- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા
- એઆઈની મદદથી સાવ અસલી લાગે એવા નકલી ઓડિયો-વીડિયો-ફોટો બનાવવાનું ખૂબ વધ્યું છે. આ ભયાવહ ટ્રેન્ડથી બચવા માટે ટેકનો-એક્સપર્ટ્સે જે તોડ કોઢ્યો છે એનું નામ છે - ડીપફેક ડિટેક્ટર્સ.
પ્રા ચીન ગ્રીકના દાર્શનિક પ્લેટોએ રિપબ્લિકમાં એક વાક્ય કહ્યું હતું - 'આપણી જરૂરિયાતો જ અસલી ક્રિએટર બનશે.' આ વાક્ય પછીની સદીઓમાં ખૂબ પ્રસ્તુત બનવાનું હતું. અંગ્રેજ લેખક બેન્જામિન જોવેટે પ્લેટોના આ વાક્યનો ૧૯મી સદીમાં અંગ્રેજીમાં અનુવાદ કરતા લખ્યું - 'ધ ટ્રુ ક્રિએટર ઈઝ નેસેસરી, હૂ ઈઝ ધ મધર ઓફ અવર ઈન્વેન્શન્સ.' પછી એ વાક્ય વધુ ટૂંકું થઈને કંઈક આવું બન્યું - 'નેસેસરી ઈઝ ધ મધર ઓફ ઈન્વેન્શન.' જેનો ગુજરાતી અનુવાદ કંઈ કેટલાય નિબંધોમાં વપરાતો આવ્યો છે - 'જરૂરિયાત એ શોધખોળની જનની છે.'
પ્લેટોનું આ વાક્ય વિશ્વની દરેક ભાષામાં કહેવત જેવું માન મેળવે છે એ તો ખરું જ, દરેક નવી શોધના કારણ પાછળ આ વાક્ય એકદમ બંધ બેસે છે. ઈન્વેન્શન્સ કે એક્સપ્લોરેશન્સ પાછળ જરૂરિયાતનું ફેક્ટર ચાવીરૂપ છે. કેટલાય સંશોધનો એટલે થતાં હોય છે કે એની જરૂરિયાત વર્તાવા માંડે છે. આપણી રોજિંદી લાઈફ સરળ બને એટલે સંશોધનો થાય છે, આપણી સુખાકારીમાં વધારો થાય એટલે સંશોધનો થાય છે. એનો અર્થ એ કે માનવજીવનમાં એની જરૂર જણાતી હતી.
એઆઈના આગમન સાથે ડીપફેકની એક બદીએ પણ પ્રવેશ કર્યો અને ડીપફેક સામે લડવાની તીવ્ર જરૂરિયાત જણાતા એક નવું ઈન્વેન્શન થયું, જેને નામ અપાયું - ડીપફેક ડિટેક્ટર.
***
૨૦૨૨માં ચેટજીપીટીનું ટેસ્ટિંગ થયું પછી ટેકનોલોજીની કંપનીઓ વચ્ચે એઆઈ સ્પર્ધા શરૂ થઈ. માઈક્રોસોફ્ટની આર્થિક સહાયથી ઓપન એઆઈએ ચેટજીપીટી પછી સર્ચજીપીટીનું ટૂલ લોંચ કર્યું. તો ગૂગલે બાર્ડ અને જેમિનાઈને મેદાનમાં ઉતાર્યા. મેટાએ એઆઈની બ્લૂ રિંગ યુઝર્સના હાથમાં પહેરાવી! બધા ક્ષેત્રો એઆઈથી પ્રભાવિત થયા. નવા નવા એઆઈ ટૂલ્સના પ્રયોગો પૂરજોશમાં ચાલ્યા ને એ રીતે ૨૦૨૩નું વર્ષે એઆઈ ટેકનોલોજીના નામે રહ્યું.
એઆઈના સિક્કાની એક સાઈડ ખૂબ ઉજળી હતી. એનાથી લોકોને સર્ચ કરવામાં સરળતા પડવા લાગી. માહિતી હાથવગી થઈ ગઈ. સોશિયલ મીડિયા કેપ્શન લખવામાં આસાની આવી. હેલ્થ-એજ્યુકેશન-રિસર્ચ સહિતના ક્ષેત્રોમાં આવું તો કેટલુંય થયું, પરંતુ બીજી સાઈડ બહુ ભયાવહ હતી. એઆઈની ડાર્ક સાઈડના સૌથી ચોંકાવનારા ચિત્રનું નામ હતું - સિન્થેટિક મીડિયા. કોઈ વ્યક્તિના ફોટો-વીડિયો-ઓડિયોના આધારે એઆઈ ટૂલની મદદથી અમુક મિનિટની પ્રોસેસ પછી અદ્લ એવો વીડિયો કે ફોટો બનાવી શકાતો હતો. ફેક ઈમેજનો સિલસિલો તો છેક ફોટોશોપના જમાનાથી ચાલતો હતો, પરંતુ એઆઈના કારણે સોશિયલ મીડિયામાં સિન્થેટિક મીડિયા એટલે કે ડીપફેક ઓડિયો-વીડિયોનું વિષ ઘોળાયું.
