- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા
- કૃષ્ણ ક્રાંતિકારી છે એટલે કામણગારા છે! પહેલી વખત ક્યા પ્રાચીન ભારતીય સંસ્કૃત ગ્રંથમાં ગીતાના મૂળ જેવી કૃષ્ણની સ્તુતિ છે એ જાણો છો?
रात अंधियारी कारी, जन्मे जब कृष्ण मुरारी,
खुल गयीं तब बेड़ियाँ सारी, जब जन्म लिए बनवारी।
धन्य हुए वसुदेव देवकी, खुशियाँ जीवन में पधारी,
कंस के अंत की तब तो, हो गयी पूरी तैयारी।
खुल गए सब ताले झट से, सो गए दरबान भी सारे,
कान्हा को लेकर फिर, वसुदेव गोकुल को पधारे।
छायी घन घोर घटायें, आफत सी बरसती जाएँ,
यमुना का जल भी देखो, हर पल बढ़ता ही जाए।
वसुदेव सब देख रहे थे, फिर भी हिम्मत न हारे
कृष्णा को लेकर वो फिर, झट से बढ़ गए थे आगे।
आगे वसुदेव जी चलते, कान्हा को सिर पे थामे,
पीछे थे शेष नाग जी, वो भी कान्हा को ढांके।
गोकुल में जब वो आये, सबको सोते हुए पाए,
यशोदा की उठा के बेटी,कृष्णा को वहाँ लिटाये।
वापस आ गए फिर मथुरा, हाथों में बेड़ियाँ आई,
दरबान जागे फिर सारे, सूचना कंस को पहुंचाई।
जैसे वो मारने आया, देवी ने रच दी माया,
गोकुल वो पहुँच चुका है, तुझको जो मारने आया।
रात अंधियारी कारी, जन्मे जब कृष्ण मुरारी,
खुल गयीं तब बेड़ियाँ सारी, जब जन्म लिए बनवारी।
गोकुल में फैली खुशियाँ, सब ने फिर जश्न मचाया,
जग का उद्धार करने, कृष्णा इस जग में आया।
प्रभु के दर्शन करने को, आये फिर नर और नारी,
सबका है अंत अब आया, जितने हैं अत्याचारी।
रात अंधियारी कारी, जन्मे जब कृष्ण मुरारी,
खुल गयीं तब बेडियां सारी, जब जन्म लिए बनवारी ।
આ કવિ બાબતે અનામ કવિતામાં કાવ્યતત્વ એટલું મનમોહક નથી, પણ આખો કૃષ્ણજન્મ જે રીતે વર્ણવાયો છે એ આકર્ષક છે ! ૧૫ ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્યદિન અને જન્માષ્ટમી એટલે કૃષ્ણનો જન્મદિન. આ વર્ષે બંને આગળ પાછળ છે અને આ જ સૌથી મહત્વનો સંદેશ છે. તમે પહેલા સ્વતંત્રતાને પ્રાપ્ત કરો. લવ લિબર્ટી અને લાઈફને અગત્યતા આપો, તો આપોઆપ પાછળ તમારા જીવનમાં કૃષ્ણનો જન્મ એટલે કે પૂર્ણ રીતે પ્રભાવક જગતગુરુ બને એવી ચેતનાનો જન્મ થવાનું નક્કી છે. કૃષ્ણની ભાવપૂર્ણ વાતો કરીને સંસાર ત્યાગ તથા મોક્ષની વાતો કરનારા એ ભૂલી જતા હોય છે કે કૃષ્ણ એક મહાન ક્રાંતિ પુરૂષ હતા ! એમની બાળલીલાઓમાં પણ જે ચીલો પરિવર્તન વિના ચાલે છે, સ્થાપિત છે, વડીલોએ બનાવેલો છે, જુનવાણી છે, રૂઢિચુસ્ત છે - એ તોડવાની યાને પરંપરાભંજક બનવાની વાતો છે. ભૂલી ગયા ઈન્દ્ર સામે ચૂપચાપ આગે સે ચલી આતી હૈ સ્વીકારી લેતા માંદલા સમાજને એમણે એક કર્યો, પ્રોત્સાહિત કર્યો અને બેઠો કર્યો... એટલે ગોવર્ધનપર્વત ઊંચકનાર ગિરીરાજધરણની જય છે. જો મરજી મુજબની સ્વતંત્રતા જ ના હોય, તો નહિ ભૌતિક વિજય મળે નહિં આધ્યાત્મિક શાંતિ મળે ! ફ્રીડમ ફર્સ્ટ. શું ખાવું ફરવું પહેરવું જોવું જીવવું એ અંગત આનંદની પસંદગીમાં બંધન કે ટીકા પણ એક પાપ છે !
