Get The App

મહુવાના કાઠિયાવાડી જુવાને 132 વર્ષ પહેલા અમેરિકાને ભારતીય ખમીરનો પરિચય આપ્યો!

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
મહુવાના કાઠિયાવાડી જુવાને 132 વર્ષ પહેલા અમેરિકાને ભારતીય ખમીરનો પરિચય આપ્યો! 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- એમના વિષયોનો વ્યાપ જોઈને આજે પણ આપણને આશ્ચર્ય થાય. જૈનદર્શન ઉપરાંત બૌદ્ધદર્શન અને વેદાંતદર્શનની એમની જાણકારી હતી

જ રા કલ્પના કરો કે આજથી ૧૩૨ વર્ષ પૂર્વે અંગ્રેજ શાસન હેઠળ પરાધીન ભારતની કઈ સ્થિતિ હતી ? એ ભારત નિર્ધન, પછાત અને શોષિત અવસ્થાથી પીડાતું હતું. એના ભવ્ય દર્શનો, એની આગવી સાંસ્કૃતિક પ્રણાલિકાઓ અને એની ભાતીગળ પ્રજાની ક્ષમતાનો પશ્ચિમના જગતને અને તેય અમેરિકાને લેશમાત્ર પણ ખ્યાલ નહોતો.

અમેરિકા અને પશ્ચિમનાં દેશો એમ માનતા કે ભારત એ એક પછાત અને ભયાનક જંગલી પ્રદેશ છે. જ્યાં વહેમો, અત્યાચાર અને સ્ત્રીઓ પરનાં જુલ્મો સિવાય બીજું કશું નથી. આવે સમયે અમેરિકાની ધરતી પર ૨૯ વર્ષનો મહુવામાં જન્મેલો કાઠિયાવાડી જુવાન વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકામાં જઈને પાંચસો વ્યાખ્યાનો દ્વારા ભારતની ભવ્યતાનો ખ્યાલ આપે છે. એમની હિંમત, દ્રઢતા, રજૂઆત અને તર્કબદ્ધતા એવી હતી કે અમેરિકનો એમને સાંભળવા માટે એમની સભામાં ઉમટી પડતા અને સૌરાષ્ટ્રના મહુવાનો આ યુવાન સહેજે ખચકાટ વિના નિર્ભયતાથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ દર્શાવતો હતો.

જે સમયે ભારતમાં અંગ્રેજ શાસનની કદમબોસી થતી હતી, એ સમયે આ યુવાને અમેરિકાની એક સભામાં કહ્યું, 'તમને એમ કહેવામાં આવે છે કે ભારતીય સમાજ જંગલી, પછાત, રૂઢિગ્રસ્ત, વહેમી અને નિર્માલ્ય છે, પણ તમે એ જાણો છો કે પશ્ચિમ જ્યારે અજ્ઞાન અને અંધકારમાં અથડાતું હતું, ત્યારે છેક એ સમયે પણ ભારત પાસે જ્ઞાનનો ઉજ્જવળ પ્રકાશ હતો. ભારતની ધર્મક્રિયાઓ અને સામાજિક પ્રથાને નહીં સમજનારા પશ્ચિમના લોકો બિચારા આ ધર્મક્રિયાઓની પાછળના ગહન મર્મ અને વૈજ્ઞાનિક રહસ્યોને જાણી શક્યા નથી. મારે તમને એ મર્મ અને રહસ્ય કહેવા છે.'

એમણે અતિ સમૃદ્ધ એવા અમેરિકાને ભારત પાસેથી કેટલી બધી વૈચારિક, આધ્યાત્મિક અને જીવનઘડતર કરનારી સમૃદ્ધિ મળી શકે તેમ છે એની વિગતે રજૂઆત કરી. એમણે 'ભારતનો અમેરિકાને સંદેશ' અથવા 'ભારતની અમેરિકાને ભેટ' જેવા વિષયો પર મૌલિક વ્યાખ્યાનો આપ્યાં.

ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાની પ્રજા સમક્ષ એક સભામાં એમણે કહ્યું, 'ભારતીય સંસ્કૃતિની તાકાતને હજી તમે ક્યાં પુરી સમજ્યા છો ? દુર્ભાગ્યે તમારા અજ્ઞાનને કારણે અને તમને મળતી વિકૃત માહિતીઓને લીધે તમે માની બેઠા છો કે ભારત દેશમાં માત્ર વાઘ, કોબ્રા અને રાજાઓ જ વસે છે. મારે તમને અમેરિકનોને ભારતના વિપુલ સાહિત્યની, સમૃદ્ધ ભાષાની, ભવ્ય સંસ્કૃતિની અને આગવા જીવન વિજ્ઞાનની ઓળખ આપવી છે.'

