- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- ભગવાન શ્રી કૃષ્ણનું સંમોહક વ્યક્તિત્વ મહાભારત અને એ પૂર્વેના સમયનો એક એવો ચમત્કાર હતો જેણે સમગ્ર ભારતનું ચિત્ર પલટી નાખ્યું હતું
શ્રી કૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે ગણવામાં આવે છે. શ્રીકૃષ્ણ અવતારી પુરૂષ તરીકે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. જેઓ એક કુશળ રાજકારણી, કુશળ યોધ્ધા તો હતા જ. પરંતુ તેમની ઓળખ પ્રાચીન સમયના એક ઉચ્ચ કોટિના નિષ્ણાંત 'તબીબ' અને દુરદર્શી 'એન્જિનીયર' તરીકે પણ આપી શકાય તેમ છે! શ્રીકૃષ્ણની આ પ્રકારની કાબેલિયતના પૂરાવાનો મહાન ગ્રંથ મહાભારતમાં પણ ઉલ્લેખ થયેલો છે. શ્રીકૃષ્ણ વડલાના ઝાડ સાથે ઘનિષ્ટ નાતો ધરાવતા હતા. તેઓ વડના વૃક્ષનો પ્રાકૃતિક ગુણ સમજતા હતા અને તેનું જીવનમાં મહત્ત્વ પણ સ્વીકાર્યું હતું. તેઓ વડના અખાદ્ય ફળનો અને વનસ્પતિનો એ પ્રકારે આરોગવામાં ઉપયોગ કરતા હતા જેનાથી મધુપ્રમેહ (ડાયાબીટીશ) થાય નહિં!
આ સંદર્ભમાં પુરાણા ગ્રંથોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે કિશોરાવસ્થામાં શ્રીકૃષ્ણ વડલાના પાંદડા પર વિશ્રામ કરતાં હતાં. વડલાના દૂધમાં મનુષ્યનું પૌરૂષત્વ વધારવાનો ગુણ હતો તે પણ તેઓ જાણતા હતા અને તેનો નિયમિત ઉપયોગ કરતા હતા!
શ્રીકૃષ્ણની એક તબીબ તરીકેની યોગ્યતા અંગે મહાભારતના ગ્રંથમાં એવો ઉલ્લેખ કરાયો છે કે, જ્યારે મથુરા નરેશે તેમને મથુરા આવવા આમંત્રણ મોકલ્યું હતું ત્યારે મથુરા નગરીમાં પ્રવેશતાં જ શ્રીકૃષ્ણએ એક વિકલાંગ અપંગ સ્ત્રીને જોઈ હતી જે ડોશી જેવું ચાલતી હતી. જેની પાછળથી પુંઠ પણ નીકળેલી હતી. આ સ્ત્રીનું નામ કુબ્જા હતું. આ સ્ત્રીની શ્રીકૃષ્ણએ એવી સારવાર કરી કે તે એકદમ સુંદર સ્ત્રી બની ગઈ!
... ભગવાન યુધ્ધમાં ઘાયલ થયેલા પોતાના સૈનિકોનો ઉપચાર એવી રીતે કરતા હતા કે તેઓ ઝડપથી ફરી યુધ્ધ લડવા સમર્થ બની શકતા હતા. શ્રીકૃષ્ણની આ વિશિષ્ટ ઉપચાર પધ્ધતિ શંખેશ્વરના યુધ્ધમાં પણ કામ આવી હતી. આ શંખેશ્વર હાલના મહેસાણા જીલ્લામાં આવેલું છે. જ્યાં યાદવો અને જરાસંઘ વચ્ચે યુધ્ધ ખેલાયું હતું.
શ્રીકૃષ્ણની એક ઈજનેર તરીકેની સૌથી મોટી સિધ્ધિ કુશસ્થલીનો પુનરૂધ્ધાર કરીને તેને દ્વારકાનું રૂપ આપવામાં સિધ્ધ થઈ હતી. શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકામાં આવ્યા ત્યારે દ્વારકાનું નામ કુશસ્થલી હતું. એ નગર એ વખતે ઉજ્જડ અને વેરાન હતું. આથી શ્રીકૃષ્ણએ આ ઉજ્જડ નગરીનો ઉધ્ધાર કર્યો અને ત્યાં એક વિશાળ મજબુત કિલ્લો પણ બંધાવ્યો અને ત્યારથી તેનું નામ 'દ્વારકા' પડયું! આ કિલ્લામાં રહીને સ્ત્રીઓ પણ યુધ્ધ કરી શકતી હતી. એવો મહાભારતકાળમાં ઉલ્લેખ થયેલો છે. આ કિલ્લો એટલો સુરક્ષિત હતો કે તે પછી શત્રુઓનું આક્રમણ લગભગ બંધ થઈ ગયું હતું.