માતૃત્વના નામે એટલા લાગણીઘેલા નહી પડવાનું કે કોઈ પૂતના આપણને છેતરી જાય અને કોઈ સત્તાધીશ કંસ પરિવારના મોભી હોય એટલે એની ખોટી વાતો સામે ઝૂકી નહિ જવાનું સમાજ કે કુટુંબની ઈજ્જતના નામે. યૌવનના આરંભિક ચરણમાં જ્યારે સૌંદર્ય અને સહવાસ રોમે રોમ રાસડા લેતા હોય ત્યારે જગત પ્રત્યે બેપરવા થઈને પોતાના સખાસખીઓનું ખાસ તો શૃંગારથી છલોછલ પ્રેમનો શારીરિક રસિક અભિષેક કરતી ગોપીઓનું વૃંદાવન કોઈ જ સંકોચ વિના રચવું ! જીવન કેવળ ગીતાનું દર્શન નથી અને કેવળ કુરુક્ષેત્રનું યુદ્ધ પણ નથી જીવનનું મૂળ તત્વ સૌથી પહેલા પ્રણય છે એની નટખટ મસ્તીભરી અને માદકમોહક ક્રીડાઓ છે. પ્રિયજનો સાથેનું સંવનન છે. એના બળ થકી બાકીના છળ સામે તમે ટટ્ટાર અડીખમ ઊભા થઈ શકો છો ! એ જ રીતે આપણા સ્વજન છે મોટા છે મહાન જગ્યાએ જઈને બેઠા છે એટલે એમને પડકાર ન કરાય અને ખોટું કરતા હોય એ ચલાવી લેવાય એવું ન હોય એ મામા પણ હોય અને રાજા પણ હોય છતાં અન્યાયી અને જડબુદ્ધિ હોય તો એમની સામે પડકાર ફેંકીને આંખમાં અભય આંજી એમની જ જગ્યામાં જઈને કોઈ આપણા પોતીકા સથવારા ને જોડે રાખીને પણ એમને હંફાવવાની કોશિશ કરાય... આ બધું જ કૃષ્ણની બાળલીલાઓમાં છે.
આપણે ત્યાં જે કોઈ પ્રાચીન કથાનકો છે, એ વિશિષ્ટ વ્યક્તિત્વની આસપાસ ફરે છે એટલે કે જે સ્પેશિયલ છે. એના ગીત ગવાયા કરે છે, આપણે સામાન્ય માણસની, કોઈ ખેડૂતની, કોઈ સેવકની બહુ કથાઓ નથી લખી. દાસીઓ આપણી કથામાં સાઈડ કેરેક્ટર તરીકે આવે છે અને નાના માણસો ટોળામાં. એમના મનના ભાવના આલેખન કવિઓએ બહુ કર્યા નથી. પણ એ વારસાની નોંધ લેવા જેવી બાબત એ છે કે ભારતમાં સૌથી વધારે પૂજાતા ઈશ્વરીય તત્વો સામાન્ય માણસ વચ્ચે જાય ત્યારે એમાં મહાનતાનું આરોપણ થાય છે. કૃષ્ણ રાજમહેલમાં નહીં પણ સાધારણ ગોવાળિયાઓ વચ્ચે મોટા થાય છે. રામ મહાન ત્યારે બને છે જ્યારે વનવાસમાં વનની અંદર રહેતા જીવોના સંપર્કમાં આવે છે. શિવ અને શક્તિ તો સમાજ જેનાથી છળી મરે એવી ભૂતાવળોની ભેગા છે. ભગવાન થઈને પૂજાવું એટલે કોઈ વિરાટ મંદિરોમાં અફાટ ભક્તોની ઘેલછાભરી ભીડ વચ્ચે ભવ્યાતિભવ્ય સામગ્રીઓથી શણગાર મેળવવા એમ નહીં, પણ છેવાડાના ગણી શકાય સહજ અને સરળ જીવન જીવતા હોય એવા આમ આદમી અને ઔરતો સાથે કનેક્શન બનાવવું એ કળા છે મોહનને જ નહીં, મોહનના દાસ એવા ગાંધીજીને પણ એ સાધ્ય થઈ ત્યારે આઈકોન બન્યા છે માત્ર બ્રિટિશ બેરિસ્ટર થઈને નહીં !
