- ચંડીદાન ગઢવી
- 'મારે તમારા જેવા પરિપક્વ અને ઠરેલ, પીઢ મિત્રની તલાશ છે. જે મને માર્ગદર્શક નીવડી શકે. બાકી અત્યારના યુવાનો....તમે જાણો જ છો ને ! તમે મિત્રતના જે સ્વરૂપ સંબંધને પસંદ કરશો તે મને મંજુર છે. તમારામાં વિશ્વાસ છે.'
'સ વાર સવારમાં કઈ બાજુ ?.. ધોળો દૂધ જેવો ઝભ્ભો, ઉપર બદામી બંડી, પોલિશ્ડ બૂટ, અરે વાહ ! કલીન શેવ્ડ ! શું વાત છે !... કોઈ મેરેજ સેરીમની કે પછી....!'
'ના, ના, પીયૂષયા ! એમાં તો હવે દીકરો ને વહુ જ શોભે. આ તો આપણી સોસાયટીનું ગુ્રપ....સિનિયર સીટીઝનનું ! દર વરસે એંશી વરસ વટાવી ચૂકેલાનું સન્માન કરવાનો, 'વય-વંદના' કાર્યક્રમ ગોઠવે છે. તેમાં....' હસમુખરાય હસી રહ્યા.
'વોટ !!' પીયૂષ ભારે આશ્ચર્ય અનુભવી રહ્યો. તમે એંશી વરસ વટાવી દીધાં !! લાગતું નથી...ચહેરા પર ગુલાબી ઝાંય...
ટટ્ટાર શરીર, ચાલમાં મક્કમતા, આંખોમાં છલકતો આત્મવિશ્વાસ...! સદી ફટકારશો !
'અલ્યા, ઉંમર તો એક આંકડો છે. બાકી તો ઝિંદગી ઝિંદાદિલીનું નામ છે. મુર્દાદિલ ક્યા ખાક જિયા કરતે હૈં ?' હસમુખરાયે જોરથી હસતાં તેની પીઠ પર ધબ્બો માર્યો. 'જેટલું જીવાય તે મોજ-મસ્તીથી, ફિકરના ફાકડા કરી જીવવાનું - સમજ્યો ? લે....આ હોલ આવી ગયો. કોઈ સમાજની વાડી લાગે છે.'
છુટા પડી પગથિયાં ચડી હસમુખરાય અંદર પ્રવેશ્યા.
ખંડમાં ઠીક ઠીક સંખ્યામાં પ્રૌઢો અને વરીષ્ઠ નાગરિકો હતા. હસમુખરાય, મંચ પર બેઠેલ સન્માન-પાત્ર વ્યક્તિઓની હરોળમાં ગોઠવાયા.
આયોજકે દીપ-પ્રગટાવી, ઔપચારિક માન-સન્માનની વિધિ પતાવી. હવે ઉપસ્થિત સન્માનિત વડીલો તેમના પ્રતિભાવો ટૂંકમાં રજૂ કરે તેવી વિનંતી.
શરૂઆતમાં બે-ત્રણ વડીલોના વક્તવ્ય પછી હસમુખરાય માઈક આગળ ગોઠવાયા. સ્હેજ ખોંખારી બોલવાનું શરૂ કરે તે પહેલાં શ્રોતા-ગણમાંથી એક વડીલ ઊભા થયા. જુઓ મિત્ર ! અહીં તમે તમારા વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી શકો છો, પરંતુ તેમાં ખાસ વિનંતી....
હસમુખરાય અને શ્રોતાઓ પૃચ્છક દ્રષ્ટિથી નિહાળી રહ્યા. 'ખૂબ ગરીબીમાં નાની વયમાં માતા-પિતાની છત્ર-છાયા ગુમાવી બેઠા. વિધુર મોટા બાપુએ તમારી ખાતર લગ્ન ન કરી તમને ઉછેરી, ભણાવ્યા, નોકરીએ વળગાડયા, તમે પણ સંતાનો પ્રત્યેની જવાબદારી અદા કરી.... આ બધું તો અમે અનેક વખત સાંભળી ચૂક્યા છીએ....કેમ મિત્રો, બરાબરને ! એ પારાયણ નથી સાંભળવું.' 'બિલકુલ બરાબર એતો લાફિંગ ક્લબમાં કહેવાઈ ચૂક્યુ છે', સહુ એકી સાથે બોલી ઊઠયા હસમુખરાયે સ્મિત કર્યું. 'પ્રોમીસ !'
