Get The App

રાજર્ષિની આરોગ્ય પાઠશાળા .

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
રાજર્ષિની આરોગ્ય પાઠશાળા                             . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- પ્રશંસા ઉત્સાહવર્ધક હોય છે, પરંતુ તેનો પ્રત્યક્ષ પ્રભાવ અમને વિશેષ પ્રેરણા આપે છે. તેમના માટે આરોગ્ય પાઠશાળા સરકારી યોજનાથી વિશેષ છે

કે ટલીક વખત જીવનમાં કોઈ એકાદ દ્રશ્ય વ્યક્તિના હૈયામાં એવું તો સોંસરવું ઉતરી જાય છે કે એ પછી તે વિશે વિચારવા વ્યક્તિ વિવશ બની જાય છે. તેલંગાણાના આદિલાબાદના જિલ્લા કલેક્ટર રાજર્ષિ શાહે જ્યારે આદિલાબાદની સ્કૂલોની મુલાકાત લીધી, ત્યારે તેમણે ત્યાં જે સ્થિતિ નિહાળી, તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા. દસ-અગિયાર વર્ષના છોકરાઓ તમાકુ ખાતા હતા અને સ્કૂલમાં છોકરીઓની ગેરહાજરી વધારે રહેતી. આદિલાબાદ જિલ્લો ભારતના સામાજિક-આર્થિક રીતે સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. રાજર્ષિ શાહે જોયું કે આ વિસ્તારના લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે બહુ ઓછી સભાનતા છે. હાથ ધોવા, રોજ નહાવું કે સ્વચ્છતા જાળવવી - આવી બાબતોની ઉપેક્ષા કરવામાં આવતી હતી. કેટલાય વિદ્યાર્થીઓ પરીક્ષા વખતે સખત ટેન્શન અનુભવતા અને તમાકુ ખાવાથી સ્વાસ્થ્યને કેટલું મોટું નુકસાન થાય છે, તેની કોઈ પણ પ્રકારની સભાનતા વિના નાનાં બાળકો પણ તમાકુનું સેવન કરતા હતા.

રાજર્ષિ શાહને તપાસ કરતાં ખબર પડી કે પાઠયપુસ્તકોમાં તો સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અંગેના સિદ્ધાંતો છે અને તેમને ભણાવવામાં પણ આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં પોષણચર્ચા કરવામાં આવે છે, પરંતુ આ બધું બાળકોના વ્યવહારમાં આવે તે માટે એક અભિયાન-શૈલીનો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ તેમ તેમને લાગ્યું અને તેમાંથી 'આરોગ્ય પાઠશાળા'નો જન્મ થયો. ઘણી સ્કૂલોમાં નિયમિત રીતે પ્રાર્થના થાય છે, તેવી રીતે દરરોજ વીસ મિનિટ આરોગ્ય પાઠશાળાને ફાળવવી, તેવું નક્કી કર્યું. વિદ્યાર્થીઓ ચર્ચા, નાટક અને અન્ય માધ્યમથી સ્વચ્છતા, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જવાબદારી વિશેના કાર્યક્રમમાં ભાગ લે અને તે દ્વારા શીખે. આના માટે પ્રત્યેક દિવસનો વિષય નક્કી કરીને સમયપત્રક બનાવ્યું. જેમકે સોમવારે વ્યક્તિગત સ્વચ્છતા, મંગળવારે સ્વાસ્થ્ય અને પોષણ, બુધવારે તણાવ અને માનસિક સ્વાસ્થ્ય, ગુરુવારે વ્યસનમુક્તિ, શુક્રવારે રોગનિવારણ અને શનિવારે આત્મવિશ્વાસ અને નેતૃત્વ.

