Get The App

શું સ્વાગત 'ધંધાદારી' રાજકારણી માગતો હતો?

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
શું સ્વાગત 'ધંધાદારી' રાજકારણી માગતો હતો? 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- સ્વાગત કઈ ઘટનાથી 'હીરો' મટી 'ઝીરો' બની ગયો ? તપસ્યાનું બલિદાન એળે ગયું નહોતું

એ જ બંગલો, એ જ કમ્પાઉન્ડ અને એ જ ડ્રોઇંગરૂમ ! પણ સ્વાગતને બધું નવું-નવું લાગતું હતું. બગીચાના ફૂલો, ડ્રોઇંગરૂમની લાલ જાજમ, ભીંત પર શોભતા પેઈન્ટિંગ્ઝ - બધું પહેલાં જે રમ્ય, આકર્ષક અને મનોહર લાગતું હતું, તે આજે સ્વાગતની અશ્રુભરેલી આંખોને ઝાંખુ-ઝાંખુ લાગતું હતું.

પ્રામાણિક પરિશ્રમ વગર પ્રાપ્ત થયેલું ધન અને સાહ્યબી તેને આજે જાણે ડસવા લાગી હતી. બીજી જ ક્ષણે તેના મનમાં વિચાર આવ્યો : ત્રણ ત્રણ વર્ષ સુધી એણે તપસ્યાની આંખમાંની કેટકેટલા આંસુ વહેવડાવ્યાં હતાં !!

ઉત્સવ હોય, તહેવાર હોય, વ્રત હોય સ્વાગત કદી યે ઘરે હાજર ન હોય. રવિવારની સુંદર સંધ્યાએ હરખાતાં-મલકાતાં યુગલો તપસ્યાના ઝરુખા સામેને રસ્તા પરથી પસાર થતાં હોય, ત્યારે મનને મનાવ્યા છતાંય તપસ્યાના આંખમાંથી એકાદ અશ્રુબિન્દુ તો અવશ્ય સરી પડતું. તપસ્યાની એકલી-અટૂલી બેઠેલી જોઈને એનાં વૃદ્ધ સાસુમા ધીમે પગલે પાસે આવી તેના મસ્તક પર સ્નેહભર્યો હાથ મૂકતાં કહેતાં : ''બેટી તારી વેદના મારા અંતરને કોરી ખાય છે. મેં માન્યું હતું કે તારું રૂપ અને મધુરતાથી મહેકતું વ્યક્તિત્વ સ્વાગતના મનને જીતી લેશે. અને લોકસેવાનું કામ છોડી એ ધીરે ધીરે તારી નજીક આવશે... પણ ક્રાંતિનું ભૂત એને એવું વળગ્યું છે કે ઘરબાર અને પરિવાર બધું એ ભૂલી ગયો છે. બેટા તારી તબિયત તો જો કેટલી બિમાર તું લાગે છે ?''

પોતાની મમ્મી અને પત્ની તપસ્યાના આવા સંવાદોને યાદ કરી સ્વાગત હચમચી ઊઠયો. એ સોફા પર બેઠો... બિમાર તપસ્યા પાસે જવાની એની હિંમત ચાલતી નહોતી, આંખો બંધ કરીને બેઠેલો સ્વાગત વિચારયાત્રામાં સરી પડયો.

સ્વાગતને એ દિવસો યાદ આવ્યા. વર્ગમાં તેને ઊભો કરીને વર્ગશિક્ષકે પૂછ્યું હતું : 'સ્વાગત, તું મોટો થઈને શું બનવા ઈચ્છે છે ?' સ્વાગતે કહ્યું હતું, 'દેશભક્ત' અને આખો વર્ગ ખડખડાટ હસી પડયો હતો. શિક્ષકે ફરીથી પૂછ્યું : ''સ્વાગત, હું એકસ્ટ્રા એકટીવિટીની વાત નથી કરતો. મુખ્ય નોકરીની વાત કરું છું. દેશભક્તિ કરે કાંઈ પેટ ન ભરાય... તું શું બનવા ધારે છે, એ કહે.''

એટલામાં એક અટકચાળા છોકરાએ ઊભા થઈને કહ્યું : 'સર, સ્વાગતે આપના પ્રશ્નનો જવાબ આપી દીધો છે. એ દેશભક્તનો બિઝનેસ કરવા ધારે છે. સાહેબ સો ટકા બેનિફિટનો ધંધો !'

અને સ્વાગતે પોતાની કારકિર્દીનું આવું અપમાન જોઈ એક ત્રાડ નાખી હતી અને કહ્યું હતું : ''સર હું ખરેખર દેશસેવા કરવા માગું છું.'' સ્વાગતની વાત સાંભળી શિક્ષકે તેને શાબાશી સાથે આશીર્વાદ પણ આપ્યા.

ગ્રેજ્યુએટ થયા બાદ સ્વાગતે રાજકારણમાં રસ લેવા માંડયો હતો. છાશવારે છાપામાં એનાં નિવેદનો આવે. અન્યાયનો સામનો કરવા એ સરઘસો કાઢે, ઉપવાસ અને ધરણાંના કાર્યક્રમો યોજે. એક યુવા કાર્યકર તરીકે સ્વાગતની નામના ખૂબ જ વધવા માંડી હતી.

