Get The App

જરમનપ્રીત સિંઘ : ભારતીય હોકી ટીમની રક્ષા પંક્તિની અભેદ્ય દિવાલ

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
જરમનપ્રીત સિંઘ : ભારતીય હોકી ટીમની રક્ષા પંક્તિની અભેદ્ય દિવાલ 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- આઠ વર્ષથી હોકી ટીમમાં નિર્ણાયક ભૂમિકા ભજવતા જર્મનપ્રીતસિંઘને હવે આક્રમણની વધારાની ભૂમિકા પણ સોંપાઈ ને એશિયા કપમાં ભારતીય ટીમને તે ફળી

સ ફળતાના દરેક શિખરની નીચે મૌન અને ગુમનામ રહીને તેને ટકાવી રાખવા અડીખમ રહેલા પથ્થરોની ભૂમિકા મહત્વની હોય છે. તેના પર જ બધાનો આધાર ટકેલો હોય છે,પણ ક્યારેય તેના તરફ કોઈની નજર જતી નથી. આમ છતાં, કોઈની કદરની પરવા કર્યા વિના જ તેઓ પોતાની ભૂમિકા નિ:સ્વાર્થપણે નિભાવતા હોય છે. આમ પણ કહેવાય છે કે, જેનો પાયો મજબુત તે જ લાંબો સમય સુધી ટકી શકેે અને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ઉન્નત મસ્તક સાથે ઉભા રહેવાનું સામર્થ્ય ધરાવે છે.

ભારતીય હોકી હવે પુન:જાગૃતિ કાળમાં પ્રવેશી ચૂકી છે અને તેના કૌશલ્ય અને પ્રભુત્વનો અહેેસાસ દુનિયાને થઈ રહ્યો છે, ત્યારે તેની પાછળ ઘણા-બધા મૂક સેવકોનો નિ:સ્વાર્થ સંઘર્ષ અને લોહી-પસીનો ધરબાયેલો છે. જ્યારે ખેલાડી પોતાના વ્યક્તિગત લક્ષ્ય કે  મહત્વકાંક્ષાને જ્યારે પોતાની ટુકડી અને પોતાના દેશના સ્વાભિમાન અને ગૌરવની સાથે જોડી દે છે અને એક સાથે બધાની સફળતા અને ઉદય માટે પ્રયત્નો શરુ કરી દે છે, ત્યારે જ કલ્પનાતીત મનાતી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે છે.

છેલ્લા બે ઓલિમ્પિકમાં ભારતનો કાંસ્ય ચંદ્રક તેનું જિવંત પ્રમાણ છે, કારણ કે વર્ષ ૨૦૧૬ના ઓલિમ્પિકમાં છેક આઠમા ક્રમે રહેલી ટીમ માટેે ટોચની ત્રણ ટીમોમાં સ્થાન હાંસલ કરવું એ સ્વપ્ન સમાન સિદ્ધિ કહેવાય, પણ ભારતીય હોકીના જાંબાઝ સિતારાઓએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન બે વખત કાંસ્ય સફળતાને હાંસલ કરી બતાવી છે. જે ભારત ઉદયના એક ઉજળા સંકેત સમાન છે. આમ પણ હાલના સમયમાં રાષ્ટ્રને વ્યક્તિગત નહીં, પણ સામુહિક પ્રયાસો અને સફળતાની જરુર છે અને હોકી ટીમની સફળતા તે દિશામાં આગળ વધી રહેેલા ભારતીય સમાજના પ્રતિબિંબ સમાન છે. 

કેપ્ટન હરમનપ્રીત સિંઘની સાથે સાથે આક્રમણ પંક્તિના ખેલાડીઓના ચહેરા તો મીડિયામાં છવાયેલા રહેવાના કારણે પોસ્ટર-બોય સમાન બની રહ્યા છે. જોકે આ બધા સુપરસ્ટાર્સની પાછળ વરસોવરસ સાતત્યભર્યો દેખાવ કરવા છતાં ઢંકાયેલા રહેેલા રક્ષાપંક્તિના ખેેલાડી જરમનપ્રીત સિંઘના નામથી ભાગ્યે જ કોઈ પરિચિત હશે. છેલ્લા આઠ વર્ષથી ભારતીય હોકી ટીમની રક્ષા પંક્તિમાં અભેદ્ય દિવાલ બનીને ઉભા રહેેલા જરમનપ્રીત સિંઘે અંગત નામના અને સિદ્ધિના મોહને એકબાજુએ મુકીને માત્ર ને માત્ર દેશને માટે નિરંતર પોતાની તમામ શક્તિને લગાવી દેવાના ઈરાદાની પાછળ જ જિંદગી અર્પી દીધી છે.

