Get The App

ભારત અને જગતમાં ક્યા કારણથી છવાઈ રહી છે હોરર ફિલ્મો?

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અને જગતમાં ક્યા કારણથી છવાઈ રહી છે હોરર ફિલ્મો? 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- વિશ્વમાં કેવી કેવી હોરર ફિલ્મો બની છે ? હોરર ફિલ્મોના પ્રકારો કેવા હોય ? એ ગમવાનું મનોવૈજ્ઞાનિક કારણ શું ?

ઈ ન્સ્ટાગ્રામમાં એક ફની રીલ ધૂમ મચાવે છે. પેલી જાપાનીઝ હોરર ફિલ્મ 'રિંગ'ની વાળથી ઢંકાયેલા મોંઢાં સાથે ચાર પગે ચાલતી એક જુવાન ભૂતડી સૂમસામ એકાંતમાં એક યુવકને દેખાય છે. છળી મરવાને બદલે એ એની જોડે વાત કરવા લાગે છે કે ચૂડેલજી આ શું હેરસ્ટાઇલ બનાવી છે ? આમ ખુલ્લા પગે કેમ ચાલો છો ? મધરાતે એકલા કેમ ફરો છો ? જુવાન છો, સુંદર છો, સફેદ કપડાં શું પહેરો છો ? લાવો, નવો ડ્રેસ લઈ દઉં, એમેઝોન પરથી સરસ શૂઝ ઓર્ડર કરીએ, આવો એકાંતમાં કંઈક મીઠીમીઠી વાતો કરીએ...

અંતે પેલા યુવકની બાઇક પર પાછળ એને પ્યારથી વળગીને બેઠેલી ચૂડેલ/ભૂતડી નાઇટગાઉનમાં રોમેન્ટિક મૂડમાં દેખાય છે !

હીહીહી. કોમેડીમાં અત્યારે હોરર ધૂમ મચાવે છે. ભારતમાં તો છેલ્લા થોડાક સમયથી એક સમયે લિમિટેડ ઓડિયન્સ માટેની જોનર ગણાતી હોરર ફિલ્મો અત્યારે કમાણીની ટંકશાળ છે ! જેમકે, વિવેક અગ્નિહોત્રીની લાંબીલચ પણ રિલીઝ પહેલા બહુ ચકચાર જગાવેલી એ ફિલ્મ 'બેંગાલ ફાઇલ્સ' રિલીઝ સાથે જ ધબાય નમ: થઈ ગઈ છે, ને સ્વેગ-એકશનના હેવી ડોઝવાળી મસાલા એન્ટરટેઇનર 'બાગી ૪' પણ એના ભેદી અંગ્રેજીની જેમ 'બાઘી' બનીને ભફ્ફ થઈ ગઈ છે. ત્યારે મૂળ મલેશિયાના જેમ્સ વોને શરૂ કરેલી 'કોન્જુરિંગ' સીરિઝનો ચોથો ને ઓલમોસ્ટ છેલ્લો ગણાતો ભાગ 'કોન્જુરિંગ ૪' ભારતમાં વીકએન્ડમાં જ ૧૮ કરોડનો તગડો કારોબાર કરી ગયો !

કોન્જુરિંગ પહેલી અને બીજી ફિલ્મ તો ખુદ જેમ્સ વોને ડિરેક્ટ કરેલી, જે આ જોનારના માસ્ટર ગણાય છે. આલાતરીન હોરર ફિલ્મો હતી બેઉ, કોન્જુરિંગ વનમાં તો રીતસર મલ્ટીપ્લેક્સમાં ધીમા બિલ્ટઅપ પછી દેખાતા અણધાર્યા પ્રેતાત્માના સીનથી છળી મરી ઈન્ટરવલમાં અમુક પ્રેક્ષકો ઘરભેગા થઈ જતા હતા ! એના પ્રમાણમાં આ ચોથો ભાગ ખાસ્સો નબળો લાગે સ્કેરી મોમેન્ટસ ને કલાઇમેક્સ સંદર્ભે. હા, લવસ્ટોરી ને ઈમોશન્સ છે સારી. છતાં પણ અત્યારે અપર સર્કિટમાં આવેલા આઈપીઓની જેમ ચાલી ગયો. આ સીરિઝ ને એનું યુનિવર્સ ચાલવાનું એક અગત્યનું કારણ તો છે એક લીટી ટેગલાઇનની. બેઝડ ઓન ટ્રુ ઇવેન્ટસ, 'સત્ય ઘટનાઓ પર આધારિત.'