'અમે પ્રશ્ન પૂછીએ અને તમે ઉત્તર આપો. એ ઠીક રહેશે ? વડીલે કહ્યું : હાં...તો પહેલો પ્રશ્ન છે.' તમે જ્યારે માથામાં પ્રથમ સફેદ વાળ જોયો ત્યારે કેવું ફીલ કરેલું ?
રોગ અને શત્રુને ઉગતા ડામવા જ સારા....એ ન્યાયે મેં તેને ઝનૂનપૂર્વક મૂળ સોતો ઉખેડી નાખ્યો. થોડી પીડા થઈ, પણ શત્રુનું કાસળ કાઢ્યાનો સંતોષ રોમ રોમમાં વ્યાપી ગયો. હસમુખરાય મોકળા મને હસી પડયા. મિત્રો એ આનંદ ક્ષણ જીવી નીકળ્યો. પછી તો એ દુષ્ટોનાં ધાડેધાડાં વછૂડયાં. અને માથાના અમુક હિસ્સા કબજે પણ કરી લીધા. આપણા રામ તો થાકી ગયા. મારી પૌત્રી, એક વાળના આઠઆના લઈ ધંધે લાગી ગઈ...પણ એ પણ થાકી.
'પછી ?' શ્રોતાગણમાંથી કોઈક ટહુક્યું.
'પછી શું !' હથિયાર હેઠે મૂકી, શરણાગતિ સ્વીકારી લીધી.
એક મિત્રના સૂચનથી ડાઈ ના રવાડે ચઢ્યો. મારા સહકાર્યકરો અને મહિલા કર્મચારીઓ આડુ જોઈ હસતાં. આખરે એક સિનિયરે મને કુદરતનો ક્રમ છે. માટે મન વાળો. કહી શાંત કર્યો. આમેય આપણે બાળોતિયાં ના બળેલા નહિ ?
'એ બાબતમાં તમે પોતાને એકલા માની દુ:ખી ન થશો. હમ સબ સાથ સાથ હૈ' વડીલ સભા ખંડમાં નજર ફેરવી રહ્યા. સહુ ડોક હલાવી રહ્યા.
ઉદાસ નજરે.
ભારેખમ વાતાવરણને હળવું કરવા વડીલે આગળ ચલાવ્યું, 'એ બધું તો ઠીક છે...પણ તમારું કોઈ એફેર્સ કોઈ પ્રેમ કહાની!' શ્રોતાગણ તરફ આંખ મિચકારી ધીમા સ્વરે બોલી હસ્યા.
સહુ તલપાપડ બની,
ટટ્ટાર બેઠા.
'પણ એક શર્ત ! બધું અહીં મૂકીને, ભૂલીને બહાર જવાનું. કોઈ ચર્ચા નહિ, અહીંથી નીકળ્યા પછી 'ડી-લીટ' કરવાનું બોલો !'
'જુઓ, મિત્ર, હમામ મેં સબ નંગે હૈ, માટે નિશ્ચિંત રહો.'
'તો હો જાય !' હસમુખરાય ખડખડાટ હસી પડયા. 'એ ... પચીસીનો કાળ ! મિત્રો, તાજુ તાજુ રજૂ થયેલ 'આશિકી' ચિત્રપટનું બહુ ગાજેલું એક ગીત વારેવારે ગણગણતા 'સાંસો કી જરૂરત હો, જૈસે, જિંદગી કે લિયે, બસ એક સનમ ચાહિયે, આશકી કે લિયે.'
સહુ આનંદથી ઉછળી પડયા. 'આગે બઢો.'
મને પણ તે માર્ગે લઈ જવા, પોતાની ગર્લફ્રેન્ડોની સાચી-ખોટી રસભરી વાતો મલાવી મલાવીને કહેતા એક પત્ની સાથે 'વો' પણ જરૂરી છે. નહિતર ક્યા ખાક જિયે ?
'ફિર ક્યા હુઆ ?' બે ત્રણ વડીલો ઊભા થઈ ગયા.
'વો જવાની જવાની નહીં, જિસકી કોઈ ન કોઈ કહાની ન હો.'