એટલે જ પેલા વાઈરલ મેસેજમાં દમ છે કે ''કૃષ્ણ જન્મ્યા ત્યારે તરત ગળથુથી પાવા કોઈ નહોતું, અને જ્યારે સ્વધામ સીધાવ્યા, ત્યારે ગંગાજળ પિવડાવવા કોઈ નહોતું..
છતાં આજે એમના નામની માળા જપતા લોકોને નિર્વાણની પ્રાપ્તિ થાય છે..કર્મોને આધિન શ્રેષ્ઠતા હોય છે !''
***
કૃષ્ણ નામના એક અર્થ જ આકર્ષણનું કેન્દ્ર થાય છે. કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરવાની એક જરૂરિયાત એ છે કે તમારી પાસે એને સમાવી ને સાચવી લેવાની જગ્યા જોઈએ. સમુદ્ર પાસે પેટાળ છે તો આપો આપ પર્વતની શિખર છોડીને પણ નદીઓ એમાં એકઠી થઈ જાય છે ! કૃષ્ણ જગદગુરુ પછી છે. પહેલા તો પરમ સખા છે. સપોર્ટિવ ફ્રેન્ડ છે. જરૂર પડે ત્યારે શીખવાડે છે. ક્યારેક મૌન રહીને બસ સધિયારો આપવા સાંભળે છે ને સામેથી સલાહો આપીને કંટાળાજનક નથી બનતા.
વિચાર કરજો, એમની વૃત્તિ કર્મની છે. કર્મ છોડવાની સાધુતા પણ એમને માટે વૈરાગ નથી, અલગ પ્રકારનો રાગના જ રાહ છે. પણ કામઢા માણસો બહુ બોરિંગ હોય. કડવા પણ હોય. માધવ તો મધુર છે. કારણ કે કર્મ એમનામાં કકળાટ કે ઉચાટ જન્માવી શકતું નથી. કર્મ કરવું જીવનમાં શ્વાસ લેવા જેવું સહજ કરો તો એનો ભાર ન વર્તાય, એને યાદ ન રાખવું પડે ને એ થવાથી ફુલાઈ જાવ કે ન થવાથી કરમાઈ જાવ એવું ના થાય. શ્વાસ ચાલે એ જીવનનો ક્રમ છે. એ લેવામાં પરાક્રમ નથી ને ના લેવામાં હતાશા નથી. કર્મ આટલું સહજ હોવું જોઈએ. એમનો સ્થાયીભાવ પ્રસન્નતા છે. એટલે સંવેદનશીલ પ્રકૃતિપ્રેમી અભિષેક અગ્રાવત લખે છે કે...
''આપણી સૌની અંદર ગોકુળ અને કુરુક્ષેત્ર વસેલાં છે. ગોકુળમાં રસોનો, આનંદનો, સગપણોનો, શૃંગાર, સંગીત અને સ્નેહનો ઉત્સવ બારેમાસ ચાલે છે. કુરુક્ષેત્રમાં અપેક્ષાઓ, નિર્ણયો, અસમાનતા અને સ્પર્ધાનું યુદ્ધ નિરંતર ચાલે છે. અને આ બંન્ને ભૂમિકા માનવસ્વભાવના મૂળમાં છે. કોઇ માણસ દુખથી પર નથી હોતો, કોઇ માણસ ઉલ્લાસનો વિરોધી નથી હોતો. હલકાઇની કોલેજમાં પી.એચડી થયેલાની અંદર પણ કરૂણા તો હોવાની જ. બધાની અંદર માત્રાભેદ હોય છે. ગોકુળ અને કુરુક્ષેત્ર માનવસ્વભાવમાં નામશેષ ન થઇ શકે. પરંતુ સારથિપણું કૃષ્ણને સોંપ્યું હોય તો વનરાવન વધુ ખીલે,ધર્મનો ઉઘાડ વધુ થાય અને જીવનસૌંદર્યની પહેચાન વહેલી થાય એવી આશા વાજબી લાગે છે.''