માથે સોનેરી કિનારીવાળી કાઠિયાવાડી પાઘડી, લાંબો ઝભ્ભો, ખભે ધોળી શાલ અને પગમાં દેશી આંકડિયાળા પગરખાં પહેરીને અમેરિકામાં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં વીરચંદ ગાંધીએ પ્રવચન આપ્યું. ઊંચું ભરાવદાર શરીર, સુદ્રઢ બાંધો, તેજસ્વી આંખો, હસતો ચહેરો અને પ્રતિભા સંપન્ન શાંત પ્રકૃતિથી વિશ્વધર્મપરિષદમાં પોતાની વિદ્ધત્તાનું કામણ પાથરી દીધું.

પહેલી વાર અમેરિકાને ભારતીય પોશાકમાં રહેલા ગૃહસ્થની ઓળખ થઈ. આવા વીરચંદ ગાંધી પાસે પોથીપંડિતનું શુષ્ક પાંડિત્ય નહોતું, પરંતુ ગહન અભ્યાસ ઉપરાંત એમની પાસે તર્કપૂર્ણ દલીલશક્તિ, ઐતિહાસિક સંદર્ભો તેમજ રાષ્ટ્રની પવર્તમાન ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિ વિશેની સમજણ હતી, વખત આવ્યે કોઈ મુદ્દા પર પ્રબળ વિરોધ કરીને સ્પષ્ટ આલોચના કરવાનું એમનામાં ખમીર હતું. વળી ભારતીય જીવનશૈલી પ્રત્યે સન્નિષ્ઠ, અભ્યાસપૂર્ણ આદર અને પરાધીન ભારતની કપરા સંજોગોમાં પણ ગરિમા જાળવવાની રાષ્ટ્રભક્તિ ઉત્કટપણે એમના હ્ય્દયમાં વહી રહી છે. આ ઓગણત્રીસ વર્ષના યુવાનનો વિષયવ્યાપ જોઈને આપણે આજેય મંત્રમુગ્ધ થઈ જઈએ.

અમેરિકનોની સભામાં આ જુવાને એમની હાનિકારક ભોજનશૈલી અને ભારતની સમૃદ્ધ સ્મૃતિશક્તિની વાત કરી. એમણે એક સભામાં અમેરિકનોને કહ્યું કે, તમારી ભોજનશૈલી તો તમને તામસી સ્વભાવવાળા બનાવનારી છે અને પછી આજથી ૧૩૨ વર્ષ પૂર્વે ભારતીય ભોજનશૈલીની વિશેષતા દર્શાવતું 'ધ સાયન્સ ઓફ ઈટિંગ' વિશે જોરદાર પ્રવચન આપ્યું.

એમણે કહ્યું કે, 'ભારતીય આહારમાં જેવું અન્ન તેવું મન રહેલું છે. એનો સાત્વિક આહાર તમારા સામર્થ્યને વધારે છે.' જ્યારે સહુ કોઈ પ્રગતિશીલ અમેરિકાની બૌદ્ધિક ક્ષમતાથી અંજાઈ ગયા હતા, એ સમયે વીરચંદ ગાંધીએ કહ્યું, 'તમને આશ્ચર્ય થશે તમે જે સ્મૃતિશક્તિ કે 'મેમરી'ની વાત કરો છો, એ સ્મૃતિશક્તિના અદ્દભુત ઉદાહરણો મારે તમને આપવા જોઈએ અને એમ કહીને તેઓ કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યની અદ્દભુત સ્મૃતિશક્તિ તથા શ્રીમદ્ રાજચંદ્ર અને શ્રી ગટુલાલજી મહારાજનાં શતાવધાનનાં દ્રષ્ટાંતો આપે છે.'

એમના વિષયોનો વ્યાપ જોઈને આજે પણ આપણને આશ્ચર્ય થાય. જૈનદર્શન ઉપરાંત બૌદ્ધદર્શન અને વેદાંતદર્શનની એમની જાણકારી હતી. માત્ર ફિલોસોફી સુધી જ એમનું વિશ્વ સીમિત નહોતું, બલ્કે એમણે અમેરિકામાં ભારતના વર્તમાન, રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન આપ્યું. જૈનદર્શન વિશે એમની વાકધારા અસ્ખલિત વહેતી લાગે છે. વળી વખત આવ્યે જૈનદર્શનના કોઈ સિદ્ધાંતની બૌદ્ધદર્શન કે વેદાંતદર્શન સાથે તુલના-વૈષમ્ય રજૂ કરે છે. એમણે સાંખ્ય, યોગ, ન્યાય, મીમાંસા અને વૈશેષિક જેવાં ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કર્યો છે અને એ વિશેનાં એમનાં પ્રવચનો જૈનદર્શનનાં પ્રવચનો જેટલાં જ પ્રમાણભૂત અને અભ્યાસનિષ્ઠ લાગે છે. માત્ર દર્શનોની તત્ત્વવિચારણા સુધી જ વીરચંદ ગાંધીનું વિશ્વ સીમિત નથી. વર્તમાન રાજકીય, સામાજિક અને આર્થિક પ્રવાહો વિશે તલસ્પર્શી જ્ઞાન ધરાવતા હતા.