આ અભિયાનની એવી ત્વરિત અસર થઈ કે સ્કૂલમાં વિદ્યાર્થીઓની પચાસ ટકા હાજરી રહેતી હતી, તે સિત્તેર ટકા થઈ. જે વિદ્યાર્થીઓ ઘરે રહેતા હતા, તે સ્કૂલે જવા ઉત્સુક બન્યા. રાજર્ષિ શાહે આ યોજનાને માત્ર શિક્ષણ વિભાગ સુધી સીમિત ન રાખતા સ્વાસ્થ્ય, મહિલા તેમજ બાળકલ્યાણ, આયુષ અને ગ્રામીણ વિકાસ જેવા વિભાગોને પણ એની સાથે જોડયા. ધીમે ધીમે વિદ્યાર્થિનીઓની સંખ્યા પણ વધવા લાગી. પીરિયડના સમયે ગેરહાજર રહેતી વિદ્યાર્થિનીઓ હાજર રહેવા લાગી. તેઓ કહે છે કે હવે એમને પીરિયડ વિશે વાત કરવામાં સંકોચ થતો નથી. આદિલાબાદના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને બે-ત્રણ કિમી. ચાલીને બસ પકડવી પડે છે, તેથી વરસાદ અને ગરમીની તુમાં વિદ્યાર્થિનીઓની સંખ્યા પચાસ ટકા થઈ જતી. આજે જિલ્લા કલેક્ટર અને કેટલીક એન.જી.ઓ.ના સહયોગથી ઘણી સ્કૂલોમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન, અલગ રૂમ, ગરમ પાણીની થેલી, દર્દનિવારક દવાઓ અને પ્રાથમિક ચિકિત્સાની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી હાજર રહેનારી વિદ્યાર્થિનીઓની સંખ્યામાં વધારો થયો છે. પોષણ, સ્વચ્છતા અને પૌષ્ટિક ખોરાકનું મહત્ત્વ સમજાયું છે. આ વિદ્યાર્થીઓ સાથે મળીને યોગ અને ધ્યાન પણ કરે છે.

વીસ મિનિટની આરોગ્ય પાઠશાળામાં ભાગ લેવાથી ઘણા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે. શિક્ષકો તેમને અરીસા સામે ઊભા રહીને બોલવાનું શીખવતા. કેટલાક વિદ્યાર્થીઓ નિયમિત રીતે ભાષણ આપે છે અને સ્કૂલની સ્પર્ધાઓમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. જુનિયર કોલેજમાં પહેલાં ૧૬૦માંથી ૧૦૨ સીટ પર છોકરાઓ પ્રવેશ મેળવતા. આજે ૯૮ સીટ પર વિદ્યાર્થિનીઓ પ્રવેશ મેળવે છે. રાજર્ષિ શાહ કહે છે કે શરૂઆતમાં શિક્ષકો, યોગશિક્ષકો અને આરોગ્ય અધિકારીઓએ એક સાથે કામ કરવાનું હતું અને તેના માટે વ્યવસ્થિત કાર્યક્રમ અને નિરંતર સમીક્ષાની આવશ્યકતા હતી, જે સહેલું નહોતું. શિક્ષકોને ડર હતો કે તેમના કામનું ભારણ વધી જશે, પરંતુ વર્કશોપ પછી બધું ગોઠવાતું ગયું.

આ બધા કાર્યની સમીક્ષા કરવા માટે માન્યતાપ્રાપ્ત આશા કાર્યકર્તાઓ સ્કૂલોમાં જઈને તેમની તસવીરો લેતા અને એપ ઉપર અપલોડ કરતા. આ બધા અનુભવે રાજર્ષિ શાહ કહે છે કે સ્વાસ્થ્ય સંબંધી ટેવો કેટલાક મહિનાઓમાં બદલી શકાતી નથી. તેના માટે નાટકો, ચાર્ટ, દ્રશ્ય-શ્રાવ્ય સામગ્રી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વર્કશોપ અને વિદ્યાર્થીઓના માધ્યમથી નિરંતર પ્રોત્સાહન આપવું જરૂરી હોય છે. ૨૦૨૪ના બાળદિને શરૂ કરેલી આ પહેલ આજે અઢીસો સ્કૂલો સુધી વિસ્તારિત થઈ છે, જેમાં પ્રાથમિક, હાઈસ્કૂલ અને જુનિયર કોલેજોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમને સ્કોચ પુરસ્કાર મળ્યો છે, પરંતુ રાજર્ષિ શાહ કહે છે કે પ્રશંસા ઉત્સાહવર્ધક હોય છે, પરંતુ તેનો પ્રત્યક્ષ પ્રભાવ અમને વિશેષ પ્રેરણા આપે છે. તેમના માટે આરોગ્ય પાઠશાળા સરકારી યોજનાથી વિશેષ છે. સ્કૂલની દિનચર્યામાં એક નાનું પરિવર્તન કેટલો મોટો પ્રભાવ પાડે છે તે આપણને આરોગ્ય પાઠશાળાથી જોવા મળે છે.