આ વાક્યે અને મૂળ અમેરિકામાં પેરાનોર્મલ/સુપરનેચરલ એલીમેન્ટસનો રિસર્ચ કરતા રહેલા એકચ્યુઅલ યુગલ એડ અને લોરીનના પાત્રો બતાવવાને કારણે કોન્જુરિંગ હોરર 'ફિલ્મ' ન રહેતા હોરર 'એક્સપિરિયન્સ' બની ગઈ ! ઓથેન્ટિસિટીએ ફીઅર વધારી દીધો ! ભલે, ટ્રુ સ્ટોરીનું એલીમેન્ટ એમાં એવું હતું કે કોઈ કોલેજીયન જુવાનિયો રસ્તે ચાલતી કોઈ યુવતીએ માત્ર એની સામે જોયું હોય ત્યાં તો દોસ્તારોને એ હસીને કેમ જમવા આવી જોડે ને સૂઈ ગઈ એની કાલ્પનિક પરાક્રમકથા ચમટીક સચ્ચાઈમાં બથભરીને મોણ નાખીને કહે !

પણ માત્ર 'કોન્જુરિંગ ૪' ચાલી એવું નથી. એની પહેલા જ કૃષ્ણદેવ યાજ્ઞિાક જેવા ગુજરાતી સિનેમાના ધુરંધર ડાયરેક્ટર રાઇટરની 'વશ-લેવલ ટુ' (વિવશ) હિન્દી ડબ સહિત રિલીઝ થઈ અને સારી એવી ધૂમ મચાવી ચૂકી છે. ઈન્ટરેસ્ટિંગ વાત એ છે કે 'બ્લેક મેજીક' ઉર્ફે કાળા જાદૂ/મેલીવિદ્યા/ તંત્રમંત્રના જોરે સ્કૂલના સ્ટુડન્ટસને વશીકરણમાં લઈ એમની પાસે બીજાને મારવા જેવા ધાર્યા કામો કરાવી શકાય (માત્ર બાળકો નહિ, મોટેરાંઓ પણ) એવો જ વશની જેવો જ પ્લોટ ધરાવતી ફિલ્મ 'વેપન્સ' હોલીવૂડમાં હમણા જ રિલીઝ થઈ. મતલબ, કોપી નથી. કોઇન્સિડન્સ, યોગાનુયોગ છે કે બેઉનું શૂટિંગ અલગ અલગ જગ્યાએ ચાલતું હતું ને બે ફિલ્મમેકરોના દિમાગમાં લગભગ સરખી સ્ટોરીલાઇન (પાત્રો, પટકથા, માવજત સાવ અલગ અલગ!) ચાલતી હતી ! હોરરમાં વશીકરણના ટેરરની !