૨૦૨૩નું વર્ષ એઆઈ ઈનોવેશનના નામે હતું તો ૨૦૨૪નું વર્ષ ડીપફેકના હાહાકારના નામે નોંધાયું. અભિનેત્રીઓથી લઈને રાજકારણીઓના એઆઈ જનરેટેડ સિન્થેટિક મીડિયાએ તરખાટ મચાવી દીધો. સેન્થેટિક એટલે કૃત્રિમ કે બનાવટી. એઆઈની મદદથી તેને એટલી ચોક્સાઈથી બનાવવામાં આવે છે કે તે કૃત્રિમ હોવા છતાં બિલકુલ કૃત્રિમ લાગે નહીં. ફેક હોય તો એના સાચા-ખોટાના પારખા થઈ શકે, પણ ડીપફેકમાં એટલો અવકાશ જ રહેતો નથી.
ધીમે ધીમે દુનિયાને સમજાયું કે ડીપફેકનું પરિણામ નજર સામે દેખાતું હતું એનાથી ક્યાંય 'ડીપ' હતું.
***
૨૦૨૪નું વર્ષ માનવ ઈતિહાસમાં અલગ એ રીતે હતું કે એ ગ્લોબલી ચૂંટણી વર્ષ હતું. દુનિયાની ૮૦૦ કરોડની વસતિમાંથી ૩૭૦ કરોડ લોકો વોટ કરવાના હતા ને એમાંથી ૨૦૦ કરોડ લોકોએ વોટિંગ કર્યું. ભારત-અમેરિકા-બ્રિટન-રશિયા-પાકિસ્તાન-બાંગ્લાદેશ-તુર્કી-મેક્સિકો-દક્ષિણ આફ્રિકા સહિત ૬૪ દેશોમાં ચૂંટણી યોજાઈ.
એનાથી મહત્ત્વની વાત એ હતી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના એરામાં યોજાયેલી આ પહેલી ચૂંટણી હતી. ગ્લોબલી આ ચૂંટણીમાં એઆઈનો સીધો પ્રભાવ જોવા મળ્યો. ધ ઈન્ટરનેશનલ પેનલ ઓન ધ ઈન્ફોર્મેશન એન્વાયર્મેન્ટના રિપોર્ટમાં દાવો થયો કે ૨૦૨૪ની ચૂંટણીઓમાં ૮૦ ટકા દેશોમાં એઆઈનો મિસયુસ થયો. એઆઈ જનરેટેડ કન્ટેન્ટ ક્રિએશનની ભરમાર જોવા મળી. અનેક ઉમેદવારોએ કે તેમના સમર્થકોએ કે તેમની સોશિયલ મીડિયા કેમ્પેઈનિંગ ટીમે વિરોધીઓની ઈમેજ ખરડાવવા માટે ડીપફેક ઓડિયો-વીડિયોનો છૂટથી ઉપયોગ કર્યો. સોશિયલ મીડિયામાં આવા ડીપફેક કેમ્પેઈનનો એવો દબદબો જોવા મળ્યો કે ઈલેક્શન ઓથોરિટી માટેય ફેક્ટ ચેકિંગનું કામ લોઢાના ચણા ચાવવા જેવું બની રહ્યું. ફિલ્મસ્ટાર્સ-સ્પોર્ટ્સ પર્સન્સની જેમ રાજકારણીઓના વીડિયો-ઓડિયો અને તસવીરો મેળવવાનું સરળ હોય છે. વીડિયોમાં એઆઈ જનરેટેડ ઓડિયો મિક્સ કરીને કોઈ નેતાની ઈમેજ ખરાબ કરવાનું કે કોઈ નેતાની ઈમેજ ચોક્કસ જાતિ-ધર્મમાં મજબૂત બનાવવાનું કામ એઆઈથી થયું.