અને સ્વાગત વિવિધ પ્રવૃત્તિઓમાં રચ્યાપચ્યા રહેવાને કારણે તેનો મિત્ર સમુદાય બહોળો બનવા લાગ્યો હતો.

તપસ્યા પણ સ્વાગત જેવી ઉત્સાહી અને આદર્શવાદી હતી, સ્વાગત જેટલો બોલકો તપસ્યા તેટલી મૌન. સ્વાગત ભારે ઉતાવળો, પણ તપસ્યા ધીર, ગંભીર, સ્વાગત આવેશમય પણ તપસ્યા શાન્ત અને સ્વસ્થ. તપસ્યાને સેવામાં રસ, પબ્લિસિટીમાં લેશમાત્ર નહીં. રવિવારની સાંજ તપસ્યા દર્દીઓની સેવામાં વિતાવે. પોતાના જન્મદિને રક્તદાન કરે, પાર્ટ ટાઇમ નોકરી પણ કરે અને વધારાની આવક લોકકલ્યાણ અર્થે વાપરે.

તપસ્યાનું આવું ઉદાત્ત વ્યક્તિત્વ જોઈને સ્વાગત તેના તરફ ઢળ્યો હતો. પણ કોણ જાણે કેમ તપસ્યા ઝાઝો ઉત્સાહ નહોતી દેખાડતી. સ્વાગતે તેને પૂછ્યું ત્યારે એણે કહ્યું હતું : 'સ્વાગત, તું તારા કાર્યોને બોલવા દે, તું ના બોલીશ. લોકપ્રિયતાની આવી ભૂખ અત્યારથી જ તારા મનનો કબજો લઈ લેશે, તો સેવા બાજુમાં રહી જશે અને પ્રતિષ્ઠા આસન જમાવી બેસશે.'

ત્યારે સ્વાગતે કહ્યું હતું, ''તપસ્યા, ખાનગી લાભો માટે 'જાહેર પ્રતિષ્ઠા' ઊભી કરવી જરૂરી છે. એકવાર મારી પ્રતિષ્ઠાનો જાદુ સર્વત્ર છવાઈ જવા દે, પછી તું કહીશ તેમ કરીશ. ગરમ લોઢાને ટીપવાની તક ગુમાવીશું તો જીવનભર ઠંડું લોઢું ટીપ્યા કરવું પડશે.''

તપસ્યાના પિતાની ગંભીર માંદગીએ તપસ્યાની જીવન-સરિતાને સ્વાગતના જીવનસાગરમાં ભળી જવાની ફરજ પાડી અને તપસ્યા પિતાની ઈચ્છાનો અનાદર ન કરી શકી. સ્વાગત એને ગમતો હતો, પણ કોઈ વ્યક્તિને જીવન-નૌકાનું સુકાન કાયમ માટે સોંપતાં પહેલાં તેને તપાસવા-નાણવા ઈચ્છતી હતી. પરંતુ એ અવકાશ નહીં રહેવાના કારણે અંતે સ્વાગતનું પતિત્વ તપસ્યાએ સ્વીકારી લીધું હતું.

લગ્ન પછી ફરવા જવાનો પ્રસ્તાવ સ્વાગતે મૂક્યો કે તરત જ તપસ્યાએ કહ્યું હતું : ''હજી, તમારી આવક સ્થિર નથી. વ્યર્થ ખર્ચ કરવાનું સાહસ શું કામ કરવું ? વાદળી આઠ દિવસ અનરાધાર વરસે અને આખું ચોમાસું કોરું ધાકોર રહે તો ? એના કરતાં ધીરે-ધીરે વરસવું સારું. સ્વાગત, જીવન પાસે આપણે એકસામટાં સુખો વસૂલ નથી કરી લેવાં. ખરચવાના દિવસો આવશે ત્યારે હું જ તમને આગ્રહ કરીશ.''

અને સ્વાગતે કચવાતા મને ફરવા જવાનો વિચાર પડતો મૂક્યો હતો. લગ્ન પહેલાં જ બે ચાર પાર્ટીના ઘાંચમાં પડેલાં કામ જો સરકારમાંથી સ્વાગત મંજૂર કરાવી લે, તો કાશ્મીર જવા-આવવા તથા રહેવાનો ખર્ચ આપવાની તૈયારી પાર્ટીએ દેખાડી હતી. પરંતુ, તપસ્યા પ્રેક્ટીકલ ન બની, અને સ્વાગતની બાજી ઊંધી વળી !

