- પર્વાધિરાજ પર્યુષણના આઠ સોપાન
- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર
- પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે, તપ, જપ, મૈત્રી અને ક્ષમા દ્વારા એ પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે.
પ ર્વાધિરાજ પર્યુષણની આઠમી વ્યાખ્યા તરફ જતા પૂર્વે પર્યુષણનો મર્મ દર્શાવતી અગાઉની સાત વ્યાખ્યામાંથી આ પાવન પર્વાધિરાજ સમયે આપણને ત્યારે શું પ્રાપ્ત થાય છે, તેનો વિચાર કરીએ. પર્યુષણ કહે છે કે, 'જીવન એટલે ભરતી અને ઓટ, ચડતી અને પડતી કે પછી અનુકૂળતા અને પ્રતિકૂળતા.' ત્યારે પર્યુષણ માનવીને જીવન જીવવાનો એક અદ્ભુત નુસખો આપે છે. એ કહે છે કે, 'જીવનમાં આવતી અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બંને આપણા શુભ-અશુભ કર્મોનું ફળ હોય છે. આથી જે કંઇ પરિસ્થિતિ હોય તેને સાક્ષીભાવે જોવી અને આવી રીતે સાક્ષીભાવથી જીવનાર આનંદપૂર્વક જીવન પસાર કરી શકે છે. આમ પર્યુષણની પહેલી વ્યાખ્યા આપણને અનુપમ જીવનદ્રષ્ટિ આપે છે.'
જ્યારે એની બીજી વ્યાખ્યા આપણને અશુભથી દૂર રહીને શુભમાં રહેવાનો સંદેશ આપે છે. વ્યક્તિના જીવનમાં કષાયો જ કાગારોળ મચાવતા હોય છે, ત્યારે એવા કામ, ક્રોધ, લોભ અને માયા જેવા કષાયોને ઓળખવા માટે આંતરદર્શન કરવાનું પર્યુષણ પર્વ કહે છે. આ આઠ કે દસ દિવસ પોતાના ભીતરમાં ડોકિયું કરીને પોતાની એ જીવનનાશક વૃત્તિઓને પારખવાનું કહે છે.
એ પછી 'પર્યુપક્ષમણા' શબ્દ દ્વારા ક્ષમાયાચનાની વાત કરી છે અને જે કોઇને જાણ્યે-અજાણ્યે પણ દુ:ખ થયું છે, તો એની પાસે જઇને ક્ષમા માગવી. જૈન ધર્મની ક્ષમાની આ વિશેષતા છે કે જેમાં કોઇ મંદિરમાં કે ગુરુ પાસે જઇને ક્ષમા માગવાની વાત નથી, પરંતુ જેને દુ:ખ પહોંચાડયું છે એની સમક્ષ જઇને ક્ષમા માગીએ તો જ આવતીકાલનું પ્રભાત સુંદર ઊગે.
એ પછી પાંચમી વ્યાખ્યા છે પરિશ્રમણા શબ્દની. પરિશ્રમણા એટલે સતત પરિશ્રમ કરવો. અધ્યાત્મનાં માર્ગે પ્રમાદ એ સૌથી મોટો અવરોધ બને છે, ત્યારે જૈન ધર્મની સૌથી મહત્ત્વની વાત એ પ્રમાદ છે અને આવો અપ્રમાદ સેવનાર વ્યક્તિ અધમ ચારણથી બચી જાય છે.
એનો છઠ્ઠો અર્થ છે તમામ પ્રાણીઓ પ્રત્યે આત્મોપમ્યની ભાવના રાખવી. જેવો મારો જીવ એવો જ અન્ય વ્યક્તિનો જીવ. જેવું મને દુ:ખ થાય એવું એને પણ દુ:ખ થાય, આમ વિચારી પછી તે માનવ હોય કે પ્રાણી ઇજા પહોંચાડવી નહીં અને એના સાતમાં સોપાનમાં વ્યાપકતાની વાત કરી છે. આપણી સંવેદના એટલી વ્યાપક બને કે આખું વિશ્વ મને મારા કુટુંબ જેવું લાગે.
