Get The App

ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રના રહસ્યો

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રના રહસ્યો 1 - image

- અગોચર વિશ્વ-દેવેશ મહેતા

- આજના અસ્ત્ર માત્ર પ્રહાર અને સંહાર કરે પણ સુદર્શન ચક્ર બીજા અસ્ત્રોથી બચાવ કરે અને રક્ષણ પણ કરી શકે. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું તેજસ તત્ત્વ છે

ભ ગવાન શ્રીકૃષ્ણનું સુદર્શન ચક્ર એ એક અદ્દભુત અસ્ત્ર છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ ચક્ર ભગવાન શિવે ભગવાન વિષ્ણુને, ભગવાન વિષ્ણુએ અગ્નિ દેવને, અગ્નિ દેવે વરુણ દેવને, વરુણ દેવે ભગવાન પરશુરામને અને ભગવાન પરશુરામે ભગવાન શ્રીકૃષ્ણને આ અમોઘ શસ્ત્ર આપ્યું હતું. એક પૌરાણિક કથા અનુસાર ભગવાન વિષ્ણુને દાનવોના અત્યાચારથી મુક્તિ અપાવવા ભગવાન શિવે એ સ્વયં પ્રકટ કરીને તેમને આપ્યું હતું. એક બીજી કથામાં એવો નિર્દેશ છે કે ભગવાન વિશ્વકર્માએ સૂર્યના તેજથી તેનું નિર્માણ કર્યું હતું. ભગવાન વિશ્વકર્માની પુત્રી સંજ્ઞાના લગ્ન સૂર્યદેવ સાથે થયા હતા. વિવાહ બાદ તે સૂર્યલોકમાં રહેવા લાગી હતી. પણ તે સૂર્યના તેજને સહન કરી શકી નહોતી. તેણે તેની આ પીડા તેના પિતાને જણાવી. તેમાથી તેને મુક્તિ અપાવવા તેમણે સૂર્યદેવના તેજથી 'ચક્ર'નું નિર્માણ કર્યું. તે પછી સૂર્યના તેજમાં ધાર્યો ઘટાડો ન થયો એટલે વિશ્વકર્માએ સૂર્યથી પુષ્પક વિમાન અને શિવજીના ત્રિશુલનું નિર્માણ કર્યું હતું.

પુરાણ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ અને એમના અવતાર ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા સુદર્શન ચક્રના પ્રયોગના અનેક પ્રસંગો આલેખિત થયેલા છે. ભગવાન વિષ્ણુએ ભગવાન શિવના પત્ની સતીના મૃત શરીરના સુદર્શન ચક્રથી ૫૧ ટુકડા કર્યા હતા જે જ્યાં પડયા ત્યાં ૫૧ શક્તિપીઠોનું નિર્માણ થયું અને ટુકડાના ભાગની તે દિવ્ય શક્તિપીઠોમાં પૂજા થવા લાગી હતી. સમુદ્ર મંથન વખતે અમૃત નીકળ્યું ત્યારે અમૃત વહેંચતી વખતે દેવોની પંક્તિમાં બેસી ગયેલા સ્વર્ભાનું નામના દાનવનું માથું ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી કાપી નાંખ્યું હતું. અમૃત પી લીધું હોવાથી તે દૈત્ય મરણ પામ્યો નહોતો. તેનું માથું રાહુ અને ઘડ કેતુ તરીકે ઓળખાવા લાગ્યું. રાજા અંબરીષની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ એ ચક્ર એમની સુરક્ષા માટે નિયુક્ત કર્યું હતું. દુર્વાસા મુનિએ અંબરીષને મારવા કૃત્યા છોડી ત્યારે સુદર્શન ચક્રે એ કૃત્યાને મારી દુર્વાસાની પાછળ પડયું હતું. કોઈ તેને અટકાવવા સમર્થ ન બન્યું ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને અંબરીષની ક્ષમા માંગવાથી તે શાંત થશે અને ત્યારે જ તે બચી શકશે એમ જણાવ્યું હતું. દુર્વાસાએ અંબરીષની ક્ષમાં માંગી ત્યારે જ તે શાંત થયું હતું.

સુદર્શન ચક્ર એક એવું અસ્ત્ર છે જે સતત ફરતું રહે છે. આ ચક્ર ભૌતિક વિજ્ઞાનના સુપર કન્ડક્ટિવિટીના સિદ્ધાંતનું ઘોતક છે. ક્વોન્ટમ થર્મોડાયનેમિક્સ સાથે સુપર કન્ડકિટવિટી (અતિચાલકતા કે અતિવાહકતા)નો સિદ્ધાંત પણ સંકળાયેલો છે. ડચ ભૌતિકવિજ્ઞાની હેઈક કેમરલિંઘ ઓનિસ (Heike kamerlingh onnes)ને ૧૯૧૩માં સુપર કન્ડકિટવિટીની થિયરી આપવા માટે ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું. ઘણી ઘાતુઓમાં નીચા તાપમાને વિદ્યુત અવરોધ એવું સૂચવે છે કે ઘાતુની સૂક્ષ્મ તંતુજાળમાં નાભિ (Nucleus) થી દૂર સ્પંદિત થતા ઈલેક્ટ્રોન યાદ્રચ્છિક રીતે વેરવિખેર થાય છે એમ છતાં અત્યંત નીચા તાપમાને (૪.૩ કેલ્વિન કે ૪૫૨ ફેરનહીટ હોય ત્યારે) આ અંધાધૂંધી ભરેલી ગતિ  એક એવા અંતકર્મને પ્રગટ કરે છે જેમાં ઈલેક્ટ્રોન સામૂહિક રીતે એવી રીતે વર્તે છે જેથી કોઈ અવરોધ રહેતો નથી. અને અતિચાલકતા કે અતિવાહકતા (Super conductivity)ની સ્થિતિ પ્રકટ થાય છે.