બબીતાની જલ સહેલીઓ

પાણીનું કામ કરનાર મહિલાઓને જલ સહેલી નામ આપવામાં આવ્યું છે. આજે આ જલ સહેલીઓ બછેડી નદીને પુનર્જીવિત કરવાનું કામ કરે છે 

મ ધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના અગ્રૌઠા ગામમાં ખેડૂત પિતાને ત્યાં બબીતાનો જન્મ થયો. આ ગામ પાણીની અછતથી પીડાતા બુંદેલખંડમાં આવેલું છે.  બબીતા બાર વર્ષની હતી, ત્યારથી પાણી ભરવા જતી હતી. ગામની મહિલાઓ કેટલાય કિમી. ચાલીને નળ પર પાણી ભરવા જાય અને કલાકો સુધી લાઇનમાં ઊભી રહે. પાણી લઈને ઘરે આવતા મોડું થાય, તો એમના પતિ મારપીટ કરે કે જમવાનું કેમ મોડું બનાવ્યું? પાણીની એટલી મોટી સમસ્યા હતી કે છોકરીઓ સ્કૂલે જઈ શકતી નહીં. બે હજારની વસ્તીવાળા ગામમાં હેંડપંપ તો હતા, પરંતુ પાણી માત્ર ગામ બહાર આવેલા બે પંપમાં જ આવતું હતું, તેથી ચોવીસ કલાકમાં ગમે ત્યારે જાઓ, ત્યાં ભીડ જ જોવા મળે. બબીતા કહે છે કે ત્રણ-ચાર ઘડા પાણી ભરીને લાવવામાં બે કલાક થઈ જતા અને સ્કૂલે જઈ શકાતું નહીં.

આ બધું જોતાં જોતાં બબીતા અઢાર વર્ષની થઈ. એક દિવસ પરમાર્થ સમાજસેવી એન.જી.ઓ.માંથી બે વ્યક્તિ આવી અને તેમણે પાણી માટેની લાંબી લાઇન જોઈ. બબીતા પણ પાણી માટેની લાઇનમાં ઊભી હતી. તે લોકોએ સમજાવ્યું કે પાણીની સમસ્યા દૂર કરવા માટે ગામમાં વરસાદનું પાણી રોકવું પડશે. તેનાથી ગામની જમીનના ભૂગર્ભનું જળસ્તર વધશે. બબીતાને એમની વાત સમજાઈ ગઈ, પરંતુ ગામલોકોને એ વાત પર વિશ્વાસ બેઠો નહીં, કારણ કે દર થોડા વખતે કોઈ નેતા કે સરકારી અધિકારી આવીને બોર બનાવવાના કે પાઈપલાઈન નાખવાનાં વચન આપીને જતા, પરંતુ ક્યારેય કશું થયું નહોતું. બબીતા પાણીની સમસ્યા દૂર કરવાની વાતથી પ્રભાવિત થઈ અને પાણી કેવી રીતે બચાવી શકાય તેની તાલીમ લેવા માટે તે 'પરમાર્થ સમાજ સેવી' સંસ્થા સાથે જોડાઈ.

તાલીમ લીધા પછી બબીતાએ પોતાના ગામમાં કામ શરૂ કર્યું. બબીતાની સાથે શરૂઆતમાં દસ મહિલાઓ જોડાઈ. ગામના બુઝુર્ગોએ કહ્યું કે આખી જિંદગી પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તો બબીતા બિચારી શું કરી શકશે? એ તો પાગલ થઈ ગઈ છે ને ગામની મહિલાઓને પણ પાગલ બનાવી રહી છે. કોઈની વાત કાને ધર્યા વિના બબીતાએ આ દસ મહિલાઓ સાથે મળીને ચાર ચેકડેમ અને આઉટલેટ બનાવ્યા. પરમાર્થ સમાજ સેવી સંસ્થાએ સીમેન્ટ અને ડેમ બનાવવાનો સામાન આપ્યો. ચેકડેમ બનવાથી ગામનું પાણી ગામમાં રહેવા લાગ્યું. કેટલાક દિવસોમાં ડેમની આસપાસના કૂવા અને બોરવેલમાં જળસ્તર વધી ગયું. ભરાયેલા પાણીનો ઉપયોગ પશુઓને પાણી પાવામાં, લોકો સ્નાન કરવા માટે અને કપડાં ધોવામાં કરવા લાગ્યા. આ જોઈને કેટલાક લોકો પ્રભાવિત થયા અને તેમને લાગ્યું કે ખેતરોમાં પણ એમને નડતી પાણીની સમસ્યા હળવી થશે.

