- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
- 'બેટા, ખામોશી, તારા જેવી દીકરીઓના તપથી આ જગત વંચિત રહેવું ન જોઈએ. એને 'પારકી થાપણ' ગણવી એ તેના વ્યક્તિત્વનું અપમાન છે.'
આ જે ખંતના પપ્પાજી જયકુમારનું પહેલું શ્રાધ્ધ છે. ચકલાંને ચણ નાખીને વસુધાદેવી તુલસીક્યારા પાસે ઊભાં છે. સૂર્ય અસ્તાચળ યાત્રાની તૈયારી કરી ચૂકયો છે. થોડીકવારમાં એ આથમી જશે. પછી ઘોર અંધકાર !
મઘમઘતા ફૂલ જેવું જયકુમારનું વ્યકિતત્વ. ખુશબોની ખેરાતની એમને ઉતાવળ. મુરઝાવાની ચિંતા એમણે ક્યારેય રાખી નહોતી. ધૂપસળીની જેમ તેઓ જલતા રહ્યા.
પણ એમણે ફેલાવેલી સુગંધમાં એમની વિધવા વસુધાદેવીને બે ટંકનું ભોજન આપવાની ય તાકાત નથી, એની એમને કલ્પના નહોતી ! વસુધાદેવીએ અશાંતિપૂર્વક વિચાર્યું પણ તરત જ એમના મનમાં ખેદ ઊભરાવા લાગ્યો કે 'દેવત્વને દોષત્વના માપદંડથી મૂલવવામાં મારી શોભા નથી.' જયકુમાર વસુધાદેવીને નિરાધાર કરીને ચાલ્યા ગયા : વસુધાદેવી તથા તેમના ત્રણ સંતાનો. મોટો દીકરો ખંત, વચલી દીકરી ખામોશી અને નાનો દીકરો ખ્યાત.
ખંતની ઉંમર ૧૯ વર્ષની હતી એટલે રહેમરાહે સરકારે એને નોકરી આપી દીધી. એટલે નિરાધાર પરિવારના પોષણ ચિંતા ના રહી.
ખંત ઠેકાણે પડયો એટલે વસુધાદેવીએ નિરાંતનો શ્વાસ લીધો. અને એમની જિંદગીનું ખરાબે ચઢેલું વહાણ હવે હેમખેમ કિનારે પહોંચશે એવી એમની આશા હતી.
એમણે ખંતના બાવીસમાં વર્ષે જ ખુમારી સાથે લગ્ન ગોઠવી દીધાં. ખુમારી મધ્યમ વર્ગના પરિવારની પુત્રી હતી એટલે વસુધાદેવીને પસંદ પડી ગઈ હતી. અને એમનો દીકરો ખંત... મમ્મી કહેતાં તો એની આંખ ભાવનાથી ભીની થઈ જતી હતી. ખંત ઘણીવાર કહેતો : 'મમ્મી, તમે ચિંતા ન કરશો. ખ્યાત અભ્યાસમાં હોંશિયાર છે. એને ભણાવી-ગણાવીને હું એને ડૉક્ટર બનાવીશ. પપ્પાજી મને ડૉક્ટર બનાવવા માગતાં હતાં ને, હું તો તેઓ ચાલ્યા ગયા એટલે ડૉક્ટર ન બની શક્યો પણ ખ્યાતને તો હું ડૉક્ટર બનાવી ને પપ્પાજીની ઇચ્છા પૂરી કરીશ જ. અને મમ્મી આપણી ગુડિયા.... ખામોશીનાં લગ્ન તો એવી ધામધૂમથી કરીશ કે લોકો જોઈને દંગ રહી જશે. અને હવે હું એકલો નથી. મારી સાથે ખુમારી પણ છે.' આમ ખંતનાં મમતાભર્યાં વચનો વસુધાદેવીને ભીંજવી નાખતાં હતાં.
પણ ખુમારીનો વ્યવહાર એકાએક બદલાઈ જશે એવી વસુધાદેવીએ કલ્પના પણ નહોતી કરી. ખુમારીનાં માતા-પિતા વસુધાદેવીના ઘરથી બેએક કિલોમીટર દૂર રહેતાં હતાં. એટલે ખુમારી સાંજનો સમય ત્યાં જ ગાળતી હતી. ખંત પણ ઑફિસથી છૂટીને સીધો સાસરે જ જતો. સવારની જેમ સાંજની રસોઈ પણ ખુમારીએ વસુધાદેવીના માથે જ નાખી દીધી હતી.