અલબત્ત, વશના બંને ભાગ શુદ્ધપણે આપણે ત્યાં સમાજમાં દ્રઢ થયેલી વશીકરણની - 'કોઈએ કંઈક કરી નાખ્યું છે/પીવડાવી દીધું છે' - વાળી વળગાડની વિષમય વાતો પર જ આધારિત છે. ડાયરેક્ટરે એમાં ખોટા મેસેજીક દેવાના હથોડા નથી માર્યા. વશ ટુમાં તો ગુજરાતી ફિલ્મો માટે વેલકમ ચેન્જ છે, કે કેમેરા નાટકની જેમ ઘરમાં ફર્યા કરવાને બદલે આઉટડોરમાં ફરે છે. હા, કાલાઈમેક્સની ઉતાવળ ને અધૂરપ પણ કેડીમૂવીઝની ખાસિયત થતી જાય છે. પણ સામે 'વેપન્સ'માં અલાયદા લેયર્સ છે. ઉપરઉપરથી એક ક્રૂર ને કુટિલ ડાકણડોશીના વશીકરણથી દોરવાઈ જતાં (વશમાં ખોરાક થકી તો વેપન્સમાં વાળ જેવી કોઈ અંગત વસ્તુ થકી) બાળકો-નાગરિકો છે. પણ મૂળ હેતુ તો અમેરિકામાં આડેધડ થતા સ્કૂલના નિર્દોષ વિદ્યાર્થીઓ પરના ગોળીબારની ઘટનાની વેદના છે. માણસ ને વલ્નરેબલ સ્ટેજમાં રહેલું બાળમાનસ કોઈને કોઈ અસરમાં આવી યંત્રવત હિંસા આચરે છે, તે હેવાન બનીને સારાખરાબ પરિણામોની ગતાગમ વિના ત્રાટકે છે, એ અર્થ અભિપ્રેત છે.

પણ હોરર ફિલ્મોની હવા ચાલી ગઈ છે. હોલીવૂડમાં જ આ વર્ષની હજુ સુધીની શ્રેષ્ઠ નીવડેલી ફિલ્મ 'સીનર્સ' હોરર છે. ગુજરાતીમાં સરપ્રાઇઝ હિટ રહેલી 'ઝમકુડી' હોરર હતી. 'ફાટી ને' હોરર કોમેડી, ભૂલભૂલૈયા ને કંતારા અસાધારણ સફળ રહી, ને તુમ્બાડ રિ-રનમાં ફરીથી બેસ્ટ પુરવાર થઈ ! મુંજ્યા તો કોઈ સ્ટાર વગર ચાલી ગઈ ! પરદેશમાં પણ સ્માઇલ વન અને સ્માલિ ટુ, ઇટ વન એન્ડ ટુ ટોક ટુ મી, વ્હેન ઇવિકા લર્કસ, ઓકિટી, લોંગલેગ્સ, મિડસમર, બ્લોક ફોન, બ્રિંગ હર બેક, ઇવલડેડે રાઇઝ (જસ્ટ સુપર્બ) જેવી અવનવી હોરર ફિલ્મો ચાલી ગઈ ! આપણે ત્યાં તો દિનેશ વિજયનની ડચકા ખાતી મેડોક ફિલ્મે આખું યુનિવર્સ બનાવ્યું 'સ્ત્રી ૧' અને 'સ્ત્રી ૨' ની અપરંપાર સફળતા પછી! સૌથી મોટી હિન્દી હિટ ફિલ્મોમાં હોરર જોનર હશે, એવો વિચાર પણ કોને આવ્યો હોય 'દો ગઝ જમીન કે નીચે' અને 'આખરી' જેવી રામસે કે મોહન ભાકરીની ફિલ્મો જોતી વખતે ! હોલીવૂડમાં 'ગેટ આઉટ' ઓસ્કાર સુધી પહોંચી ને બ્લૂમહાઉસને તારી દીધુ !

