Get The App

ફરહાન, ફરી એક વાર... .

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
ફરહાન, ફરી એક વાર...                                . 1 - image

- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત

- માણસ જો દમદાર હશે તો એની કહેવાતી આળસ, પ્રમાદ અને શિસ્તહીનતાની ભીતર પણ કશીક બહુ જ મૂલ્યવાન, બહુ જ નક્કર ચીજ ઉછરતી હોય, એમ બને. આવી સ્થિતિમાં આસપાસના લોકોએ ધૈર્યપૂર્વક રાહ જોવાની હોય છે. યોગ્ય સમયે તે મૂલ્યવાન ચીજ બહાર આવશે જ... ફરહાન અખ્તરની જેમ!

ચા લો, ચાર વર્ષના લાંબા અંતરાલ પછી ફરહાન અખ્તર એક્ટર તરીકે ફરી પડદા પર દેખા દેશે ખરો. ફરહાન એક સમયે બોલિવુડનો વંડર બોય ગણાતો હતો. એ બધું જ કરે, એને બધું જ આવડે. એ ડિરેક્શન અને પ્રોડક્શન પણ કરે, એ અભિનય અને લેખન પણ કરે, એ ગીતો પણ ગાય, એ સ્ટેન્ડ-અપ કોમેડી અને ટીવી શોનું હોસ્ટિંગ પણ કરે. એક સમયે હોલિવુડની સુપર એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપ માટે જે પુછાતું તે આપણે ત્યાં ફરહાન માટે પૂછાવા લાગ્યું હતું: એવું કંઈ છે ખરું જે ફરહાન અખ્તર ન કરી શકે? 

જોકે એક અભિનેતા તરીકે ૫૧ વર્ષીય ફરહાનની કરીઅર ખાસ્સી ઠંડી પડી ગઈ છે. જુઓને, એ છેલ્લે 'તૂફાન' (૨૦૨૧) અને એની પહેલાં 'ધ સ્કાય ઇઝ પિન્ક' (૨૦૧૯) ફિલ્મોમાં દેખાયો હતો. બન્ને ફ્લોપ. એક્ટર તરીકેની એની છેલ્લી સફળ ફિલ્મો એટલે 'દિલ ધડકને દો' (૨૦૧૫) અને 'રોક ઓન-ટુ' (૨૦૧૬). એટલે જ એની હવે પછીની ફિલ્મ '૧૨૦ બહાદૂર' ભલે છેક નવેમ્બરમાં આવવાની હોય, પણ ફિલ્મનું ટીઝર જોઈને ફરહાનના ચાહકો તો અત્યારથી સ્માઈલ કરી રહ્યા છે. આ ફિલ્મ ૧૯૬૨માં ચીન સામ લડતાં લડતાં વીરગતિ પામેલા મેજર શૈતાન સિંહ ભાટીના પરાક્રમ પર આધારિત છે. જોવાનું એ છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર પરાક્રમ કરી દેખાડે છે કે કેમ. 

પોતાની અભિનેતા તરીકેની કરીઅરના વર્તમાન અને ભવિષ્ય માટે ફરહાન કદાચ ચિંતિત હોય, એવું બને. એક સમય હતો ત્યારે ફરહાનની લેખિકા મમ્મી હની ઇરાનીને દીકરાની ચિંતા કરી કરીને અડધી થઈ જતી હતી. એનું કારણ હતું. સત્તર-અઢાર વર્ષના ફરહાને કોલેજનું ભણતર પડતું મૂકી દીઘું હતું અને આખો દિવસ ઘરમાં એદીની જેમ પડયો રહેતો હતો. મમ્મીને સમજાતું નહોતું કે આ આળસુ છોકરો લાઈફમાં શું ઉકાળશે! 