જેમ વારસાગત ટાલ આવે એમ દાયકાઓ જૂની આંદોલનો,ચળવળો અને યુદ્ધોની માનસિકતા એવી ઘોળાઇ ગઈ છે કે અમનની વ્યવસ્થા ન થવા દેવા સૌ તત્પર છે. વિરોધ કરવા સૌ મથે છે. સૌને બોલવું છે. ઇન્ફેકટ બોલ્યા જ કરવું છે. ચોપડાવી દેવું છે. 'મને ખબર પડે છે' વાળો રોલો પાડવો છે. ખબર ન પડે ત્યાં પણ શિંગડા ભરાવવા છે. એટલે વાતમાં કાંઈ ન હોય તોય કશુંક ભડકાવવા આપણે પ્રેરાઈએ છીએ. આંખોમાં સમાદર(મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ)નું પાણી એકત્રિત કરવાને બદલે સૌએ ખિસ્સામાં ભેદભાવભરી કેરોસીનની બાટલીઓ રાખી છે. પાંચ કે દસ દાયકા પહેલાં જેવી કોમવાદ કે જ્ઞાતિવાદની તીવ્રતા હાલ નથી. પણ એને સળગતી રાખવા અમુક લોકો કાયમ મથે છે. એમનો ઈરાદો સમાનતા સ્થાપવાના બુરખા હેઠે વિગ્રહોને દ્રઢ બનાવવાનો વધુ લાગે છે.
ચેનનો સમય છે. બેચેન આપણે બનાવી રહ્યાં છીએ. વારસો ક્યાંક નડે પણ છે એ સ્વીકારવાના પ્રકરણો કોઈ શીખવાડતું જ નથી. યુદ્ધનું સ્વરૂપ કોઈપણ હોય, યુદ્ધ સમાજનો આદર્શ ન હોવો જોઈએ. ચળવળ પોતે જ પોતાનામાં વળ લઈને બેઠી છે. ક્રાંતિ ભ્રાન્તિ તોડવા માટે હોય, નહીં કે નવા બંધનોના નિર્માણ હેતુ હોય.
નિરોધ વાપરવામાં અત્યંત આળસ કરતો આ મુલકનો જનસમુદાય વિરોધ કરવામાં ઉત્સુક છે એ આ ટાઈમ ઝોનની દરિદ્રતા છે. ત્યારે જરૂરત છે માધવની મહેસૂસગીની ! એક એવા શખ્સની જે આપણા સુખોને સમૃદ્ધ કરે, રસોને ઔર રસિક કરે અને આનંદની સરહદોને કાયમ વિસ્તારીને આપણા ભીતરના ભુવનને સ્વસ્થ રાખે. એક એવા કૃષ્ણ જેના માર્ગદર્શન હેઠળ આંતરિક દ્વંદ્વો, અસમથળ તબક્કાઓ અને ઉમ્મીદનો અણસાર ક્યાંય દેખાતો ન હોય ત્યારે આપણી પડખે આવીને મારગ ચીંધી જાય. અને આવો કૃષ્ણ હયાત છે. આપણી જ આસપાસ. આપણા જ કમરાંમાં, આપણા જ લમણાંમાં, આપણી જ નાનકડી દુનિયાના ક્ષેત્રફળમાં. પરંતુ ક્યાંક હજુ આપણી અંદર કરતાલ ઓછી વાગે છે, ક્યાંક હજુ ઘૂંઘરુંનો રણકાર ઘટે છે, ક્યાંક હજુ એને ગમતાં અંદાઝનો લિબાસ પહેરીને આપણે એને યાદ નથી કર્યો!
દીવાનગીના, દર્દોના, દરિયાદિલીના અને દિલ્લગીના દેવતાને દિલમાં અને દિમાગમાં રાખવાને બદલે જેણે-જેણે ધર્મ-સંપ્રદાય-પંથ અને રિવાજોની ચાર દીવાલો વચ્ચે કેદ કરીને રાખ્યો છે એમણે તો કૃષ્ણનો કારાવાસ વધાર્યો છે. આપણે આપણી દુકાનો ઘટાડી કૃષ્ણના માર્ગદર્શનનો લય પકડીને જીવવાની શરૂઆત કરીશું તો એ વહેલો મુક્ત થશે એવું માનવું ઠીક લાગે છે.
રાજવી કૂળનું સંતાન હોવા છતાં કૃષ્ણનું શૈશવ ગ્રામ્યજીવનમાં પસાર થયું. એણે એની લીલાના શરૂઆતના પ્રકરણો ગ્રાસરૂટ લેવલથી શરૂ કર્યા. છેવાડાના લોકો. સત્તા અને સમૃધ્ધિ પાછળ ગાંડા ન થનારા લોકો. સહજ અને પ્રેમથી પરિપૂર્ણ લોકો. ચોધાર આંસુએ રડી શકતાં લોકો. ઇન્તજારનો અર્થ સમજી શકતાં નિરક્ષર લોકો. એમણે આમ કેમ કર્યું ? એટલું સમજાય જાય તોય કૃષ્ણ અલમોસ્ટ સમજવો સહેલો થઈ જાય તેમ છે.।।
બ્રહ્મ પ્રત્યે અપરંપાર આદર છે. પણ કૃષ્ણ સ્વરૂપે પ્રગટીને એમણે સાવ ન્યાલ કરી દીધાં છે.''