ઓલિમ્પિક થઈ લઈને વર્લ્ડ કપ કેે પછી ચેમ્પિયન્સ ટ્રોફીથી લઈને એશિયા કપ સુધી ભારતીય હોકી ટીમની રક્ષા પંક્તિમાં સામેલ રહેલા જરમનપ્રીતે અત્યાર સુધીમાં અસંખ્ય વખત હરિફ ટીમના આક્રમણોને નિષ્ફળ બનાવ્યા છે. છેક છેવટની ઘડી સુધી ભારતને મેચમાં મળેલી પકડને જાળવી રાખવામાં તેની ભૂમિકા નિર્ણાયક રહી છે. આખરી મિનિટોના તનાવ અને પૂરઝડપે સામેથી દોડીને આવતા હરિફો તેમજ રોકેટની ગતિથી ફટકારાતા શોટ પર ઉછળતા બોલના જોખમો છતાં પણ જરમનપ્રીત મક્કમતાથી ભારતીય રક્ષા-પંક્તિમાં ઉભો રહીને તેમનો સામનો કરતો રહ્યો છેે અને તેના જ સહારે ભારતીય હોકી ટીમનો ચમકારો દેશ અને દુનિયાને જોવા મળી રહ્યો છે.

ભારતીય હોકી ટીમના હેડ કોચ ક્રેગ ફલ્ટોન છ ફૂટ અને એક ઈંચ ઊંચાઈ ધરાવતા જરમનપ્રીતની ઝડપ અને સ્ટેમિનાથી ખુબ પ્રભાવિત થયા. આ જ કારણેે તેમણે જરમનપ્રીતને ડિફેન્સની સાથે ટીમના ટોચના ખેલાડીઓની સાથે આક્રમણમાં પણ જોડાવા માટે તૈયાર કર્યો. એેટેકિંગ ડિફેન્ડર તરીકે એક ભારતીય હોકીમાં એક નવી જ ભૂમિકા ફલ્ટોને દાખલ કરી અને તે જવાબદારી માટે એકમાત્ર જરમનપ્રીતને પસંદ કરવામાં આવ્યો. જરમનપ્રીતને આ કારણે મેદાનમાં સતત અપ-ડાઉન કરતાં રહેવું પડે છે, પણ તેની ઝડપ અને સ્ટેમિનાના કારણે તે આક્રમણ અને સંરક્ષણ બંનેમાં ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. તેનું પ્રમાણ ભારતે ચોથી વખત જીતેલો એશિયા કપ પણ છે. 

પંંજાબના અમૃતસરમાં જન્મેલા જરમનપ્રીત માટે હોકીના મેદાનમાં પ્રવેશ મેળવવો ખાસ મુશ્કેલ નહતો. પંજાબના સામાન્ય જીવનમાં હોકી અભિન્ન રીતે વણાઈ ગયેલી છે. તેનો જ સીધો ફાયદો જરમનપ્રીતને બાળપણમાં જ મળ્યો. શાળા પછી કોઈ એક રમતને પસંદ કરવું ફરજીયાત હતુ અને આ સમયે જરમનપ્રીતે હોકી પર પસંદગી ઉતારી. ત્યારથી તેની જિંદગી હોકી સાથે જોડાયેલી રહી છે. સખત મહેનત અને વૈશ્વિક સ્તરના ખેલાડીઓની પાસથી મળેલી તાલીમના કારણે જરમનપ્રીતની રમતમાં આગવો નિખાર આવવા લાગ્યો. તેણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં તેની રમત અને મક્કમ ઈરાદા સાથે આગવો પ્રભાવ પાડયો.

માત્ર ૧૯ વર્ષની વયના જરમનપ્રીતની પ્રતિભાને સૌથી પહેલો બ્રેક ૨૦૧૫માં ચાલતી હોકી ઈન્ડિયા લીગમાં મળ્યો. ત્યારે તેને તેની પંજાબ ફ્રેન્ચાઈઝીએ જ ટીમમાં તક આપી હતી. આ પછી તેની કારકિર્દી જુનિયર સ્તરની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં આગળ વધી અને તેણે ૨૦૧૬માં જુનિયર હોકી વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જોકે કારકિર્દીની શરુઆતમાં જ તેને લોઅર બેકની સમસ્યા સતાવવા લાગી. તે સમયે જરમનપ્રીત ડોપિંગ અંગેના નિયમોથી ખાસ માહિતગાર નહતો અને લોઅર બેકની સારવાર માટે એક સ્થાનિક તબીબે આપેલું ઈન્જેક્શન જરમનપ્રીતની કારકિર્દી માટે પોઈઝન સમાન સાબિત થયું.