શ્રીકૃષ્ણએ પોતાનું ઈજનેરી કૌશલ્ય દ્વારકાને સૌરાષ્ટ્રના અન્ય ભાગો સાથે જોડવા અને રોજીંદો વાહન વ્યવહાર ચાલુ કરવા હાલના ઓખાથી લઈને ઓખા મંડળ સુધી એક સેતુ ઉભો કરવા સમુદ્ર ઉપર લગભગ બે કિલોમીટર લાંબો પુલ બાંધ્યો હતો. જેમાં મુખ્યત્વે નાળિયેરીના વૃક્ષના લાકડાંનો અને દોરડાં તરીકે તેની છાલનો પુષ્કળ ઉપયોગ કર્યો હતો!... આ પુલ પરથી દ્વારકાના સૈનિકો અને શ્રીકૃષ્ણ પોતે પોતાના રથ પર પસાર થતા હતા!! એ વખતે આ પુલની રચના બેજોડ મનાતી હતી.
યુધ્ધ દરમિયાન દ્વારકાવાસીઓને રક્ષણ આપવા ઉપરાંત અનાજની સુવિધા પુરી પાડવા ભગવાને દ્વારકાની પૂર્વમાં દરિયાકિનારે એક ૧૦૦ મીટર પહોળી દિવાલ બનાવડાવી હતી. જ્યાં ડાંગર વાવવામાં આવતી હતી.
શ્રીકૃષ્ણની મુળ દ્વારકા કોડીનાર તાલુકામાં આવેલી હતી એવો ઉલ્લેખ મહાભારતના મુસલપર્વમાં થયેલો છે. તેમની આ દ્વારકા પંચપર્વત, પંચવનો અને પાંચ નદીઓથી ઘેરાયેલી હતી અને એટલી સુરક્ષિત હતી કે જેથી સિંઘ પ્રાંત તરફથી આક્રમણ થઈ શકતું નહોતું!!... શ્રીકૃષ્ણની દુરદર્શીતાનો આ એક પુરાવો હતો.
ધર્મગ્રંથો પરથી એક વાત ફલિત થાય છે કે યુગોયુગોથી ભારતીય જનમાનસ પર છવાયેલા ભગવાન શ્રી કૃષ્ણનું સંમોહક વ્યક્તિત્વ મહાભારત અને એ પૂર્વેના સમયનો એક એવો ચમત્કાર હતો જેણે સમગ્ર ભારતનું ચિત્ર પલટી નાખ્યું હતું. ઈશ્વરે માનવકલ્યાણ માટે ઘણા અવતાર લીધા હતા પણ એ બધામાં કૃષ્ણાવતાર સૌથી રોમાંચક અને ક્રાંતિકારી અવતાર ગણાય છે.
ભગવાન શ્રી કૃષ્ણના બાળપણથી નિર્વાણ સુધીના અનેક પ્રસંગો ધર્મગ્રંથોમાં છે. પરંતુ એમાંના કેટલાક પ્રસંગો પાછળ છૂપાયેલા હાર્દને બહુ ઓછા ભક્તો કળી શક્યા છે. દા.ત. કૃષ્ણનાં બાળપણનાં તોફાનો વિશે અનેક ગ્રંથોમાં લખાયું છે જેમાં કેટલાંક પ્રસંગો એવા પણ છે જેનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવે તો ભગવાનની એ બાળલીલાઓ પાછળનો ઉમદા હેતુ ચોક્કસ ઉપસી આવે છે.
સૌ જાણે છે કે, નંદ અને યશોદાના ઘરમાં નિલકલમની જેમ ઉછરેલા વસુદેવ-દેવકીનાં સંતાન કૃષ્ણ અધર્મ, અન્યાય અને અસંતુલિત પ્રકૃતિનો અંત આણવા જનમ્યા હતા. બાળપણમાં વ્રજભૂમિ પર જ એમણે માનવ કલ્યાણ માટે ક્રાંતિકારી પરાક્રમો કર્યા હતાં. યમુના નદીના કિનારે ગોવાળિયા મિત્રો સાથે તેઓ ખૂબ ધમાલ કરતા ને તે વખતે નાગદમનની ઘટના બની હતી તેનાથી સૌ વાકેફ છે.
