Get The App

દંભથી આઝાદી ક્યારે મળશે .

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
દંભથી આઝાદી ક્યારે મળશે                                . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'આ મોટા માણસોની આવી જ મોટાઈ હોય છે. તેમના દેખાડવાના કંઈક અને બતાવવાના કંઈક. આ બઈ, મમતા અને વાત્સલ્યની વાતો કરીને મત મેળવી લેશે'

'ન ટુ... એ નટુ.... ક્યાં ગયો.... એ નટીયા... ક્યાં મરી ગયો... કામ હોય ત્યારે જ આ કામચોર દેખાય નહીં...' - પ્રતિભાના અવાજમાં ભરોભાર અણગમો અને ગુસ્સો હતા.

'મેડમ, આવ્યો.. આ બાબા સાહેબને બહાર ચક્કર મારવા લઈ ગયો હતો. સાહેબે કહ્યું હતું કે, બાબા સાહેબને સાઈકલ ચલાવવા લઈ જજે એટલે ત્યાં ગયો હતો. અંદર આવ્યો અને તમારો અવાજ સાંભળ્યો એટલે દોડી આવ્યો.' - નટુએ ઘરમાં આવતાની સાથે કહ્યું.

'ઠીક છે. વાયડો ના થઈશ. ગાડી સાફ કરીને તૈયાર છે. મારે અગિયાર વાગ્યે પાર્ટીની ઓફિસ જવાનું છે અને ત્યાંથી પછી તારી વસતીમાં આવવાનું છે. આજે મારે તારી ચાલીમાં ભાષણ આપવાનું છે. તને ખબર છે ને. તારે જ મને ત્યાં લઈ જવાની છે.' - પ્રતિભાએ કહ્યું.

'હા મેડમ, મેં ચાલીમાં બધાને કહી દીધું છે, મારા મેડમ આવવાના છે. બધા તૈયાર થઈને આવશે. તમારી સામે ચુપચાપ ગોઠવાઈ જશે. તમ તમારે જોરદાર ભાષણ આપજો. બધા જોરશોરથી તાળીઓ પાડશે.' - નટુએ મલકાઈને કહ્યું.

'...તો મેડમ આજે જોગીશંકરની ચાલીમાં પ્રચાર માટે જવાના છે. તમારી ગણતરી સ્લમ વિસ્તારોને કબજે કરવાની લાગી રહી છે.' - દેવરથ ત્રિપાઠી બોલ્યા.

'પપ્પાજીએ મને એક વાત કહી હતી કે, ગરીબો ઉપર કબજો જમાવી લો તો મત તો આપોઆપ મળી જાય છે. મહિલાઓ, બાળકો, ગરીબો એવા લોકો છે જેમને સરળતાથી ભોળવી શકાય છે. મારું રાજકારણ તમારા રાજકારણ કરતા અલગ છે. પાર્ટીએ મને પહેલેથી જ મહિલાઓ ઉપર ફોકસ કરવાનું કહ્યું છે. તમારી જેમ મારે બુદ્ધિજીવીઓ સાથે માથાકુટમાં પડવું જ નથી.' - પ્રતિભાએ પોતાના પતિને વળતો જવાબ આપ્યો. દેવરથના ચહેરા ઉપર સ્મિત આવી ગયું.

'મેડમ, ગાડી તૈયાર છે. તમે કહો ત્યારે નિકળીશું. ત્યાં સુધી હું બાબા સાહેબને ગાર્ડનમાં સાઈકલ શિખવું છું.' - નટુએ દરવાજે આવીને કહ્યું અને પ્રતિભાએ ઈશારામાં જ જવાબ આપી દીધો.

'તું મહિલા અને બાળકોનું સેક્ટર પસંદ કરીને કામ કરે છે તે સારી બાબત છે પણ એક વાત ધ્યાન રાખજે, આ ખૂબ જ સેન્સિટિવ ઝોન છે. અહીંયા કંઈપણ ઉપર નીચે થશે તો તેના પ્રતિભાવો આકરા આવશે.' - દેવરથે ચેતવણી આપતા કહ્યું.

'મને ખ્યાલ છે. હું પપ્પાજી સાથે પ્રચારમાં જતી હતી અને હાલમાં પણ જાઉં જ છું. હું ધ્યાન રાખીશ જ.' - પ્રતિભાના અવાજમાં થોડો વધારે આત્મવિશ્વાસ દેખાતો હતો.

