આઝાદીના ઇતિહાસનો વિસ્તાર અને દેશની સંસ્કૃતિનો પ્રસાર
- આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભારતમાં દેશપ્રેમ, સનાતન ધર્મ અને સ્વદેશી ગૌરવનો માહોલ જામ્યો છે પણ તે સાથે હજુ ભ્રષ્ટાચાર અને ગુણવત્તાસભર જીવનની તલાશ તો જારી જ છે
- હોરાઈઝન-ભવેન કચ્છી
- અભ્યાસક્રમ અને સર્જનાત્મક ક્ષેત્રે આવેલ બદલાવ બુદ્ધિજીવીઓને પસંદ નથી
ભા રતને આઝાદ થયે ૭૮ વર્ષ પૂર્ણ થયા. છેલ્લા વર્ષોમાં ઘણું બધું બદલાયું છે. આઝાદીની લડત માટે લોકમાન્ય ટિળક, લાલ લજપતરાય, મહાત્મા ગાંધીજી , નહેરુ, સરદાર પટેલ, સુભાષ ચંદ્ર બોઝ અને બીજા પાંચ આઠ નામ જ આઝાદીના અરસાથી યાદ કરાતા હતા. તે વખતની પેઢી અને તેઓના ત્રીજી પેઢીના સંતાનો પણ અભ્યાસક્રમમાં આવા જ પ્રભાવ હેઠળ જીવ્યા. ક્રાંતિકારી શહિદ તરીકે ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, ખુદીરામ બોઝ જ વિશેષ યાદ રખાય છે.
વર્તમાન મોદી સરકારે તેની ત્રીજી ટર્મ સુધીમાં ભારતના આઝાદીના ઇતિહાસને આઝાદી મળી તે અગાઉના ૫૦ વર્ષના સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓને જ અગાઉના રાજકીય પક્ષોએ મહત્તા આપી છે તેવો મત રજૂ કરીને શિક્ષણવિદ્દોનું ધ્યાન દોર્યું કે ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો હતો અને તેમાં હજારો નામી નેતાઓ અનામી નાગરિકોએ ભાગ લીધો હતો અને શહાદત વહોરી હતી. એટલે સુધી કે બ્રિટન તરફથી વિશ્વ યુદ્ધમાં ભાગ લઈને મૃત્યુ પામેલા ભારતીય સેનાનીઓ માટે પણ ભારતને ગૌરવ હોવું જોઈએ.
રાષ્ટ્રીય સ્મારકમાં શક્ય ત્યાં સુધી તમામ યુદ્ધો અને સંગ્રામના દેશ ભક્તોની સૂચિ મેળવવાનો પ્રયત્ન થયો છે અને તેઓને યાદીમાં સ્થાન મળ્યું છે.
એન.ડી.એ સરકારનો એવો આરોપ છે કે કોંગ્રેસ સરકારે દાયકાઓ સુધી તેમના શાસન કાળ દરમ્યાન ભારતના આઝાદીના સંગ્રામના ઇતિહાસને ગાંધી અને નહેરુ કેન્દ્રિત જ રાખ્યો છે. એટલે સુધી કે સરદાર પટેલ અને સુભાષ ચંદ્ર બોઝના વિરાટ પ્રદાનને જોઈએ તેવું મહત્ત્વ નથી અપાયું.
૨૦૦ વર્ષના સંગ્રામમાંથી ચૂંટેલા નેતાઓ અને તેના છેલ્લા ૫૦ વર્ષને જ મહત્વ અપાયું છે. જાણે મહાત્મા ગાંધી સાઉથ આફ્રિકાથી ભારતમાં આવ્યા તે પછી જ આઝાદી માટેનું આંદોલન શરૂ થયું તે રીતે ઇતિહાસ અને અભ્યાસક્રમ એક તરફી વધુ ઝૂકેલ રહ્યો છે.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભારતની આઝાદીના સંગ્રામનો બહોળો વ્યાપ આવરવામાં આવ્યો છે. સરદાર સિંહ રાણા અને ઉધમ સિંહ જેવા બ્રિટનમાં જંગ ખેલનારાઓ પણ કેમ ભૂલાય.
