Get The App

સ્ત્રીના મન સુધી તો પહોંચી જો... .

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
સ્ત્રીના મન સુધી તો પહોંચી જો...                              . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- મારી જિંદગીમાં તારા જેવા હજારો પુરુષો મેં જોયા હતા. હું ઈશ્વરનો આભાર માનતી હતી કે, મને સંજય મળ્યો હતો. મારી નિયતીને કદાચ મારી ખુશી ગમી નહીં હોય તો સંજય જતો રહ્યો

'ર શ્મિન થોડી શાંતી રાખો... આપણે હજી હોટેલ પહોંચ્યા નથી. તમે જાહેરમાં આ રીતે ન કરશો...' - અંજલીએ તેના પતિને અડપલાં કરતા રોકતા કહ્યું.

'અરે તું મારી ઘરવાળી છે, આપણે હનીમુન માટે અહીંયા આવ્યા છીએ અને હું તને વળગું કે કંઈપણ કરું તેમાં લોકોને શું લેવાદેવા. તું શું કામ ચિંતા કરે છે. તારા માટે ક્યાં નવું છે.' - રશ્મિને કહ્યું અને અંજલી સહેજ અટકી ગઈ. તેને કંઈ સમજાયું નહીં અને તેણે રશ્મિન તરફ જોયું પણ રશ્મિન પોતાની જ ધુનમાં હતો.

બંને થોડીવારમાં હોટેલ પહોંચ્યા અને હોટેલના રૂમમાં ગયા ત્યાં રશ્મિન ફરી અંજલીને ચોંટવા લાગ્યો. 

'રશ્મિન પ્લીઝ યાર, થોડી શાંતિ રાખો. તમે નશામાં છો અને હું અત્યારે જરાય કમ્ફર્ટેબલ નથી. આપણે આટલું બધું ફરીને આવ્યા છીએ, હજી તો પહેલો દિવસ છે. થોડો આરામ કરો પછી બધી વાત.' - અંજલીએ તેને શાંત પાડવા કહ્યું.

'અરે તું કેવી રીતે થાકી ગઈ, તારી પાસે તો અનુભવ છે. તે પહેલાં આવું બધું કરેલું જ છે ને. મારા માટે નવું છે. આ હોટેલ તારી જાણીતી છે, આ જગ્યા તારી જાણીતી છે. તને જો મારાથી શરમ આવતી હોય તો થોડો સમય એવું ધારી લે કે, સંજય તારી સાથે છે એટલે તને વાંધો નહીં આવે.' - રશ્મિને કહ્યું અને બેડના ખૂણામાં જ ફસડાઈ પડયો. અજંલીને ભયાનક આઘાત લાગ્યો. તેનો વર તેના વિશે શું બોલી ગયો. 

અંજલીએ રશ્મિનને ઉચક્યો અને બેડ ઉપર સરખો સુવડાવ્યો. તે બારી પાસે આવેલી ખુરશીમાં ગોઠવાઈ અને દૂર દેખાતી ટેકરીઓ અને તેના ઉપર છવાતા અંધકારને એકટશ જેવા લાગી. બહારનો અંધકાર તેના ભીતરમાં પણ ફેલાતો જતો હતો. 

'સંજય પ્લીઝ, આજનો દિવસ રહેવા દે. આપણે આજે જ આવ્યા છીએ. પહેલાં દિવસે જ આટલું બધું ફરવાની જરૂર નથી. થોડો આરામ કરી લે. હજી બાકીના છ દિવસ અહીંયા જ કાઢવાના છે.' - અંજલીએ પોતાના પહેલા પતિ સંજયને આ વાત આ જ હોટેલના એક સ્યૂટ રૂમમાં કહી હતી. 

સંજય અને અંજલી લગ્ન કરીને તેમના હનીમુન માટે કેરાલા આવ્યા હતા. સંજયના જ પપ્પાએ આ લક્ઝુરિયસ પ્રોપર્ટીમાં તેમના માટે તમામ વ્યવસ્થા ગોઠવી હતી. સંજયને ફરવાનો શોખ હતો તેથી તેઓ બપોરે લેન્ડ થયા અને તરત જ સાઈટસિઈંગ માટે જવાનું કહેતો હતો પણ અંજલીની ઈચ્છા નહોતી. આખરે સંજયે તેની વાત માની લીધી હતી.

બંને એકબીજાના આલિંગનમાં સાંજે હોટેલની બાલ્કનીમાં બેસી રહ્યા, સ્વિમિંગપુલની મજા માણી અને રાત્રે સરસ પુલસાઈડ ડીનર કરીને આરામ કરવા જતા રહ્યા. કેરાલાના એ સાત દિવસ એક ફેરિટેલની જેમ પસાર થયા હતા. અંજલી માટે સંજય અકલ્પનિય પાત્ર સાબિત થયો હતો. તે તેની દરેક લાગણીનું માન જાળવતો, તેની પરવાનગી વગર તેને સ્પર્શ પણ કરતો નહીં, તેની ઈચ્છા-અનિચ્છા જોતો, તેને સાચવતો અને એક સાચા જીવનસાથી તરીકે પોતાની સાથે રાખવા ઈચ્છતો હતો જેમાં દરેક સુખ-દુ:ખની સ્થિતિમાં સમાન લાગણીઓ વહેતી રહે.