એબીગેઇલ જેવી લાજવાબ હોલીવૂડ ફિલ્મ સ્કીમ સીરિઝના ડિરેકટરે બનાવેલી હોય કે અનટિલ ડોન હોરર જોવાની મજા જ આવી છે. એક્ઝોર્સિસ્ટ, પોલ્ટરગાઇસ્ટ, એન્ટીટી, ઇવિલ ડેડ, તો વીસીઆર યુગમાં ચાલતી. અન્ડરવર્લ્ડ કે ટ્વાઇલાઇટ જેવી ફિલ્મોએ તો ઇતિહાસ રચ્યો વેરવુલ્ફ ને વેન્પાયરના જંગમાં. જાની દુશ્મનના બબ્બે ક્લાઇસમેક્સ (જૂનીના) અને વીરાનાની જસ્મીન (આહાહા !) હજુ યાદ છે. હોન્ટિંગ હોય કે ધેટ વુમન ઇન બ્લેક, ૧૩બી હોય કે પિત્ઝા, અફલાતૂન ધ વેઇલિંગ હોય કે મેલિંગનન્સ, અનાવેલ હોય કે પછી, (પેલી ઢીંગલીવાળું) જેસન ને ફ્રેડી કૂગરની ફિલ્મો હોય કે ફ્રાઇડે ધ થર્ટીન્થ કે ટેક્સીસ ચેઇન અને આઈ એમ લીજેન્ડથી ગો ગોવા ગોન જેવી ઝોમ્બી ફિલ્મોની વણઝાર હોય, ચારૂલતા કે મિડનાઇફ મીટ ટ્રેન, નાઇટ ઓફ ધ લિવિંગ ડેડ કે શાઇનિંગ/વર્લ્ડ વોર ઝેડ, ટ્રેન કે બુઆન, શટર, ધ ગ્રજ, ધ પ્રોમિસ, એક્યુલસ, ધ હાઉસ નેકસ્ટ ડોર, ૨૮ ડેઝ લેટર, ૧૯૨૦, રાઝ, રાગિણી એમએએસ, ભૂત... કેટલીયે હોરર ફિલ્મો આંખ સામે તરવરે છે. આ લખતી વખતે રામગોપાલ વર્માની 'રાત' થકી રીતસર ક્રાંતિ થઇ આપણા હોરર જોનરમાં અને હોરર સાથે ઇરોટિક સેક્સ પણ ભજીયાં ને આમલી ખજૂરની ચટણી જેવો નાતો ધરાવે. ડ્રેક્યુલા પણ સુંદરીઓનું જ લોહી પીવે !

ડ્રેક્યુલાનું નવા વર્ઝન નોરફાસ્ટુ ને હવે નવું ફ્રેન્કેન્સ્ટાઇન પણ આવે છે, ત્યારે હોરર નામના ટાઈટલ હેઠળ અનેક જોનર યાને પ્રકાર આવે છે એ ખબર તો હવેના હોરર યુગમાં હોવી જોઇએ. સ્લેશર યાને કાપાકાપીને લોહીના ફુવારા ઉર્ફે 'ગોર' હોય એવી ફિલ્મો, વેરવુલ્ફ ને વેમ્પાયર મૂવીઝ, પેરાનોર્મલ હોરર, સુપરને સરળ હોરર, પઝેસ્ડ હોરર, હોન્ટેડ હાઉસ હોરર, સાયકોલોજીકલ હોરર, એટસ્મોફિરિક હોરર, મોનસ્ટર, વિચક્રાફ્ટ, સેક્સી ને કોમેડી તો 

ખરા જ.

પણ આજકાલ ગ્લોબલ બોક્સ ઓફિસ પર ચોથા નંબરે આવી ગયેલી હોરર ફિલ્મોનું રહસ્યમય તોફાન અચાનક કેવી રીતે ફૂંકાવા લાગ્યું ?

તાજેતરમાં જ લખેલું કે ઇશ્વર ડર છે ! મતલબ, માણસે સૌથી પહેલા જે લાગણી અનુભવી, એ ભયના ઓથારની પ્રેમ ને કરૂણ ને નફરત બધું પછી આવ્યું. ફીઅર ઇઝ ધ કી. મનુષ્યને જાણે કુદરતે તૈયાર કર્યો. ભયભીત બનાવીને કોઈ ખતરો દેખાય એટલે બચવા માટે. માટે ડર લાગે તો દિલની ધડકન તેજ થઇ જાય, પગની નસોમાં લોહી વહેલા લાગે, હાથની મુઠ્ઠી કે દાંત ભીંસાઈ જાય... એના અંધકાર એકાંત અને અજ્ઞાત એવા જોખમનો જન્મજાત ડર રહે ! સર્વાઇવલ માટે તરફડાટ થાય, છટપટાહટ થાય, જન્મ શા માટે, મૃત્યુ શા માટે... એવા સવાલોમાંથી રહસ્ય ઘૂંટાય અકલ્ટ અને ગેબના ગૂઢ રહસ્યોનું. જો ભગવાન જેવું કશું હોય જે દેખાય નહિ પણ સર્વશક્તિમાન હોય તો એન્ટીથિસિસ તરીકે શેતાન જેવું પણ કશુંક અદ્રશ્ય હોય ? આપણે તો પુરાણોમાં પહેલેથી સદ્ગતિ ન પામેલા ભટકતા આત્માઓનો કોન્સેપ્ટ છે જ. અવગતીએ 