અહિંસક કે ક્રાંતિકારી બંને સેનાનીઓને સમાન આદર અને ઇતિહાસમાં સ્થાન મળવું જોઈએ.
તેવી જ રીતે બ્રિટિશ શાસન અગાઉની સદીઓમાં મુઘલ અને મુસ્લિમ રાજાઓની વિજય ગાથામાં જાણે ભારતના નાગરિકોને પારંગત થવાનું હોય તેમ અભ્યાસ ક્રમમાં તેઓને સ્થાન મળતું હતું. એટલે સુધી કે યુ.પી.એસ.સી. જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આવા પ્રશ્નોના નિર્ણાયક ગુણ રહેતા. મુઘલ શાસકોએ ક્યારે ભારતીય પ્રાંતના રાજાઓને પરાજય આપ્યો, તેઓએ ક્યાંથી ક્યાં સુધી રાજ કર્યું તે ઈસ્વીસન પણ યાદ રાખવી પડતી હતી.
આપણા રાજાઓની સિદ્ધિ, તેઓનું ધર્મ - સંસ્કૃતિ ગૌરવ માટે પ્રદાન તો સાવ હાંસિયામાં ધકેલાઈ ગયું હતું. ભારતનો કેવો ભવ્ય વારસો હતો તે પણ ભૂગર્ભમાં કે અધકચરો બહાર લવાયો હતો.
હવે આઝાદીના સંગ્રામ અને તે પૂર્વેની સદીઓના ઇતિહાસમાં સર્વગ્રાહિતા તેમજ ભારતીય અને સનાતન સંસ્કૃતિના રખેવાળ રાજાઓ સહિત તત્કાલીન મહાનુભાવો કેન્દ્રિત ઇતિહાસની નવી પેઢીને ઓળખ અપાશે.
ભાજપ, આર.એસ. એસ. અને સનાતન ધર્મના પ્રસારકો એવું માને છે કે ખગોળ વિજ્ઞાન, ગણિત, ચિકિત્સા, વિધાપીઠ, તેમાં અભ્યાસ કરાવતી ગુરુ શિષ્ય પરંપરા, પ્રાકૃત વિજ્ઞાન, હુન્નરો, સ્થાપત્ય શૈલી, ધર્મ અને વિજ્ઞાનનો સુમેળ, આહાર - આરોગ્ય જેવી સિદ્ધિઓમાં પણ ભારત વિશ્વમાં મોખરે હતું. દેશની ત્રણ પેઢીને ભારતની આવી લાક્ષણિકતાઓનો સ્પર્શ જ નહોતો કરાવાયો તેથી નાગરિકોમાં દેશ માટે ગૌરવની માત્રા ઓછી જોવા મળતી હતી. ભારતના નાગરિકો આ કારણે લઘુતા ગ્રંથિથી પીડાતા રહ્યા અને પશ્ચિમના દેશો તેમજ ગોરી ચામડીથી પ્રભાવિત રહ્યા.
મોદી શાસનમાં છેલ્લા દાયકામાં ભારતની સિદ્ધિઓ બહાર લાવવામાં આવી. યોગાસનનો આવો પ્રચાર ક્યારેય નહોતો થયો. યોગનો વૈશ્વિક સ્વીકાર થાય તે માટે યુનાઈટેડ નેશન્સે વિશ્વ યોગદિન પણ જાહેર કર્યો.
તેવી જ રીતે એલોપથી સામે ભારતીય આયુર્વેદિક ઉપચારનો પણ મહિમા વધ્યો છે. અલબત્ત તેમાં વ્યાપારીકરણ થયું છે છતાં બીમારી બાદ ઉપચાર કરવા કરતા બીમાર જ ન થવાય તેવી આયુર્વેદ દવાઓ અને યોગ, ફીટનેસનું ક્યારેય નહોતું તેવું મહત્વ હવે જોઈ શકાય છે.