એ કાળિયા નાગની ઘટનામાં ગેડી-દડાની રમત રમતા યમુના નદીમાં દડો પડી જાય છે ને એ શોધવા બાળકૃષ્ણ પાણીમાં ઉતરે છે જ્યાં કાળિયા નાગ સાથે એમનું યુદ્ધ થાય છે. આ પ્રસંગને લગતું 'જળ કમળ છાંડી જાને બાળા...' ગીત પણ ખૂબ લોકપ્રિય છે. પરંતુ આ પ્રસંગ પાછળનો ગંભીર ઉદ્દેશ્ય સમજવા જેવો છે. વાસ્તવમાં એ કાળિયા નાગે યમુના નદીમાં પોતાનું રહેઠાણ બનાવી ત્યાંનું પાણી ઝેરી બનાવી દીધું હતું જે પીવાથી ગાયો અને કૃષ્ણના ગોવાળ મિત્રો બેહોશ થઈને ઢળી પડયા હતા. એ નાગનું ઝેર એટલું કાતિલ હતું કે માત્ર નદીનું પાણી જ નહીં, આસપાસનાં વૃક્ષ ઉપર પણ એનો દુષ્પ્રભાવ નજરે પડતો હતો. જોકે પ્રદૂષણ વિરોધી વિશેષતાઓના કારણે નદી કિનારે આવેલું એકમાત્ર કદમ્બનું વૃક્ષ જ નાગના ઝેરથી બચી જાય છે જેના પર ચઢીને કૃષ્ણએ યમુના નદીમાં કૂદકો માર્યો હતો.
ત્યારબાદ તેઓ નાગને વશમાં કરે છે ને શરત મૂકે છે કે, એણે યમુના નદી છોડીને જતા રહેવું કૃષ્ણનો પરચો મળતા કાળિયો નાગ જતો રહે છે ને યમુના નદી વિષમુક્ત થાય છે. શ્રીકૃષ્ણએ આ રીતે જળપ્રદૂષણ દૂર કરી ગોપ-ગોપીઓ, ગાયો અને વનસ્પતિઓનું રક્ષણ કરી વ્રજભૂમિનો ઉદ્ધાર કર્યો હતો.
આવો જ એક પ્રસંગ ગોવર્ધન પર્વતનો છે. એકવાર ઇન્દ્રના ક્રોધના કારણે વ્રજભૂમિ પર અનરાધાર વર્ષા થાય છે. જેમાં વ્રજવાસીઓનાં ઘરબાર તણાવા લાગે છે. આ સમયે કૃષ્ણ ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉઠાવી એની નીચે વ્રજવાસીઓ અને પશુ-પંખીઓને એકઠા કરી એમને બચાવી લે છે. કૃષ્ણ માનવ ઉપરાંત પ્રકૃતિના ઉધ્ધારક પણ હતા. આ પ્રસંગ પાછળ પર્વતની મહત્તા એમણે સમજાવી હતી. આજે પણ વ્રજની ચોર્યાસી કોસની યાત્રા ને ગોવર્ધનની પરિક્રમા આજ ભાવનાને કારણે થાય છે. દીપાવલિના ઉત્સવો દરમિયાન એક દિવસ ગોવર્ધન પૂજા પણ થાય છે.
વાસ્તવમાં શ્રીકૃષ્ણ પોતાના મદમાં મસ્ત ઇન્દ્ર દેવને પાઠ ભણાવવા માગતા હતાં. અહીંના ગોપાલકો પોતાના ગોધનને ચરાવવા ગોવર્ધન પર્વત પર જતાં અને અહીંનું ઘાસ ચરીને તૃપ્ત થયેલી ગાયોનું દૂધ તેમને માટે આજીવિકાનું સાધન હતું. તેથી તેમણે વૃંદાવનવાસીઓને ગોવર્ધન પર્વતની પૂજા કરવાનો અનુરોધ કર્યો. પરિણામે ક્રોધે ભરાયેલા ઇન્દ્ર દેવે બારે મેઘ ખાંગા કરીને વૃંદાવનવાસીઓના ઘરો અને આશ્રયો નષ્ટ કરી નાખ્યાં. તેમની પાસે ક્યાંય ઊભા રહેવાની જગ્યા પણ નહોતી બચી. આવી સ્થિતિમાં શ્રીકૃષ્ણએ લાગલગાટ સાત દિવસ અને રાત સુધી ગોવર્ધન પર્વત પોતાની ટચલી આંગળી પર ધારણ કરી રાખીને ગ્રામજનોને આશ્રય આપ્યો. છેવટે ઇન્દ્ર દેવને પોતાની ભૂલની અનુભૂતિ થઇ અને તેમણે પોતાના આ કૃત્ય બદલ ક્ષમા માગી.
