Get The App

એલિસ ઇન વંડરલેન્ડ .

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
એલિસ ઇન વંડરલેન્ડ                                        . 1 - image

- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

- 'મને ખાઓ.' ખાતાંવેંત એલિસ મોટી થઈ ગઈ. આમ તે નાની-મોટી થતી રહી. આખરે ત્રાસીને માંડી રોવા.

'એ લિસ ઇન વંડરલેન્ડ' (૧૮૬૫) બાળકોને અને પ્રૌઢોને એકસરખો આનંદ આપે તેવી કાલજયી કલ્પનાકથા છે, જેમાં લેખક લુઈ કેરોલે તર્કને તડકે મૂકી દીધો છે.

એક દિવસ એલિસ નદીકિનારે બેઠી હતી, ત્યાં હાફ કોટ પહેરેલું સસલું પોકેટ ઘડિયાળમાં જોતું અને 'બહુ મોડું થઈ ગયું રે...' બબડતું નીકળ્યું. તે દરમાં પેઠું, સાથે એલિસ પણ દરમાં પ્રવેશી. એલિસ ગબડતી અટકીને જુએ તો દરવાજાની પાછળ બગીચો. ચાવીના કાણામાંથી જઈ શકાય, પણ એ તો સાવ નાનું! કાચની મેજ ઉપર પડેલી શીશી પર લખેલું, 'મને પીઓ.' પીતાંવેંત એલિસ વેંતિયો થઈ ગઈ. હવે ચાવીના કાણા સુધી કેમ પહોંચાય? પાસે હતો કેકનો કકડો, જેની પર લખેલું, 'મને ખાઓ.' ખાતાંવેંત એલિસ મોટી થઈ ગઈ. આમ તે નાની-મોટી થતી રહી. આખરે ત્રાસીને માંડી રોવા. આંસુનું બન્યું તળાવ, જેમાં તરતી વેંતિયા જેવી એલિસ સામે કાંઠે પહોંચી. તરવામાં સાથે હતાં ઉંદર અને ડોડો. હવે શરીર સૂકવવાં કેમ? ડોડોએ દોડવાની હરીફાઈ સૂચવી જેમાં નિયમો એકેય નહિ અને બધાંને ઇનામ મળે. ઉંદર બોલ્યો, હું સૂકી વાર્તા કહીશ જેથી શરીર સુકાઈ જાય.

આગળ જતાં એલિસને મળી ઈયળ જે બિલાડીની છત્રી પર બેઠી હુક્કો પીતી હતી. તે હતી તોછડી પણ તેણે એલિસને સમજાવ્યું કે બિલાડીની છત્રીની એક બાજુ વાપરવાથી મોટા થવાય અને બીજી બાજુ વડે ટચુકડા થવાય. એલિસ હવે એક ડચેસ (ઉમરાવની સ્ત્રી)ને ઘેર પહોંચી જ્યાં તેણે વારંવાર અલોપ થતી બિલાડી જોઈ. આખરે એલિસ પહોંચી બગીચામાં, જ્યાં પત્તાનાં બનેલાં ત્રણ માળીઓ- દુગ્ગી, પંજો, સત્તો- માળીકામ કરતા હતા. તેમણે રાણીના બગીચે રાતાંને બદલે ધોળાં ગુલાબ ઉગાડી દીધેલાં, માટે તેઓ ગુલાબ પર રાતો રંગ ચોપડતા હતા. તેટલામાં લાલની રાણી પધારી, તેની આજુબાજુ તીડી, ચોગ્ગી, નવ્વી, દસ્સી વગેરે પત્તાં ચાલતાં હતાં. ત્રણે માળીઓએ રાણીને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. ખોટા રંગનાં ગુલાબ ઉગાડયાં છે એવી ખબર પડતાં જ રાણીએ માળીઓ તરફ જોઈને હુકમ છોડયો, 'માથું ધડથી અલગ!'