૨૦૧૯માં આ વીસ મહિલાઓએ ગામમાં પાણી પંચાયતની સ્થાપના કરી. પંચાયતમાં અન્ય મહિલાઓને પણ બોલાવી. ગામમાં ૨૦૦૭-૦૮માં સિત્તેર એકરનું એક તળાવ બનાવવામાં આવ્યું હતું. આ તળાવની ચારે બાજુ પહાડ હતા. તેને કારણે વરસાદનું પાણી તળાવમાં આવી શકતું નહીં. વરસાદનું પાણી ગામથી બે કિમી. દૂર બછેડી નદીમાં વહી જતું અને ઉનાળો આવતાં જ તળાવ સૂકાઈ જતું હતું. તળાવમાં પાણી ભરવું હોય તો પહાડને કાપવો પડે. તેને માટે વનવિભાગની મંજૂરી લેવા બબીતા અને અન્ય મહિલાઓ ગઈ, પરંતુ પહેલાં તો મંજૂરી ન આપી. બીજી વાર જઈને આખી યોજના સમજાવી અને ખાતરી આપી કે વનક્ષેત્રને કોઈ નુકસાન નહીં થાય, પાણી આવશે અને વળી વધારામાં વૃક્ષારોપણ થશે. છેવટે વનવિભાગે પહાડ તોડવાની સંમતિ આપી.

વનવિભાગની સંમતિ મળતાં જ વીસ મહિલાઓ પાવડા-કોદાળી લઈને પહાડ કાપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તો ગામલોકોને વિશ્વાસ નહોતો, પરંતુ ધીમે ધીમે બસો મહિલાઓ જોડાઈ. સૂકા તળાવમાં કેટલાક લોકો ખેતી કરતા હતા, તેમણે વિરોધ કર્યો, પરંતુ જેમ જેમ કામ આગળ વધ્યું તેમ તેમ તેમાં થોડા પુરુષો પણ જોડાયા. હજી ઘણા લોકો બબીતાના માતા-પિતાને મ્હેણાં મારતા અને કહેતા કે પુત્રીને બહુ છૂટ આપી છે. પહાડ કાપવાથી કંઈ પાણી થોડું આવે? અઢાર મહિનાની મહેનતને અંતે બાર ફૂટ પહોળી અને એકસો સાત ફૂટ લાંબી નહેર બની ગઈ. નહેર બન્યા પછી પહેલા વરસાદમાં તળાવ ભરાઈ ગયું. જે લોકો તેને પાગલ કહેતા હતા તે બધાએ તળાવમાં પાણી આવતાં દીવા પ્રગટાવ્યા. ખેતી સારી રીતે થવા લાગી. આજુબાજુના છ ગામોને મદદ મળી. વનવિભાગની જમીન પર પાંચસો વૃક્ષો વાવ્યા. આજે બાર ગામની દોઢ હજાર મહિલા બબીતા સાથે કામ કરે છે. ગામના વિકાસકાર્યોમાં એની સલાહ લેવામાં આવે છે. પિતા નિરક્ષર છે, પરંતુ પરિવારના પૂરા સહયોગથી બબીતા બી.એ. થઈને એમ.એસ.ડબલ્યુ.નો અભ્યાસ કરે છે. પાણીનું કામ કરનાર મહિલાઓને જલ સહેલી નામ આપવામાં આવ્યું છે. આજે આ જલ સહેલીઓ બછેડી નદીને પુનર્જીવિત કરવાનું કામ કરે છે અને અનેક જગ્યાએ ચેકડેમ બનાવી રહ્યા છે.