ફરહાન ફિલ્મી પરિવારનું ફરજંદ છે એટલે એ ફિલ્મોમાં જ કંઈક કરશે એ તો પાક્કું હતું. પપ્પા તરીકે જાવેદ અખ્તર જેવા સેલિબ્રિટી રાઈટર હોય એટલે ફિલ્મી હસ્તીઓના ઘરે આવરોજાવરો સ્વાભાવિક છે. અભિષેક બચ્ચન, રિતિક રોશન, ઉદય ચોપડા અને ફરહાન એ વખતે નાના નાના. સૌનાં ઘર પણ એક જ એરિયામાં - મુંબઈના જુહુમાં. ટેણિયાંઓ ભેગાં થાય ત્યારે એક્ટિંગ-એક્ટિંગ રમે અને સૌ એક જ વાત કરે: મોટા થઈને મારે બચ્ચન બનવું છે! સુપરમેન-બેટમેન નહીં, પણ અમિતાભ બચ્ચન! ફરહાન ઘરમાં ને દોસ્તો પાસે હીરો લોગની મિમિક્રી કર્યા કરે. ટીનેજર થયો ત્યારે એણે જૂઠું બોલવાનું શરૂ કરી દીધું હતું. જૂઠ છુપાવવા માટે જાતજાતની વાર્તાઓ ઘડી કાઢવી પડતી. આ કામ ફરહાન એટલી સફાઈથી કરતો કે ફાધર જાવેદ અખ્તર અને હની ઈરાનીએ લગભગ માની લીધું હતું કે આપણો દીકરો મોટો થઈને એક્ટિંગ જ કરવાનો.

થયું કશુંક જુદું. ભણવામાં ફરહાનને ઝાઝો રસ નહોતો એ તો એણે કોલેજ અધૂરી છોડી દીધી ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું. જાવેદ અખ્તર સાથે વર્ષો પહેલાં ડિવોર્સ થઈ ગયા હતા એટલે સ્વાભાવિક છે કે હની ઇરાનીની સઘળી આશા દીકરા પર ટેકવાયેલી હોય. એ જુએ કે દીકરો દોઢ-બે વર્ષથી માત્ર સમય વેડફી રહ્યો છે. આખો દિવસ પોતાના કમરામાં પુરાઈ રહે છે, ઊંઘતો રહે છે, પિક્ચરો જોયા કરે છે, કશું જ કન્સ્ટ્રક્ટિવ કરતો નથી. તરુણાવસ્થામાં કે યુવાવસ્થા દરમિયાન આપણામાંથી ઘણાએ આ પ્રકારની દિશાહીનતા અનુભવી છે. સમજાય નહીં કે જિંદગીમાં શું કરવું છે. માર્ગ સૂઝતો ન હોય. ગાઈડ કરવાવાળું આસપાસ કોઈ ન હોય. શાનું ગાઈડન્સ જોઈએ તે પણ ખબર ન હોય. અધૂરામાં પૂરું, જુવાન થઈ રહેલાં શરીરની વૃત્તિઓ ઉછાળા મારતી હોય... પણ જો માણસ મૂળભૂત રીતે પ્રતિભાશાળી અને સિન્સિયર હશે તો આવા ધુમ્મસ જેવા તબક્કામાં પણ એની ભીતર સતત કશુંક વલોવાતું હોય છે. એક વિચારચક્ર, એક પ્રક્રિયા ખબર ન પડે તેમ સતત ચાલ્યાં કરતાં હોય છે. સ્પષ્ટતા આખરે આમાંથી જ જન્મતી હોય છે.

ફરહાનના કાકા સાઇકોએનેલિસ્ટ છે. દિશાહીનતાના આ ગાળા દરમિયાન એક વાર એમણે ફરહાનને પૂછયું, 'બેટા, તને ફિલ્મો જોવાનો બહુ શોખ છે?' ફરહાન કહે: 'હા, છે તો ખરો.' અંકલ કહે: 'તું કઈ રીતે ફિલ્મો પસંદ કરે છે?' ફરહાન કહે: 'આઈ ડોન્ટ નો! હું તો બસ, હાથમાં જે સીડી કે કેસેટ આવી જાય તે જોઈ કાઢું છું.' (યાદ રહે, આ ઇન્ટરનેટ, મોબાઇલ, સોશિયલ મીડિયા પહેલાંનો જમાનો હતો.) અંકલ કહે: 'આમ આડેધડ ફિલ્મો જોવાનું બંધ કર. એક કામ કર. તને બહુ ગમતા દસ એકટરો-ડિરેક્ટરોનું લિસ્ટ બનાવ. પછી એક-એકને પકડીને એની તમામ ફિલ્મો જોઈ કાઢ. સાથે એક ડાયરી બનાવ. એમાં લખતો જા કે કઈ ફિલ્મમાં તને શું ગમ્યું અને શા માટે ગમ્યું. આ રીતે તને એ આટસ્ટનો ગ્રોથ, એનો ગ્રાફ,એની શૈલી વગેરે વ્યવસ્થિતપણે સમજાશે.'

