- સરદાર @150-હસિત મહેતા
- 'ગાંધી શું કહેવાના છે તે હું તમને કહી શકું. તમને ઘઉંમાંથી કાંકરા વીણતાં આવડે છે કે નહીં, તેવું પૂછશે અને આ પ્રવૃત્તિથી આઝાદી મળી જાય તેવું ઠસાવશે.'
વ લ્લભભાઈએ પોતાની નવીસવી વકીલાત શરૂ કરવા ઈ.સ.૧૯૦૦ના અધવચ્ચે પંચમહાલના ગોધરામાં પગ મૂક્યો, અને માંડ દોઢેક વર્ષ થયું ત્યાં તો, ઈ.સ.૧૯૦૨ના ઑગષ્ટે, તેમણે ગોધરા છોડી દીધું. છતાં ગોધરાના જાહેરજીવન સાથે એક લોકસેવક તરીકેનો તેમનો નાતો આજીવન નક્કર રહ્યો હતો.
ઈ.સ.૧૯૧૬ના ઉનાળામાં જ્યારે ગાંધી ગુજરાત ક્લબમાં ભાષણ કરવા આવ્યાં, ત્યારે તેમની મશ્કરી કરતાં વલ્લભભાઈએ પોતાના સાથી માવળંકરને ગાંધી તરફ જતાં રોકવા માટે કહેલું કે, 'ગાંધી શું કહેવાના છે તે હું તમને કહી શકું. તમને ઘઉંમાંથી કાંકરા વીણતાં આવડે છે કે નહીં, તેવું પૂછશે અને આ પ્રવૃત્તિથી આઝાદી મળી જાય તેવું ઠસાવશે.'
છતાં, છતાં અને છતાં વલ્લભભાઈને ગાંધી તરફ ખેંચાતા વાર લાગી નહોતી. ચંપારણનો સત્યાગ્રહ અને બનારસની હિંદુ યુનિવસટીના ગાંધીજીના બહુચર્ચિત ભાષણે વલ્લભભાઈના મનમાં ઠસાવી દીધું હતું કે આ માણસ (ગાંધીજી) કેવળ વાતો કરવાવાળા નથી. જે બોલે છે તે કરે છે. આ વિચારે ફેશનદાર કાળા અંગ્રેજ કોટપાટલૂનવાળા વલ્લભભાઈને ગાંધીજીના અનુયાયી થતાં વાર લાગી નહીં.
તે વર્ષોમાં ઈંગ્લેન્ડથી ભારતમંત્રી તરીકે એડવિન મોન્ટેગ્યુ નવા આવેલા. તેમને ભારતના તે વખતના બંધારણમાં સુધારાના સુચનો કરતું એક મેમોરન્ડમ આપવાનું હતું. જે ગાંધીજીએ લોકભાષામાં તૈયાર કર્યું, તે વાંચતા જ વલ્લભભાઈએ કબૂલ્યં કે સો પાનાના મેમેરન્ડમ કરતાં ગાંધીજીનું આ દસ લીટીનું નિવેદન વધારે પ્રભાવશાળી હતું. તેથી ગાંધીહાકલ ઝીલીને તેની નીચે દસ હજાર પ્રજાજનોની સહીઓ એકઠી કરવાની ઝુંબેશમાં વલ્લભભાઈ મન દઈને લાગી ચૂક્યા. એ દિવસ હતો ઈ.સ.૧૯૧૭ની ૩૦મી સપ્ટેમ્બરનો. જાણીએ કે એ જ વલ્લભભાઈનો ગાંધી પ્રવેશદિન.
