- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- હે અર્જુન! મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં શરીર છોડે છે તેને તે પ્રાપ્ત થાય છે કેમકે હમેશા તે ભાવની ભાવનાવાળો તે હોય છે...
ક ઠોપનિષદમાં આત્માના ગૂઢ રહસ્યોને અનાવૃત્ત કરવામાં આવ્યા છે. તેના પ્રથમ અધ્યાયની દ્વિતીય વલ્લીના વીસમા શ્લોકમાં કહેવાયું છે - 'અણોરણીયાન્ મહતો મહીયાન્ આત્માસ્ય જન્તોર્નિહિતો ગુહાયામ્ । અણુથી પણ વધારે સૂક્ષ્મ અને મોટા બ્રહ્માણ્ડોથી પણ મોટો આ આત્મા પ્રાણીઓની અંત:કરણરૂપી ગુફામાં રહેલો છે.' કઠોપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદમાં દર્શાવવામાં આવ્યું છે કે ઇશ્વરના અંશરૂપ આત્મા અત્યંત ઉજ્જવળ, દૈદીપ્યમાન પ્રકાશ જેવો છે - જ્યોતિ: ઇવ અધૂમક: । પ્રાણીઓના શરીરની આસપાસ જે આભામંડળ, પ્રકાશવર્તુળ (aura/Bioplasma) જોવા મળે છે તે આ આત્માના પ્રકાશથી જ ઉદ્ભવે છે.
'ધ હ્યુમન એટમોસ્ફિયર' પુસ્તકના લેખક, લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના શરીરવિજ્ઞાની ડૉ. જ્હોન કિલ્નરને એક પ્રયોગ દરમિયાન એમના દરદીના શરીરમાંથી નીકળતો એક વિશેષ પ્રકારનો પ્રકાશ એમના સૂક્ષ્મદર્શક યંત્ર થકી જોવા મળ્યો ત્યારે તેમના ભારે વિસ્મયનો અનુભવ થયો હતો. એમાં વળી થોડીવાર જોયા પછી આશ્ચર્ય બેવડાયું કેમ કે તેમના ધ્યાનમાં આવ્યું કે તે રંગનો પ્રકાશ ધીમેધીમે ઝાંખો થઈ રહ્યો છે. એટલું નહીં, થોડીવાર પછી તો તે પ્રકાશ અદ્રશ્ય થઈ ગયો. તેમણે તરત જ દરદી પાસે જઈને જોયું તો દરદીનું મરણ થઈ ગયું હતું. આના ઉપરથી તેમણે એવું તારણ કાઢ્યું કે તે દરદી જીવતો હતો, તે મરણની નજીકની સ્થિતિએ પહોંચ્યો ત્યારે તે પ્રકાશ ઝાંખો પડી ગયો અને મરણ પામ્યો ત્યારે તેના શરીરમાંથી નીકળતા પ્રકાશ કિરણો ત્યાંથી આવતા બંધ થઈ ગયા. તેના શરીરમાંથી આત્મા નીકળી ગયો ત્યારે તેની પ્રાણ જ્યોતિ પણ લુપ્ત થઈ ગઈ!
અમેરિકાના જાણીતા મનોવિજ્ઞાની વિલિયમ મેકડુગલે પણ આત્મ-ચેતનાના અસ્તિત્વ વિશે પ્રયોગો કર્યા હતા. આ માટે તેમણે અત્યંત શક્તિશાળી વિશિષ્ટ સાધનો તૈયાર કરાવ્યા હતા. તેમણે દરદીઓનું એકદમ ચોક્કસ વજન કરવા માટે ખાસ વજન કાંટો બનાવડાવ્યો હતો કે પલંગ પર સૂતેલો દરદીના એક ગ્રામથી પણ સેંકડો માત્રામાં ઘટેલા વજનનો માપી શકતો હતો. પછી તેમણે જેનું મરણ અત્યંત નજીક હોય એવા દરદીઓને ક્રમશ: તેના પર સૂવડાવી, તેમની સાથે સંકળાયેલી દરેકે નાની-મોટી વસ્તુઓનું વજન કરી મરણ વખતે શું થાય છે તે જોવાના પ્રયોગો કર્યા હતા. તેમણે દરેક વખતે જોયું કે દરદી જીવતો હોય ત્યારે અને જે પળે મરણ પામે ત્યારે તેના વજનમાં સહેજ ફરક પડી જતો હતો. મરણ થાય તેની બીજી પળે તેના પાછલી પળના વજન કરતાં એકથી દોઢ ઔંસ સુધીનું વજન ઓછું થઈ જતું હતું.
