Get The App

કાગળ સીધો પકડો, ડિરેક્ટર સાહેબ! .

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
કાગળ સીધો પકડો, ડિરેક્ટર સાહેબ!                              . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- સુપરહિટ 'હમ દોનોં'માં દેવ આનંદ એક લશ્કરી જવાન બન્યા છે. આ ફિલ્મ રિલીઝ થઈ તે વાતને  અત્યારે 65મું વર્ષ ચાલે છે. આ ફિલ્મના મેકિંગ દરમિયાન જબરાં નાટક થયાં હતાં, જેમ કે...

૧૯ ૬૧માં રિલીઝ થયેલી 'હમ દોનોં' ફિલ્મમાં દેવ આનંદ લશ્કરી જવાન બને છે તે વાત સાચી, પણ એમનું પાત્ર અંગેજોની સામે બંદૂક તાણતું નથી, બલ્કે એ બીજા વિશ્વયુદ્ધમાં અંગ્રેજો વતી અંગ્રેજોના દુશ્મનો સામે લડે છે. સેકન્ડ વર્લ્ડ વોરમાં અઢી લાખ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો તે વિગત આપણને જલદી યાદ આવતી નથી! 'હમ દોનોં' જેવી ક્લાસિક ફિલ્મના ડિરેક્ટર અમરજીત નામના કોઈ મહાશય હતા તે પણ આપણને ક્યાં ઝટ યાદ આવે છે? એનું કારણ છે. પડદા પર ડિરેક્ટર તરીકે ભલે અમરજીતનું નામ વંચાય, પણ પડદા પાછળની કથા કંઈક જુદી છે.

વાત એમ હતી કે વિજય આનંદ ઉર્ફ ગોલ્ડી પોતાના બેનર નવકેતન ફિલ્મ્સના નેજા હેઠળ અમરજીતને ડિરેક્ટર તરીકે ચાન્સ આપવા માગતા હતા. વિજય આનંદને દેવ આનંદના નાના ભાઈ તરીકે પરિચય આપવાની જરૂર નથી, કેમ કે તેઓ ખુદ અફલાતૂન ડિરેક્ટર હતા. 'ગાઇડ', 'તીસરી મંઝિલ', 'જ્વેલથીફ' અને 'જોની મેરા નામ' સહિતની કેટલીય યાદગાર ફિલ્મો એમના નામે બોલે છે.

દેવ આનંદ ઇચ્છતા હતા કે 'હમ દોનોં'નું લેખન અને ડિરેક્શન બન્ને ગોલ્ડી કરે, પણ ગોલ્ડીની જીદ હતી કે ના, મેં અમરજીતને પ્રોમીસ આપ્યું છે એટલે મારે એની પાસે જ આ ફિલ્મ ડિરેક્ટ કરાવવી છે. દેવ આનંદે કહ્યુ: અમરજીત કેવું કામ કરશે એની કોઈ ગેરંટી નથી. જો એ લોચા કરશે તો ફિલ્મ તારે પૂરી કરવી પડશે. ગોલ્ડી કહે: ડન!

ગોલ્ડીએ જાણીતા રંગકર્મી સત્યદેવ દૂબે અને અમરજીતને મુંબઈથી પોતાની સાથે લઈને જીપમાં કાશ્મીર જવા નીકળી પડયા. રસ્તામાં હોટલમાં રોકાવાનું થાય ત્યાં તેઓ 'હમ દોનોં'ની સ્ક્રિપ્ટ લખવા માંડતા. કાશ્મીરમાં તેમણે હાઉસબોટ ભાડે કરી. વીસ દિવસમાં સંવાદો સાથેની આખેઆખી સ્ક્રિપ્ટ રેડી કરી નાખી. મુંબઇ પાછા ફર્યા બાદ દેવ આનંદે સ્ક્રિપ્ટ સાંભળીને તરત કહ્યું: શૂટિંગની તૈયારી શરૂ કરો.