તે એટલે સુધી કે પેલા એક્સપર્ટ ગ્રુપના રેન્ડમ સેમ્પલ સર્વેમાં ૯૦ ટકા સોશિયલ મીડિયા કેમ્પેઈનમાં ડીપફેકનો ઉપયોગ થયાનું જણાયું. પહેલી નજરે સત્તાવાર લાગે એવા વીડિયો કે ફોટોનો ફેલાવો ચિત્ર-વિચિત્ર નામ ધરાવતા એકાઉન્ટ્સમાંથી થતો હોય અને એનું કન્ટેન્ટ ડીપફેકથી તૈયાર થયું હોય એનું પ્રમાણ ખૂબ વધી ગયું.
આ ચૂંટણી વખતે ટેકનો-એક્સપર્ટ્સને સમજાયું કે ડીપફેકથી ન કેવળ કોઈની ઈમેજ ખરાબ કરી શકાય, પરંતુ કોઈ દેશની સત્તામાં કોને બેસાડવા ને કોને દૂર રાખવા એ શક્તિશાળી નિર્ણયમાં પણ ડીપફેક ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
ને તે વખતે દુનિયાને ડીપફેક ડિટેક્ટરની તીવ્ર જરૂરિયાત સમજાઈ.
***
૧૯૯૭માં વીડિયો રીરાઈટ નામનો એક પ્રોગ્રામ ડિઝાઈન થયો હતો. એ પ્રોગ્રામ વીડિયોમાં એડિટિંગની સગવડ આપતો હતો. શરૂઆતમાં ક્રાંતિકારી જણાયેલી એ શોધ પછી વિવાદનું કારણ બની હતી. જો આ રીતે વીડિયોમાં એડિટિંગ થઈ શકતું હોય તો પછી અસલી-નકલીનો ભેદ પારખવો કેવી રીતે?
એના જવાબમાં ઘણાં સંશોધકોએ ઓરિજિનલ વીડિયોને પારખી શકે એવી ટેકનિક વિકસાવી. વીડિયોની લાઈટિંગ, કલરટોન વગેરેનો અભ્યાસ કરીને ઘણા સોફ્ટવેરમાં ભેળસેળ પારખી શકાતી હતી. જેમ વીડિયો રીરાઈટ પ્રોગ્રામમાં ડીપફેકના મૂળિયા હતા એમ આવા સોફ્ટવેરમાં ડીપફેક ડિટેક્ટરના મૂળિયા હતા.
પરંતુ ફેક ડિટેક્શન પર ખરું કામ થયું ૨૦૧૮ પછી. સોશિયલ મીડિયાની પોપ્યુલારિટી પછી ઘણી એપ્સ ફોટોમાં એડિટિંગના ટૂલ્સ આપતી હતી. તેના પરિણામે ઓનલાઈન ફેક સામગ્રી વધતી જતી હતી. એ ઓળખી કાઢવા માટે ઘણી યુનિવર્સિટીઝમાં ફેક ડિટેક્ટર બનવા માંડયા. ફેસ રેકગ્નિશન ટેકનિક, લાઈટિંગ્સ અને શેડો વગેરેની મદદથી ડીપફેક ડીટેક્ટર્સ બનતા હતા એમાં એઆઈથી જનરેટ થયેલા કન્ટેન્ટને પારખી લેવાની ક્ષમતા હતી. એ જ રીતે વીડિયો કે ઓડિયોમાં જે અવાજ છે એ અસલી છે કે એઆઈથી છેડછાડ કરીને બનાવાયેલો છે એ પણ ટેકનોલોજીના કારણે ઓળખવાનું શક્ય બન્યું.
ફેસબુક, માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ તો એઆઈ ડીપફેક ડિટેક્ટર્સને વિકસાવવા માટે એક્સપર્ટ્સને ચેલેન્જ પણ આપી. જો કોઈ સંશોધક ડિટેક્ટર બનાવીને આ કંપનીને આપે તો બદલામાં ખૂબ સારી રકમ મળતી હતી. તેના પરિણામે આવા ડિટેક્ટર્સના ક્રિએશનને વેગ મળ્યો. સોફ્ટવેર બનાવતી ઘણી કંપનીઓએ આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને હવે તો મોબાઈલ યુઝર્સથી માંડીને ઓરિજિનલ વીડિયો કન્ટેન્ટ બનાવતી કંપનીઓ ડીપફેક ડિટેક્ટર ખરીદી શકે છે. તમારું ઓરિજિનલ કન્ટેન્ટ કોઈએ કોપી કર્યું હોય તો એ પણ આ સોફ્ટવેર-એપ્સની મદદથી ઓળખી શકાય છે.