***
તમને ખબર છે પ્રાચીનતા ધોરણે કૃષ્ણનું નામ પહેલું ક્યાં લખાયું આપણા સંસ્કૃત સાહિત્યમાં ? મહાભારત કે ભાગવત વિચારો, તો જવાબ સાચો નથી. હરિવંશ કે વિષ્ણુપુરાણ પણ નહીં અને રાધાકૃષ્ણના ઇરોટિક લવના વર્ણનો કરતું બ્રહ્મવૈવર્ત પુરાણ તો એટલું જૂનું પણ નથી. મોટે ઉપાડે સનાતનના નારા લગાવતા લોકો તો આમે કશું વાંચતા જ નથી.
એ છે છાંદોગ્ય ઉપનિષદ. ગીતામાં જે સામવેદ હોવાની વાત કૃષ્ણ કરે છે, એ જ હાઉસ, એ જ ઘરાનાનું આ માર્મિક ઉપનિષદ છે. એમાં પણ તરત ઊડીને આંખે વળગે એમ આ નામ નથી. ૮ અધ્યાય, ૧૫૪ ખંડ અને ૬૨૯ શ્લોકો ધરાવતા આ ઉપનિષદમાં માત્ર
૮ મંત્રો કૃષ્ણને સમર્પિત છે. જે ત્રીજા અધ્યાયના સત્તરમાં ખંડમાં છે. એમાં કૃષ્ણ કશું બોલતા નથી. ફક્ત મૌન રહી સાંભળે છે. ષિ ઘોર આંગિરસ 'દેવકીપુત્ર' કૃષ્ણને સંબોધે છે ગૂઢ ગણાતા પુરુષ યજ્ઞા માટે. જેમ એ વાત કહેવાય છે કે જેને ખાવું પીવુ તો રોજ છે, સ્વાદથી સરસ રીતે. પણ માત્ર એમાં જ ચિત્ત જેવું રમણ નથી એનું જીવન દીક્ષાનું જીવન છે ! ભલે એ આકરા ઉપવાસ ના કરે ! અને જે તપ, દાન, જુતા (મૂળ શબ્દ છે આર્જવ, થોડી ભાવની ભીનાશ વાળી કાઈન્ડનેસ), અહિંસા, સત્યનું જીવન જીવે છે, એનું જીવન દક્ષિણાનું જીવન છે.
ઓહો ! કેવડી મોટી વાત છે આમાં છુપાયેલી ! અને ષિ ઘોર આંગિરસ પછી કૃષ્ણને કહે છે : અક્ષિતમ્ અસિ, અચ્યુતમ્ અસિ, પ્રાણ સંશિતમ્ અસિ. અર્થાત્, તું અવિનાશી છો, તું નિત્ય છો, તું નરી આંખે ન દેખાતા પ્રાણથી પણ સૂક્ષ્મ છો ! અને સમાપનની ચા કહે છે કે આ લોકોને પેલે પાર જે જ્યોતિ પ્રકાશે છે, ઉપાસકો એના દર્શનથી પોતાનો અંધકાર દૂર કરે છે !
આ છે સનાતન જીવન ! એ પર્વ બની જાય એની શરત જ કૃષ્ણે કાયમ ભારપૂર્વક કહી છે. એક જગ્યાએ વધુ પડતું ચોંટી જઈને દુ:ખ ને નાશ નોતરવો નહીં. આનંદ ભોગ રસ મળે ત્યારે માણી પછી વધુ પડતા ઇમોશનલી હર્ટ થયા કે કર્યા વિના આગળ ચાલતા થવું. આ આવડી ગયું એનું સુખ અવિનાશી ને એની શક્તિ નિત્ય ! બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય !
ફાસ્ટ ફોરવર્ડ
તારે જે કરવું હોય તે કર, કાનજી
હું તો નહીં છોડું આ તારું ઘર, કાનજી
લિ. રુકમણિ
*
મેં તો માની લીધો છે દિલબર કાનજી,
મારે શું કરવું છે તારું ઘર, કાનજી!!!
લિ. રાધા
*
એક તું છે મારા આત્માનો વર, કાનજી!
તારો ભેખ ધરી મેં છોડયું ઘર, કાનજી!
લિ .મીરાંબાઈ
- મંથન ડીસાકર