'ક્યા શાયરાના અંદાજ પાયા હૈ જનાબ !'શ્રોતાગણ ખુશ ખુશ થઈ ગયું. 'આગાજ તો અચ્છા હૈ, અંજામ ખુદા જાને !' એક વડીલ છત ભણી હાથ ફેલાવી રહ્યા.
'ઓફિસમાં મારી સામેના ટેબલ પર એક મોડર્ન યુવતી, મારી સિનિયર, અપ-ટુ-ડેટ, ચુસ્ત અને છટાદાર....અને ઘટાદાર પણ...' સામે બેઠેલામાંથી કોઈ ચહક્યું.....આગે બઢો.
'હા, બરાબર !' હસમુખરાય ભૂતકાળમાં હલેસાં મારી રહ્યાં.
'મિત્રોએ મારુ તેના તરફનું આકર્ષણ ગમે તે રીતે જાણી પ્રેમપત્ર લખવાની સલાહ આપી. મને તો એમાં કંઈ ગતાગમ ન પડી. એક મિત્રએ 'સંગમ' ફિલ્મનું 'યે મેરા પ્રેમ પત્ર...' ગીત જ બેઠું ઠઠાડી દેવા સૂચવ્યું.... દૂધ નું દૂધ ને પાણી નું પાણી થઈ જશે. મેં પણ ક્યાં સુધી કિનારે ઊભા રહેવું, ખાબકો તો વળી ક્યાંક મોતી મળી જાય. તેની સહી માટે મૂકવાની ફાઈલમાં પ્રથમ પાને જ તે લખી મૂકી દીધું...જેવી ફાઈલ ખોલે તેવું જ...!'
'પછી શું થયું ?' સહુ તીવ્ર ઉત્તેજના અનુભવી રહ્યા. બાત બનગઈને ! દો જિસ્મ મગર એક જાન હૈ હમ વાળો ઉત્તર મળી ગયો ? કે પછી શોલોં સે ઉલઝને હો...દિવાને હો દિવાને....વાળું થયું ? એક વડીલ બોલી ઊઠયા.
'અરે દોસ્તો ! એમાં તો એક ગજબનો ટ્વીસ્ટ આવ્યો. દિલ થામ કે બેઠીયે.' હસમુખરાય મર્મભર્યું હસી રહ્યા. 'ઓફિસ અવર્સ પછી નીકળતાં તે સહજ સ્મિત કરી આગળ જતાં નીકળવું નથી ?' કહી બહાર નીકળી ગઈ. હું તો યારો ખુશીથી રાજીના રેડ થઈ ગયો. તીર નિશાને પર લગ ગયા.
'અતિ સુંદર ! નાવ કિનારે પર લગ ગઈ.' સહુની ઉત્તેજના ચરમ-સીમા પર હતી. 'પરંતુ સારા કામમાં સો વિઘન કહ્યાં છે, પટાવાળો 'મેડમ તમને બોલાવે છે. મળીને જજો.' સંદેશ આપી ગયો. હું તો ઉતાવળમાં હતો ત્યાં આ ઓચિંતો 'બમ્પ' આવી જતાં પગ ઢીલા પડી ગયા. કામિની બહાર રાહ જોતી હશે...પણ શું થાય ? ગ્રાન્ટની ફાળવણીની રકમનો કોઈ તાળો મળતો નહોતો તેથી વારંવાર આવું થતું. ચાલ મનવા....! ઢીલા પગે ચેમ્બરમાં પ્રવેશતાં મેડમે સામે ખુરશી પર બેસવાનો સંકેત કર્યો... ચહેરાની નસો તંગ અને ઉત્તેજિત, આંખોની વેધકતા નિહાળી...કોઈ મોટો ગોટાળો થયાની આશંકાથી ડરી ગયો. ત્યાં તો તેમણે મારી સામે કાગળ ધર્યો...' 'આ તમે લખ્યું છે ?' તેમની તીર જેવી નજર મને વીંધી રહી...અરે !...આ તો કામિની ને લખેલો પ્રેમપત્ર !!...અહીંયા !! હું તો ઘડી કાગળ તરફ-ઘડી તેમની તરફ બાજ પક્ષીની ચાંચમાં તરફડતા પક્ષીની જેમ ફફડી ઊઠયો. કાપો તો લોહી ના નીકળે તેવો સડક થઈ સાનભાન ગુમાવી બેઠા જેવું લાગ્યું. પરસેવે રેબઝેબ...અંગો જાણે ખોટાં પડી ગયાં. નોકરીમાંથી પાણીચું...!.. ફાઈલ તો કામિનીએ એક બાજુ રાખી હતી, પણ પટાવાળો બીજી ફાઈલો સાથે તેને પણ લઈ ગયો હશે અને આ સુનામી...! થર થર કાંપવા લાગ્યો. બહેન...આ તો મને ગમતું...! જીભ વ્યર્થ લોચા વાળવા માંડી, સોરી...!! મારો કોઈ બદઈરાદો...!
