- આજકાલ-પ્રીતિ શાહ
મ હારાષ્ટ્રના ધુલે જિલ્લામાં એક નાનું આદિવાસી ગામ આવેલું છે, જેનું નામ છે બારીપાડા. આ બારીપાડા ગામમાં ૧૯૬૭માં ચૈત્રામ દેવચંદ પવારનો જન્મ થયો. પિતા પાસે થોડી જમીન હતી, પરંતુ પાણીની તીવ્ર અછત હોવાથી ખેતી થઈ શકતી નહોતી. ચૈત્રામના પિતા ભણેલા નહોતા, પરંતુ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેમણે પોતાનાં સંતાનોના શિક્ષણ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું, પરંતુ મુશ્કેલી એ હતી કે સૌથી નજીકની પ્રાથમિક સ્કૂલ બારીપાડાથી ચાર કિમી. દૂર હતી, પરંતુ પિતા પોતાનાં સંતાનોને શિક્ષણ અપાવવા માટે દ્રઢ નિશ્ચયી હતા. એકબાજુ પહેરવાનાં સરખાં કપડાં નહીં અને ચાર કિમી. ચાલીને સ્કૂલે જવાનું તો બીજી બાજુ ચૈત્રામની ઉંમરના છોકરાઓ જંગલમાં મસ્તી કરીને ખૂબ આનંદ કરતા જોવા મળે. આથી ચૈત્રામ સ્કૂલે જવા માટે આનાકાની કરતો, પરંતુ તેના પિતા તેનું ભવિષ્ય સુધારવા ચાહતા હતા. આથી કડક થઈને એક દિવસ તેના હાથ-પગ બાંધીને કૂવામાં લટકાવી દીધો, પિતાની સજાથી સમજદારી આવી. એ સમયથી ચૈત્રામ ધ્યાન દઈને અભ્યાસ કરવા લાગ્યો અને એમ.કોમ.ની ડિગ્રી હાંસલ કરી. એમ.કોમ.ની ડિગ્રી મેળવનાર તેના ગામમાં ચૈત્રામ પહેલો હતો.
એક દિવસ બાજુના ગામમાં વનવાસી કલ્યાણ આશ્રમ સાથે જોડાયેલા ડૉ. આનંદ પાઠકને તેના દવાખાને ચૈત્રામ મળવા ગયો અને કહ્યું કે તે શહેરમાં નોકરી કરવા જવાનો છે, ત્યારે ડૉ. આનંદે તેને એના ગામમાં ખેતી કરવાની સલાહ આપી અને કહ્યું કે જો એ ભણીગણીને શહેરમાં જતો રહેશે, તો ગામની હાલતમાં પરિવર્તન કોણ લાવશે ? તેમના આ પ્રશ્ને ચૈત્રામને વિચારતો કરી મૂક્યો છે અને ચૈત્રામે ગામમાં જ રહેવાનું નક્કી કર્યું. નેવુંના દાયકાની શરૂઆતમાં બારીપાડાના જંગલમાં મોટાપ્રમાણમાં વૃક્ષો કપાઈ રહ્યાં હતાં અને ત્યાંના સ્થાનિક લોકોને બળતણ માટે લાકડીઓ નહોતી મળતી. જે જગ્યામાં એક સમયે હરિયાળી હતી, તે જમીન ઉજ્જડ થવા લાગી હતી. કૂવાના તળ નીચા ગયા હોવાથી ત્રણ કિમી. ચાલીને પાણી લાવવું પડતું હતું. રોજગારીનું કોઈ સ્થાયી સાધન ન હોવાથી મહિલાઓ મહુવાના ફૂલમાંથી દારૂ બનાવવા લાગી હતી. ચૈત્રામે ડૉ. આનંદના માર્ગદર્શન સાથે કામ શરૂ કર્યું. સૌપ્રથમ ગામના સાઠ યુવાનોનો એક સમૂહ બનાવ્યો અને વનભૂમિમાં અગિયાર હજાર વૃક્ષો વાવ્યાં, પરંતુ આનાથી ખાસ ફેર ન પડયો.