'મમ્મી, મારે પણ તારી સાથે આવવું છે. મને પણ લઈ જા ને. હું નટુભાઈના ટપુડા સાથે થોડો સમય રમી લઈશ. એ કાયમ અહીંયા રમવા આવે છે તો આજે હું ત્યાં રમવા જાઉં. પ્લીઝ મમ્મી.' - તન્મયે પોતાની મમ્મીની સાડી પકડતા કહ્યું.

'છોડ સાડી. તારામાં બુદ્ધિ છે કે નહીં. માટીવાળા હાથે મારી નવી સાડી પકડે છે. તારે એ ગંદકીમાં જવું છે. ત્યાં નાગા-પુગા છોકરાઓ, ગંધાતા લોકો અને અભણ પ્રજા વચ્ચે રમવું છે. તને શરમ આવે છે. આ જો તારા લીધે મારી સાડી ખરાબ થઈ ગઈ.' - પ્રતિભા અકળાઈ ગઈ. નટુએ એક વખત તેની સામે જોયું અને તેના ચહેરા ઉપર નિરાશા આવી ગઈ.

'નટુ એ તારી વાત નથી કરતી. ચાલીમાં કેટલાક છોકરા એવા હોય અને લોકો પણ દારૂડિયા હોય એટલે પ્રતિભા જનરલ ટોનમાં બોલી ગઈ તું મન ઉપર ના લઈશ.' - દેવરથ સ્થિતિ પામી ગયો અને તેણે વાત વાળી લેવા કહ્યું.

'ભલે શેઠ.' - નટુએ માત્ર ટૂંકો જવાબ આપ્યો.

'નટુ... સવિતાને અને તારા ટપુડાને મેં જે કપડાં આપ્યા હતા તે પહેરીને આવવાનું કહ્યું છે ને. તે એમને બરાબર સમય તો આપ્યો છે ને. સાંભળ તારી ચાલીમાંથી કોઈને બોલાવી લે. આ બીજા કપડાં છે. આઠ-દસ માણસોને પહેરાવીને આગળ બેસાડજે. આપણે જઈએ ત્યારે બધા સરખા દેખાતા હોય.' - પ્રતિભાએ ખૂણામાં પડેલી એક મોટી કોથળી તરફ ઈશારો કરતા કહ્યું.

'ભલે મેડમ, હમણાં બોલાવી લઉં.' - નટુએ કહ્યું અને ઘરના દરવાજાની બહાર નીકળી ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને કોઈને ફોન લગાવ્યો. 

'તું તો ગજબનું આયોજન કરીને સભાઓ ગોઠવે છે. આવી તૈયારીઓ તો ક્યારેય મેં અને પપ્પાજીએ પણ નથી કરી. કયા લોકો આગળ બેસશે, કેવા કપડાં પહેરશે અને તું કોને સંબોધિશ બધું જ તું પહેલેથી નક્કી કરે છે.' - દેવરથે સવાલ કર્યો.

'આ બધું કરવું પડે. આ ચાલીઓમાં ગંધાતા અને ગોબરા લોકો રહેતાં હોય. તેમના શરીરની જ બદબૂ એટલી ખરાબ હોય કે માથું ફાટી જાય. તેમાંય ગંધાતા રસ્તા, ફાટેલા કપડાં, ચિથરેહાલ લોકો, નાક નીતરતાં છોકરા, મેલીઘેલી સ્ત્રીઓ. તને શું લાગે છે, મારે આ બધાને મારી પાસે આવવા દેવાના. મારું ચાલે તો આ લોકોને હું ગોળી મારી દઉં. મારી નજીક તો આવવાની દૂરની વાત છે.'

'નટીયો ઘરનો માણસ છે. એની બૈરી અને છોકરું તૈયાર કરીને ગોઠવાઈ દેવાનું. મારે કદાચ કોઈ બાઈને ભેટવી પડે કે, કોઈ નાના છોકરાને ઉચકવાના ધતિંગ કરવા પડે તો જાણીતું હોય તો ચિંતા નહીં. ત્યાં આ ગંધને આપણે ક્યાં ભેટવાની કે ઉચકવાની.' - પ્રતિભાએ ખંધુ હસીને કહ્યું. નટુ ઘરમાં ઘુસતાની સાથે જ આ સાંભળીને ડઘાઈ ગયો. પ્રતિભા પણ તેને જોઈને થોડી ઝંખવાણી થઈ ગઈ પણ તરત જ ઘરની બહાર નીકળીને ગાડીમાં ગોઠવાઈ ગઈ.