સેલ મેટાબોલિઝમ એન્ડ બ્રેન બિલ્ડિંગ, મેથડ્સ ઑફ રિસર્ચ એન્ડ ઇમ્પોર્ટન્સ ઑફ સેલ્યુલર સાઈકોલોજી, ધ સાયન્સ ઑફ મેન્ટેશન, ધ આર્ટ ઑફ માઈન્ડ બિલ્ડિંગ, ઓલ ધ ટ્રાન્સપરન્સી ઑફ ધ એનિમલ બોડી ટુ ઇલેકટ્રિક એન્ડ લાઈટ વેવ્ઝ' જેવા અનેક પુસ્તકોના લેખક, અમેરિકન વિજ્ઞાની એલ્મર ગેટસ (Elmer Gates) ના પ્રયોગોએ પણ નવા કિરણોની માહિતી આપી. આત્મ-ચેતનાના અસ્તિત્વના સિદ્ધાંતને સમર્થન આપ્યું છે. મરણ સમયે મનુષ્યનું સ્વરૂપ કેવું હોય છે તે અંગે કરેલા પ્રયોગોમાં વિજ્ઞાનીઓએ જોયું કે મરણ થતું હોય બરાબર તે જ સમયે પાડેલા ફોટોગ્રાફ્સમાં જોવામાં આવ્યું તો તેમના શરીરની ઉપર જતું મનુષ્ય આકારનું વાયુથી બનેલું છાયારૂપ અંકિત થઈ ગયેલું હતું. આ વાયુરૂપ સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરની બધી જ માહિતી અને સંસ્કારોને પોતાની સાથે લઈ જાય છે. પછી તે વાયુરૂપ સૂક્ષ્મ શરીરથી જ પ્રેત શરીર નિર્મિત થાય છે. પ્રેત અવસ્થામાં રહેલો આત્મા જોવું-સાંભળવું-બોલવું-અનુભવવું એ બધી ક્રિયાઓ કરી શકે છે. એ પ્રેત-આત્માની ઇચ્છા હોય તો તે પહેલાં જેવું સ્થૂળ શરીર થોડીવાર માટે ધારણ કરી દ્રશ્યમાન થાય છે, ક્યારેક કોઈની સાથે વાત પણ કરે છે. મરણ વખતની કોઈ અધૂરી ઇચ્છા પૂરી કરવા પ્રયત્નો પણ કરે છે.
હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર મરણ પછી અગ્નિ દાહ અપાયા બાદ બાર દિવસ સુધી મૃતકને પ્રેત નામથી ઉલ્લેખવામાં આવે છે. યોગ્ય વિધિ પ્રમાણે મૃતકના દેહપિંડને બારમા દિવસે દ્વાદશાહ શ્રાદ્ધ વિધિ કરતી વખતે પિતૃઓના પિંડ સાથે સંમિલિત કરવામાં આવે તે પછી તે 'પ્રેત' અવસ્થામાંથી મુક્ત થઈ પિતૃ અવસ્થામાં પ્રવેશી પિતૃઓ સાથે રહે છે. શાસ્ત્રમાં કહેવાયું છે - એષવોનુગત: પ્રેત: પિતરસ્તં દદામિ વ: । શિવમસ્તિવતિ શેષાણાં જાયન્તાં ચિરજીવિત: ।। પિતૃપિંડ સંયોજન પછી મૃતાત્મા પિતૃઓ સાથે ભળે છે ત્યારે તેને 'પ્રેત' કહેવાતો નથી. એટલે જ શાસ્ત્ર કહે છે - 'અત ઊર્ધ્વં ભ્રાન્ત્યાપિ પ્રેત શબ્દો ન કાર્ય ।'
મરણ પછીના બાર દિવસના આ ગાળા સુધી પોતાના સ્વજનો કેવું વર્તન કરે છે તેના આધારે પ્રેતરૂપ આત્મા પ્રતન્નતા કે દુ:ખ, તૃપ્તિ કે અતૃપ્તિ અનુભવે છે. આ કારણથી જ મૃતાત્માને પ્રસન્ન, સંતુષ્ટ અને સંતૃપ્ત રાખવા શ્રાદ્ધ ક્રિયામાં આરંભમાં 'તર્પણ' વિધિ કરાય છે. તર્પણ શબ્દનો આ જ અર્થ થાય છે. આ ગાળા દરમિયાન પ્રાર્થના, ભજન, સ્તોત્ર, ભગવત્ સ્મરણ, ગીતા કે ગરુડપુરાણ જેવા ગ્રંથોનું શ્રવણ, દાન, પુણ્ય વગેરે સત્કાર્યો કરાય છે જેનાથી પ્રસન્ન થઈ મૃતાત્મા પ્રેત પછીની પિતૃલોક, દેવલોક કે ભગવદ્ ધામ ગમનની સદ્ગતિની ઉત્તરોત્તર ઉચ્ચ અવસ્થાને પ્રાપ્ત થાય છે.
મૃત્યુ સમયની મનની સ્થિતિ મોટેભાગે મરણોત્તર ગતિનો નિશ્ચય કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના આઠમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે કલેવરમ્ । તં તમેવૈતિ કૌન્તેય સદા તદ્ભાવ ભાવિત: ।। હે અર્જુન ! મનુષ્ય અંતકાળે જે જે ભાવનું સ્મરણ કરતાં શરીર છોડે છે તેને તેને જ તે પ્રાપ્ત થાય છે કેમકે હમેશા તે ભાવની ભાવનાવાળો તે હોય છે.' આમ, અંતિમ સમયની ઇચ્છાઓ પ્રમાણે પરિવર્તન પામતા સૂત્રો જે જીવના જીન્સ (genes) માં ભળી જાય છે તે જ તરફ આકર્ષાઈને તે જ યોનિ ધારણ કરી લે છે. થિયોસોફિકલ સોસાયટીના સભ્ય અને વિખ્યાત લેખક ચાર્લ્સ વેબસ્ટર લેડબીટર કહે છે કે સાત લોકમાંથી ઉપરના છ લોક સાથે સંબંધિત છ પ્રકારના પિતૃ આત્માઓ અસ્તિત્વ ધરાવે છે. તે સ્વભાવ, સંસ્કાર, ઇચ્છા અને પાત્રતા અનુસાર માર્ગદર્શક અને મદદકર્તા બની રહે છે. ઉચ્ચ કોટિના પિતૃઓ વરદાન આપી કલ્યાણ કરે છે.