'હમ દોનોં'નાં ગીતો જયદેવે કંપોઝ કર્યાં છે. એ જમાનામાં તેઓ નવકેતન ફિલ્મ્સમાં નોકરી કરતા હતા. શરૂઆતમાં તેઓ એસ.ડી. બર્મનને આસિસ્ટ કરતા. ગોલ્ડી 'હમ દોનોં'માં જયદેવને સ્વતંત્રપણે મ્યુઝિક કંપોઝર તરીકે હવાલો સોંપવા માગતા હતા. લતા મંગેશકરે શરત મૂકી: હું જયદેવના સંગીત નિર્દેશનમાં કામ કરીશ ખરી, પણ ફિલ્મમાં જે બન્ને ભજનો છે - 'અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ' અને 'પ્રભુ તેરો નામ' - તે તમારે મારી પાસે જ ગવડાવવા પડશે. ગોલ્ડી વાસ્તવમાં 'અલ્લાહ તેરો નામ' પ્રતિષ્ઠિત ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મી પાસે ગવડાવવા માગતા હતા, પણ લતા નારાજ ન થાય તે માટે એમણે શરત માની લીધી. લતાની દ્રષ્ટિ કેટલી પારખુ હતી તે જુઓ. આજે 'અલ્લાહ તેરો નામ...' એમનાં સવર્કાલીન શ્રેષ્ઠતમ ગીતોની યાદીમાં સ્થાન પામે છે. ઇન ફેક્ટ, ફિલ્મમાં એકએકથી ચડિયાતાં ગીતો છે - 'અભી ના જાઓ છોડકર...' (રફી-આશા), 'મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા....' (રફી), 'કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા...' (રફી) વગેરે. આ બધાં અમર ગીતો છે.

ગીતો તૈયાર થયાં એટલે નાયિકાઓ તરીકે સાધના અને નંદાની વરણી કરવામાં આવી. તમે નોંધ્યુ હશે કે 'હમ દોનોં'ના ડાયલોગ્ઝ બહુ ચોટદાર છે. ગોલ્ડીએ સંવાદો પાછળ વિશેષ ધ્યાન આપ્યું હતું એનું કારણ છે. ગોલ્ડી ખુદ ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે તેઓ વિઝયુઅલ્સ અને એક્શન પર વધારે ભાર મૂકતા, પણ તેઓ જાણતા હતા કે અમરજીત આવું નહીં કરી શકે. તેથી જો એક્ટરોને દમદાર ડાયલોગ્ઝ આપીશ તો એમની અદાકારી આપોઆપ ખીલી ઉઠશે.

અમરજીત ડિરેક્ટર તરીકે નબળા છે તે ગોલ્ડી જાણતા હતા. ગોલ્ડી સેટ પર એક્ટરો-ટેક્નિશીયનોની હાજરીમાં એમને શીખવે કે સલાહ-સૂચના આપે તો યુનિટમાં અમરજીતનું માન ન જળવાય. તેથી શૂટિંગ શરૂ થતાં પહેલાં ગોલ્ડીએ અમરજીતને ઘરે બોલાવીને શોટ્સ કેવી રીતે લેવા, કૅમેરા ક્યાં ગોઠવવા વગેરે કાગળ પર આકૃતિઓ દોરીને વિગતવાર સમજાવ્યું...પણ શૂટિંગના પહેલા જ દિવસે ગરબડ થઈ ગઈ! ગોલ્ડીએ સેટ પર પહોંચીને જોયું કે અમરજીતે આકૃતિ દોરેલો કાગળ ઊંધો પકડયો છે. તેઓ સિનેમેટોગ્રાફરને ખોટી જગ્યાએ કૅમેરા રાખવાનું કહી રહ્યા હતા. સિનેમેટોગ્રાફર ભડકી ગયો. સેટનો માહોલ ગરમ થઈ ગયો હતો. ગોલ્ડીએ અમરજીતને એક બાજુ બોલાવીને સમજાવ્યું કે ભાઈ, તેં કાગળ ઊંધો પકડયો છે. કૅમેરાને અહીં નહીં પણ ત્યાં મૂકાવ!