નક્કી કરેલા આયોજન પ્રમાણે તે પાર્ટી ઓફિસ ગઈ અને પછી નટુની વસતીમાં પ્રચાર માટે પહોંચી. સ્ટેજ ગોઠવાયેલું હતું, પોલીસ સજ્જ હતી, કાર્યકર્તાઓ બધું કોર્ડન કરીને ઊભા હતા. પ્રતિભા ગાડીમાંથી ઉતરીને સ્ટેજ ઉપર ગઈ. તેણે બોલવાનું શરૂ કરી દીધું પણ આસપાસ જોયું તો ક્યાંય નટુની વાઈફ કે બાળક દેખાયા નહીં. આ ઉપરાંત નટુએ કરેલી ગોઠવણ પ્રમાણે આપેલા કપડાં પહેરેલા કોઈ લોકો પણ આગળની હરોળમાં હતા નહીં. માત્ર ગંધાતા અને ગોબરાં છોકરા અને ચિંથરેહાલ લોકો આવીને ઊભા હતા. 

પ્રતિભાએ ગરીબી દૂર કરવાની, મહિલાઓને સમાન હક આપવાની, બાળકોને પોષણ આપવાની, મમતા અને વાત્સલ્યથી ઉછરવાની, તેમને સારું શિક્ષણ અને અવસરો આપવાની વાતો કરી. ત્યારબાદ ત્યાં ઊભેલી એક મહિલાને ભેટીને તેના બાળકને વહાલ કરીને તરત જ દોડીને ગાડીમાં ગોઠવાઈ ગઈ. ગાડીમાં જોયું તો નટુની જગ્યાએ કાદર બેઠો હતો. તેણે તરત જ ગાડી બંગલા તરફ મારી મુકાવી.

ઘરે જઈને પ્રતિભા બરાબર અડધો કલાક જેવું બાથરૂમમાં નાહી અને બહાર આવી. તેને જોઈને દેવરથ હસતો હસતો મજા લેતો હતો. પ્રતિભા બરાબર અકળાયેલી હતી.

'મેડમ, એક મદદ કરશો. તમારા ઓળખીતા ડોક્ટરને ફોન કરશો. મારા ટપુડાને એક્સિડન્ટ થયો છે. તેને તમારા ઓળખીતા ડોક્ટરના દવાખાને લઈ ગયા છે. તમે વાત કરશો તો મારું ઘણું કામ થઈ જશે.' - નટુએ આવતાની સાથે રડમસ અવાજે કહ્યું.

'હરામખોર, સાલા કામચોર... એક તો ગાડી મુકીને ભાગી ગયો. તારી બૈરી કે છોકરો ત્યાં સ્ટેજ ઉપર આવ્યા નહીં. મારે તારા કારણે પેલા ગોબરા માણસોને ભેટવું પડયું અને તું અહીંયા આવીને મદદ માગે છે. તને શરમ નથી આવતી. નીકળ અહીંયાથી તને કોઈ મદદ નહીં થાય. કામચોર તેમાનો.' - પ્રતિભાએ બરાબર ગુસ્સા સાથે કહ્યું અને નટુ રડતો રડતો ઘરની બહાર નીકળી ગયો.

તે મુખ્ય દરવાજાની બહાર જ નીકળ્યો હતો ત્યાં જ કેટલાક લોકો મેડમનું ચૂંટણી ચિન્હ એક માતા અને તેના હાથમાં તેડેલું નાનું બાળકનું પોસ્ટર અને કટઆઉટ લઈને આવ્યા. પગથિયા પાસે નટુ ઊભો ઊભો આ પોસ્ટરને જોતો હતો ત્યાં જ તેના કાને અવાજ પડયો.

'આ મોટા માણસોની આવી જ મોટાઈ હોય છે. તેમના દેખાડવાના કંઈક અને બતાવવાના કંઈક. આ બઈ, મમતા અને વાત્સલ્યની વાતો કરીને મત મેળવી લેશે અને પછી આપણા જેવાનું આખી જિંદગી શોષણ કરશે. દેશને આવા દંભથી આઝાદી મળશે અને સાચો સંવેદનાસભર નેતા આવશે ત્યારે દરેક માણસ સમાનતાથી રહી શકશે અને મુક્તિનો સાચો આનંદ માણી શકશે.' - કાદરભાઈએ નટુના ખભે હાથ મુકીને કહ્યું અને નટુ પોક મુકીને રડી પડયો.