ક્વોન્ટમ થર્મોડાયનેમિક્સ જણાવે છે કે સુપર કન્ડકિટવ સ્થિતિમાં આવેલી વસ્તુ સતત ગતિશીલ રહે છે. સામાન્ય રીતે આપણે એવું જોઈએ છીએ કે ગતિમાં આવેલી વસ્તુ ધીમેધીમે ધીમી પડે છે અને અંતે અટકી જાય છે કેમ કે તેને અવરોધ નડે છે પરંતુ અતિચાલક સ્થિતિમાં આવેલી બધી વસ્તુ અવરોધ કે પ્રતિરોધ (resistance)ન હોવાને કારણે સતત ગતિમય રહે છે. આ બાબત હિંદુ ધર્મશાસ્ત્રોમાં વર્ણન કરાયેલ સુદર્શન ચક્રથી યથાર્થ રીતે અભિવ્યંજિત થાય છે. બધા અસ્ત્રોમાં માત્ર સુદર્શન ચક્ર એવું છે જે સતત ગતિશીલ રહે છે. તે મનની ગતિથી ચાલે છે. તે એક પળમાં લાખો ચકરાવા લઈ લે છે. આંખનો પલકારો મારવામાં આવે એટલી વારમાં તો તે લાખો યોજનનું અંતર કાપી કાઢે છે. એક યોજન એટલે આઠ કિલોમીટર.

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ગૂઢાર્થને પ્રકટ કરતી સુબોધિની ટીકામાં શ્રીવલ્લભાચાર્ય મહાપ્રભુજીએ લખ્યું છે - સુદર્શનેન સ્વાસ્ત્રેણ સ્વાનાં રક્ષાં વ્યપાદ્વિભુ:। (૧-૮-૧૨) તંત્ર સુદર્શનચક્રમલાત ચક્રવત્ શરપાણ્ડવાનાં મધ્યે પરિભ્રમતિ । અતસ્તેન તેષાં રક્ષાં કૃતવાન્ સ્વાનામિતિ રક્ષાયાં હેતુ :। વિભુરિતિ સામર્થ્યે । સ્વાસ્ત્રપદેન બુદ્ધિપૂર્વક રક્ષાકરણત્વં સુદર્શનસ્ય સૂચિતમ્ । ભગવાન શ્રીકૃષ્ણે કૌરવોએ છોડેલા પાંડવો તરફ આવતા બાણથી પાંચે પાંડવોની પોતાના સુદર્શન ચક્રથી રક્ષા કરી. અગ્નિચક્ર સતત ઘૂમતા તેજો વર્તુળની જેમ સુદર્શન ચક્ર પાંચે બાણ તથા પાંડવોની વચ્ચે અટકયા વગર ઘૂમતું રહે છે. પાંડવો પોતાના છે એમ સમજી સર્વસમર્થ પ્રભુએ સુદર્શનથી તે બાણોને રોકી, તેમને નષ્ટ કરી પાંડવોની રક્ષા કરી. સુદર્શન બુદ્ધિપૂર્વક સમજીને રક્ષાનું કાર્ય કરે છે. તે જડ વસ્તુ નથી. તે ચેતન છે એટલે વિચારીને કામ કરી શકે છે.

અત્યારની કોમ્પ્યૂટર ગાઈડેડ મિસાઈલ સ્વયં સંચાલિત નિયત જગ્યાએ હુમલો કરે છે તેનાથી પણ વધારે સારી રીતે સુદર્શન ચક્ર કામ કરી શકે છે. અત્યારના અસ્ત્રો કદાચ છોડયા પછી પાંછા ન પણ આવે. તેમને છોડયા પછી અટકાવી ન શકાય. એક વખત ઉપયોગમાં લીધા પછી ફરી તેમનો ઉપયોગ ન કરી શકાય તેવા હોય છે. જ્યારે સુદર્શન ચક્ર એક જીવંત  દેવતાઈ શક્તિ સમાન છે. તે ઈચ્છા પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય, છોડયા પછી પાછું લાવી શકાય છુટયા પછી પણ તેને અધવચ્ચે ઈચ્છા હોય તો રોકી કે અટકાવી શકાય. તેને ગમે તેટલી વખત ઉપયોગમાં લઈ શકાય. તેની શક્તિ જરાય ઘટે નહીં. આજના અસ્ત્ર માત્ર પ્રહાર અને સંહાર કરે પણ સુદર્શન ચક્ર બીજા અસ્ત્રોથી બચાવ કરે અને રક્ષણ પણ કરી શકે. સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુનું તેજસ તત્ત્વ છે. તે દિવ્ય પ્રકાશ પ્રગટ કરી પ્રભુદર્શન કરાવી શકે. તે આત્મ-સ્મરણ અને આત્મ-જ્ઞાન આપી શકે છે. ભગવાનનું સુદર્શન સ્વરૂપ રોગોનું નિવારણ પણ કરી શકે છે. આમ, સુદર્શન ચક્ર માત્ર ભગવાન વિષ્ણુ કે શ્રીકૃષ્ણનું લડવાનું અસ્ત્ર માત્ર નથી, તે સ્વયં જીવંત ભગવત્સ્વરૂપની શક્તિ છે.