ફરહાને ડાયરી-બાયરી તો ન બનાવી પણ ગાંડાની જેમ ફિલ્મો જોવાનું જરૂર શરૂ કરી દીધં. સૌથી પહેલાં અમિતાભ બચ્ચનની ફિલ્મો જોઈ કાઢી. એક વાર એના હાથમાં હોલિવુડના ગ્રેટ એકટર રોબર્ટ દ નીરોની ફિલ્મ 'અનટચેબલ્સ' આવી ગઈ. એમનો અભિનય જોઈને ફરહાન ચકિત થઈ ગયો. ફરહાને ફટાફટ એમની બીજી ફિલ્મો જોઈ કાઢી - 'રેજિંગ બુલ', 'ટેક્સી ડ્રાઈવર', 'મીન સ્ટ્રીટ' વગેરે. એકમાંથી બીજી બારી ખૂલતી ગઈ. રોબર્ટ દ નીરો પછી માટન સ્કોર્સેઝી, ફ્રાન્સીસ ફોર્ડ કપોલા, અલ પચીનો... ફરહાન સામે વિદેશી સિનેમાની આખી દુનિયા ખૂલી ગઈ.

ફરહાનને ફોટોગ્રાફીનો પણ શોખ હતો. સાવકી મા શબાના આઝમીના સિનેમેટોગ્રાફર ભાઈ બાબા આઝમીએ એને સ્ટિલ કેમેરા આપ્યો હતો. ફરહાન તે લઈને ફર્યા કરતો અને ચીજવસ્તુઓના, દોસ્તારોના ફોટા પાડયા કરતો. મમ્મીએ કહ્યું કે તને ફોટોગ્રાફીમાં રસ હોય તો કોઈ સિનેમેટોગ્રાફરનો આસિસ્ટન્ટ બન, કંઈક શીખ. ફરહાનને થયું, વાત તો બરાબર છે. હાલો, સિનેમેટોગ્રાફર તરીકે કરીઅર બનાવીએ. સિનેમેટોગ્રાફર બનવા માટે આમ તો સારી ફિલ્મ ઈન્સ્ટિટયૂટમાં સિનેમેટોગ્રાફીનો કોર્સ કરવો પડે. ખાટલે મોટી ખોડ એ હતી કે તેમાં એડમિશન લેવા માટે સાયન્સ ગ્રેજ્યુએટ હોવું જોઈએ. ફરહાનમિયાં પાસે ડિગ્રી-બિગ્રી તો હતી નહીં એટલે એણે મનમોહનસિંહ નામના નામી સિનેમેટોગ્રાફરના આસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કર્યું.

 સેટ પર કામ કરતાં કરતાં ફરહાને ફિલ્મના ડિરેક્ટરને આસિસ્ટ કરતાં છોકરા-છોકરીઓને જોયાં. એને થયું, મારા કરતાં તો આ લોકોનું કામ વધારે ઈન્ટરેસ્ટિંગ છે. અમારે તો ફક્ત વિઝયુઅલ્સનું ધ્યાન રાખવાનું, પણ આ લોકોએ તો સ્ટોરી, ડાયલોગ, લોકેશન, કપડાં, કન્ટિન્યુટી આ બધાંનું પણ ધ્યાન રાખવાનું હોય. તો પછી સિનેમેટોગ્રાફર બનવા કરતાં હાલો, ડિરેક્ટર બનીએ!

ફિલ્મ બનાવવા માટે એક વાર્તા જોઈએ. ફરહાને ત્રણ દોસ્તોની કહાણી લખવી શરૂ કરી. પોતાના અનુભવો, ફ્રેન્ડ્સના અનુભવો, કલ્પના આ બધું ઉપયોગમાં લઈને જે સ્ટોરી લખી એનું નામ આપ્યું, 'દિલ ચાહતા હૈ'. નેચરલી, હૃતિક અને અભિષેક બાળપણના દોસ્તારો હતા એટલે સૌથી પહેલાં આ બન્નેને સ્ટોરી સંભળાવી. કાં તો ફરહાન જેવા નવા નિશાળિયાની ક્ષમતા પર ભરોસો નહીં હોય, અથવા સમયનો જેન્યુઈન પ્રોબ્લેમ હશે, પણ હૃતિક-અભિષેક બન્નેએ ના પાડી દીધી. સદ્નસીબે આમિર ખાને સ્ટોરી અને ફરહાન બન્નેનું હીર પારખી લીધું. એણે હા પાડી. ફરહાનની ઇચ્છા હતી કે ડિમ્પલ કાપડિયાના પ્રેમીવાળો રોલ આમિર કરે, પણ આમિરને બીજો રોલ પસંદ પડયો. ડિમ્પલના યંગ લવરવાળી ભૂમિકા પછી અક્ષય ખન્નાએ કરી. આમિર જેવા ટોપ-સ્ટારે હા પાડી એટલે ફરહાનમાં હિંમત અને કોન્ફિડન્સ આવ્યાં. 