એઆઈ ચેટબોટ્સ ઓફર કરતી કંપનીઓ જ હવે તો એઆઈથી જનરેટ થયેલા કન્ટેન્ટમાં એઆઈનો સિમ્બોલ રાખે છે. એઆઈથી જનરેટ કન્ટેન્ટ સ્પષ્ટ જુદું તરી આવે એવી લાઈટ અને કલરટોન રાખવામાં આવે છે. પરંતુ ડીપફેકથી અસલી જેવું દેખાતું નકલી કન્ટેન્ટ જનરેટ થાય છે એને તારવવું મુશ્કેલ છે. કારણ કે એ જનરેટિવ એઆઈથી કે પેઈડ એઆઈ ટૂલ્સથી બનાવવામાં આવે છે, અથવા તો ઓથેન્ટિક ન હોય એવા સોર્સની વેબસાઈટ કે એપમાંથી બનાવવામાં આવે છે.
નરી આંખે પારખી ન શકાય એને ઓળખી શકે એવા ડિટેક્ટર્સની હવે ડિમાન્ડ થવા માંડી છે. માંગ વધી એમ પુરવઠો પણ વધ્યો છે ને તેના પરિણામે ડીપફેક ડિટેક્ટર્સનું માર્કેટ સતત વધતું જાય છે.
***
૨૦૨૪માં ડીપફેક ડિટેક્ટર્સનું ગ્લોબલ માર્કેટ ૨૬ કરોડ ડોલર યાને અંદાજે ૨૩ અબજ રૂપિયા હતું. ડીપફેકના હાહાકાર પછી અત્યારે એ વધીને ૫૮ કરોડ ડોલર યાને અંદાજે ૫૧ અબજ રૂપિયા થયું છે. ૨૦૨૬ના અંત સુધીમાં એ ૧૦૦ કરોડ ડોલરને પાર પહોંચી જશે અને ૨૦૩૦ સુધીમાં ડીપફેક ડિટેક્ટર્સનું વૈશ્વિક માર્કેટ ૨૧૦ કરોડ ડોલરે પહોંચી જાય એવો અંદાજ છે.
૨૦૧૮ સુધી છુટાછવાયા પ્રયોગો ચાલતા હતા ત્યારે ડીપફેક ડિટેક્ટર્સનું માર્કેટ આટલું મોટું હશે એની કલ્પના થતી ન હતી. કેટલીય ટેકનોલોજી કંપનીઓ માટે ડીપફેકની આફત બિઝનેસનો અવસર લઈને આવી. ડીપફેકના કારણે સાચા-ખોટાના પારખાની જરૂરિયાત ઉભી થઈ અને એ જરૂરિયાતમાંથી ડીપફેક ડિટેક્ટર્સનો બિઝનેસ ખીલી ગયો. પ્લેટોએ સાચું કહેલું - આપણી જરૂરિયાતો જ અસલી ક્રિએટર છે.
વાયરસના કારણે એન્ટી વાયરલનો બિઝનેસ
પ્રયોગ ખાતર ૧૯૭૧માં પ્રથમ કમ્પ્યુટર વાયરલ ક્રિપર બનાવાયો હતો. અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની બીબીએન માટે બોબ થોમસ નામના કમ્પ્યુટર એન્જિનિયરે આ પ્રોગ્રામ બનાવ્યો હતો. એના પગલે ૧૯૭૨માં રે ટોમલિસને રિપર નામનો એન્ટી વાયરલ બનાવ્યો હતો. આમ તો એ ક્રિપરની પ્રતિકૃતિ જ હતી, પરંતુ એનું કામ કમ્પ્યુટરને સિક્યોર કરવાનું હતું. કમ્પ્યુટર્સનો વપરાશ વધ્યો પછી વાયરસનો દુરુપયોગ આખી કમ્પ્યુટર સિસ્ટમ હેક કરવામાં થવા માંડયો. વાયરસની સામે સિસ્ટમ સિક્યોર કરવાની જરૂરિયાત ઉભી થઈ અને એ જરૂરિયાત પર આખો એન્ટી વાયરસનો બિઝનેસ ખડો થયો. આજે કમ્પ્યુટર્સ, લેપટોપ અને મોબાઈલ પર સતત વાયરસનો ખતરો રહે છે, તેથી એન્ટી વાયરસ અનિવાર્ય છે. આજે એન્ટી વાયરસનું ગ્લોબલ માર્કેટ સાડા ચાર અબજ ડોલર છે અને આગામી છ-સાત વર્ષમાં બમણું થઈને આઠ અબજ ડોલરે પહોંચી જશે.