ચૈત્રામ પવારને અનુભવે એમ સમજાયું કે ગામલોકોની મંજૂરી વિના કે તેમને વિશ્વાસમાં લીધા વિના ગામમાં પરિવર્તન લાવવું શક્ય નથી. તેણે ગામલોકો સાથે ચર્ચા-વિચારણા કરીને જંગલના રક્ષણ માટે અને ગામની સામાજિક પરિસ્થિતિ સુધરે તે માટે કેટલાક નિયમો બનાવ્યા. જંગલમાં કોઈ પણ વાહન ન જઈ શકે. જંગલની રક્ષા કરવા માટે એક ગાર્ડ રાખવામાં આવ્યો, જેનો પગાર એકસો રૂ. રાખ્યો. ઘર દીઠ ત્રણ રૂપિયા આપવાના અને જો કોઈ મંજૂરી વગર વૃક્ષ કાપે, તો તેને પચાસ રૂપિયા દંડ કરવો તેમ નક્કી થયું. વળી ગાર્ડ સિવાયની કોઈ વ્યક્તિ આ અંગે માહિતી આપે તો તેને ઈનામ આપવામાં આવશે. પશુઓને ચરાવવા માટે ચોક્કસ જગ્યા નક્કી કરવામાં આવી. ગામમાં દારૂ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને દરેક બાળકને માટે શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું. આ નિયમોનો ભંગ કરનારને દંડ કરવાનું ઠરાવવામાં આવ્યું. વન સુરક્ષા સમિતિ, આરોગ્ય સમિતિ જેણે શિક્ષણનું પણ કામ કરવાનું, વીજ બચાઓ સમિતિ જેવી સમિતિઓ બનાવી. આ સમિતિ લોકશાહી રીતે કામ કરે, પરંતુ જો કોઈ મતભેદ થાય તો સમિતિના સભ્ય ગામલોકો વતી નિર્ણય લે એવો નિયમ ઘડવામાં આવ્યો.
પાણીની અછત અને દરરોજ બાર કલાક જેટલો વીજકાપ થતો હતો. મહિલાઓ અંધારામાં ચૂલા પર રસોઈ કરે. બાળકો અભ્યાસ ન કરી શકે. મોટી ઉંમરના લોકોને ઘરમાં કાંઈ દેખાય નહીં. સાપ કે અન્ય જીવજંતુ ઘરમાં આવી જાય. આવી પરિસ્થિતિ વચ્ચે સોલર એનર્જીના વપરાશનો વિચાર અને તેને સ્વીકારીને સોલર વોટર પંપનો ઉપયોગ કરવામાં પંદર વર્ષ વીતી ગયા. ૨૦૧૭માં ગામલોકોએ ટ્રાઈબલ ડિપાર્ટમેન્ટને પોતાની સમસ્યાની રજૂઆત કરી, ત્યારે ૨૦૧૮માં ચોરાણું અને તે પછીના વર્ષે બ્યાસી ઘરોમાં સોલર એનર્જીથી વીજળી આવી, જેમાં ગામ લોકોએ સાડા ત્રણ લાખ ખર્ચ્યા અને સરકારે આશરે ચાળીસ લાખની સબસિડી આપી. ચૈત્રામની ત્રીસ વર્ષની મહેનતને અંતે ગામનો કાયાકલ્પ થયો છે. વનવિભાગ સાથે મળીને ૪૫૦ હેક્ટર જમીનમાં હર્યુંભર્યું જંગલ ઊભું કરી દીધું છે. ઘણાં વૃક્ષો તો ત્રીસ ફૂટ ઊંચા થઈ ગયા છે. પોર્ટેબલ અને કાયમી સોલર સિસ્ટમથી ગામની એંશી ટકા વીજળીની જરૂરિયાત પૂરી થાય છે. વોટરશેડ મેનેજમેન્ટને કારણે ગામના ચાળીસ કૂવામાં આખું વર્ષ પાણી રહે છે. જે ગામમાં પંદર-વીસ હેક્ટરમાં ખેતી થતી હતી ત્યાં આજે ૧૨૦ હેક્ટરમાં ખેતી થાય છે અને વર્ષમાં ત્રણેકવારમાં ચોખા, સોયાબીન, જુવાર, બટેટા, ડુંગળી, મરચાં અને ફ્રૂટની ખેતી થાય છે. ગ્રામસભામાં મહિલાઓ સક્રિય છે. તેઓ રસોઈની હરીફાઈ રાખે છે અને જંગલમાં ઊગતા શાકભાજી, ફળફળાદિમાંથી અવનવી વાનગીઓ બનાવે છે. બારીપાડાની સફળતામાંથી આસપાસનાં અનેક ગામોએ પ્રેરણા લઈને સોલર એનર્જીનો વપરાશ શરૂ કર્યો છે. જંગલમાં થતાં સાગ, ટીકવૂડ વગેરેમાંથી જે કમાણી થાય તેમાં અડધા પૈસા ગામના બધા પરિવાર વચ્ચે વહેંચવામાં આવે છે. ગામની સમૃદ્ધિ અને પોતાની સફળતાનો યશ ચૈત્રામ ગામલોકોને આપે છે.