મલ્ટી નેશનલ કંપનીઓના જંક ફૂડ, પીણાની સામે આપણી તાસીરને અનુરૂપ નાસ્તા,ભોજન પ્રથા અને કુદરતી પીણાનો પ્રચાર વધ્યો છે. સ્વાસ્થ્ય માટેની કેળવાતી જાગૃતિ અને સ્વદેશી માટે ગૌરવનો પ્રચાર આપણામાં ભારતીયતા લાવી રહ્યો છે.
દેશના બહુમતી હિન્દુ ધર્મની સામે પશ્ચિમના દેશોની એક લોબી સુવ્યસ્થિત રીતે પ્રચાર કરતી રહી છે ત્યારે આઝાદી પછી લગભગ પ્રથમ વખત હિન્દુની જગ્યાએ સનાતન ધર્મ પર ભાર મુકાયો છે. સનાતન ધર્મ વ્યાપકતા પર ભાર મૂકે છે. હિન્દુ ધર્મ સંકુચિત અને કટ્ટરપંથી છે તેવા ભ્રામક પ્રચારનો છેદ ઉડાડી તે વ્યાપક અને ઉદાર છે તેમ હવે નેરેટિવ જોઈ શકાય છે.
વર્તમાન ભારતમાં એવી હવા ઉભી થયેલી જોઈ શકાય છે કે અમે બીન સાંપ્રદાયિક જરૂર છીએ પણ દેશમાં નાગરિકને તેમના ધર્મનું ગૌરવ વ્યક્ત કરવાનો કે તેની સુરક્ષા માટે સભાન બનવાનો અધિકાર છે. દેશનો નેતા પણ તેમના ધર્મના મંદિરોમાં પ્રાણ પ્રતિા કરવા કે વખતોવખત દર્શન કે પૂજા કરવા જઈ જ શકે છે. અગાઉના દાયકાઓના નેતાઓ પોતે બીન સાંપ્રદાયિક દેશના નેતા હોઈ તેઓ જે ધર્મના હોય તેમાં પણ દર્શન કરવા કે તેના મંદિરો ઊભા કરવાથી સાંપ્રદાયિક છે તેવી છબિ થઈ જાય તેથી દૂર રહેતા હતા. બીન સાંપ્રદાયિક હોવું એટલે જે ધર્મના નાગરિકો ઓછી સંખ્યાના હોય તેઓને જાહેરમાં કે નીતિવિષયક વધુ લાભ આપવો, ખુશ રાખવા તેવું અર્થઘટન થતું હતું.
ફિલ્મ નિર્માણની રીતે જોઈએ તો અગાઉ ક્યારેય નહોતી બનતી તેવી યુદ્ધ, કારગીલ, સર્જિકલ સ્ટ્રાઇક આધારિત ફિલ્મો કે વીર સાવરકર, ગોધરાકાંડથી માંડી ઉધમ સિંહ અને કાશ્મીર ફાઇલ્સ, કેરાલા સ્ટોરી, ,આતંકવાદી જૂથને ઠેકાણે પાડતી કે પાકિસ્તાનની સેના, આતંકી અને જાસુસી સંસ્થાની યોજનાને ઉંધી વાળતા સ્પાય થ્રિલર પણ આકર્ષણ જમાવે છે.અગાઉ ધાર્મિક લાગણી ઉશ્કેરાય તેવું કારણ આપીને ખાસ શક્ય નહોતું બનતું.