અને ત્યારબાદ સ્વાગત અને તપસ્યાનું દામ્પત્યજીવન શરૂ થયું હતું. સવારથી સાંજ સુધી સ્વાગત બહાર જ રહેતો, લોકોનાં જાતજાતનાં કામ કરાવી આપતો અને બદલામાં 

મોટી મોટી ભેટ-સોંગાદો મેળવતો અને તપસ્યાના ચરણે ધરી દેતો. પરંતુ તપસ્યાના ઉમળકામાં કશો જ ફેર નહોતો પડયો. પરિશ્રમ વગર પ્રાપ્ત કરેલું ધન તપસ્યાને ખપતું નહોતું. એટલે સ્વાગત અને તપસ્યા વચ્ચે વારંવાર વાદવિવાદ થતો, પણ અંતે સ્વાગત એનું ધાર્યું જ કરતો. સ્વાગત કહેવાતી 'સેવાના' પગથિયાં પર પગ મૂકીને પ્રગતિનાં સર્વોત્તમ શિખરો સર કરવા ઈચ્છતો હતો. પણ તપસ્યા તો એક જ વાત કહ્યા કરતી, 'દેશ પાસે મંગાય નહીં, દેશને તો અપાય. સેવા દ્વારા આત્મસંતોષ સિવાય અન્ય કશું જ પામવાની ખેવના ના રખાય.'

સમય વહેતો રહ્યો, સ્વાગત ભેટ-સોગાદ લેવામાં કશું જ ખોટું નથી એવું માનતો હતો. તે તપસ્યાને પ્રેકટીકલ થવાની સલાહ આપતો હતો. તે તપસ્યાને ઘણીવાર સમજાવતો હતો કે 'તપસ્યા, આપણે બે સાથે મળીને કામ કરીએ તો ક્યાંયનાં ક્યાંય પહોંચી જઈએ. મારા કામની સફળતાનો આધાર તારા સહકાર અને મદદ પર વધારે છે.'

ત્યારે તપસ્યાએ કહ્યું હતું : ''સ્વાગત, બેઈમાની નાની હોય કે મોટી એ પાપ છે. અને તમારા એ પાપમાં હું ભાગીદાર થવા ઈચ્છતી નથી. મારું માની લો અને આવા બધાં લફરાંમાં પડયા વિના નાની-મોટી નોકરી સ્વીકારી લો. હું પણ નોકરી કરીશ. પછી કોઈ તકલીફ નહીં પડે.''

ત્યારે સ્વાગતે ગુસ્સામાં કહ્યું હતું : ''નોકરી ગઈ ભાડમાં. મારે તારા આદર્શો પર જીવવું નથી. આ દુનિયામાં ઈમાનદારીનું નહીં, પણ બેઈમાની અને રૂપિયાનું રાજ ચાલે છે. તપસ્યા તું 'પ્રેક્ટીકલ' થઈ જાય તો, આપણે ઘી-કેળાં જ છે.''

સ્વાગત તરફનો અસંતોષ તપસ્યાની બિમારીનું નિમિત્ત બન્યો હતો. સ્વાગતે દવા અને ઇંજકશોનો ખડકલો કરી દીધો હતો, પણ તપસ્યાને કશો ફેર જ નહોતો પડતો. દિવસે-દિવસે તેનું શરીર કમજોર બની રહ્યું હતું.

અને એક દિવસ તપસ્યાની તબિયત અચાનક વધુ બગડયાના સમાચાર મળતાં સ્વાગત તુરત જ ઘરે પ્હોંચ્યો હતો... અને સોફા પર બેઠેલા સ્વાગતને મોબાઇલની રીંગે વિચાર તંદ્રામાંથી જગાડયો. મમ્મીના રડવાનો અવાજ સાંભળી એ દોડતો તપસ્યાના બેડરૂમમાં પહોંચી ગયો... પણ એ પહેલાં જ સ્વાગતના બંગલાની ગૂંગળામ ણભરી દીવાલો વચ્ચે આખરી શ્વાસ લઈને તપસ્યાએ અનંતની યાત્રા શરૂ કરી દીધી હતી. તપસ્યાની સારવારમાં રોકાયેલી સ્વાગતની મમ્મીએ સ્વાગતના હાથમાં પત્ર મૂક્યો હતો. જેમાં તપસ્યાએ લખ્યું હતું : 'સ્વાગત, પરસેવાની કમાણી વગર ખરીદાયેલી દવા લેવાનું મને પસંદ નથી. તેથી મેં આજ સુધી દવા લીધી જ નથી. આબરૂ ઢાંકવા ખાતર તમારી અપ્રમાણિક આવકમાંથી ખરીદાયેલી સાડી તો મારે પહેરવી જ પડી. પણ મારું કફન તો કોઈની પાસેથી ઉછીના પૈસા લઈને જ મને ઓઢાડજો. અને નેક કમાણી કરીને એ પૈસા ચૂકવી દેજો, એટલું કરશો, દો હું માનીશ કે મને મોક્ષ મળ્યો.'

અને તપસ્યાની ઉત્તરક્રિયા બાદ સ્વાગતના જીવનમાં પલટો આવ્યો હતો. એણે નોકરી સ્વીકારી અને સાથે-સાથે સાચા અર્થમાં દેશસેવા શરૂ કરી. રાત્રે ઊંઘમાં બબડતો : ''તપસ્યા, તારું બલિદાન એળે નથી ગયું. મારામાં એક નવા સ્વાગતનો જન્મ થયો છે. એની ઉપર માત્ર તારો ને તારો જ હક છે. તું 'હીરો' અને સ્વાગત તારા વગર 'ઝીરો.'