બીજે દિવસે પાછી એ જ રામાયણ. ગોલ્ડીને સેટ પર તાબડતોબ બોલાવવામાં આવ્યા. આ વખતે પણ અમરજીતે કાગળ ઊંધો પકડીને ખોટી સૂચનાઓ આપી હતી. ગોલ્ડીએ વિચાર્યું કે હશે, શરૂઆતમાં ભૂલ થાય, ધીમે ધીમે આવડી જશે... પણ શીખે એ અમરજીત નહીં. તેઓ વારે વારે ભૂલો કર્યા કરતા. અમરજીતે શૂટ કરેલાં દશ્યોનું ફૂટેજ દેવ આનંદ અને ગોલ્ડીએ જોયું. બહુ ખરાબ કામ થયેલું. દેવ આનંદ ગુસ્સે થઈ ગયા: આ અમરજીત આપણને ડૂબાડી દેશે. કાઢી મૂકો એને. ગોલ્ડી કહે: ના, અમરજીત ભલે રહ્યો. કાલથી હું સેટ પર આખો દિવસ હાજર રહીશ, બસ?

ગોલ્ડી હવે સેટ પર ફુલટાઇમ હાજર રહેવા લાગ્યા. તેઓ સતત અમરજીતના અજ્ઞાનને છાવરતા. તેઓ કલાકારોને  સંવાદો પાકા કરાવતા. સાધના તો દરેક સીન પહેલાં ગોલ્ડી સાથે ચર્ચા કરવાનો ખાસ આગ્રહ રાખતાં. ગોલ્ડી સાથે રિહર્સલ થાય પછી જ એ શોટ આપવા જાય. એક દિવસ ગોલ્ડી અને દેવ આનંદ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ હતું. સીન એવો હતો કે સાધના પોતાના ગરીબ પ્રેમી દેવ આનંદની ઓળખાણ પોતાના પિતા સાથે કરાવવા એને ઘરે બોલાવે છે. પિતા મોટા જાગીરદાર છે, વિશાળ બંગલામાં રહે છે. સ્ક્રિપ્ટમાં સૂચના લખી હતી કે નાયિકા નાયકનો હાથ પકડીને ઘરની અંદર દોરી જાય છે. દેવ આનંદને આ ચેષ્ટા ન ગમી. એમણે કહ્યું: હિરોઈને શા માટે કૂતરાને લઈ જતી હોય તેમ મારો હાથ પકડીને મને અંદર લઈ જવો પડે? ગોલ્ડીએ એમને ઘણા સમજાવ્યા, પણ દેવ આનંદ ન જ માન્યા. ગોલ્ડીને માઠું લાગ્યું. તેમને થયું, હું ફિલ્મનો ડિરેક્ટર નથી તોય શા માટે મારે કોઈનું ખરું-ખોટું સાંભળવાનું? તેઓ ચુપચાપ સેટ પરથી નીકળી ગયા. દિમાગ શાંત કરવા મરીન ડ્રાઇવ પર 'બોમ્બે લીઝ' નામની પોતાની ફેવરિટ રેસ્ટોરાંમાં તેઓ બે-ત્રણ કલાક બેસી રહ્યા. આ બાજુ સેટ પર ગોલ્ડી માટે શોધાશોધ થઈ ગઈ. દેવ આનંદને ખબર હતી કે ગોલ્ડી ક્યાં બેઠા હશે. ગોલ્ડીને તેડવા એમણે એક માણસ મોકલ્યો. માણસે કહ્યું કે ગોલ્ડીસાહેબ, પ્લીઝ સેટ પર ચાલો, તમારા વગર શૂટિંગ અટકી પડયું છે. ગોલ્ડી સેટ પર આવ્યા. જાણે કશું બન્યું જ ન હોય તેમ દેવ આનંદે કહ્યુ: હવે શૂટિંગ શરૂ કરીએ? ...ને પછી ગોલ્ડીએ સ્ક્રિપ્ટમાં લખ્યું હતું એક્ઝેક્ટલી એ જ રીતે સાધના દેવ આનંદનો હાથ પકડીને ઘરમાં લઈ જતી હોય તે શોટ લેવાયો.

