Get The App

આત્માનંદના આકાશમાં પ્રગટશે સ્વાધ્યાયનું શાંતિદાયક મેઘધનુષ!

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
આત્માનંદના આકાશમાં પ્રગટશે સ્વાધ્યાયનું શાંતિદાયક મેઘધનુષ! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- સ્વાધ્યાયથી જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ, જે સ્વ-રૂપની ઓળખ મળી, તેને આચરણમાં ઉતારીને પોતાના જીવનની પ્રયોગશાળામાં એના પ્રયોગો કરતા રહેવું પડે છે. ગ્રંથોના ઉચ્ચ વિચારો કે આદર્શો જાણવા એ પૂરતું નથી. એના શબ્દો ઉકેલવા એ પણ પર્યાપ્ત નથી, પરંતુ એમાં આપેલા વિચારોનું આચરણમાં રૂપાન્તર કરવું જરૂરી છે.

ગ્રંથ આપણા જીવનમાં ઊગનારા આત્મપ્રભાતનું દુંદુભિગાન કરનારો છે. આપણા મનના પ્રદેશો પર જામેલી મલિનતાને ઓગાળી નાખનારો છે

વા દળવિહોણું નિરભ્ર આકાશ મનમાં ઉદાસીનતા જગાડે છે, તો ઘનઘોર કાળાં ડિબાંગ વાદળોથી ઘોરંબાતું ઘનઘોર આકાશ ધરતી પર નિરાશાનો અંધકાર ફેલાવે છે. આકાશમાં આમ-તેમ, અહીં-તહીં ભ્રમણ કરતાં વાદળો ચંચળતાનો અણસાર આપે છે, તો વીજળીનો એકાદ ચમત્કાર આંખોે આશ્ચર્યથી આંજી દે છે, પરંતુ એ જ વિરાટ આકાશમાં મેઘધનુષના મનોહર અને મનભર સાત રંગો લહેરાતા હોય, ત્યારે એ દ્રશ્ય જોઈને આપણી આંખો, અંતર અને આત્મા પુલકિત થઈ ઊઠે છે ! એ જ રીતે જૈનદર્શનના સાધુ, શ્રાવક કે સાધક સહુના આત્મામાં એક સાથે સો સૂરજનું અજવાળું પાથરતું કોઈ મેઘધનુષ હોય તો તે સ્વાધ્યાય છે. આ સ્વાધ્યાયની શાસ્ત્રીય વ્યાખ્યાથી આપણે અવગત છીએ, કિંતુ એ સ્વાધ્યાયના મેઘધનુષના સર્જનની પાછળ મેઘધનુષના સાત રંગ સમા કેવા સપ્તપુરુષાર્થ આવશ્યક છે એ વર્તમાન સંદર્ભમાં જોઈએ.

સ્વાધ્યાયની નિર્યુક્તિ પર દ્રષ્ટિપાત કરીએ તો એનો પહેલો અર્થ પ્રાપ્ત થાય છે તે સ્વ + અધ્યાય. 'સ્વ' એટલે આત્માને માટે હિતકારક અને 'અધ્યાય' એટલે અધ્યયન, અર્થાત્ આત્મહિતકારક શાસ્ત્રોનું અધ્યયન તે સ્વાધ્યાય. આજે અધ્યયન શબ્દ જુદા જુદા વિષયોના ગ્રંથોના અભ્યાસ માટે પ્રયોજાય છે, પરંતુ અહીં સ્વાધ્યાય શબ્દથી 'સ્વ' એટલે કે 'પોતાના આત્માને ઉપકારક' એવા ગ્રંથની વાત કરવામાં આવી છે. આ સંદર્ભમાં સ્વાધ્યાય કરનારે લક્ષ પર દ્રષ્ટિ ઠેરવીને ગ્રંથનો સ્વાધ્યાય કરવો જોઈએ એટલે કે આત્માના મૂળ સ્વરૂપની ઓળખ આપે તેવાં અને તેને હિતકારક એવા ગ્રંથોનું વાચન કરવું જોઈએ.

આજે સમાજમાં એવા ઘણા ગ્રંથો પ્રગટ થાય છે જે વ્યાવહારિક દ્રષ્ટિએ આપણને ઉપયોગી બને છે. 'સ્ટ્રેસ' દૂર કરવાથી માંડીને પ્રભાવશાળી વ્યવસાયી જીવન જીવવા સુધીના આવા ગ્રંથોનું વાચન એ અધ્યયન કહેવાય, સ્વાધ્યાય સહેજે નહીં. આવા ગ્રંથો સંસારની આસક્તિ, આત્મામાં ક્લેશ અને જીવનમાં વ્યાકુળતા પણ ઉપજાવે છે. આથી સ્વાધ્યાય કરનારે આત્મા સિવાયના અન્ય બાહ્ય પદાર્થો કે વિકારી ભાવોને ઉત્તેજનારા ગ્રંથોનો ત્યાગ કરવો જોઈએ અને તે 'હેય' ને સમજીને આત્માની સર્વવિશુદ્ધ દશા પ્રગટ કરનારા ગ્રંથોને જ 'ઉપાદેય' માનવા જોઈએ.

