- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- 'જો તારામાં હિંમત આવ, તો થા પ્રગટ મારી સામે!' પરંતુ કશાયનું પ્રાગટય ન થયું. સ્વામી કરૂણાનંદ સાધનાસ્થળી પર આનંદનાં અતિરેકમાં આવીને નાચવા લાગ્યા
મા ત્ર ૧૯ વર્ષની ઉંમરે સ્વામી કરૂણાનંદને એમના ગુરુ પાસેથી ગિરનારનાં જંગલોમાં જઈ સંપૂર્ણ એકાંતમાં બેસીને સાધના કરવાનો આદેશ મળ્યો. આ હતી એમની પહેલીવહેલી સ્મશાનસાધના! વાત માંડી હતી એક એવા કાપાલિકની, જેમણે જીવનના ૪૦ વર્ષો સુધી નિરંતર સ્મશાનમાં જઈને કાપાલિક સાધના કરી હતી. તેઓ જે શહેરમાં જતાં, ત્યાં એમની પાસે કાપાલિક સાધનાની જરૂરિયાત સમા હાડકાં અને કપાલ સાથે દર અમાસે નજીકનાં સ્મશાનમાં જઈને અચૂકપણે સાધના કરતાં.
શ્રીવિદ્યાનાં સિદ્ધોપાસક ઓમ સ્વામી દ્વારા (જ્યારે તેઓ ૨૭ વર્ષના હતા ત્યારે) પૂછવામાં આવ્યું કે જીવનમાં સ્વામી કરૂણાનંદને ક્યારેય ભયની અનુભૂતિ થઈ ખરી? એ સમયે કરૂણાનંદની ઉંમર ૭૪ વર્ષની હશે. એમણે પોતાની પહેલીવહેલી સ્મશાન સાધનાનો અનુભવ વહેંચતી વેળા ગિરનારનાં જંગલોમાં કરેલી સાધના અંગે વાત માંડી હતી.
૧૯ વર્ષની ઉંમરે તેઓ ગિરનારના જંગલોમાં મધ્યરાત્રિએ સાધના કરવા પહોંચ્યા. સાંજ ઢળતી હતી અને મધ્યરાત્રિ પૂર્વે નિશ્ચિત સ્થાન પર પહોંચીને એમણે ગુરુઆદેશ મુજબ સાધનાની શરૂઆત કરવાની હતી.
અંધકાર વધવાની સાથોસાથ ભયનું સામ્રાજ્ય પણ ફેલાતું જતું હતું. સ્વામી કરૂણાનંદને સતત એવી અનુભૂતિ થઈ રહી હતી જાણે કોઈક એમનો પીછો કરી રહ્યું છે. શરૂઆતમાં કોઈક અજ્ઞાત શક્તિનાં પગલાંનો રવ અને ત્યારબાદ શ્વાસોચ્છવાસ! પરંતુ એમને પાછળ ફરીને જોવાની છૂટ નહોતી. ગુરુનો આદેશ હતો કે, 'જ્યા સુધી સાધનાસ્થળી પર ન પહોંચી જા, ત્યાં સુધી પાછું વળીને જોવાનું નથી. મહાભૈરવ અર્થાત્ સાક્ષાત્ મહાકાલ શિવ તારી પરીક્ષા લેશે!'
હિંમત હાર્યા વિના, ગુરુના શબ્દો પર ભરોસો રાખીને સ્વામી કરૂણાનંદ આગળ વધી રહ્યાં હતાં. એવામાં અચાનક એમને લાગ્યું કે અજ્ઞાત શક્તિ વધુ ને વધુ નજીક આવી રહી છે. એમણે બે ઘડી રોકાઈને ખાતરી કરવાનો પ્રયત્ન કર્યો કે આ વાસ્તવિકતા છે કે પછી એમના મનનો વહેમ? પરંતુ જેવા તેઓ રોકાયા કે એમની પાછળ સંભળાતો ડગલાંનો અવાજ પણ રોકાઈ ગયો. એવું લાગ્યું જાણે સ્વામી કરૂણાનંદની સાથોસાથ એ અજ્ઞાત શક્તિ પણ પોતાની જગ્યાએ રોકાઈ ગઈ હોય. પોતાના શ્વાસ રોકીને કરૂણાનંદ પરસેવાથી લથબથ હાલતમાં ત્યાં જ ઊભા રહ્યા. એમના પગ જાણે જમીન સાથે ખોડાઈ ચૂક્યા હતા.