કાળચક્રને અને કદાચ નિયતીને આ બંનેની જોડી ખાસ પસંદ નહોતી. તેમનું સુખ કદાચ વિધિના લેખમાં લાંબું લખાયેલું નહોતું. સંજય અને અંજલીએ પરાણે એક વર્ષનું દાંપત્ય માણ્યું હશે. પહેલી એનિવર્સરીમાં સંજય અને અંજલી સિંગાપુર ગયા હતા. ત્યાં ચાર-પાંચ દિવસ આનંદ કરીને અંજલી પાછી આવી ગઈ. સંજય ત્યાં એક બિઝનેસ મિટિંગ માટે રોકાયો હતો. તે અઠવાડિયા પછી આવવાનો હતો. અંજલી પાછી આવી તેના ત્રીજા જ દિવસે સંજયના સમાચાર આવ્યા. એક કાર અકસ્માતમાં સંજય અને તેના પાર્ટનર નચિકેતનું મૃત્યુ થયું હતું.

અંજલી માટે આ આઘાત અસહ્ય અને ભયાનક હતો. તેના જીવનનો બીજો પુરુષ તેને આમ અધવચ્ચે છોડીને જતો રહ્યો હતો. અંજલી સમજણી થઈ અને તેના પિતાનું અકસ્માતમાં મોત થયું. આટલા વર્ષે સંજય જેવો અદ્વિતિય પુરુષ મળ્યો જેને અંજલીના તનમાં નહીં પણ મનમાં રહેલી લાગણીઓમાં રસ હતો. તે પણ અકાળે તેને છોડીને ચાલ્યો ગયો.

અંજલી આ ઘટનાથી સાવ દિગમૂઢ થઈ ગઈ હતી. તેને ઘણી વખત આત્મહત્યાના વિચાર આવતા પણ તેનામાં એટલી હિંમત નહોતી કે તે આત્મહત્યા કરી શકે. તેણે જેમતેમ દિવસો પસાર કરવાના શરૂ કરી દીધા. તેના સાસુ-સસરા તેને રાખતા, સાચવતા પણ તેનું મન ઘરમાં લાગતું નહીં. તેણે ફરીથી સંજયની ઓફિસ જવાનું શરૂ કર્યું પણ ત્યાં સંજય જ યાદ આવતો હતો. તે થોડા સમય માટે પોતાના પિતાના ઘરે જતી રહી. તેના મમ્મી-પપ્પાએ તેને બીજા લગ્ન કરવા સમજાવી પણ અંજલી તેના માટે તૈયાર નહોતી. 

થોડા દિવસ પછી તે સાસરે પરત આવી ત્યારે તેના સાસુ-સસરાએ પણ તેને બીજા લગ્ન કરી લેવા માટે સમજાવી.

'દીકરી તું હજી ૨૮ વર્ષની જ છું. આ રીતે જીવન ખરાબ ન કરાય. અમે પણ અમારો દીકરો ગુમાવ્યો જ છે. તું જો બીજે લગ્ન કરીશ તો અમને મરતા પહેલાં આત્મસંતોષ થશે કે અમે દીકરીને ઠેકાણે પાડી. તને આમ એકલી છોડીને અમે મરી પણ નહીં શકીએ.' - અંજલીના સાસુએ કહ્યું અને અંજલી રડી પડી. બંને થોડો સમય એકબીજાને ભેટીને રડતા રહ્યા. 

આ વાતને થોડા દિવસ ગયા ત્યાં અંજલીના સસરા રશ્મિનનું માગુ લઈને આવ્યા. અંજલીને આ વ્યક્તિ થોડો ઠીકઠાક લાગ્યો અને તેણે લગ્ન કરવાની હા પાડી દીધી. ખૂબ જ સાદાઈથી બંનેના લગ્ન લેવાઈ ગયા. બંને હનીમુન માટે પાછા કેરાલા આવી ગયા હતા. સંજયના પપ્પાએ જ તેમને આ ગિફ્ટ આપી હતી.

'અંજલી ત્યાં શું કરે છે, મારી પાસે આવ. આમ દૂર દૂર રહીશ તો કેવી રીતે ચાલશે.' - રશ્મિને કહ્યું અને અંજલી વિચારોમાંથી અચાનક ઝબકીને જાગી ગઈ. તે રશ્મિન પાસે જઈને બેઠી. રશ્મિને તેના કપાળ ઉપર એક ચુંબન કર્યું. 