સાઉથની ફિલ્મો પણ મોટા બેનર સાથે હિન્દુ દેવ દેવી, ધાર્મિક ગ્રંથો અને પુરાણ કથાને કેન્દ્ર સ્થાને રાખીને ફિલ્મ નિર્માણ કરે છે. ''બાહુબલી''માં શિવલિંગ પર અભિષેક કરવાની ઈચ્છા પૂરી કરતા હીરો વિરાટ કદનું શિવલિંગ ખભા પર મૂકીને તેને ધમસાતા નદી પ્રવાહમાં મૂકે છે. અક્ષય કુમારની રામ સેતુ, ટોયલેટ એક પ્રેમ કથા, પેડ મેન અને મિશન મંગલ જેવી ફિલ્મો ધાર્મિક સંશોધન, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતની સિદ્ધિ અને સામાજિક સમસ્યા અને નારી સન્માનને સમર્પિત હતી. 'આદિ પુરુષ' ફિલ્મ ભલે ફ્લોપ રહી પણ રામાયણ આધારિત ફિલ્મો મુક્ત પણે બને છે તેની પ્રતિતિ કરાવે છે. 'બ્રહ્માસ્ત્ર' અને કલ્કિ જેવી ફિલ્મોથી પણ સ્પષ્ટ બને છે કે હિન્દુ પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ નિર્માતાઓની પસંદગી બન્યા છે. એન.ડી.સરકારના શાસનના વર્ષ દરમ્યાન આ બદલાવ જોઈ શકાય છે. હવે આવતા વર્ષના અંતે ભારતની કદાચ સૌથી મોટા બજેટની રણબીર કપૂરને ભગવાન રામ તરીકે ચમકાવતી ફિલ્મ 'રામાયણ' રજૂ થવાની છે.
કેટલીક ફિલ્મોમાં તો વડાપ્રધાન મોદી જેવા ગેટ અપમાં પાત્ર હોય છે જે દેશના ગૌરવ માટે નિર્ણય લેતા હોય છે.
ફિલ્મોમાં પણ વારાણસી અને કાશ્મીર, મંદિરો જેવા લોકેશન્સનું પ્રમાણ વધ્યું છે.
જો કે આવી બધી લાક્ષણિકતાઓ વચ્ચે એ પણ કહેવું જોઈએ કે બહુમતી સમુદાયને સ્પર્શતું વાતાવરણ ખડું કરવામાં કેટલીક કડવી વાસ્તવિકતા અને લઘુમતીનો અવાજ ઉઠાવતા સર્જન મૂંગા થયા છે. દેશમાં ભાજપ શાસિત હોય કે બીન ભાજપી રાજ્યમાં પણ ભ્રષ્ટાચાર ધરખમ જોઈ શકાય છે. સંપત્તિની વહેંચણી ભયજનક રીતે અસમાન છે. નાગરિકોને પાયાની સુવિધા કે ગુણવત્તાસભર શિક્ષણ, ભેળસેળ વગરના ખાદ્ય પદાર્થો, તેલ નથી મળતા.
રાજકીય પક્ષો,નેતાઓ જોડે સેટિંગ હોય તો જ વેપાર અને ઉત્પાદન એકમોને ઓર્ડર મળે છે. ભારત ભલે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર રહ્યું પણ હજુ તે વિકસિત દેશ તરીકે નથી જોવાતો.
હા, ભારત અને ભારતીયોએ વિદેશમાં એવી તો પ્રગતિ ચોક્કસ કરી છે કે અમેરિકા જેવા દેશને પણ તે ખૂંચે છે.
થોડા વર્ષો વાજપેયી અને બીન કોંગ્રેસી મોરચાની સરકારને બાદ કરતા આઝાદીથી ૨૦૧૪ સુધી કોંગ્રેસનું જ શાસન હતું. તેથી આઝાદીના ૭૮ વર્ષને એ રીતે ઇતિહાસ મૂલવી શકશે કે 'બિફોર મોદી એન્ડ આફ્ટર મોદી.'
જ્ઞાન પોસ્ટ
'The preservation of freedom is not the task of soldiers alone. The whole nation has to be strong.'
- Lal Bahadur Shastri