આખરે ફિલ્મ બની, રિલીઝ થઈ, સુપરહિટ પૂરવાર થઈ, ખૂબ વખણાઈ. દેવ આનંદ આ ફિલ્મ પછી સાચા અર્થમાં દેવ આનંદ બન્યા. 'હમ દોનોં'એ ગઈ ફેબ્રુઆરીમાં ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો. ગોલ્ડીના જીવન અને ફિલ્મો વિશેની આવી ખૂબ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અનિતા પાધ્યા લિખિત 'એક થા ગોલ્ડી' નામના સરસ મજાના હિન્દી પુસ્તકમાં સંગ્રહાઈ છે. વાંચજો.

'મેં પ્રોડયુસ કે ડિરેક્ટ કરેલી ફિલ્મ, કે જેમાં મેં એક્ટિંગ કરી હોય કે ન પણ કરી હોય, તે સારી જ બની છે એની મને કોઈ ખાતરી ક્યારેય હોતી નથી. તેથી જ રિલીઝ પહેલાં હું ફિલ્મના પંદર-વીસ ટ્રાયલ શોઝ ગોઠવું છું અને એવા સાધારણ દર્શકોને દેખાડું છું જે મારા માટે બિલકુલ અજાણ્યા હોય. બીજા ફિલ્મમેકરો મને કહેતા રહે છે કે વાહ યાર, તું તો બહુ હિંમતવાળો છે, ફિલ્મ રિલીઝ કરતાં પહેલાં જ તું સેંકડો લોકોને તારી ફિલ્મ દેખાડી દે છે. સચ્ચાઈ એ છે કે ટ્રાયલ શોઝમાં જે પ્રતિભાવ મળે તેના આધારે અમે ફિલ્મને વારે વારે એડિટ, રી-એડિટ કરતા રહીએ છીએ અને બધું ઠીકઠાક લાગે પછી જ ફિલ્મ રિલીઝ કરીએ છીએ... જ્યારે બીજા ફિલ્મમેકરો તો ધડ્ દઈને પોતાની ફિલ્મને સીધી ઓડિયન્સ સામે મૂકી દે છે. અસલી હિંમતવાળા તો આ ફિલ્મમેકરો છે!'                       

- આમિર ખાન

ત્રિપાંખ: તિરંગાની શાન

આર્મી

ભા રતીય આર્મીની રચના બ્રિટિશ ઈન્ડિયા વખતે ૧૮૫૮માં થઈ હતી. આઝાદી સુધી એ બ્રિટિશ ઈન્ડિયન આર્મી તરીકે ઓળખાતી હતી. ત્યાર બાદ તેનું નામકરણ ઈન્ડિયન આર્મી કરવામાં આવ્યું હતું. 

ભારત પાસે દુનિયાની સૌથી વિશાળ ૨૧ લાખ જવાનોની વોલેન્ટરી આર્મી છે. ભારતીય આર્મીના એક્ટિવ પર્સન્સની વાત કરવામાં આવે તો ૧૩ લાખ સૈનિકો ભારતની વિશાળ સરહદોની રક્ષા કાજે ઠંડી-ગરમી-પૂર-પાણીમાં ખડેપગે રહે છે. આ ઉપરાંત ૧૩ લાખ પેરામિલિટરી સ્ટાફ છે. કુલ સંખ્યા ૪૭ લાખ સૈનિકોની સંખ્યા થવા જાય છે. જે ભારતને અમેરિકા અને ચીન પછી સંખ્યાની દૃષ્ટિએ ત્રીજા નંબરની સૌથી મોટી મહાસત્તા બનાવે છે.

ભારતમાં આવી પડેલી હોનારતોમાં આપણાં સૈન્યના જવાનો પીડિતોના આંસુ લૂછવા આવી જાય છે તો વિકાસમાં પણ પોતાના તરફથી બનતો ફાળો નોંધાવે છે. એના બે ઉદાહરણો જોવા જેવા છે. ઉત્તરાખંડમાં પૂરહોનારત વખતે જે કામ આર્મીએ કર્યું એ વિશ્વનું સૌથી મોટું સિવિલ રેસક્યુ ઓપરેશન હતું. વિશ્વભરમાં ભારતીય આર્મીની ભરપેટ પ્રશંસા થઈ હતી. એ જ રીતે ભારતીય મિલિટરીએ ૧૯૮૨માં  લદાખની ઘાટી ઉપર વિશ્વનો ઊંચો બ્રિજ બનાવ્યો હતો.