ગયેલા પ્રેતો ?

ખ્રિસ્તી ધર્મના ડેવિલ, કે મુસ્લિમના ધૂલ, જીન્નાત્ બધે ખૌફનું મેનિફેસ્ટિશન છે. એમાં પણ ખચાખચ જમ્પ સ્કેર્સ યાને કાપાકૂપી ચાલતી હોય એવા હોરરની બહુ અસર ન થાય, કારણ કે કોઠે પડી જાય. પણ નોસ્ફેરાયુની જેમ કે કોન્જુરિંગની જેમ માહોલ ઉભો કરે કે ઓરિજીનલ મોજુંલિકા જેવું સસ્પેન્સ ઉભું કરે એવા હોરર ફીલિંગ પેદા કરે કારણ કે એમાં ઠહરાવ પછીનું 

તોફાન હોય!

પણ હોરર ફિલ્મો ગમે શા માટે ? સામાન્ય રીતે તો માણસને બીક લાગે એવી બાબતોથી છૂટવું હોય છે. તો આજકાલ પૈસા ખર્ચીને ને નથી એવો સમય આપીને હોરર ફિલ્મો જોવી શું કામ ગમે ? ડાર્કની ડેન્જરસ ટેરેટરીનું આકર્ષણ શા માટે થાય ? આમ તો ભૂતપ્રેત જ્યાં થતા હોય એવી વાયકા પણ હોય તો માણસ ત્યાં જવાનું ટાળે છે. કીચુઊઉડ અવાજ સાથે ઉઘડતા દરવાજા પુરાની હવેલીઓના કે એમાં લહેરાતી સફેદ સાડી સાથે ઝાંઝરનો અવાજ... આમાં પણ લોકો ભાગી જાય તો થિયેટરમાં કેમ જાય છે એ જોવા ? 

એનો જવાબ ૧૯૭૦નાં દસકામાં મૂળ જર્મન એવા પોલેન્ડમાં જન્મીને અમેરિકા સ્થાયી થયેલા સાયકોલોજીના ખેરખાં એવા સંશોધક ડોલ્ફ ઝીલમાને આપેલો. એમની એક જાણીતી થિયરી હતી 'એક્સાઈટેશન ટ્રાન્સફર' યાને ઉત્તેજના રૂપાંતર નામે. અઘરી અઘરી મનોવિજ્ઞાનની વાતો બાજુએ રાખો તો એનો સમજાય એવો મતલબ થતો હતો કે કે માણસને જે બાબતમાં ઝણઝણાવી દેતો રોમાંચ થાય એ એક અનુભવ કરતા આગલા અનુભવોની અને ભાવિ અનુમાનોની ચેઈન પર આધારિત હોય છે. જેમ કે કોઈ પ્રેમીને એની પ્રેમિકાના પેરન્ટસે લગ્ન કરવાની હા પાડવી કે નહિ એ માટે બોલાવ્યો હોય ને એ ખાસ તૈયાર થઈને જતો હોય ને વરસાદમાં કપડાં બગડે પછી ટ્રાફિકમાં મોડો પડે ને પછી એડ્રેસ સરખું ના જડે એમાં નર્વસ હોય ને પોતાના પર ધૂંધવાતો હોય ને એક પછી એક ઘટનાઓને લીધે મળે ત્યારે છબરડા કરે કે ફોકસ ના રહી શકે. કારણ કે આગળના બનાવો પછી એણે ધારી જ લીધું હોય કે હવે સામેવાળા નારાજ જ હશે કે એને મનોમન રિજેક્ટ કરી ચૂક્યા હશે. એથી ઉલટું પણ થાય કે જોબમાં પ્રમોશન મળ્યાના ઉત્સાહમાં ટ્રાફિક નડે તો માણસ ઘેર જવા ટેક્સી કરી લે કપડાં બગડે તો નવા ખરીદી લે. પણ એક અનુભવનો રોમાંચ બીજામાં ભળે ત્યારે એની ઈમ્પેક્ટ ડીપ આવે. 