જરમનપ્રીતનો આઉટ ઓફ કોમ્પિટિશન ડોપ ટેસ્ટ પોઝિટીવ આવ્યો અને તેના પરિણામ તેના માટે વજ્રાઘાત સમાન રહ્યા. શરુઆતમાં તો તેના પર આઠ વર્ષનો ડોપ પ્રતિબંધ મૂકવામાં આવ્યો. જોકે તેની રજુઆત સાંભળ્યા બાદ તેેને પ્રતિબંધને ઘટાડીને બે વર્ષનો કરવામાં આવ્યો. આમ છતાં કારકિર્દીની શરુઆતમાં જ લાગેલો ડોપિંગનો ડાઘ તેના માટે વ્યક્તિગત રીતે પણ અત્યંત આકરો હતો. ડોપિંગ પ્રતિબંધના કારણે તેની કારકિર્દી બે વર્ષ માટે સ્થગિત થઈ ગઈ.

માનસિક રીતે અકળાવી નાંખનારા સમયને સફળતાપૂર્વક પસાર કરવામાં જરમનપ્રીત સફળ રહ્યો અને ૨૦૧૮માં પ્રતિબંધ બાદ વધુ સાવચેતી સાથેે તેણે તેની કારકિર્દીનો પુન:આરંભ  કર્યો. ડોપિંગના પ્રતિબંધ બાદ પુનરાગમન સમયે સાથીઓ અને કોચિસની શંકાભરી દ્રષ્ટીનો સામનો કરવો થોડો મુશ્કેલ રહ્યો, પણ જરમનપ્રીતેે તેની ધગશ અને મક્કમ ઈરાદાના સહારે ફરી ભારતીય ટીમમાં સ્થાન મેળવી લીધું. તેને ૨૦૧૮ની ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં સમાવવામાં આવ્યો અનેે તે એલિટ ટુર્નામેન્ટમાં ભારતે ઐતિહાસિક સ્લ્વિર મેડલ જીત્યો.

ભારતીય હોકીએ ૨૦૧૮માં નેધરલેન્ડના બ્રેડા ખાતે મેળવેલી સીમાચિહ્નરુપ સફળતાના પગલે જરમનપ્રીતે પોતાની આગવી ઓળખ ઉભી કરી. આ પછી તે ભારતીય ટીમનો નિયમિત સભ્ય રહ્યો છે. તેણે ભારતીય હોકી ટીમની સાથે ૨૦૨૩ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં સુવર્ણ અને ૨૦૨૨ની કોમનવેલ્થ ગેમ્સમાં રજત ચંદ્રક હાંસલ કર્યો હતો. અલબત્ત, ભારતીય ટીમ તરફથી શાનદાર દેખાવ કરનારા જરમનપ્રીતને ૨૦૨૧માં રમાયેલા ટોકિયો ઓલિમ્પિક માટેની ટીમમાં સ્થાન મળી શક્યું નહતુ. જ્યાં ભારતે ૪૧ વર્ષ બાદ ઓલિમ્પિક હોકીમાં સૌપ્રથમ ચંદ્રક તરીકે કાંસ્ય હાંસલ કર્યું હતુ.

અલબત્ત, આ પછી ૨૦૨૪ના પેરિસ ઓલિમ્પિકમાં તેણે ભારતીય ટીમ તરફથી પ્રભાવશાળી દેખાવ કર્યો હતો અને કાંસ્ય જીતનારી ટીમમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ખાસ કરીને ટીમના કોચ તરીકે ફ્લટોનનું પુનરાગમન જરમનપ્રીતની કારકિર્દી માટે નવજીવન સમાન બની રહ્યું હતુ. તેમના જ માર્ગદર્શનમાં જરમનપ્રીતે ભારતીય હોકી ટીમમાં આક્રમણ અને રક્ષા એમ બંને પંક્તિના ખેલાડી તરીકેની બેવડી અને વિકટ જવાબદારી સ્વીકારી જ નથી, પણ તેને અસરકારક રીતે અદા કરી બતાવી છે.  જરમનપ્રીતની નજર હવે આવતા વર્ષના હોકી વર્લ્ડ કપ પર મંડાયેલી છે, જેમાં ભારત ૧૯૭૫ પછી એક પણ વખત વિશ્વવિજેતા બનવાથી વંચિત રહ્યું છે. જોકે, ભારતીય હોકીનું નવું જોશ આવતા વર્ષે આગવો ઈતિહાસ રચે તો નવાઈ નહીં.