આહારવિજ્ઞાન અને શ્વાસનું વિજ્ઞાન, આભામંડળ જેવા વિષયો પરનાં એમનાં વ્યાખ્યાનો તો અમેરિકાના શ્રોતાઓને માટે એક નવી દુનિયાની વાત જેવાં હતા.

વીરચંદ ગાંધીના હ્ય્દયની હિંમત અને વક્તવ્યોની ધાર કેવી હશે કે એમણે એક સભામાં 'અમેરિકાની સ્ત્રીઓએ ટોપીમાં પક્ષીનાં પીંછા ન રાખવા જોઈએ.' એ વિશે તર્કબદ્ધ અને કરૂણાસભર પ્રવચન આપ્યું હતું, તો વળી ખ્રિસ્તી મિશનરીઓએ ફેલાવેલી ભારત વિશેની ખોટી માન્યતાઓ સામે અવાજ ઉઠાવતા વીરચંદ ગાંધી કહે છે, 'અમે ભારતીયો માત્ર એકાદ રવિવારે જ કરુણાની ભાવના પાળતા નથી, બલ્કે અમારી કરુણા તો માત્ર મનુષ્યો જ નહીં, બલ્કે પ્રાણી અને પ્રકૃતિ સુધી અવિરત વહે છે. અમારી ધર્મક્રિયાઓ અને તહેવારો પર અંધશ્રદ્ધાનો આક્ષેપ કરાય છે, પણ ખરેખર તો અમારા આચાર અને ઉત્સવો વિજ્ઞાનના નિયમો પર આધારિત છે. પ્રત્યેક હિંદુ ભોજન સમયે હાથ અને પગ સ્વચ્છ કરે છે, તે વિજ્ઞાનનો એક નિયમ છે. જેને તમે વૈજ્ઞાનિક સિદ્ધાંત કહો છો, તે અમારી દૈનિક ક્રિયામાં વણાયેલા છે.'

એમણે કહ્યું કે 'તમારે ત્યાં દેશભક્ત જ્યોર્જ વોશિંગ્ટન અને માનવતાવાદી અબ્રાહમ લિંકન થયા, તો અમારે ત્યાં પણ સમ્રાટ અશોક અને રાજા વિક્રમ થયા છે.' ભારતની મહત્તા પ્રગટ કરીને એમણે કહ્યું કે, 'જો ભારતની સંસ્કૃતિ ખરીદી શકાય તેમ હોત તો તો ઈંગ્લેન્ડે તે દેશમાંથી ખરીદી લીધી હોત પણ એ બની શકે તેમ નથી.'

એમણે એક સભામાં કહ્યું કે 'આજે અમે મહારાણી વિક્ટોરિયાના પ્રજાજન છીએ. જો અમારી પોતાની સરકાર હોત તો અમે વિશ્વના બધા રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધની ગાંઠ બાંધી હોત. અમે કોઈના અધિકાર પર તરાપ મારવા ઈચ્છતા નથી. સમગ્ર માનવજાતની એકતાને 

ઝંખીએ છીએ. અને પછી સંસ્કૃત શ્લોકને ટાંકીને કહે છે કે મારા દેશના લોકો તો સમગ્ર વિશ્વને એક કુટુંબમાત્ર માને છે !'

તમે કલ્પના કરો કે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ દર્શાવવા માટે શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મપરિષદમાં જુદા જુદા ધર્મગુરુઓ સમક્ષ આવી હિમ્મત દાખવવી, એ કંઈ જેવી તેવી વાત નથી. પેન્ટાકોસ્ટના આક્ષેપો, અપશબ્દો અને પ્રહારોનો પ્રત્યુત્તર વીરચંદ ગાંધીએ સ્વસ્થતા, શિસ્ત અને પ્રમાણભૂત માહિતી સાથે આપ્યો અને આને પરિણામે ૨૬ સપ્ટેમ્બર, ૧૮૯૩ના 'શિકાગો ટાઈમ્સ' અખબારે પોતાની નોંધમાં લખ્યું,

