- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- નિષ્ઠુર યુદ્ધનું આ નિર્દયી શસ્ત્ર કેટલા બધાં આક્રમણખોરોએ અપનાવ્યું છે. હિટલરે યહુદીઓને ભૂખે મારવાનો રસ્તો અપનાવ્યો, તો જનરલ એફ્રાઇન રિયોસ મોન્ટે જનસંહાર કર્યો
એ ઉક્તિ તો અતિ પ્રસિદ્ધ છે કે 'ઇતિહાસ હંમેશાં પુનરાવર્તન પામે છે,' પરંતુ એ પુનરાવર્તન અનિવાર્ય રીતે મનુષ્યજાતિને સમજદારી દાખવીને પ્રગતિના પંથે જ લઇ જનારું હોતું નથી, બલ્કે એને પતનના ઊંડા માર્ગે લઇ જાય છે. ઇતિહાસનું થતું કેટલુંક પુનરાવર્તન આપણને આશ્ચર્ય જગાડે છે આવી નિષ્ઠુર ઘટનાઓનું પુનરાવર્તન થાય, ત્યારે પ્રજા કઈ રીતે એને સાંખી લે છે ?
આજે ઇઝરાયેલ ગાઝા પર જે નિર્દયતાથી આક્રમણ કરી રહ્યું છે એ ઘટનાઓ જોઇએ અને એ પૂર્વનો યહૂદી પ્રજાનો ઇતિહાસ જોઇએ, ત્યારે એમ થાય કે ઇતિહાસ કેવું અવળું પુનરાવર્તન કરતો હોય છે ! ૧૯૪૧થી ૧૯૪૫ સુધી નાઝી જર્મની અને એના સાથીઓએ સાઇઠ લાખ યહૂદીઓની હત્યા કરી. બીજા અર્થમાં કહીએ તો યુરોપની યહુદી પ્રજાનાં બે તૃતિયાંશ ભાગને એણે કરુણ અને કરપીણ મોત આપવાના જુદા જુદા તરીકાઓથી ખતમ કરી નાખ્યા. સમૂહ પર ગોળીબાર કરીને ઝેરી ગેસ ચેમ્બરમાં ભૂંજી નાખીને કે યાતના છાવણીઓમાં પારાવાર જુલમ ગુજારીને એણે યહુદીઓની હત્યા કરી. આજે એ જ ઇઝરાયેલ પેલેસ્ટાઈનનાં ભૂખ્યા, બેસહારા, લાચાર માનવીઓને એક ભીડમાં બદલી નાખે છે અને પછી એ ભીડ પર અમાનવીય રીતે ગોળીબાર કરે છે. પોતાના ભૂતકાળની વેદના જાણે વર્તમાનમાં બીજાઓ પર વરસાવવા માગતું ન હોય !
ભારતીય ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ મળે કે જ્યારે કોઈ રાજા પોતાનું રાજ્ય બચાવવા માટે કિલ્લાનાં દરવાજા બંધ કરી દે, તો સામે પક્ષે આક્રમણકારી રાજા એ કિલ્લામાં અનાજ કે પાણી ન જાય તેવી રીતે ઘેરાબંધી કરે.
નિષ્ઠુર યુદ્ધનું આ નિર્દયી શસ્ત્ર કેટલા બધાં આક્રમણખોરોએ અપનાવ્યું છે. હિટલરે યહુદીઓને ભૂખે મારવાનો રસ્તો અપનાવ્યો, તો સાથોસાથ જનરલ એફ્રાઇન રિયોસ મોન્ટે જનસંહાર કર્યો. ગ્વાટેમાલાના આ ૩૮મા પ્રેસિડેન્ટે પોતાની સત્તા જાળવવા માટે દેશની સિવિલ વોર વખતે ભૂખમરાનું શસ્ત્ર અજમાવ્યું. મૂળે લશ્કરી અધિકારી રિયોસ મોન્ટ બ્રિગેડીયન જનરલ બન્યો. પ્રમુખપદની ચૂંટણીમાં એ પરાજિત થયો, એમ છતાં નવો પક્ષ રચીને ગ્વાટેમાલામાં એ સત્તા પર આવ્યો. એણે ભૂખમરા દ્વારા પોતાના અનેક વિરોધીઓને મોતને ઘાટ ઉતાર્યા. એના આ દુષ્કૃત્ય માટે એને કોન્સ્ટિટયૂશનલ કોર્ટે એંસી વર્ષની સજા કરી હતી, જો કે એ સજા પૂરી કરે તે પહેલાં ૨૦૧૮ના એપ્રિલમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યો.