આ પ્રમાણે સ્વાધ્યાય કરતી વખતે સાધકે જે છોડવા યોગ્ય છે તેનો અને જે ગ્રહણ કરવા યોગ્ય છે તેનો સર્વપ્રથમ વિચાર કરવો જોઈએ. અને એ રીતે આવા ગ્રંથોના શ્રવણ અને સ્વાધ્યાય દ્વારા મારે મારા આત્મામાં અનંત, શાશ્વત આનંદ પ્રાપ્ત કરવો છે એવુ ંસ્વાધ્યાય કરતી વખતે ધ્યેય હોવું જોઈએ અને એ સ્વાધ્યાય પ્રગટતાં આપણા અંતરમાં આત્મભાવોનો એવો પ્રકાશ પથરાશે કે આગમગ્રંથ 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'ની એ ગાથા ચિત્તમાં ગુંજારવ કરશે -

सज्झायं च तओ-कुज्जा, सव्वभावविभावणं ।

સ્વાધ્યાય સર્વ ભાવોને પ્રકાશિત કરે છે.

પરંતુ સામાન્ય સાધકે તો સ્વાધ્યાયશીલ બનવા માટે જીવનમાં ત્રણ આરાધન-સોપાન પર આરોહણ કરવું પડે છે.

એનું પહેલું સોપાન છે, કે એ ગ્રંથોના સ્વાધ્યાય કાજે વ્યવહાર અને સાંસારિક કાર્યોમાંથી નિવૃત્તિ મેળવીને ગ્રંથોના અધ્યયન તરફ વળવું પડશે. આજના સમયનો સૌથી મોટો વ્યાધિ એ આધુનિક માનવીની વ્યસ્તતા છે. ઘણી વ્યક્તિ એવી ફરિયાદ કરતી હોય છે કે, 'એમને માથે કામનો એટલો બોજો છે કે મરવાનો પણ સમય નથી' અથવા તો ઘણી વ્યક્તિ એમ વિચારતી હોય છે કે 'વૃદ્ધાવસ્થામાં આ બધું કરીશું, હાલ તો એક ઘડીનીય ફુરસદ નથી.' હકીકતમાં આવી વ્યસ્તતા ધરાવનારા માનવીના આત્માની વાત તો ઘણી દૂર રહી, પણ એ એના હૃદયના - ભીતરના - દ્વાર બંધ રાખીને બહિર્મુખતાથી ભૌતિક જગતમાં આંધળી દોડ દોડતો રહે છે. એની 'પર' પ્રત્યેની દોડ અને 'સ્વ'થી સર્વથા વિમુખ રાખે છે, ત્યારે સૌપ્રથમ તો 'નિજતત્ત્વ' પર નજર ઠેરવવી જોઈએ, તો જ સ્વાધ્યાય પ્રતિ પહેલું પગલું માંડી શકાય.

એની બીજી બાબત છે નિયમિત રીતે સદ્ગ્રંથોનું વાંચન કરવું. જેમ કોઈ કુશળ ગવૈયો નિયમિત રિયાજ કરતો હોય છે, તેમ સાધકને માટે નિયમિત સ્વાધ્યાય જરૂરી છે. જો ઘોડાને અશ્વશાળામાં એક જ જગ્યાએ બાંધી રાખો, તો સમય જતાં એની ચપળતા ઘટી જાય છે. એને રોજ જુદી જુદી જગ્યાએ ફેરવવો પડે છે અને એ જ રીતે પાનદાનીમાં રાખેલા પાન વારંવાર ફેરવવા પડે છે. આથી નિયમિત સ્વાધ્યાયની એ માટે જરૂર છે કે જેને પરિણામે આપણી શાસ્ત્રોપાસના સતત જાગ્રત અને જીવંત રહે. આ સમયે સ્વરૂપપ્રાપ્તિના મુખ્ય હેતુને લક્ષમાં રાખીને સાધક સદ્ગ્રંથોનું વાંચન કરે છે. વીતરાગતાનું મહાત્મ્ય વર્ણવતા, આત્માર્થ આરાધનાને દ્રઢ કરાવે તેવા અને વૈરાગ્ય તથા ઉપશમને પોષક એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ.

