા. હવે તેમને ભયાનક વિચારો આવવા લાગ્યાં. પરંતુ મગજ પર શાંતિ ધરીને તાબડતોબ નિર્ણય કરવાવાળા વલ્લભભાઈએ ફરમાન કર્યું કે પત્ની ઝવેરબાએ બાળકોને લઈને તેમના પિયર ગાના જતું રહેવું. ઝવેરબાની ઈચ્છા તો ક્યાંથી હોય, પ્લેગગ્રસ્ત પતિને એકલા મૂકીને જવાની. પરંતુ વલ્લભ આદેશને શીરે ચઢાવીને ઝવેરબા બે વર્ષના મણિબેન અને છ મહિનાના ડાહ્યાભાઈને લઈને ગાના પહોંચ્યા.

આ તરફ વલ્લભભાઈએ પણ તાબડતોબ ગોધરા છોડયું, અને નડિયાદ આવ્યા. શ્રી ડી.વી.તામણકરે લખેલાં 'સરદાર પટેલ'માં તો એક ઉલ્લેખ એવો પણ છે કે પ્લેગના આ દિવસોમાં વલ્લભભાઈ કોઈક અવાવરૂ મંદિરમાં એકલાં જ રહ્યાં હતા. પરંતુ આ વાતની કોઈ પૂર્વાપર માહિતી મળી નથી કે આખરી થઈ શકી નથી.

પ્લેગનો રોગચાળો પત્યા પછી ઝવેરબા ગાનાથી અને વલ્લભભાઈ નડિયાદથી ગોધરા પરત ફર્યા, એ પછી ત્યાંની કોર્ટમાં વલ્લભભાઈની વકીલાત બરાબરની જામી. ઝડપથી નાણાં રળવા માટે તેમણે માત્ર ફોજદારી કેસો હાથમાં લેવા માંડયા, કારણ કે તે જમાનામાં ફોજદારી કેસોનો નિકાલ તાત્કાલિક કરવામાં આવતો હતો.

વળી વલ્લભભાઈ ગોધરા પહોંચ્યાં, તે અગાઉના પાંચ વર્ષ જ્યારે અહીં તેમના ગુરુબંધુ વિઠ્ઠલભાઈએ વકીલાત કરી હતી, તેનો સીધો લાભ પણ તેમને મળવા લાગ્યો. એટલે કે વિઠ્ઠલભાઈના સમયના ઘણાં અસીલો અને ઘણાં કેસો વલ્લભભાઈને તબદીલ થયા હતા. જો કે તેમને વિઠ્ઠલભાઈ પાસેથી મળેલા આ વારસાના લાભોની સાથેસાથે વિઠ્ઠલભાઈના અત્યંત ટીખળી સ્વભાવનો ભોગ પણ બનવું પડતું હતું.

બનેલું એવું કે ગોધરામાં વિઠ્ઠલભાઈના 'જ' નામના પડોશી યુવાન સ્થાનિક શાળાના શિક્ષક હતા. તેમને એમ લાગતું હતું કે દુનિયામાં પોતાની આવડત, બુદ્ધિ અને જ્ઞાનની જોઈએ તેટલી કદર થતી નથી. આવો અફસોસ એ વારંવાર વિઠ્ઠલભાઈ સમક્ષ કર્યા કરે. તેથી એકવાર વિઠ્ઠલભાઈને તેની મજાક કરવાનું સૂઝયું. એમણે તેને બોલાવીને સમાચાર આપ્યાં કે મધ્યભારતના એક મોટા રજવાડાના દિવાનને ત્યાં તમારી (એ યુવાનની) ઊંચા પદ માટે નિયુક્તિ કરાવી દીધી છે. પોલીસખાતા જોડેના સારા સંબંધોના ઉપયોગથી વિઠ્ઠલભાઈએ આ મતલબનો સાવ ખોટો તાર પણ પેલા યુવાનને પહોંચાડી દીધો. પેલો ભાઈ તો આ જાણીને ફૂલીને ફાળકો. એણે આખા ગામમાં પોતાની આ પ્રતિષ્ઠાનો ઢંઢેરો પિટયો, મોટો વિદાય સમારંભ યોજાવ્યો અને હોંશભેર રેલ્વે સ્ટેશન તરફ રવાના પણ થયા. ત્યાં એમને બીજો ટેલિગ્રામ મળ્યો કે તેમની ઊંચા હોદ્દા ઉપર કરેલી નિમણૂક હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.

ઘણાં સમય પછી, આ મહત્વાકાંક્ષી યુવાન મી. 'જ'ને ખબર પડી કે વિઠ્ઠલભાઈએ પોતાની આવી મશ્કરી કરી હતી. ત્યારે વિઠ્ઠલભાઈ તો ગોધરા છોડીને બોરસદ કોર્ટે પહોંચ્યા, અને પેલો યુવાન ગોધરાની કોર્ટમાં વકીલાત શરૂ કરી ચૂક્યો હતો. પોતાના આ અપમાનનો બદલો લેવા તડપતો એ વિઠ્ઠલભાઈને તો કાંઈ કરી શક્યો નહીં, પણ વલ્લભભાઈને હેરાન કરવાની એક પણ તક જતી કરતો નહીં. જો કે પેલી તરફ વિઠ્ઠલભાઈ અને આ તરફ વલ્લભભાઈની પ્રતિષ્ઠા એ 'જ' યુવાન કરતાં ઘણી વધારે હોવાથી તેમને ખાસ કશું વેઠવું પડેલું નહીં. વિઠ્ઠલભાઈ પટેલના ચરિત્રકાર ગોરધનભાઈ પટેલે પોતાના પુસ્તકના પાન-૧૮ ઉપર લખેલો આ કિસ્સો વલ્લભભાઈના ગોધરાના વકીલાત સમયનો રમૂજી,રસપ્રદ અને નોંધનીય ઘટના છે.