'તું કમ્ફર્ટેબલ ન હોય તો કશો વાંધો નહીં. આપણે ફરવાની મજા માણીશું. બાકી બધા માટે જિંદગી પડી છે. ચાલ હું નીચેથી જમવાનું મંગાવી લઉં. આપણે ડિનર કરીએ અને પછી આરામ કરીએ.' - રશ્મિન એટલું કહીને ઊભો થયો અને ટીવી પાસે પડેલો ફોન હાથમાં લઈને જમવાનો ઓર્ડર આપી દીધો.

બંને અઠવાડિયું જ્યાં ત્યાં પસાર કરીને ઘરે પરત ફર્યા. ઘરે પરત ફર્યા ત્યારે રશ્મિને તેના ખાસ મિત્રો, અંગત સ્વજનોને બોલાવીને એક પાર્ટી રાખી હતી. તે અંજલીની બધા સાથે ઓળખાણ કરાવવાની હતી. આ પાર્ટીમાં ખાવાની અને પીવાની બધી જ વ્યવસ્થા હતી. રશ્મિન અને તેના મિત્રો તો નશામાં ધૂત થવા લાગ્યા હતા. અંજલી બાકીના લોકોની સાથે ઔપચારિક વાતો કરતી રહેતી હતી. આ દરમિયાન તે રશ્મિનને બોલાવવા માટે ગઈ પણ ત્યાં જે વાત સાંભળી તેણે તેને હચમચાવી દીધી.

'અલ્યા રશ્મિનિયા.. તારે આ વપરાયેલા માલમાં પડવાની ક્યાં જરૂર હતી. તને તો પેટિપેક પીસ મળે તેમ હતો. તું ક્યાં બીજીવારની લઈ આવ્યો.' - રશ્મિનના એક મિત્રએ કહ્યું.

'જો ભઈ, માલ ગમે તેવો હોય પણ તેને સ્વીકારવાના પૈસા મળ્યા છે. સંજયના બાપાએ મને કહ્યું હતું કે, સંજયના મોતના તેને ઈન્સ્યોરન્સના પાંચ કરોડ રૂપિયા મળ્યા છે. તેમાંથી તેણે મને પચાસ લાખ રૂપિયા આ સંજયના વપરાયેલા... સોરી સોરી... બીજીવારની માટે આપ્યા છે. મને કોણ આટલા પૈસા આપવાનું હતું. હજી તો બંગલો વેચાશે તેમાંથી એક ફ્લેટ લઈ આપવાનો છે ડોશો. મારે બીજું જોઈએ શું.' - રશ્મિન એટલુ બોલીને ખંધુ હસી પડયો. તેના મિત્રો પણ તેના હાસ્યમાં જોડાયા પણ એકાએક અટકી ગયા. તેમણે જોયું તો અંજલી પાછળ ઊભી હતી.

પાર્ટી પતી ગઈ અને બધા પોતાના ઘરે જતા રહ્યા. અંજલી રૂમમાં આવી ત્યારે રશ્મિન નશાની હાલતમાં અધમરેલો બેડ ઉપર પડયો હતો. અંજલી ક્યાંય સુધી તેને જોઈ રહી અને પછી એક કાગળ લખીને ઘરની બહાર જતી રહી. બીજા દિવસે સવારે રશ્મિન જાગ્યો ત્યારે તેણે બાજુમાં અંજલીની જગ્યાએ કાગળ પડેલો જોયો. તેણે વાંચ્યું કે,

રશ્મિન,

મારી જિંદગીમાં તારા જેવા હજારો પુરુષો મેં જોયા હતા. હું ઈશ્વરનો આભાર માનતી હતી કે, મને સંજય મળ્યો હતો. મારી નિયતીને કદાચ મારી ખુશી ગમી નહીં હોય તો સંજય જતો રહ્યો. હું તારી સાથે આવી અને કેરાલામાં તે મને સાંત્વના આપી ત્યારે લાગ્યું કે, કદાચ તું સંજય જેવો હોઈશ પણ તારી માનસિકતા મેં કાલે રાત્રે જોઈ લીધી. તમારા જેવા પુરુષોને માત્ર સ્ત્રીના તનમાં રસ હોય છે. તમે લોકો ક્યારેય તેના મન સુધી પહોંચ્યા જ નથી. જે દિવસે સ્ત્રીના મન સુધી પહોંચી જશો ત્યારે સમજાશે કે દાંપત્ય અને સહજીવન શું હોય છે. મને મળવાનો પ્રયાસ ન કરતો. હું મારા ઘરે જ છું. તું ઈચ્છે ત્યારે ડાયવોર્સના પેપર મોકલાવી દેજે હું સાઈન કરી દઈશ. મારા વતી મારા જૂના સસરાને આભાર કહેજે, તેમણે મને જીવનનો જુદો જ અનુભવ કરાવી દીધો.