રાણીએ એલિસને ગેડી-દડો રમવા નોતરી. દડા તરીકે શાહુડી અને ગેડી તરીકે જીવતું ફ્લેમિંગો. વાતેવાતે રાણીને ગુસ્સાની આંચકી આવતી અને તે બરાડતી, 'માથું ધડથી અલગ!' અંતે એલિસ પહોંચી અદાલતમાં. લાલના ગુલામને સાંકળોથી બાંધ્યો હતો, મીઠાઈ ચોરવાનો તેના પર આરોપ હતો. પહેલો સાક્ષીદાર હતો એક ટોપીવાળો શખ્સ. તે બોલ્યો 'સસલાએ કશુંક કહ્યું હતું.' સસલો બોલ્યો, 'મેં કશું કહ્યું જ નહોતું.' ટોપીવાળો બોલ્યો, 'ઉંદર કૈંક બોલ્યો હતો.' પરંતુ ઉંદર ઊંઘતો હતો એટલે વાત ઊડી ગઈ. હવે સાક્ષીદાર તરીકે એલિસને બોલાવાઈ. લાલના રાજાએ જાહેર કર્યું કે એક માઈલ કરતાં ઊંચી વ્યક્તિએ અદાલત છોડી જવી. એલિસે કહ્યું, હું એટલી ઊંચી નથી, અને આવો કોઈ નિયમ જ નથી. રાજા બોલ્યો, આ છે નિયમ ૪૨, જે સૌથી જૂનો નિયમ છે. એલિસે દલીલ કરી, 'તો એનો ક્રમાંક ૧ હોવો જોઈએ, ૪૨ શું કામ?' પછી એક દસ્તાવેજ રજૂ થયો જેમાં લાલના ગુલામે ગુનાનો એકરાર કર્યો હતો. એલિસે દલીલ કરી કે એમાં ગુલામે સહી કરી જ નથી. રાજા બોલ્યો, 'એ જ પુરવાર કરે છે કે એનું માનસ ગુનાહિત છે. ચાલો, હવે ચુકાદો આપો!' લાલની રાણી કહે, 'ચુકાદો પછી, પહેલાં સજા ફટકારો!' એલિસ બોલી ઊઠે છે, 'આ તે કેવું ન્યાયતંત્ર! રાણીની કેવી જોહુકમી!' રાણી એલિસની સજા સુણાવે છે, 'માથું ધડથી અલગ!' બધાં પત્તાં એલિસ પર હલ્લો બોલાવે છે. એલિસ મૂળ કદની થઈ ગઈ છે અને પત્તાંને સહેલાઈથી વિખેરી નાખે છે.તેની આંખો ખૂલે છે ત્યારે તે નદીકિનારે સૂતી હોય છે, સ્વપ્ન પૂરું થયું.

આ છે તો બાળકથા પણ તેમાં પ્રૌઢો માટેના સંકેતો પડયા છે. જેમ કે લાલના ગુલામ પરનો ખટલો ફારસ જેવો છે, રેઢિયાળ ન્યાયતંત્ર પર અહીં કટાક્ષ કરાયો છે. ગુલામ પર નહિ પણ જાણે ન્યાયતંત્ર પર જ ખટલો ચાલે છે. રાણીનું જોહુકમી વર્તન સરમુખત્યારો તરફ નિર્દેશ કરે છે. વળી વિક્ટોરિયન યુગમાં બાળકોને ચુપચાપ વડીલોની તુમાખી સાંખવી પડતી તે તરફ પણ ઇશારો છે. સામાન્ય નાગરિક ધારે તો પત્તાના રાજા-રાણીને ફગાવી દઈ શકે છે.

તર્કને કોરાણે મૂકતી, વાતે વાતે બરાડા પાડતી અને ધડ-માથા વગરની સજા ફટકારતી લાલની રાણી તમને કોની યાદ અપાવે છે? હિન્ટ  તે અમેરિકામાં રહે છે અને તેનું નામ 'ટ'થી શરૂ થાય છે.