નેવી

ભા રતીય નૌસેના બ્રિટિશ ઈન્ડિયા વખતે રોયલ ઈન્ડિયા નેવીના નામે ઓળખાતી હતી. ૧૯૫૦ પછી કેટલાક ફેરફાર કરીને ભારતીય નૌકાદળને આજની ઓળખ આપવામાં આવી હતી. 

નૌસેના પાસે ૭૩ હજાર કરતા વધુ એક્ટિવ સૈનિકો છે અને ૨૯૫ ઉપરાંત શિપ્સ છે. આ સિવાય ૩૦૦ અત્યાધૂનિક એરક્રાફ્ટ છે જે દુશ્મન સૈન્ય ઉપર ભારે પડી શકે તેમ છે. પોર્ટુગિઝ સામે ગોવાના મામલે ભારતીય નેવીએ ઓપરેશન વિજય નામે જે સરાહનીય કામ કર્યું હતું એ આઝાદ ભારતના ઈતિહાસમાં અવિસ્મરણીય બની રહ્યું છે. 

ભૂમિદળની જેમ નૌકાદળ પણ દેશમાં અચાનક આવી પડેલી કુદરતી હોનારતોમાં બખૂબી સાથ નિભાવે છે. ૨૦૦૪બીટ ત્સુનામીએ ભારતની જ નહીં પણ દરિયાઈ પટ્ટીના બધા જ દેશો ઉપર કારમો કહેર મચાવ્યો ત્યારે ભારતીય નૌસેનાના જવાનોએ રાત-દિવસનો ભેદ ભૂલીને અફાટ સાગરમાં ભૂખ-તરસની પરવા કર્યા વગર લાખો લોકોની મદદ કરી હતી. ભારતીય નૌકાદળની વૈશ્વિક તુલના કરવાની હોય તો અમેરિકા, રશિયા, ચીન અને બ્રિટિશ નેવી પછી ક્ષમતાની બાબતમાં ભારતીય નેવીનો પાંચમો નંબર આવે છે.

એરફોર્સ

ભા રત ગણતંત્ર રાષ્ટ્ર બન્યું એટલે રોયલ ભારતીય સેનામાંથી બ્રિટનની ઓળખ એવો 'રોયલ' શબ્દ હટાવી દેવામાં આવ્યો અને એ સાથે જ વિશેષ ચિહ્ન તરીકે ભારતીય રાષ્ટ્રધ્વજને સ્થાન આપવામાં આવ્યું. વળી, ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણના મુખે બોલાયેલા શ્લોકમાંથી 'નભ: સ્પૃશં દિપ્તમ્' વાક્યને મુદ્રાલેખ બનાવવામાં આવ્યો. વાયુદળે ૧૯૬૫-૧૯૭૧-૧૯૯૯માં ખેલાયેલા પાકિસ્તાન સામેના યુદ્ધમાં સંગીન ભૂમિકા ભજવી હતી એ ઈતિહાસ જાણીતો છે. અત્યારે ભારત પાસે દોઢેક લાખનું કુશળતા પામેલું સૈન્ય છે. ૧૭૫૦ કરતાં પણ વધારે એરક્રાફ્ટ છે અને એ તમામ એટલા શક્તિશાળી છે કે દુશ્મનોના સૈન્યને ધ્વસ્ત કરવા પૂરતાં છે. ૫૫૦ કરતાં વધુ હેલિકોપ્ટર્સ વાયુસેનાની શાનમાં વધારો કરી રહ્યાં છે. ૧૯૩૨માં બ્રિટિશ ઈન્ડિયા વખતે અસ્તિત્ત્વમાં આવેલી એરફોર્સે ૭૫ પ્રકારના વિમાનોને આકાશની ઊંચી ઉડાન ભરાવી છે. અમેરિકા, ચીન, રશિયા અને બ્રિટન પછી બધી જ રીતે ભારત પાંચમાં નંબરનું શક્તિશાળી રાષ્ટ્ર છે.