''ભારતમાં છસ્સો જેટલી પૂજારણો છે જે વેશ્યા છે !'' એમ કહીને રેવરન્ડ જ્યોર્જ એફ. પેન્ટાકોસ્ટે નિમ્ન કક્ષાની ભાષા પ્રયોજીને ભારતની અઘટિત ટીકા કરી. આવી મલિન ઈરાદાવાળી ટીકાનો જૈન ધર્મના પ્રતિનિધિ વીરચંદ ગાંધીએ તાર્કિક ગરિમાપૂર્ણ પ્રત્યુત્તર વાળ્યો. આવી નોંધ સાથે આ અખબારે વીરચંદ ગાંધીનું પ્રવચન અક્ષરશ: પ્રગટ કર્યું.

ભારતમાં રાજકીય સ્વતંત્રતાની ઉષાનું પહેલું કિરણ પણ ફૂટયું નહોતું, ત્યારે ૧૮૯૩માં વીરચંદ ગાંધીએ એવું ભવિષ્યદર્શન કર્યું હતું કે, 'હિંદુસ્તાન આઝાદ થશે તો બધા દેશો સાથે શાંતિમય સહઅસ્તિત્વથી રહેશે.'

૨૫મી ઓગસ્ટ ૧૮૬૪ના દિવસે મહુવામાં જન્મેલા વીરચંદ રાઘવજી ગાંધીએ છેક ૧૩૨ વર્ષ પૂર્વે અમેરિકામાં ભારતીય દર્શન, જીવનશૈલી અને આઝાદીનો જયઘોષ ગજાવ્યો હતો. ૨૫મી ઓગસ્ટના એમના જન્મદિવસે અમેરિકામાં જઈને આઝાદી માટે અવાજ ઉઠાવનાર, અહિંસક માર્ગે આઝાદી મેળવવાનું ક્રાંતદર્શન આપનાર અને વિશ્વનાં તમામ દેશો સાથે સહઅસ્તિત્વથી રહેવા માટેની કલ્પના કરનાર એ વીર, વિદ્ધાન અને સાહસિકને યાદ કરીએ.

ક્ષણનો સાક્ષાત્કાર

રોજિંદી વ્યસ્ત અને ત્રસ્ત જિંદગીનાં સકંજામાં બરાબર સપડાયેલો માનવી જીવનની પારાવાર જળોજથામાં જ ડૂબેલો રહે છે. સાંસારિક કાર્યોનો બોજ, સામાજિક પ્રસંગોનું 'વોરંટ' કે પછી ધાર્મિક પ્રસંગો અથવા તો અન્ય સઘળી જવાબદારીઓ પૂરી કરવા માટે એ દોડધામ કરતો હોય છે. રોજ સવારે એલાર્મથી એની જિંદગીની ઉષા ઊગે છે અને મોડી રાત સુધી થાકીને લોથપોથ થઈ જઈને એ નિંદ્રાદેવીના ખોલે શરણું લે છે.

અધૂરામાં પૂરું સોશિયલ મીડિયા એને બાહરી જગતની પળેપળની ખબર પૂરી પાડે છે. એ જોઈ, વાંચી કે સાંભળીને ક્યારેક રોમાંચ અનુભવે છે, અકળાય છે અથવા તો આઘાત પામે છે. આ બધું થતું હોવા છતાં એ એના વિના રહી શકતો નથી. એની આંગળીઓ સતત મોબાઈલ કે લેપટોપ પર દોડતી રહે છે અને આમ એની ખુદની વ્યસ્ત દોડધામભરી જિંદગીમાં કેટલીય બિનજરૂરી બાબતો દખલ કરતી હોય છે.

જરા જિંદગીની આ બાહરી તેજ રફતારને થોડો સમય વિરામ આપીએ. એની ઝડપી દોડને થોભાવીને અને શાંતિથી ઊભા રહીને પોતાની જિંદગી વિશે વિચાર કરીએ. આમ કરવાથી ધીરે ધીરે બહારની દોડ ધીમી થશે, ચિત્ત શાંત થશે અને ભીતરના મૌનનો  અનુભવ થશે. જગતમાં ચોપાસ દોડતી તમારી નજર હવે અંતદ્રષ્ટિ પામશે અને જીવન પ્રત્યેનો તમારો અભિગમ બદલાઈ જશે. હવે વિચારશો કે અત્યાર સુધી જેને સાવ વિસરી ગયા હતા એ જીવનલક્ષ્યને ફરી હાંસલ કરવા કોશિશ કરવી છે અને એને માટે અંતદ્રષ્ટિનો પ્રકાશ પથપ્રદર્શક બની રહેશે.