- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
પરમેશ્વરનું પ્રચંડ સામર્થ્ય વાયુની મંદ-મંદ લહરમાં છે - ઝંઝાવાતમાં નહીં.
- રવિન્દ્રનાથ ઠાકુર
સ ત્ય, શિવ, સુંદર માટે કોઈ વિશાળ એવું વિચાર આંદોલન આરંભવાની જરૂર નથી, એકાદ આત્મનિષ્ઠ કૃત્ય પણ મૂલ્યવાન બની જાય છે. એકલ -દોકલ ફાનસથી વિશ્વનો અંધકાર દૂર નથી થતો પણ એકાદ નાનકડી શેરી માટે તે પર્યાપ્ત છે. કોઈપણ સર્જનાત્મક કે રચનાત્મક કૃત્યનું કદ અગત્યનું નથી પણ તેમાં રહેલા વિદ્રોહનું સત્ય અને સત્વ મૂલ્યવાન છે.
એક વખત એક નાનકડા ગામમાં ભવિષ્યવાણી થઈ કે આવતા ચૌદ વરસ સુધી આ ગામમાં વરસાદ નહીં પડે. તેમ છતાં એક ખેડૂત દરરોજ પોતાના ખેતરે જાય અને શ્રમ કર્યા કરે. સમગ્ર ગામને વિચિત્ર લાગતું હતું અને આશ્ચર્ય થતું હતું. એક દિવસ તો ખેતર પરથી પસાર થતા વાદળો પણ અટક્યા અને ખેડૂતને પૂછયું, 'અરે ભાઈ, જ્યારે વરસાદ ચૌદ વરસ સુધી અહીં વરસવાનો જ નથી ત્યારે તું આ નિરર્થક મહેનત શા માટે કરે છે?' ત્યારે ખેડૂતે સહજ નિર્દોષતાથી ઉત્તર આપ્યો, 'મારો શ્રમનો અને વાવેતરનો અભ્યાસ છૂટી ન જાય તે માટે કરું છું.' આ સાંભળી વાદળોએ એકમેક સાથે વાતચીત કરી અને ગામ પર અને ખેતરો પર અઢળક અને ધોધમાર કરુણા સાથે વરસવા લાગ્યા. આ જોઈને પેલા ખેડૂતે બાળક જેવો પ્રશ્ન વાદળોને કર્યો 'જ્યારે તમે ચૌદ વરસ અહીં વરસવાના જ ન હતા તેમ છતાં કેમ ઓચિંતા જ વરસવા લાગ્યા?' તે પળે વરસતા વાદળોએ ખેડૂતને ઉત્તર આપ્યો 'અમારે પણ અમારો અભ્યાસ કર્યા કરવાનો છે, ભૂલી નથી જવાનો!'
જીવન સ્વયં આસ્થા અને આસ્તિકતાનો, પ્રતીક્ષા અને પ્રાર્થનાનો, કલ્યાણ અને કરુણાનો રિઆઝ છે, અભ્યાસ છે. તે નિરંતર કર્યા કરવાનું છે. અયોગ્ય સાથે પણ મૈત્રીપૂર્ણ રહીને તેને મૈત્રીનો સ્વાદ આપવાનો છે. કોઈ આપણે આંગણે આવશે તેવી પાવક પ્રતીક્ષા સાથે જ્યોત અને અગરબત્તીની સુગંધ અખંડ રાખવાની છે.
આપણે જોઈએ છીએ કે ઘણા એવા લોકો છે; ઈરાન કે ઇઝરાએલમાં, રશિયા કે યુક્રેનમાં જેમાંથી કોઈને પણ મરવું કે મારવા નથી, કપાવુ કે કાપવા નથી, દટાવું કે દાટવા નથી, તેમાંના ઘણા-ઘણાને વાંસળી વગાડવી છે, ચિત્ર દોરવું છે, ગીત ગાવું છે, નૃત્ય કરવું છે, બાળકો સાથે રમવું છે ,મૈત્રી કરવી છે. આ તો છે આશા અને આસ્થાનો અભ્યાસ, સર્જન અને રચનાત્મકતાનો રિયાઝ. દ્વિતીય વિશ્વયુદ્ધની હિંસા અને હતાશા વચ્ચે પણ પ્રેમ, મૈત્રી, સૌન્દર્ય અને સર્જનને અખંડ જીવનારા કવીવર રવીન્દ્રનાથ ટાગોર કહે છે, 'પરમેશ્વર મોટાં મોટાં સામ્રાજ્યથી વાજ આવી જાય છે પણ નાનકડાં ફુલોથી કદી કંટાળતો નથી.' આખરે જીવન એટલે આપણો ફૂલોનો છોડ મઘમઘતો રાખવાનો....