એ પછીનું સ્ટેપ એ કે એમ જ કોઈ સારી ઘટના બને એના કરતા કોઈ નેગેટીવ ઇવેન્ટ બાદ કોઈ પોઝીટિવ ઇવેન્ટ બને તો એની અસર ઘણી વધી જાય. યાને હારતા હારતા કોઈ મેચ જીતી જવાય એવી બાજીમાં પલટાય જાય તો એમાં મોજના ફુવારા એમ જ જીતી ગયેલા મેચ કરતા વધી જાય ! પહેલા ડર કે કન્ફયુજનહોય પછી આત્મવિશ્વાસ કે ક્લેરિટી આવે તો અંદરથી પ્લેઝરનો ધક્કો વધી જાય ! કોઈ રીક્ષા ચલાવી ગુજરાન કરતા પરિવારનું સંતાન ટોપર બને કે  કોઈ મેડિકલી અસાધ્ય લાગતી બીમારીમાં ચમત્કારિક બચાવ થાય ત્યારે માણસ 

એની દાસ્તાનો સંભળાવવા લાગે એટલો એક્સાઈટેડ રહે. કારણ કે સતત નેગેટીવ ને સતત પોઝીટિવને બદલે એમાં અશક્યને શક્ય બની મેળવેલા વિજયની મજા ભળે. 

અઘરા લાગતા ખલનાયકને પડદા પર હંફાવી દેતા હીરોને આ જ લાગુ પડે. પણ ફિલ્મોમાં સુપરનેચરલ યાને એવી ભેદી શક્તિઓ જે માનવીય નથી, એને ચેલેન્જ કરવાની આવે ને એમાં જો જીત થાય કે એને હરાવવાની કોઈ ચાવી અણધારી જડે (જેમ કે હોરર ફિલ્મોમાં કોઈ ભૂવા ટાઈપ કેરેક્ટર કે પાદરી કે કલાસિકલી ૧૯૨૦માં બતાવાયેલું એમ ક્રોસ સામે હાકલાડાકલા કરતુ ભૂત હનુમાન ચાલીસા સામે ડરી ગયું તે) એમાં વિશિષ્ટ પ્રકારની સુપર લેવલ મોજ આવે એટલે હોરર ફિલ્મોને ઓડિયન્સ એ ડરાવતી હોવા છતાં મળી રહે. એમાં માહોલ ઉભો કરાય, પાત્રો કે રમૂજ ગમી જાય એવા રખાય ને છૂટથી ઈરોટિક રોમાન્સ ઉમેરાય તો એક વાર જોયા પછી રહસ્ય ખુલ્લું થઇ જાય પછી પણ રિપીટ ઓડિયન્સ આવે. ઘણી વાર હોરર ફિલ્મો માણસ એકલા ના જુએ પણ ગ્રુપમાં જુએ, એટલે બીક ઓછી લાગે, વચ્ચે વચ્ચે હસીને કે કોમેન્ટ કરીને પોતાનો ભય ભગાવવાની કોશિશ કરે.