અને એનું ત્રીજું સોપાન છે કે સ્વાધ્યાયથી જે કંઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ, જે સ્વ-રૂપની ઓળખ મળી, તેને આચરણમાં ઉતારીને પોતાના જીવનની પ્રયોગશાળામાં એના પ્રયોગો કરતા રહેવું પડે છે. ગ્રંથોના ઉચ્ચ વિચારો કે આદર્શો જાણવા એ પૂરતું નથી. એના શબ્દો ઉકેલવા એ પણ પર્યાપ્ત નથી, પરંતુ એમાં આપેલા વિચારોનું આચરણમાં રૂપાન્તર કરવું જરૂરી છે. સ્વાધ્યાય કરતી વખતે વ્યક્તિ એ શાસ્ત્રનું વાચન કરતો નથી, પરંતુ શાસ્ત્રકારની મનોસૃષ્ટિમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરે છે. ગ્રંથનો પ્રત્યેક શબ્દ પામવાનો અને ઉકેલવાનો પ્રયાસ કરે છે. જેમ બંધ કમળપુષ્પની એક પછી એક કોમળ પાંદડીઓ ખૂલે, એ રીતે એને વિશે ઊંડું ચિંતન કરીને એના અર્થને સમજવા કોશિશ કરે છે. કદાચ સફળતા ન મળે તો એ માર્ગના અભ્યાસી કે મહાત્માને મળે છે અને એમની પાસેથી એનો મર્મ પામવા પ્રયત્ન કરે છે.

આમ સ્વાધ્યાય સાથે જોડાયેલી એક મહત્વની બાબત તે ગ્રંથવિશ્વનું ઊંડાણભર્યું ચિંતન છે. આજના માનવી પાસે માત્ર ચિંતા રહી છે, ચિંતન રહ્યું નથી, ત્યારે ગ્રંથોના સ્વાધ્યાયમાંથી સાંપડેલી ભાવનાઓ વિશે સતત ચિંતન કરવું જોઈએ અને જીવનમાં એનું આચરણ કરવા સંકલ્પ કરવો જોઈએ. સાચી સમજણનું પુષ્પ ખીલે તો જ સ્વાધ્યાય સાર્થક બને. તેથી ગ્રંથના સ્વાધ્યાય સાથે અનિવાર્યપણે જોડાયેલી બાબત એ છે કે સાધકે ગ્રંથની ભીતરમાં વધુને વધુ ઊંડા ઊતરવું પડે. જેમ મહાસાગરમાં મરજીવો પાણીમાં ખૂબ ઊંડે સુધી ડૂબકી મારીને પાણીદાર મોતી લઈ આવે છે, તે રીતે સાધકે તે ગ્રંથના શબ્દ, અર્થ, ભાવ અને મર્મ વિશે ગહન ચિંતન કરીને એને પામવા જોઈએ.

વળી બીજી મહત્વની બાબત એ છે કે કેટલાક સાધક ઉદાસીનતાથી શાસ્ત્રગ્રંથોના સ્વાધ્યાય તરફ વળતા હોય છે. બને છે એવું કે જેમ જેમ એ ગ્રંથોનું અધ્યયન કરે છે, તેમ તેમ એમની ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને નિરાશામાં વૃદ્ધિ થતી જાય છે. જ્યારે હકીકત એ હોવી જોઈએ જેમ આંગણે આવેલા અતિથિનું આપણે ભાવભરી વાણીથી અને હૃદયના ઉમળકાભેર સ્વાગત કરીએ છીએ, તે રીતે શાસ્ત્રગ્રંથનું જિજ્ઞાસા, આતુરતા અને ઉષ્માભેર સ્વાગત કરવું જોઈએ. આથી તો આપણે શાસ્ત્રોની  પૂજા કરીએ છીએ. સાથોસાથ એ વિચારવું જોઈએ કે આ ગ્રંથ આપણા જીવનમાં ઊગનારા આત્મપ્રભાતનું દુંદુભિગાન કરનારો છે. આપણા મનના પ્રદેશો પર જામેલી મલિનતાને ઓગાળી નાખનારો છે અને આપણા ભીતરમાં આત્મજ્ઞાન, આત્મસમાધિ અને આત્માનંદને સંકોરનારો છે આવા પ્રબળ ઉત્સાહ સાથે શાસ્ત્રગ્રંથોના સ્વાધ્યાય તરફ જવું જોઈએ. કેવા ઉત્સાહથી ભોલે બાબાએ સ્વાધ્યાય વિશે કહ્યું છે -

પઢ ગ્રંથ નિત્ય વિવેક કે મન સ્વચ્છ તેરા હોયગા ।

વૈરાગ્ય કે પઢ ગ્રન્થ તૂ બહુજન્મ કે અધ ઘોયગા ।।

પઢ ગ્રંથ સાદર ભક્તિ કે, આહ્લાદ મન ભર જાયગા ।

શ્રદ્ધા સહિત સ્વાધ્યાય કર, સંસાર સે તર જાયગા ।। 

ભોલે બાબા (ક્રમશ:)