હવે આગળ વધીને આઠમાં સોપાન તરફ. 'પજુસણ' રૂપાંતરથી બને છે. .... એટલે કે માનવ અને પ્રાણીમાત્રની મન, વચન અને કર્મથી સેવા કરવી - સેવાનો આધાર પૈસા નથી, પણ હૃદય અને ઇચ્છા છે. માત્ર આત્મકલ્યાણ પૂરતું નથી સમાજકલ્યાણની પણ જરૂર છે. જે માણસ માત્ર પોતાની સેવામાં રચ્યોપચ્યો રહે છે, એ જગતના કમરાનું પોતાનું ભાડું ચૂકવતો નથી. બીજી બાજુ માણસને પોતાના વિકાસને માટે સામાજિક સહયોગની જરૂર છે. એકલવાયા ટાપુ પર જીવનારો કેવો હોય ? શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે સહયોગ જરૂર છે. આમ આત્મવિકાસની યાત્રા સાથે સર્વવિકાસનું કામ કરવાનું છે. કવિએ કહ્યું છે તેમ,
'નથી બહારનું કોઇ બધા જ ઘરનાં છે
તું તારી દ્રષ્ટિની સીમા જરા વધારી જો.'
આત્માનો વિકાસ અહિંસા, સત્ય તિતિક્ષા, ધૈર્ય વગેરે ગુણોથી થાય છે, પરંતુ એની અગ્નિપરીક્ષા તો સમાજની વચ્ચે હોઈએ ત્યારે જ થાય. આમ માનવજીવનનું સાર્થક્ય એ માનવ અને પ્રાણીમાત્રની સેવા કરવી એ આઠમું પગથિયું. લાઇફમાં સેવા મૂકો એટલે 'ડિવાઇન લાઇફ' થાય.
શ્રાવિકા રેવતીનું સ્મરણ કરો. એણે અત્યંત શ્રદ્ધાભાવથી ભગવાન મહાવીરને બીજોરાપાક વહોરાવ્યો અને એના સેવનથી પ્રભુ મહાવીર રોગમુક્ત થયા. એમને સ્વસ્થ જોઇ સર્વત્ર પ્રસન્નતા ફેલાઈ ગઈ. કેવું મહાન કામ ! કેવું ઉત્તમ દાન ! આ અત્યંત વિશિષ્ટ અને વિરલ દાનને પરિણામે રેવતીને તીર્થકર પદ પ્રાપ્ત કરવાનું સર્વશ્રેષ્ઠ સદ્ભાગ્ય સાંપડયું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચારેયની ઉત્તમતાથી રેવતી આવતી ચોવીસીમાં સમાધિ નામના સત્તરમાં તીર્થંકર બનશે.
આઠમું અષ્ટમંગલ છે દર્પણ. આ દર્પણ એ અંધકારનું નહીં, પણ પ્રકાશનું પરાવર્તન કરે છે. એનો અર્થ જ એ કે બીજાના અવગુણ કે દોષો નહીં, પરંતુ એના ઉપકારો અને સદ્ગુણોનું જીવનમાં પરાવર્તન કરવું જોઇએ.
આજે પર્વાધિરાજ પર્યુષણ સમયે પર્વાધિરાજની આઠ વ્યાખ્યાનોની સાથોસાથ અષ્ટમંગલનું સ્મરણ કરીએ અને અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વ હિતને બદલે પરહિત તરફ અને વિભાગ દશામાંથી સ્વભાવ દશા તરફ આપણે ગતિ કરીએ. ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવો ધારણ કરીએ. ભીતરમાં જો આટલું કરીએ તો અંદર બેઠેલા ભગવાનની અનુભૂતિ થશે અને ત્યારે પ્રભુ મહાવીરે શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે તેમ, 'જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે.' ચાલો, આત્મામાં રહેલા પરમાત્માને પામવાનો અષ્ટમંગલમય પુરુષાર્થ પાવન પર્યુષણ પર્વમાં કરીએ.
પર્યુષણનો લાક્ષણિક અર્થ છે આત્માની સમીપ વસવું. પણ હકીકતમાં આત્માની સમીપ રહેવું એટલે શું ? અનંતકાળથી આત્મા મોહ અને મિથ્યાત્ત્વમાં અથવા કષાય અને અજ્ઞાનમાં જ વસતો આવ્યો છે. પોતાના સ્વ-ભાવને ભૂલીને વિભાવને જ નિજ સ્વરૂપ માની બેઠો છે. પરિણામે માનવી પારાવાર પીડા, દુ:ખ, કંકાસ અને ક્લેશમાં ડૂબેલો છે. ભૌતિક લાલસાના મૃગજળ તરફ આંધળી દોટ લગાવી રહ્યો છે.