હોરર ફિલ્મોમાં રસ પડવાનું એક કારણ એ પણ છે જેને લીધે ધાર્મિક વાતોમાં રસ પડે છે. ડેથ એન્ડ આફ્ટરલાઈફ વિશેનું કૂતુહલ ! જે  ઇવિલ યાને બુરાઈ છે, એની ભીતર ઝાંકવાનો મળતો મોકો. એક્ચ્યુઅલ આવા કોઈ લોકેશન જેમ કે મધરાતે સ્મશાનમાં જઈને એ એક્સ્પ્લોર કરવામાં ડર લાગે પણ ટીવી કે સિનેમા હોલમાં બેઠા હો ત્યારે વીઆર એક્સ્પીરિયન્સની જેમ ખબર જ છે કે આ તો માયા છે. હમણાં ફિલ્મ પૂરી થશે, આપણને કશું થવાનું નથી. આપણે તો સબ સલામત છે. એટલે સિક્યોર્ડ ફીઅર ફીલિંગ છે, ચકડોળમાં બેસતી વખતે થાય એવી. ફાઈનલ ડેસ્ટીનેશન બ્લ્ડલાઇન ફિલ્મ હમણાં આવી એ મોત ગમે તે પળે મળશે એને છેતરી નહિ શકો એવું બતાવતી હોવા છતાં ફિલ્મ જોતી વખતે આપણે જીવતા છીએ એ અહેસાસ એક રીતે મૃત્યુને હંફાવી દીધા જેવો છે ! 

એક રીતે હોરર ફિલ્મો દિમાગ સ્વસ્થ હોય તો એન્ગ્ઝાયટી ઘટાડે, ને હિંમત વધારે કે કશું ખરાબ નથી થવાનું. જો કે હવે વાસ્તવની નજીક એવી હોરર ફિલ્મો બને છે જેમાં શેતાની ડાર્ક પાવરને હરાવી જ નથી શકતો ને હેલરેઈઝ્રરની જેમ એ ફરી ફરી આવ્યા જ કરે છે ને માણસ એની સામે લાચાર છે. ક્યાંક એમાં બદલાની મધુમતી જેવી વાત છે કે અન્યાય દૂર કરવા કોઈ પ્રેત થઈને આવે ને એમ માણસ ખોટું કરતા કે પાપ કરતા ડરે કે કોઈને માર્યા પછી પણ એ બદલો લઈ લેશે તો ? અમુક વખતે આપણા જ મનમાં રહેલા અજાણી લગતી બાબતો કે માહોલના ભયને એ કનેક્ટ કરે છે. ક્યારેક ઉપર ઉપરથી સારું લાગે એની પાછળ બિહામણી હકીકત હોય છે એમાંથી તો ચૂડેલનો વાંસો એવો શબ્દપ્રયોગ આવ્યો ! 

સ્ટ્રેન્જર થિંગ્સ જેવું નાટક હમણાં ન્યુયોર્ક બોર્ડ વે પર જોઇને દંગ રહી જવાયું કે કેવી રીતે સ્ટેજ પર પણ ડરાવી શકાય ભૂતાવળ ટેકનોલોજીથી સર્જીને એનો જાદૂઈ અહેસાસ થયો. બાકી ક્વોલિટી હોરર ફિલ્મ ખરા અર્થમાં ડાયરેક્ટરની હોય છે. જેમાં એ લાઈટ્સ, સેટ્સ, એડીટિંગ ને ખાસ તો સાઉન્ડ પર કામ કરી શકે છે. અવાજ વિના ટેરર ઈફેક્ટ અડધી થઇ જાય ! ટેન્શન બિલ્ટ અપ ના થાય તો હોરર આપણામાં કિક ના લગાવી શકે એડ્રીનાલિન ને ડોપામાઈનની. પછી એમાંથી બચાવ થાય યાને ફિલ્મ પૂરી થાય ને આપણે નોર્મલ હોઈએ એ પણ આપણે નાના લેવલે મૃત્યુને હંફાવ્યું એવું લાગે. 

