- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- કૃષ્ણભૂમિ તરીકે ગોકુળ, મથુરા, વૃંદાવન ઓળખાય છે. સૂર્યના તેજમાં જેમ ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે, તેવું પરિવર્તન પામતું કૃષ્ણનું જીવન છે
હ વે ગુજરાતમાંથી પણ ગોકળઆઠમ જેવા શબ્દનું ચલણ ઓછું થતું જાય છે, એ શબ્દનો કેવો મહિમા હતો ! ગોકુળમાં ઊજવાતી આઠમ એટલે ગોકળ આઠમ. ભારતભરના કૃષ્ણભક્તો એ દિવસે કૃષ્ણભગવાનના જન્મોત્સવ મનાવે છે. મોટાભાગે ઉપવાસ કરે છે. એ દિવસે જાહેર રજા હોય છે. કૃષ્ણનો કેટલો બધો પ્રભાવ છે ભારતીય પ્રજા ઉપર ! એથીય આગળ વધીને સમગ્ર વિશ્વમાં એના ઐશ્વર્યની નોંધ લેવાય છે. ઠેરઠેર કૃષ્ણજન્મોત્સવ ઉજવાય છે. નંદઘેર-આનંદભયોની ધૂન ચાલે છે. તિથિને ગામ સાથે જોડી ઉત્સવ બનતો સામાસિક શબ્દ ગોકળઆઠમ છે.
મથુરામાં જન્મ, ગોકુળમાં લીલા અને દ્વારકામાં ઐશ્વર્ય બતાવી કૌરવો-પાંડવોના યુદ્ધમાં સારથિની ભૂમિકા ભજવીને એ નિર્ગુણ નિરાકાર કૃષ્ણે સગુણ સાકાર રૂપ ધારણ કરેલું ! પાંચેક હજાર વર્ષથી કૃષ્ણલીલાનો મહિમા ગવાય છે, તે કેવળ સામાન્ય પ્રજાના લોહીમાં જ ધબકે છે તેવું નથી, દેવો, ગંધર્વો અને નારદ-શુકદેવ પણ તેની લીલાનું વર્ણન કરતાં તન્મય થઈ ઊઠયા છે ! કૃષ્ણભૂમિ તરીકે ગોકુળ, મથુરા, વૃંદાવન ઓળખાય છે. સૂર્યના તેજમાં જેમ ક્ષણે ક્ષણે ફેરફાર થાય છે, તેવું પરિવર્તન પામતું કૃષ્ણનું જીવન છે. ઉપનિષદના કૃષ્ણ દેવકીપુત્ર છે, ગોપીઓના નટનાગર છે અને ગોકુળ પણ સ્થળવિશેષ ન રહેતાં સૃષ્ટિ બની જાય છે. શ્રીકૃષ્ણ ગીતાનાં સત્યદ્રષ્ટા છે.
શ્રીકૃષ્ણે બાળપણમાં મોરલીના નાદે ગોકુળ ઘેલું કર્યું. પશુઓને પણ સંગીતની મોહિની લગાડી ! ગોકુળનાં બાળકો દૂધ-માખણ-ઘીની વંચિત રહે અને બધું મથુરા ભેગું થાય તે કિશોર કૃષ્ણને અન્યાયરૂપ લાગ્યું. તેણે ગોરસની ચોરી કરી. માર્ગ રોકી, દાણ માગી, હાંડલાં ભાંગી જે લીલા કરી એ લીલાના મૂળમાં ગૌસેવાનાં દર્શન થાય છે. ગાયોના સંવર્ધનમાં તેમણે જાતે રસ લીધો. ગાયો ચરાવી અને સાચા ભક્તો કેવા હોય તેનો આદર્શ પૂરો પાડયો છે ! જમનાના ઊંડા ધરામાં જઈ કાલીયનાગને નાથ્યો છે. સમાજમાં વિઘ્નરૂપ થતાં તત્ત્વોનો તેમણે સામનો કર્યો છે. ગોકુળમાં ઈન્દ્રપૂજા થતી હતી. કૃષ્ણે એ પૂજા અટકાવીને પર્વતની પૂજા શરૂ કરાવી. એ પર્વત જ સાચી રીતે પૂજનીય હતો, કારણ કે પર્વત જ તેની ભૂમિનો સાચો સેવક-રખેવાળ છે. મુશળધાર વરસાદ પડયો તે સમયે ધોધમાર પૂર આવ્યાં. લોકો ત્રાહિમામ પોકારતા પોકારતા પર્વત ઉપર ચાલ્યા ગયા - એ પર્વતે પ્રજાને બચાવી. તેની પર્વતની પૂજા યોગ્ય છે. ઈન્દ્રની પૂજા નહિ એમ કહ્યું, ગોવર્ધનધારી કહેવાયા. શ્રીકૃષ્ણ અપ્રતિમ શક્તિશાળી હતા. તેમણે પર્વત ઊંચકીને યાદવોના જીવ બચાવ્યા હતા. તે ઉદ્વારક હતા, તે વાતનો સંકેત તે ઘટનામાંથી પ્રજાને પ્રાપ્ત થાય છે. કપરી પરિસ્થિતિમાં સ્વસ્થ ચિત્તે લોકોદ્ધારનો સમુચિત માર્ગ બતાવ્યો એ જ સાચી મહાનતા છે. શ્રીકૃષ્ણ તો સૂર્ય છે - અંધકારનો નાશ કરવાનું તેમનું લક્ષ્ય છે. શ્રીકૃષ્ણ મલ્લયુદ્ધ નિમિત્તે મથુરા આવે છે ત્યારે કુબજાને હાથે તિલક કરાવે છે. એ રાજમહાલયની કુરૂપ દાસીનો કૃષ્ણસ્પર્શ ઉદ્ધાર કરે છે. તેનું કુબજાપણંર પ્રભુના સ્પર્શથી ગાયબ થઈ જાય છે ! જેનો આત્મા નઠોર-અજાગ્રત છે, તે બધાં કુબજા જેવાં છે પણ જે જાગી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે.