એ જ સ્થિતિ જુદા જુદા બળવાખોર જૂથોના નિર્દયી સંઘર્ષ બળવાખોરો વચ્ચે ઘેરાયેલા દક્ષિણ સુદાનની છે, જ્યાં લગભગ અઢી લાખ લોકો દુષ્કાળથી મૃત્યુ પામ્યા. એ જ રીતે બોસ્નિયાનાં યુદ્ધોમાં સર્બાએ સેબ્રેનિકા અને ગોરાન્દે જેવા જિલ્લાઓમાં અન્ન સહાય અટકાવી દીધી હતી અને કેટલાય લોકો મૃત્યુ પામ્યાં. જરા યહુદી પ્રજાને એના અતીતની યાદ આપવાની જરૂર છે કે જ્યારે જર્મન સૈનિકોએ ભૂખની યુદ્ધનીતિ અપનાવી હતી તે કેવી ભયાનક હતી! એક જ સ્થળે ભયભીત થઇને વસતા યહૂદી ઘેટોમાં નાઝીઓ ભૂખમરાથી પીડાતા યહુદીઓને ત્રણ કીલો બ્રેડ અને એક કીલો જામની લાલચ આપીને એમને યાતનાશિબિર સુધી ચાલતા લઇ જતા હતા. આનું કારણ એ હતું કે મોતને ઘાટ ઉતારવા માટે દિવસમાં બે વાર જતી બારસો લોકોની ટ્રેનમાં બધા યહુદીઓનો સમાવેશ થતો નહોતો, ત્યારે બાકીનાં લોકોને આ રીતે પગપાળા લઇ જવામાં આવતા હતા અને એમનો અંત કરુણ મૃત્યુમાં આવતો હતો.
૧૯૩૨-૩૩માં આજના યુક્રેનને ભૂખે મારવાનો કારસો રશિયાએ કર્યો હતો. ઇતિહાસ એને 'હોલોડોમોર' તરીકે ઓળખે છે. જ્યારે રશિયાનાં તાબા હેઠળનાં યુક્રેનમાં ૧૯૩૨-૩૩માં લાખો યુક્રેનવાસીઓને દુષ્કાળે ભરખી લીધા હતા.પહેલી પંચવર્ષીય યોજનાને કારણે થયેલા ઔદ્યોગિકરણને કારણે ઘઉંની ભરપૂર ફસલ પર જીવતા યુક્રેનને દુષ્કાળનો અનુભવ કરવો પડયો. આ દુષ્કાળની પાછળ રશિયાની ચાલબાજી હતી, જેને પરિણામે ૧૯૨૬થી ૧૯૩૯ સુધીમાં જુદાં જુદાં કારણો ઉભા કરીને ભૂખમરાના હથિયારને અજમાવતાં યુક્રેનની વસ્તી નવ લાખ અને પંદર હજારમાંથી માત્ર એક લાખ અને પંદર હજારની રહી હતી.
રશિયાએ આ વિસ્તારોમાં લોકો ભૂખે મરે તે માટે કરેલા આદેશોનાં પુરાવા નથી મળતા, પરંતુ એમ માનવામાં આવે છે કે યુક્રેનની સ્વતંત્રતાની ચળવળને રુંધી નાખવા માટે જોસેફ સ્ટાલિને યુક્રેનવાસીઓ પર ભૂખમરાનું શસ્ત્ર ઉગામ્યું હતું અને પછી સામ્યવાદી રશિયામાં છેક ૧૯૮૦ સુધી આ હોલોડોમોરની વાત કરવાની મનાઇ હતી. યુક્રેનની ભાષામાં હોલોડોમોરનો અર્થ છે 'ભૂખમરાથી હત્યા કરવી'.