... અને, અચાનક....
કરૂણાનંદને પોતાના કાન અને ખભા પાસે કોઈકના ભારેભરખમ ગરમ શ્વાસોચ્છવાસનો અનુભવ થયો. એમનો ભય હવે ચરમસીમા પર પહોંચી ચૂક્યો હતો. ત્યાં જ કાન ફાડી નાંખતાં સ્વરે એ શક્તિએ ચીસ પાડી, 'કરૂણાનંદ...'
... અને સ્વામી કરૂણાનંદનું કાળજું એમના હાથમાં આવી ગયું. લાગ્યું જાણે હમણાં જ હૃદય બંધ પડી જશે અને જોતજોતામાં તેઓ લાશ બનીને જમીન પર ફસડાઈ પડશે!
તેમણે મનોમન પોતાના ગુરુને કહ્યું, 'મારે સિદ્ધિઓ નથી જોઈતી. કૃપા કરીને મારી રક્ષા કરો.'
કરૂણાનંદ હવે પાછળ ફરીને જોવા તૈયાર હતાં. પોતાની ડોક ઘુમાવીને પાછળ જોવા જાય ત્યાં એકાએક એમણે સ્વયંને રોક્યા. જાણે કોઈક દિવ્ય શક્તિ એમને કહેવાનો પ્રયત્ન કરી હતી કે ડરવાની જરૂર નથી. એ ક્ષણે એમને પોતાના ગુરુની ઊર્જાનો અનુભવ થયો. એવું લાગ્યું જાણે ગુરુ ત્યાં જ ઉપસ્થિત છે અને હિંમત આપી રહ્યા છે.
એમણે પાછળ ફરીને જોવાના નિર્ણયને રદ્દ કર્યો અને સાધનાસ્થળીની દિશામાં દોટ મૂકી. ખાસ્સા સમય સુધી તેઓ ભાગતાં રહ્યાં અને રાતે સાડા દસ વાગ્યા સુધીમાં તો નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યાં હતા. સાધનાસ્થળી પર પહોંચતાં સુધીમાં તો એમનો ડર સંપૂર્ણપણે ઓગળી ગયો હતો અને હવે તેમનામાં નવીનતમ ઊર્જા અને હિંમતનો સંચાર થયો હતો. એ અજ્ઞાત શક્તિએ સંબોધીને કહ્યું કે, 'જો તારામાં હિંમત આવ, તો થા પ્રગટ મારી સામે!' પરંતુ કશાયનું પ્રાગટય ન થયું. સ્વામી કરૂણાનંદ સાધનાસ્થળી પર આનંદનાં અતિરેકમાં આવીને નાચવા લાગ્યા.
અંતે, અગિયાર વાગતાં સુધીમાં સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને એમણે વિધિ-વિધાન આરંભ્યા અને સવારે ચાર વાગ્યા સુધીમાં તો એમની સાધના પૂર્ણ પણ થઈ ગઈ!
ઓમ સ્વામીના અંગ્રેજી પુસ્તક 'ધ એન્શિયન્ટ સાયન્સ ઑફ મંત્ર'માં આ ઘટનાનો ઉલ્લેખ આપવામાં આવ્યો છે. દરેક સાધકના જીવનમાં તેમણે કોઈક પડાવ પર પોતાના ડરનો સામનો કરવો જ પડે છે, પરંતુ એ પડાવ પાર કર્યા પછી સાધનાની સફળતા સુનિશ્ચિત થઈ જાય છે એ પણ હકીકત છે એનો આ જીવંત પુરાવો!