અને રવિવારની એક સવાર વસુધાદેવીના વાત્સલ્યના લીલાછમ ખેતર માટે હિમ સાબિત થઈ. વસુધાદેવી ભાગવત વાંચવા બેઠાં હતાં ત્યાં ખુમારીએ પૂજાખંડમાં આવીને કહ્યું : 'ભાગવત પછી વાંચજો, પહેલાં આ હિસાબ વાંચો.' 'ખુમારી, મારાં ચશ્માં લાવ તો બેટા.'... કહેવાની વસુધાદેવીમાં હિમ્મત નહોતી સંધિવાને કારણે જકડાયેલા પગને સરખો કરીને વસુધાદેવી ઊભાં થયાં. 'આમ પાપા પગલી ચાલશો તો અંદરના રૂમમાં ક્યારે પહોંચશો ? મારે મમ્મીને ઘેર જવાનું મોડું થશે. આજે મારા પપ્પાએ બહુ મોટી પાર્ટી રાખી છે અને વ્યવસ્થાની બધી જવાબદારી ખંતને સોંપી છે.' ખુમારીએ ગુસ્સામાં કહ્યું. અને બદલાયેલા નંબરને કારણે વસુધાદેવીને અનફીટ ગણતાં ચશ્માંની મદદથી તેઓ ખુમારીએ આપેલો કાગળ વાંચવા લાગ્યાં. કાગળમાં હતી માત્ર ચાર એન્ટ્રી. વસુધાદેવી, ખામોશી અને ખ્યાતનું ભોજન ખર્ચ, અને તેનો સરવાળો. વૃધ્ધાવસ્થાને કારણે ખુમારીએ વસુધાદેવીનું ફૂડબીલ કન્સેશનલ રેઈટથી બનાવી માસિક રૂ. ૪૦૦૦/- આકાર્યું હતું. જ્યારે ખામોશી અને ખ્યાતને રૂ. ૬૦૦૦ને લાયક ગણ્યાં હતાં. વસુધાદેવીના બે સંતાનો ખામોશી અને ખ્યાતના માસિક ખર્ચ પેટે રૂ. ૧૨૦૦૦/- અને તેમના પોતાના ભોજન ખર્ચ પેટે માસિક રૂ. ૪૦૦૦/- એમ વસુધાદેવીએ કુલ રૂ. ૧૬૦૦૦/- આપવા જોઈએ એવો ખુમારીનો આદેશ હતો.
ખામોશી બહાર ગઈ હતી અને ખ્યાત લાયબ્રેરીમાં ગયો હતો. એટલે વસુધાદેવીને મોકળા મને રડવાની અનુકૂળતા હતી. તે દિવસે તેઓ ખૂબ રડયાં. અને બધાંને લાચાર બનાવી અનંતયાત્રી બનનાર પોતાના પતિ જયકુમારને મનોમન વસુધાદેવીએ ઠપકો પણ આપ્યો.
બારણું ખુલ્લું હતું એટલે ખામોશીએ આવીને વસુધાદેવી પાસે પડેલા પત્રને ક્યારે લઈ લીધો એની એમને ખબર જ ન પડી. પત્ર વાંચીને ખામોશી વસુધાદેવીને વળગીને ખૂબ જ રડી. થોડી વાર પછી એણે રડવાનું બંધ કરી દીધું હતું. વસુધાદેવીએ જોયું કે એ દિવસથી ખામોશી બદલાઈ ગઈ હતી.
પાંચેક દિવસ પછી ખામોશીએ વસુધાદેવીને કહ્યું : 'મમ્મી, ખ્યાતને આપણે કશું કહેવું નથી. એનો અભ્યાસ બગડવા નથી દેવો. મેં સવાર-સાંજ મળીને પાંચ-છ ટયૂશન નક્કી કરી લીધાં છે. બપોરે એક પાર્ટટાઇમ કામ પણ મને મળી જશે. મારી ફ્રેન્ડ દિયાના પપ્પાની ઓફિસમાં ટેલિફોન ઓપરેટરની જગ્યા છે. તું ચિંતા ન કરીશ. મમ્મી, આપણે ભાભીને ભોજન બિલ ચૂકવી દઈશું.'
શારીરિક રીતે અશક્ત એવા એક વિધવા વસુધાદેવી પાસે બીજો વિકલ્પ પણ શો હતો ? પોતાની લાડકી દીકરી ખામોશી એકોક મોટી થઈ ગઈ અને ઘરની ચિંતા કરવા માંડી.... વસુધાદેવીની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી...
