- શોધ સંશોધન-વસંત મિસ્ત્રી
- દેલુલુ અને સોલુલુ જેવા શબ્દો આપણને મુર્ખાઇભર્યા લાગે પરંતુ જ્યારે તેમને ડિકશનરીમાં સ્થાન મળી ગયું છે તો આપણે તેમને 'બ્યુટી ઓફ લેંગ્વેજ' સમજી સ્વીકારવા પડશે
જે મ જેમ લોકો ઈન્ટરનેટ વાપરતાં થયા તેમ તેમ નવા નવા શબ્દો આવતા ગયા. વળી પેઢી બદલાતી ગઈ તેમ ભાષાઓ પણ અવનવા શબ્દોથી ઉભરાવા માંડી. જેમ કે 'જનરેશન એક્સ' એટલે ૧૯૬૫થી ૧૯૮૦માં જન્મેલા લોકો.
'જનરેશન ઝી' એટલે ૧૯૯૫ થી ૨૦૧૦ સુધીમાં જન્મેલા લોકો એટલે કે ૧૫ થી ૩૦ વર્ષની એક પેઢી જેણે ઈન્ટરનેટ પર જઈ જાતજાતના શબ્દોને જન્મ આપ્યો. અંગ્રેજીમાં એને Gen Z કહેવાય. આ ઝેડ શબ્દ અમેરિકામાં ઝી તરીકે બોલાય એ પણ જાણવા જેવું છે.
આ અંગ્રેજી ઝેડ શબ્દ ''ઝૂમર'' પરથી આવ્યો છે. ઈન્ટરનેટ પર પ્રથમ વાર 'ઝૂમ' કરનાર પેઢીને 'ઝૂમર' કહેવાય છે... !
આખા વિશ્વમાં આ પેઢી એવા વિચિત્ર શબ્દો બોલે છે અને એટલા મોટા પ્રમાણમાં બોલે છે કે તેમને ડિકશનરીમાં સ્થાન પણ મળી ગયું. આ શબ્દો સિલ્લી-મુર્ખાઇભર્યા લાગે પણ હવે મૂર્ખાઓના સમુહો પણ જે તે સ્થળે સફળતા મેળવી લે છે... !
દેલુલુ, લ્યુક, સ્કિબિડિ અને ટ્રેડવાઇફ જેવા શબ્દો ''જેન ઝી''ની ટર્મ્સ કહેવાય છે. આ શબ્દો આપણને વિચિત્ર લાગે, સમજ ના પડે, અર્થ પણ ના સમજાય છતાં પણ બાળકોમાં પ્રિય ગણાતા આ શબ્દોને તાજેતરમાં ડિકશનરીમાં સ્થાન મળી ગયું. હવે આવા ગાંડા લાગતા શબ્દોનો ડિકશનરીમાં પ્રવેશ, કેટલાંકને યોગ્ય લાગે છે અને કેટલાંક તેનો વિરોધ કરે છે.
હવે આ ડિકશનરી શું છે તે જુઓ. ડિકશનરી એ આદેશાત્મક કે નિયમ ઘડનારી સંસ્થા નથી. પરંતુ ભાષાઓ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. સમગ્ર વિશ્વમાં નેટવર્ક પર વપરાતા આ શબ્દો આપણને ભલે 'સ્લેન્ગ' લાગે પરંતુ તેઓ એક નવી સંસ્કૃતિ તરફ આપણને દોરી રહ્યા છે. આ વૈશ્વિક વિચારધારા છે.
પોપ કલ્ચર અને મીમ્સ (Memes) સાથે અનેક નવા શબ્દો મોબાઈલમાં આપણે વાંચીએ છીએ. મીમ્સ એટલે ઓન લાઇન ફેલાતા રમૂજી સંદેશાઓ... ! આ વિચિત્ર શબ્દો સાંભળીને આપણી ભ્રમરો ભલે ઊંચી થઈ જાય પણ આપણે આ પ્રવાહની સાથે વહેતા રહેવું પડશે નહિ તો બાળકો સાથેનો આપણો વાર્તાલાપ સમેટાઈ જશે...!
કેટલાંક વડીલ સાહિત્યકારોની વાતો પણ સાંભળો. તેમના મતે આ વાઈરસ થતા અને સમયની સાથે ઝાંખા થઈ જનારા શબ્દોને ડિકશનરીમાં સ્થાન મળવું ના જોઈએ. એને બદલે સદાયે વજનદાર હોય એવી ભાષાઓની જાળવણી કરવી જોઈએ.