કામયાબી એ જ નશો : પૂનમ
આજે પૂનમના પુત્રએ એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે, જ્યારે પુત્રી કૃષિનો અભ્યાસ કરે છે. તેની પુત્રી કહે છે કે માતાને રાતોની રાતો સખત પરિશ્રમ કરતા જોઈ છે.
હ રિયાણાના ગુરુગ્રામ જિલ્લાના તાજનગરની પૂનમ દિલ્હીમાં પોતાના પતિ અને બે બાળકો સાથે આનંદથી રહેતી હતી, પરંતુ એકાએક એક દિવસ પૂનમના જીવનમાં અમાસનો અંધકાર વ્યાપી વળ્યો. દિલ્હી એરપોર્ટ પર કામ કરતા તેના પતિની નોકરી અચાનક છૂટી ગઈ. તે સમયે તેના બંને બાળકો આંતરરાષ્ટ્રીય સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા હતા, પરંતુ નોકરી છૂટી જવાને કારણે ત્રણ મહિનાની સ્કૂલ ફી ભરી ન શકી. વધુ આઘાત તો ત્યારે લાગ્યો કે તેમનાં બાળકોને તેમના સહાધ્યાયીઓની સામે જ સ્કૂલ છોડી ચાલ્યા જવાનું કહ્યું. પૂનમ સ્કૂલના આચાર્યને મળી અને તેની પરિસ્થિતિ જણાવી. આ ત્રણ મહિના અને આગામી ત્રણ મહિના સુધીની છૂટ આપવા આચાર્યને વિનંતી કરી. પરંતુ તેમણે પૂનમની વિનંતી ઠુકરાવી દીધી. અપમાન અને બાળકોની ચિંતાના દુ:ખદર્દથી એની આંખમાંથી આંસુ વહેવાં લાગ્યાં.
માત્ર આઠ ધોરણ સુધી અભ્યાસ કરનારી પૂનમ અત્યંત હતાશ થઈ ગઈ. એકબાજુ બાળકોના ભવિષ્યની ફિકર તો બીજી બાજુ બે ટંક ભોજન કેવી રીતે મેળવવું તેની ચિંતા. ઘોર નિરાશા વચ્ચે તેને જે કામ મળ્યાં તે કરવા લાગી. કપડાં સીવવાનું શરૂ કર્યું. આ સમયગાળા દરમિયાન સરકાર દ્વારા હરિયાણાના તાજનગરમાં મહિલાઓને આંત્રપ્રિન્યોર બનાવવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી. આ કૌશલ્ય શીખવા માટે તે કાર્યક્રમમાં પૂનમે પણ પોતાનું નામ લખાવ્યું. કાર્યક્રમમાં સંચાલકોએ રેસ્ટોરન્ટના ભોજન કરતાં ઘરના ભોજનને વધુ પસંદ કર્યું. પૂનમ રસોઈ બનાવવામાં કુશળ હતી, તેથી તેણે સંચાલકોને પોતાના હાથનું બનાવેલું ભોજન કરાવ્યું અને એ 'અન્નપૂર્ણા' તરીકે ખ્યાતિ પામી.
પૂનમની રસોઈ એટલી સ્વાદિષ્ટ લાગી કે તેને દસ મહિલાની મદદથી રોજના ત્રણ ટંકનું ભોજન બનાવવાનંુ કામ મળ્યું. આ તેમના પહેલાં ગ્રાહક બન્યા અને ધીમે ધીમે વ્યવસાય કેવી રીતે કરાય તેની સમજ આવી અને તાલીમ મળવા લાગી. ટિફિન બનાવવાની સંખ્યા વધતી ગઈ. સાથે સાથે મઠરી અને સ્થાનિક મીઠાઈ બનાવવાનું શરૂ કર્યું. એક વખત વિદેશી વ્યક્તિઓએ બાજરાની રોટી અને ચૂરમાનો ઑર્ડર આપ્યો, તેમાંથી પૂનમનું ધ્યાન મિલેટ પર ગયું. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત એવા ગ્રાહકો માટે મિલેટમાંથી ખાસ કરીને બાજરામાંથી - વાનગીઓ બનાવી. સ્થાનિક પ્રદર્શનોમાં તે આવા નાસ્તા બનાવીને મૂકવા લાગી અને લોકોને ખૂબ પસંદ પડયા. ઘરે પણ બાજરાનો ઉપયોગ વધાર્યો અને સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં અને વજન ઘટાડવામાં મિલેટ ઉપયોગી બને છે.