એણે મમ્મી-પપ્પા સામે ધડાકો કર્યો: મૈં ડિરેક્ટર બનના ચાહતા હૂં! જાવેદ અખ્તરને ચક્કર આવી ગયા: અલ્યા, તું ડિરેક્શન કરીશ? પણ તારે તો હીરો બનવું હતુંને! ને વચ્ચે તેં કંઈક સિનેમેટોગ્રાફીનું પણ કરેલું, એનુ શું થયું? ફરહાન કહે: 'ના, પણ હવે મારે ડિરેક્શન કરવું છે અને આમિર મારી ફિલ્મમાં કામ કરવા તૈયાર પણ થઈ ગયો છે!' દીકરો સ્ક્રિપ્ટ લખવાની મથામણ કરી રહ્યો છે એની મમ્મીને ખબર હતી એટલે એને બહુ નવાઈ ન લાગી.

ખેર, 'દિલ ચાહતા હૈ' (૨૦૦૧) આખરે બની, રિલીઝ થઈ... એન્ડ રેસ્ટ ઈઝ હિસ્ટરી! મોડર્ન અર્બન યૂથને આટલી કમાલ રીતે પેશ કરતી આવી હિન્દી ફિલ્મ જનતાએ અગાઉ ક્યારેય જોઈ નહોતી. ફિલ્મનાં તમામ પાસાં વખણાયાં. બોક્સ ઓફિસ પર તે સુપરહિટ થઈ. ફરહાને એદીની જેમ ગાળેલાં પેલાં બે વર્ષની આ ફળશ્રુતિ હતી. આ બે વર્ષ એની પ્રભાવશાળી કરીઅરનું ટ્રેનિંગ ગ્રાઉન્ડ સાબિત થયું.

ધીમે ધીમે બધું જ બહાર આવ્યું. ફરહાનને મૂળ એક્ટર બનવું હતું. એ બન્યો. જે નહોતું ધાર્યું (ટીવી હોસ્ટ, સિંગર) એ પણ બન્યો. બોલિવુડનો મહત્ત્વનો પ્રોડયુસર ગણાયો, કેટલીય ફિલ્મો અને વેબ શોઝ બનાવ્યા. જો મૂળિયાં મજબૂત હોય તો જુવાનીની એક પણ ક્ષણ નકામી જતી નથી. જુવાની વેડફાઈ રહી હોય એવું બહારથી લાગતું હોય, ત્યારે પણ નહીં. માણસમાં જો વિત્ત હશે તો એની કહેવાતી આળસ, પ્રમાદ અને શિસ્તહીનતાની ભીતર પણ કશીક બહુ જ મૂલ્યવાન, બહુ જ નક્કર ચીજ ઉછરતી હોય, એમ બને. આવી સ્થિતિમાં આસપાસના લોકોએ ધૈર્યપૂર્વક રાહ જોવાની હોય છે. યોગ્ય સમયે તે મૂલ્યવાન ચીજ બહાર આવશે જ... ફરહાનની જેમ!

શો સ્ટોપર

'શું તમને એમ લાગે છે કે એક ફિલ્મમેકરમાં એટલી બધી તાકાત હોય છે કે એ સમાજમાં ભાગલા પડાવી શકે? શું હું સમાજમાં તિરાડ પાડવાનું કામ કરું છું? શું હિંદુસ્તાન-પાકિસ્તાનના ભાગલા કોઈ ફિલ્મમેકરને કારણે પડેલા?' 

- વિવેક અગ્નિહોત્રી 

('ધ બેંગાલ ફાઇલ્સ'ના રાઇટર-ડિરેક્ટર-પ્રોડયુસર)