ભગવાન શ્રીકૃષ્ણના આ પરાક્રમના સમ્માનમાં આ દિવસે ગોવર્ધન પૂજાનો મહિમા ગવાયો છે. લોકો ગોવર્ધન પૂજા માટે ગાયના છાણ અને ભીની માટીમાંથી ગોવર્ધન પર્વતના પ્રતિકરૂપ નાનકડું પર્વત બનાવે છે.આ દિવસનું અન્ય એક લોકપ્રિય અનુષ્ઠાન એટલે ૫૬ ભોગ. આસ્થાળુઓ ૫૬ પ્રકારની વાનગીઓ બનાવીને શ્રીકૃષ્ણને તેનો ભોગ ધરે છે.તેમાં મોટાભાગે દૂધમાંથી બનાવેલા મિષ્ટાનોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં શ્રધ્ધાળુઓ આ રીતે અન્ન અને ભગવાન પ્રત્યે પોતાની કૃતજ્ઞાતા વ્યક્ત કરે છે. તેઓ ભગવાન સમક્ષ નાચી-ગાઇને આ દિવસને ઉત્સવની જેમ ઉજવે છે.
એકવાર યમુના તટ પાસે કૃષ્ણ એમના બાળસખાઓ, વ્રજવાસીઓ અને ગાય-વાછરડાં સાથે વિશ્રામ કરી રહ્યા હતા ત્યારે દાવાનલાસુર નામના રાક્ષસે એમને ઘેરી લીધા. વનમાં એકાએક આગ ફેલાઈ ગઈ ને ધીમે ધીમે કૃષ્ણ જ્યાં વિશ્રામ કરી રહ્યા હતા ત્યાં સુધી આવી ગઈ. એમના મિત્રો ગભરાઈ ગયા, ગાય-વાછરડાં પણ ભયભીત થઈ ગયા ત્યારે કૃષ્ણએ કેટલાક વ્રજવાસીઓની મદદ વડે બાજુમાં જ વહેતી યમુના નદીના જળ વડે દાવાનળને શાંત કરી દીધો અને માનવો તથા પશુઓને જ નહીં, વિશાળ વનમાં પાંગરેલી વનસ્પતિઓને પણ બચાવી લીધી. અહીં એમની વનસંરક્ષણનીતિ દેખાય છે.
કૃષ્ણના વેરી મામા કંસે એકવાર વ્યોમાસુર નામના રાક્ષસને કૃષ્ણ અને એમના બાળસખા પાસે મોકલ્યો હતો. આ વ્યોમાસુર વાતાવરણમાં પ્રસરેલા વાયુને પ્રદૂષિત કરનાર દુષ્ટ જીવ હતો, એણે વનમાં સંતાકૂકડી રમતા ગોપબાળકોનું અપહરણ કર્યું હતું જેથી કૃષ્ણએ પોતાના બાળસખાઓને વિપત્તિથી ઉગારવા વ્યોમાસુરનો નાશ કર્યો હતો. કૃષ્ણએ અહીં વાયુ પ્રદૂષણના પ્રતીક તરીકે ઓળખાતા એ દુષ્ટનો નાશ કરી વાયુ પ્રદૂષણનો નાશ કર્યો હતો.
ભારતીય સંસ્કૃતિમાં ગાયને વિશેષ સ્થાન અપાયું છે જેનો શ્રેય પણ શ્રીકૃષ્ણને જ ફાળે જાય છે. એમણે બાળપણથી જ ગાયને માતા ગણીને એની પૂજા કરી હતી ને તેનું રક્ષણ પણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વિશ્વમાતા તરીકે ઓળખાતી ગાયનું આજના યુગમાં પણ એટલું જ મહત્વ છે કારણ કે ગૌદૂધ જનસ્વાસ્થ્યનો આધાર છે. ગૌમૂત્રમાંથી અનેક ઔષધિઓ બને છે. આધુનિક યુગમાં ગોબર ગેસ બળતણમાં ઉપયોગી નીવડે છે. નવી શોધખોળો મુજબ તો ગોબરથી લીપેલાં ઘર પર વીજળી અસર નથી કરતી. એમાં પરમાણુબોમ્બના રેડિયોએક્ટીવ કણોનો નાશ કરવાની પણ ક્ષમતા છે.
માનવ અવતાર દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ અનેક એવા પગલાં ભર્યાં છે, કર્મ કર્યાં છે, જેને સમજતાં વાર લાગે. પરંતુ જેમ જેમ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણની વિવિધ લીલાનું અધ્યયન કરીએ તેમ નવી નવી વાતો જાણવા-સમજવા મળે છે.