કંસનો વધ કર્યા પછી કૃષ્ણ મથુરાનરેશ બની શક્યા હોત, પણ તે ઉગ્રસેનને ગાદીએ બેસાડે છે. પોતે રખેવાળ થાય છે. શ્રીકૃષ્ણ ત્યાગી છે - મહાન આત્મા છે - પરમાત્મા છે - નિર્મોહી છે.
કૃષ્ણ સાંદીપનિ ઋષિના શિષ્ય છે. સુદામાના મિત્ર છે. લાકડાં કાપે છે. ગુરુ પાસેથી શિક્ષા ગ્રહણ કરે છે ત્યારે ગુરુપુત્રને બદલે પંચજન્ય શંખ શોધી યમપુરી જઈને ગુરુપુત્રને યમરાજા પાસેથી પરત મેળવી લાવે છે. નરકાસુરે સોળ હજાર રાજકન્યાઓને કારાવાસમાં પૂરી હતી. તેમને છોડાવવાનું કામ શ્રીકૃષ્ણે કરેલું. આ સોળ હજાર કન્યાઓને મન શ્રીકૃષ્ણ જ પોતાના તારણહાર છે. એ બધી કન્યાઓ મનથી તો કૃષ્ણને ચાહે તે સ્વાભાવિક છે. સંયમને ધન માનનારો પુરુષ આટલી બધી સ્ત્રીઓનો ચાહક હોય એવો વિરોધાભાસ આપણી સંકીર્ણ દ્રષ્ટિનુે લીધે છે !
અષ્ટરાણીઓ સાથે સમભાવ રાખી જાણ્યો છે એટલે નારદજીને બધી સ્ત્રીઓની કાયામાં કૃષ્ણ જ દેખાય છે ! કૃષ્ણ એક આદર્શ પતિ છે. યુધિષ્ઠિરે ઈન્દ્રપ્રસ્થમાં અશ્વમેધ યજ્ઞા કરેલો. શ્રેષ્ઠ પુરુષ તેનું પૂજન કરે પછી યજ્ઞા શરૂ થનાર હતો ત્યારે કૃષ્ણની શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે પસંદગી થઈ. તે શિશુપાલને ન ગમ્યું, તેને દ્વેષ થયો. કારણ કે શિશુપાલની વિવાહિતા રુક્મિણીનું કૃષ્ણે હરણ કરેલું શિશુપાલે ભરસભામાં બકવાસ શરૂ કર્યો. અંતે એનો વધ કરી યજ્ઞાનો પ્રારંભ કરાવાયો. એક તરફ યજ્ઞા માટેની પસંદગીની સાત્વિકતા તેમનામાં છે તો, બીજી તરફ મર્દાનગી પણ છે. કૃષ્ણ અર્જુનને સમજાવવામાં જે સફળ થયા છે તેનું નામ છે ભગવદ્ગીતા ! વિદુરજીની ભાજીમાં તેમને રસ પડયો છે. સુદામાના તાંદુલમાં રસ પડયો છે. એવા સુદામાના મિત્ર કૃષ્ણનું ચરિત્ર અકળ છે. ગોકળ આઠમ એના ચરિત્રનો મહિમા કરે છે. આપણે કૃષ્ણચરિત્રમાંથી કશુંક પામીએ. આઠમ શબ્દની પૂર્વે ગોકુળ પૂર્વગ લાગતાં કૃષ્ણજન્મભૂમિનો પણ મહિમા થાય છે.