આજે એ જ યુક્રેનના સ્વાતંત્ર્યને છીનવી લેવા માટે રશિયા યુદ્ધ કરી રહ્યું છે અને એણે યુક્રેનમાં તબાહી મચાવી છે, તો બીજી બાજુ ગાઝામાં ઇઝરાયેલે એ જ નુસખો અજમાવ્યો છે. ટેલિવિઝન પરનાં દ્રશ્યો આપણને એક તરફ એ બતાવે છે કે ગાઝાનાં પીડિત લોકોની સહાય માટે આવતી સામગ્રી અટકાવવામાં આવે છે, તો બીજી બાજુ ગાઝામાં ભૂખમરાથી પીડાતી પ્રજા ખોરાક માટે ટળવળતી હોય છે અને રાહતકેન્દ્રો પર એની ભીડ જમા થયેલી હોય છે. આ રાહતની લાલચ પણ જાણવા જેવી છે ! ઇઝરાયેલનું અખબાર 'હારેત્ઝ'ના કહેવા પ્રમાણે ઇઝરાયેલીઓને આદેશ મળ્યો છે કે કંઇક ખાવાનું મેળવવા માટે આવી જમા થયેલી ભીડ પર તમારે બંદૂકની ગોળીઓ વરસાવી. આવી રીતે અનેક ગાઝાવાસીઓ ઘાયલ થયા અને એની સાથોસાથ કેટલાંય સ્વાસ્થ્યકર્મીઓ, યૂનોનાં કર્મચારીઓ, પત્રકારો, પોલીસો અને કવિઓ તથા શિક્ષાવિદોની પણ હત્યા કરવામાં આવી છે.
બહુમાળી મકાનો પર મિસાઇલ્સથી હુમલો થાય છે અને એ મકાનો પત્તાનાં મહેલની માફક ધરાશાયી થઇ જાય છે. ટેલિવિઝન પર આવા ધરાશાયી થતા બહુમાળી મકાનોની તસવીરો વારંવાર બતાવવામાં આવે છે અને આવી એક ઇમારત ક્ષણવારમાં કેટલાય કુટુંબોને બેઘર બનાવી દે છે. એ પછી લોકોને માટે 'સુરક્ષિત જાહેર કરવામાં આવેલા માનવીય ક્ષેત્ર'માં ચાલ્યા જવાનું કહેવામાં આવે છે. ગાઝાવાસીઓ જે કંઇ થોડી ઘરવખરી લઇ જઈ શકાય તેમ હોય તે લઇને પગપાળા 'સુરક્ષિત ક્ષેત્ર'માં જાય છે અને ત્યાં આકાશમાંથી બોંબ ઝીંકવામાં આવે છે.
આ ઇઝરાયેલી અખબારના કહેવા પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રનાં અનાજવિતરણ કેન્દ્રો, બેકરી અને રાહત કર્મચારીઓને નિશાન બનાવવામાં આવે છે. જે સ્નાઇપરથી બાળકોને ગોળી મારે છે અને એ સૈનિક આ ગરીબ, લાચાર, બેસહારા, ભૂખ્યા માનવીઓને એક કીડાની માફક જુએ છે. એમને કચડી નાખવા માટે આતુર હોય છે. હત્યારાઓ સામે પોતાનો જીવ બચાવવા માટે એ આજીજીપૂર્વક ભીખ માંગતા હોય છે. જાણવા જેવું એ છે કે આ આક્રમણ કરનારા દેશે જ ગોઠવેલી યોજના પ્રમાણે થતું હોય છે. ઇઝરાયેલનું અખબાર સ્વયં યુદ્ધની ભયાનકતાનું વર્ણન કરે છે. યુદ્ધના વર્ણનમાં ડ્રોન અને મિસાઇલ્સની વાત આવતી હતી. એ આકાશી આફતો ધરતી પરનાં માનવીઓ પર ત્રાટકે છે, પણ એ માનવીની કઇ હાલત છે એ તો ધરતી પર રહીને જ જોઈ શકાય. આજના સમયમાં આધુનિક શસ્ત્રો હોવાથી એમ માનવામાં આવતું હતું કે હવે તો અણુશસ્ત્રોને કારણે ચપટીમાં વિરોધીને નષ્ટ કરી શકાશે. અમેરિકાના પ્રમુખ જિમી કાર્ટરે એમ કહ્યું હતું કે 'એક વ્યક્તિ બીજી વ્યક્તિને ચુંબન કરે એટલી વારમાં અડધી દુનિયા નષ્ટ થઇ જશે.'