પૂનમનું જીવન ધીમે ધીમે ગોઠવાતું જતું હતું, પરંતુ ત્યાં જ ૨૦૨૦માં તેને લકવા થયો. તેનું ડાબુ અંગ કામ કરતું બંધ થયું. કામ કરવામાં તેમજ ચાલવામાં મુશ્કેલી પડવા લાગી. તેને મળનારા ઑર્ડરમાં ના પાડવી પડતી. તેને લાગ્યું કે હવે તેનો વ્યવસાય બંધ થઈ જશે. તેનાથી હવે કામ નહીં થાય, પરંતુ તેની સાથે કામ કરનારા કર્મચારીઓએ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને તેમનાથી કામ ન થઈ શકે તો કંઈ નહીં, પણ ખુરશી પર બેસીને માત્ર માર્ગદર્શન આપવા જણાવ્યું. પૂનમના નેતૃત્વ હેઠળ કામ ચાલ્યું. કર્મચારીઓના સાથ અને સહકારથી તબિયત સારી થઈ ગઈ અને પુન: વ્યવસાયમાં જોડાઈ ગઈ. આજે પૂનમ પોતાનાં ઉત્પાદનો 'દાદી કા પિટારા' નામથી વેચે છે અને મિલેટમાંથી એકસો જેટલા નાસ્તા, ચોકલેટ, ચીપ્સ, લાડુ, ફ્રેંચ ફ્રાઇઝ, ફરસાણ જેવી અનેક વસ્તુઓ બનાવે છે. જન્મદિવસ, લગ્ન, કોર્પોરેટ ગિફ્ટ માટે પણ તેઓ ઑર્ડર લે છે અને તેની ઘણી માગ રહે છે. આ કોઈ નાસ્તામાં પ્રિઝર્વેટીવ વપરાતા નથી. તેમના આ નાસ્તા દિલ્હી-એન.સી.આર., ગુરુગ્રામ, જોધપુર અને ચંડીગઢમાં વધુ વેચાય છે. તે ઉપરાંત અમેરિકા અને કેનેડામાં પણ તેના ગ્રાહકો છે. ૨૦૨૪માં તેણે સાત લાખ રૂપિયાનું વેચાણ કર્યું છે. તેની ઇચ્છા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા વ્યવસાયને વધારવાની છે.
પૂનમનો પુરુષાર્થ એક વ્યવસાય કરતાં કંઈક વિશેષ છે, આ એક એવું આંદોલન છે જે અન્યને સશક્ત બનાવે છે. હરિયાણા રાજ્ય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વયં સહાયતા સમૂહો સાથે મળીને પાંચસોથી વધુ મહિલાઓને રોજગારી આપે છે. સ્થાનિક મહિલાઓ પાસેથી કાચો માલ ખરીદીને તેની આર્થિક સ્થિતિ મજબૂત કરે છે તેની સાથોસાથ સહાયતા પ્રણાલીનું નિર્માણ કરે છે. આજે પૂનમના પુત્રએ એમ.બી.એ.નો અભ્યાસ કર્યો છે, જ્યારે પુત્રી કૃષિનો અભ્યાસ કરે છે. તેની પુત્રી કહે છે કે માતાને રાતોની રાતો સખત પરિશ્રમ કરતા જોઈ છે. ૨૦૧૬ પહેલાં તે રાજેશકુમારની પત્ની પૂનમ હતી, આજે તે પૂનમ શર્માથી ઓળખાય છે. પૂનમ કહે છે કે તે પહેલીવાર ઘરની બહાર નીકળી, બેંકમાં ખાતું ખોલાવ્યું અને પહેલી વાર ખાતામાં પૈસા આવ્યા - તેને માટે આ એક ગર્વની ક્ષણ હતી. ૨૦૨૩માં જિલ્લા કક્ષાએ સુષ્મા સ્વરાજ ઍવૉર્ડ મેળવનાર ૪૪ વર્ષની પૂનમ શર્માનો મંત્ર છે - નશો કરો તો કામયાબી માટે કરો.