પર્યુષણ વર્ષાઋતુમાં આવે છે, જ્યારે જમીન ચોખ્ખી બની ગઈ હોય છે. નદીમાંથી મલીનતા ઓસરી ગઈ હોય છે. સફર માટે સાગર અનુકૂળ હોય એમ આખી પ્રકૃતિ જ્યારે શુદ્ધ હોય ત્યારે સાધનાનો સમય આવે છે.
આજે તો ચોમેર દોડધામ કરતો માનવી છેક મૃત્યુ જુએ ત્યારે જીવનનો વિચાર કરવાનો પ્રારંભ કરે છે. એ માનવીને ભૌતિક સમૃદ્ધિની મૂર્છામાંથી જગાડતું પર્વ તે પર્યુષણ પર્વ છે. ચિત્તશુદ્ધિ, હૃદયશુદ્ધિ અને આત્મશુદ્ધિનું આ પરમ પવિત્ર પર્વ છે.
અજ્ઞાનમાંથી સમ્યક્જ્ઞાન તરફ, સ્વહિતને બદલે પરહિત તરફ અને વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં લઇ જનારું પર્વ છે. જે સ્વહિતની સાંકડી મર્યાદામાંથી બહાર કાઢીને પરહિતનો વિચાર કરવા માંડે છે. આ માટે પહેલું કામ કરવાનું છે ભાવશુદ્ધિનું. જૈન ધર્મ ભાવનાનો ધર્મ છે, આથી નમસ્કાર મહામંત્ર કોઇ વ્યક્તિને નહીં, પણ અરિહંતને નમસ્કાર કરે છે. અરિહંત એટલે જેણે આંતર શત્રુઓને જીત્યા છે. આ ભાવનાથી શુદ્ધિ પર જીવનની વિશુદ્ધિનો આધાર છે. ચિત્તમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવોને આપણે ધારણ કરવાના છે.
જૈન ધર્મના સર્વપ્રથમ આગમ 'શ્રી આચારાંગ સુત્ર'માં કહ્યું છે, 'જે રીતે કેરીના હૃદયમાં છુપાયેલી ગોટલીમાં એક વિશાળ આંબાનું વૃક્ષ છુપાયું છે, તે રીતે હે માનવ ! તારી કાયામાં પરમાત્મા વસેલો છે, એને તું શોધી લે.'
પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ વ્યક્તિના જીવનમાં સદાકાળ જન્મોજન્મ સુધી રહેનારી ઊર્ધ્વ ભાવનાઓની ખુશ્બૂભરી વસંત સર્જે છે. ભગવાન મહાવીરે પાયાનો વિચાર કર્યો કે માનવી આટલો બધો લાચાર, હતાશ અને નિરાશ કેમ છે ? એમણે જોયું કે માનવી એ બહારનાં પરિબળોને કારણે નહીં, પરંતુ પોતાને કારણે જ હારેલો છે. એની તૃષ્ણા, લાલસા અને મિથ્યાત્વને પરિણામે પરાજિત છે. આ પરાજયને વિજયમાં પલટાવવા માટે ભગવાન મહાવીરે સંયમ, અહિંસા અને મૈત્રીનો માર્ગ બતાવ્યો. સતત જીવનશુદ્ધિ કરવાનો સંદેશ આપ્યો અને તેથી પર્યુષણ પર્વ એ કોઇ લાભ કે ભોગનું પર્વ નથી, કિંતુ ત્યાગ અને સત્વનું લોકોત્તર પર્વ છે.
લૌકિક પર્વોથી માનવીના શરીરનું પોષણ થાય છે, જ્યારે પર્યુષણ પર્વથી માનવીના મનનું પોષણ થાય છે, તપ, જપ, મૈત્રી અને ક્ષમા દ્વારા એ પોતાની ભીતરની ચેતનામય જ્યોતિ સુધી પહોંચે છે. અનંતકાળથી જે આત્મા મિથ્યાત્વ, કષાય, મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે. માનવીને એનું જીવન કેવું છે અને એનો આત્મા ક્યાં છે એની પણ જાણ નથી. આવે સમયે પર્યુષણ પર્વ એ માનવીને આત્મરત્, આત્મસંલગ્ન અને આત્મપ્રિય બનાવતું પર્વ છે.