વસુધાદેવીની નજર સમક્ષ તેમના પતિએ વાવેલાં પુણ્યનાં ખેતરો ખડાં થઈ ગયાં... પગરખાં વિહોણાંને પગરખાં, પુસ્તક વિહોણા માટે પુસ્તક સહાય, વિદ્યાર્થીઓ માટે વિદ્યાલયો અને છાત્રાલયો, અનાથો માટે અનાથાલય, જયકુમારે પોતાના કોષને પરિગ્રહનો નહીં, પણ જરૂરિયાતગ્રસ્તો માટે અનુગ્રહનો વિષય બનાવ્યો હતો. એક હાથે રૂપિયા કમાયા એ બે હાથે ઉલેચ્યા. લોકોની જ નહીં ઘરનાંની શિખામણ કે સૂચન સાંભળવાનો જયકુમારને અવકાશ જ ક્યાં હતો ! સ્વભાવ પણ કેવો... ઉદાર, પ્રેમાળ અને શ્રધ્ધાશીલ. શત્રુની ગોદમાં ય નિરાંતે મસ્તક મૂકતાં ન ગભરાય એવા વિશ્વાસનિષ્ઠ. દગો અને પ્રપંચ શબ્દ તેમના શબ્દકોષ બહારનો હતો. વાદળની જેમ વરસતા અને ફૂલની જેમ ફોરમનું પ્રદાન કરતાં જયકુમારના નિરાળા વ્યકિતત્વનું વસુધાદેવીને ગૌરવ હતું. પણ કોને ખબર હતી કે જયકુમાર પોતાના પરિવારને આમ નોધારો મૂકીને એકાએક ચાલ્યા જશે ? વસુધાદેવીને યાદ આવ્યાં જયકુમારની જિંદગીના છેલ્લાં કટોકટીના બોત્તેર કલાક... બીમાર પતિના ઓશિકા પાસે બેઠેલા
વસુધાદેવીએ આખી રાત મટકુંય માંડયું નહોતું. તેમની સાથે ખામોશી પણ જાગતી બેઠી હતી. એકાએક જયકુમાર તકિયાના સહારે સહેજ બેઠા થયા અને ખામોશીના મસ્તક પર હાથ મૂકીને કહ્યું : 'વસુધા, તું મારી ખામોશીને સાચવજે. અને ડૉક્ટરોને કહેજે કે પૈસા ખાતર સંતાનની જાતિની દાકતરી રાહે સોનોગ્રાફી દ્વારા ભવિષ્યવાણી ન કરે. દીકરી તો પુત્રને ય શરમાવે એવી માબાપની સેવા કરતી હોય છે, એવી દીકરીઓના તપથી આ જગત વંચિત ના રહેવું જોઈએ.' અને આટલું બોલીને જયકુમાર ઢળી પડયા હતા. અને તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
વસુધાદેવીને જયકુમારના શબ્દો આજે યાદ આવી ગયા. થોડા દિવસ પહેલાં ઘરમાં જયકુમારના પહેલા શ્રાધ્ધની વાત નીકળી ત્યારે ખુમારીએ કહ્યું હતું કે, 'મમ્મીજી, હું શ્રાધ્ધ-બ્રાધમાં માનતી નથી. અને ખંત શ્રાધ્ધ માટે ઓફિસમાંથી રજા પણ નહીં લે. પંદર દિવસ પછી અમારે ફરવા જવાનું છે ત્યારે રજા લેશે.'
પણ આજે તો ખંતના પપ્પાનું શ્રાધ્ધ છે, વસુધાદેવી વિચારમાં પડી ગયાં... ખામોશી આખરે તો 'પરદેશી ચકલી' એણે એકઠા કરેલા કણનો ભરોસો ક્યાં સુધી રખાય ? આખરે તો એને આ પાનખર પંખીનો સંગ છોડાવીને વાસંતી ડાળે માળો બાંધવા મનાવવી જ પડશે. અને પુત્ર ખ્યાતને અભ્યાસ પૂરો કરતાં કરતાં કેટલા અને કેવા વળાંકોનો સામનો કરવો પડશે કોને ખબર !
આખરે બધાં વિચારો મનમાંથી ખંખેરીને વસુધાદેવી ઊભાં થયા. અને જયકુમારને શ્રાધ્ધમાં ભેળવવા માટે પૂજા કરી ને વાસ મૂક્યો અને પ્રાર્થના કરતાં કહ્યું : 'હે નાથ, આપણા ઘરની ચકલીએ દીધેલું ચણ હું આપને વાસના સ્વરૂપમાં ધરી રહી છું, મારા આવતીકાલના ચણની ચિંતા ભૂલીને.... આ છે મારા 'ગૃહસ્થ' 'આ શરમની વ્યથા-કથા. એમ વિચારતાં વસુધાદેવી પતિના મૃત આત્માને વાસ નાખવા ઘરના ધાબે જવા નીકળ્યાં પણ વૃધ્ધાવસ્થાને કારણે એમના પગમાં ઝાટકો આવ્યો. તેઓ ગબડી પડયાં. માથામાં ગંભીર ઇજા થવાને કારણે તેમનું પ્રાણ પંખેરુ ઉડી ગયું. અને વસુધાદેવીની પાર્થિવ જીવન કથાનો અચાનક અંત આવ્યો.