એના એકાદ મહિના પછી, નવેમ્બરની શરૂઆતે વલ્લભભાઈ ગાંધીજીને નજીકથી મળ્યાં. પોતાની પેલી દોઢેક વર્ષની આરંભિક કર્મભૂમિ ગોધરા શહેરમાં, પ્રથમ ગુજરાત રાજકીય પરિષદમાં, પાંચમી નવેમ્બરે. એ રાજકીય પરિષદ પૂરી થયા પછી ત્યાં જ પહેલી સામાજિક પરિષદ (સંસારસુધારા પરિષદ) મળી, તે વળી ગોધરાના દલિતવાસ સુધી પહોંચી, ગાંધીજીએ આગેવાનો સાથે ત્યાંના દલિતવાસમાં મેળાવડો ભર્યો,જે પ્રથમ અંત્યજ પરિષદ તરીકે ઓળખાયો. તેમાં અસ્પૃશ્યતા નિવારણ અને વેઠપ્રથા દૂર કરવાના ઠરાવો થયા. આવા ઠરાવો માત્ર પરિષદોના અહેવાલો કે ભાષણો જ ના બની રહે, તે માટે અમલવારી કરવા એક કાર્યવાહક મંડળ બનાવ્યું, તેના મંત્રી વલ્લભભાઈ નીમાયા. વલ્લભભાઈએ એ વખતના મુંબઈ પ્રાંતના કમિશ્નર ફ્રેડરિક પ્રાટને પત્ર લખીને વેઠ પ્રથા અંગેના કાયદાઓની પૃચ્છા કરી. પ્રેટે એ પત્ર કચરાપેટીમાં નાંખ્યો. વલ્લભભાઈએ ગાંધીઆજ્ઞા અનુસરીને બીજો પત્ર લખ્યો. છેવટે ત્રીજો કાગળ મોકલીને 'હવે જો દસ દિવસમાં જવાબ નહીં મળે તો વેઠ ગેરકાયદેસર છે' તેમ માનીને પ્રજા તેનો વિરોધ કરશે, તેવી ચિમકી ઉચ્ચારી. પછી તેની અમલવારી પણ કરી. તે દિવસોમાં સરકારી અધિકારીઓ સુથાર, કુંભાર, વાળંદ, વાણીયા કે દલિતો જોડે જોરજૂલમથી જે કામો કરાવતાં, એ વેઠ પ્રથા વિરુદ્ધ વલ્લભભાઈએ ગામેગામ પત્રિકા વહેંચાવી અને ગોધરાપંથકમાં વેઠ પ્રથા સામેની ઝુંબેશને ગતિવાન બનાવી.
આ અંત્યજ પરિષદ દરમ્યાન જ ગાંધીજીએ દલિતવાસના અત્યંજોની સ્થિતિ સુધારવા કંઈક નક્કર કામ કરવાનું આહ્વાહન છેડયું. ત્યાં હાજર ઠક્કરબાપા, વલ્લભભાઈ, મામફડકે વગેરેએ ગોધરામાં અંત્યજ શાળા શરૂ કરવાની જવાબદારી સ્વીકારી. મિલમાલિક અંબાલાલ સારાભાઈએ મોટી રકમની મદદ કરી, તેમાં વલ્લભભાઈએ પણ પોતાનો ફાળો આપ્યો.આ રીતે ગોધરામાં ગુજરાતની સૌપ્રથમ અંત્યજ શાળાની શરૂઆતે વલ્લભભાઈ પાયાની ઈંટ બન્યા. જેની પછવાડે તેમનો પેલો દોઢ-બે વર્ષનો ગોધરાવકીલાતકાળનો લગાવ પણ ખરો.
શાળાશિક્ષણ અને કેળવણી માટેના વલ્લભભાઈના જીવનકાર્યો અચંબો પમાડે તેવા છે. ગોધરાની અંત્યજ શાળા પછી જ્યારે બીજા વર્ષે નડિયાદમાં બીજી રાજકીય પરિષદ ભરાઈ, ત્યારે ગાંધીજીની ગેરહાજરીમાં વલ્લભભાઈએ અંત્યજ સભા ભરવાની જવાબદારી ઉઠાવી અને સેંકડો અંત્યજો માટે પરિષદનો શુભોશિત મંડપ ખુલ્લો કરી દીધો, નડિયાદના મરીડા ભાગોળ વિસ્તારમાં ઈન્દુલાલ યાજ્ઞિાક વગેરે મળીને જે અંત્યજ શાળા શરૂ કરી, તેમાં પણ વલ્લભભાઈની ભૂમિકા ઘણી ઘનષ્ઠ રહી. એ પછી તો અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ૧૯૨૫ના એપ્રિલે, માધવપુર વિસ્તારે હિંદી મિડિયમ સ્કૂલ કે અમરાપુરની પ્રાથમિક શાળા કે નડિયાદની વિઠ્ઠલ કન્યા વિદ્યાલય કે બોરસદની અંગ્રેજી શાળા કે પછી આણંદ પાસેની સરદાર પટેલ યુનિવર્સિટી, આવી અનેક શાળા-કાલેજો માટેની વલ્લભભાઈની સરદારી નાનીસૂની નહોતી.
આમ જોઈએ તો વલ્લભભાઈનો ગોધરા નાતો બંધાયો હતો તો વકીલાતના વ્યવાસિયક તાંતણે, પરંતુ પાછળના વર્ષોમાં એ નાતો રાજકીય પરિષદના કાર્યવાહક મંડળમંત્રી તરીકે, વેઠપ્રથા કે અસ્પૃશ્યતા નિવારણ માટેના લોકનેતા તરીકે કે પછી કેળવણીની સંસ્થાઓ ઉભી કરનાર સમાજસેવી તરીકે વિસ્તર્યો.આ રીતે ૧૯૦૦થી ૧૯૧૭ સુધીના એ વર્ષો ગોધરા માટે વલ્લભનિસ્બતના મહામૂલા સમયને ઉછેરનારા બની રહ્યાં હતા.