પણ આ બધું તો વો કૌન થી યુગમાં પણ હતું. તો અત્યારે અચાનક બધી ભાષામાં લોકો હોરર ફિલ્મ કેમ વધુ જોવા લાગ્યા ? એનું ખરું કારણ એ લાગે છે કે અત્યારે જીવનમાં મૂંઝવણ, હતાશા અને અનિશ્ચિતતા એકદમ વધી ગઈ છે. બોટ રાઇડમાં જાવ કે બસમાં ને અકસ્માત થાયને ગુજરી જાવ એવી ઘટના ડગલે ને પગલે વધવ લાગી છે. ધાર્મિક યાત્રાઓમાં ભીડ થાય કે તોફાન આવે ને સીધા ઉપર જવાની ચિઠ્ઠી ફાટે એવું પણ વધવા લાગ્યું છે. દિવસે દિવસે સુખી સલામત લાગતા દેશોમાં પણ અસ્થિરતા વધવા લાગી છે. નેતાગીરી નબળી છે, નવી આશા નથી ને આવિષ્કારો પણ ધીમા છે. માણસ મોબાઈલને લીધે પર્સનલ કનેક્શન ફાસ્ટ લાઈફમાં ગુમાવવા લાગ્યો છે. ટોળાને જડતાનો યુગ આવી ગયો છે. બીમારી આવી કોવિડ જેવી પછી અચાનક જ અંધવિશ્વાસ વધ્યો હોય ઇનસિક્યોરિટીને લીધે એમ હોરર ફિલ્મો ટ્રેન્ડમાં આવવા લાગી. શાંત થયેલી દુનિયામાં અચાનક એ પછી યુધ્ધો ફાટી નીકળ્યા. ત્રાસવાદ અને અણધાર્યા સાયકો મર્ડર વધી ગયા. કુદરતી આફત પણ માઝા મુકે છે. આમ ભલે પ્રગતિ થતી પણ મોટા વર્ગમાં આર્થિક અચોક્કસતા છે, બેહાલી ને બેકારી છે. કરિઅરના પ્રેશર છે. રિલેશનશિપના પણ પ્રેશર છે, એમાં કોણ ક્યારે દગો કે ઇવન મોત આપે ભરોસો મુક્યો હોય એ નક્કી નથી. 

મિત્ર ઇલિયાસ શેખ લખે છે : 'આગળ ઉપર શું થવાનું છે - એની કોઈ ગતાગમ કોઈને પડતી નથી. સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં સાવ ટૂંકાગાળામાં ધરખમ ફેરફારો થઈ રહ્યા છે. આ ફેરફારો વળી સામાન્ય માણસને પણ અસર કરી રહ્યા છે. એટલે આજે સામાન્ય માણસ અંદરથી ભયગ્રસ્ત છે. આ ભયને એ હજી ઓળખી નથી શક્યો એટલે એનું નામ એ નથી આપી શકતો. - પણ સિનેમા આ ભયની અભિવ્યક્તિને સંકોરે છે. ભયભીત માણસને હોરર અંદરથી એક કિક મારે છે. આમ અંદરનો ભય બહારના ભય સાથે અનુસંધાન સાધે છે. એટલે જ આજે ભય, હોરર, હિંસા વગેરે વિષયોની ફિલ્મો આખી દુનિયામાં ધમધોકાર ચાલે છે.'

યસ, એમાં કોમેડી ને રોમાન્સ ભળે તો પરફેક્ટ એસ્કેપ તૈયાર થઇ જાય. ગર્લફ્રેન્ડ સાથે હોરર ફિલ્મો જવાની લિજ્જત અલગ છે. એ ડરીને ચીપકી જાય તો ભયની સામે ભોગનું બોનસ મળે ! 

ફાસ્ટ ફોરવર્ડ

'જીવનમાં અનુભવાતા વાસ્તવિક હોરરથી ભાગવા માણસ પડદા પર કાલ્પનિક હોરર રચે છે!' (ધ એક્સ ફાઈલ્સ)