આજે એ ગણિત સાવ ખોટું પડયું છે. દિવસો, અઠવાડિયા કે મહિનાઓ નહીં, પણ વર્ષોથી ગાઝા અને યુક્રેન પરનું યુદ્ધ ચાલે છે અને હજી સામે કોઈ નિવેડો દેખાતો નથી. આ યુદ્ધમાં સત્તાધીશો બેફામ બની જાય છે, ખુદ પોતાની પ્રજામાં અળખામણા બની જાય છે. મજાની વાત એ છે કે ગ્રીસનો સિકંદર જગત જીતવા નીકળ્યો, ત્યારે એની સામે આદર્શ તરીકે ગ્રીસનો દેવ એપોલો હતો. એ સિકંદરના પંથે જુલિયસ સિઝર ચાલ્યો, જુલિયસ સિઝરના પંથે ફ્રાન્સનો નેપોલિયન ચાલ્યો, અતિ સુંદર અને સદા યુવાન એવો દેવ છે. એ તિરંદાજીમાં જેટલો કુશળ છે, એટલો જ સંગીત અને મેડીસીનમાં પણ નિપુણ છે. ગ્રીસ દંતકથા કહે છે કે એણે પૃથ્વી અને ઓલિમ્પસ વચ્ચે સંવાદિતાની પ્રેરણા આપી હતી. વિચારો કે જે દેવ થયો જ નથી અને જે સંવાદિતાનું પ્રતીક છે એ દેવને નામે આ જગત પર સરમુખત્યારોએ કેવો આતંક ફેલાવ્યો છે.
આજે સામાન્ય માનવીના મનથી આરંભીને જગતનાં કેટલાંય દેશો યુદ્ધ અને વિગ્રહની રણભૂમિ બની ગયા છે, ત્યારે ભય એટલો જ રહે છે કે આ સઘળું ધરતી પરના માનવીની માનવતાને ભૂખે મારીને કે એને જીવતી સળગાવી તો નહીં નાખે ને?
ક્ષણનો સાક્ષાત્કાર
'ઈન્સ્ટન્ટ'નો આ કેવો અતિ ઝડપી જમાનો છે. બધું જ તત્કાળ ! સઘળું હાજરાહજૂર જોઈએ ! મોબાઈલમાં ફોટો પાડો અને પછીની ક્ષણે જોવા મળે, 'રીલ' બનાવો અને આખી દુનિયામાં ફરી વળો, પરંતુ ક્યારેક આ તત્કાળ વ્યક્તિને માટે કાળ રૂપ જાય છે. એને સફળતા પામવાનો માર્ગ સાવ ટૂંકો લાગતો નથી, બલ્કે સફળતા જાણે સામે આવીને એનું સ્વાગત કરવા રાહ જોતી હોય એવો અહેસાસ થાય છે. જ્યારે હકીકત એ છે કે સફળતા એ એક દીર્ઘ પ્રવાસ છે અને જેમ ઊંચા શિખરે પહોંચવા માટે થાક્યા વિના સતત આરોહણ કરવું પડે છે એ જ રીતે સફળતા માટે પુરુષાર્થ કરવો પડે છે. એમ કરવા જતા ક્યાંક તમે પડી જશો, જમીન પર ગબડી પડશો, તો ઊભા થઈને આગળ ચાલવાનું રહેશે. ક્યાંક તમે અતિ શ્રમથી થાકી જાઓ તો જરા વિસામો લઈને આગળ વધવાનું રહેશે, ક્યારેક પ્રારંભ કર્યા પછી પ્રવાસ ઘણો લાંબો લાગે અને મન પાછું પડે, ત્યારે તમારે મનને દ્રઢ કરીને આગળ વધવું પડશે. વિદ્યુતના શોધક થોમસ આલ્વા એડિસને એક હજાર પ્રયોગ કર્યા બાદ સિદ્ધિ મેળવી. કોઈએ કહ્યું કે, 'નવસો ને નવાણુ વાર નિષ્ફળ ગયા પછી તમને આખરે સફળતા મળી, ખરું ને ?' એડિસને કહ્યું કે, 'ના, હું સહેજે નિષ્ફળ ગયો નથી, પણ મારી સફળતા એક હજારમાં પગથિયે હતી એટલે હું એક એક પગથિયું ચડતો ગયો અને સફળ થયો.'