ત્યાં તો તેમના ખડખડાટ હાસ્યનો ધ્વનિ મારે કાને અથડાયો 'ડરી ગયા ? આ ઉંમરમાં આવું સહજ છે મને પણ કોઈએ કહ્યું હતું. 'લાઈફ બિગીન્સ આફટર ફોર્ટી.' યોગાનુયોગ તો જુઓ ! કાલે જ ચાલીસમું પૂરું થયું. તમારું પ્રોપોઝલ હું સપ્રેમ સ્વીકારું છું. તમે સજ્જન છો. ચાલશો. બોલો ! હું પણ તમારા જેવા વ્યક્તિની શોધમાં જ હતી. ક્યારે ડેટ પર જઈશું ?'
'ભારે મુખાકૃતિ તે પર જાડીફ્રેમનાં ચશ્માં...બેઠી દડી અને સ્થૂળતાની આવૃત્તિ...'
શ્રોતાગણમાં સ્મશાનવત્ સ્તબ્ધતા છવાઈ ગઈ. સહુ ફાટી આંખે સહાનુભૂતિથી જોઈ રહ્યા.
'હું જેમ તેમ લોચા વાળી લગભગ દોડતો જ, ભાંગેલા પગે બહાર નીકળી સોફાર પર ફસડાઈ પડયો. બે-ત્રણ ગ્લાસ ઉપરા ઉપરી પાણી પી નિશ્ચેતન અવસ્થામાં પડયો રહ્યો. આજની ઘડી ને કાલનો દિવસ. આ પ્રયોગો કરવાની ખો ભૂલી ગયો. પ્રેમપંથ પાવકની જ્વાળા ભાળી એવો ભાગ્યો....! હસમુખ આ આપણું કામ નહિ ! માટે આમાંથી શીખો...ચેતો !'
'પછી શું થયું ? નોકરી ને છોકરી બે ગઈ જ ને ?' એર વરિષ્ઠ ઉભા થઈ વેદના વ્યક્ત કરી રહ્યા.
'પછી તો આડા-અવળા છેડા અડાડી, મહામહેનતે લ્લ.ર્ં. માં બદલી કરાવી' સહુ નિ:શબ્દ બની સહાનુભૂતિ ભરી દ્રષ્ટિ માંડી રહ્યા.
'હવે મધુરેણ સમાપયેત...'
'વાહ !' બીજા એક વડીલ ઊભા થઈ ગયા. અભી કિતને તીર બાકી હૈ તરકસમેં ?
'અરે સુનતે જાઓ....તુમ ભી ક્યા યાદ કરોગે યારો ! કિસી હસમુખરાય સે પાલા પડા થા !' તે ખુલ્લા દિલે હસી પડયા.
'ઈર્શાદ, ઈર્શાદ' શ્રોતાગણ મહેફિલમાં ફેરવાઈ ગયો.
'ઓફિસમાં એક મોડર્ન યુવતી, તાજેતરમાં જ ભરતી થયેલી તે મારા ટેબલ આગળ આવી. કોફીમાં કંપની આપશો?નું પ્રપોઝલ મૂક્યું. હું તો ભઈ ઘા ખાઈ ગયો. પણ મારામાં છુપાયેલ પુરૂષ જાણે આળસ મરડી બેઠો થયો. સંમતિ સૂચક દ્રષ્ટિ કરી.'
'ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહિ.' એક વરિષ્ઠ બોલી ઊઠયા.
તેણે સીધા જ દરખાસ્ત મૂકી... હું તમારી ફ્રેન્ડશીપ ઇચ્છું છું.
'હું તો ચક્કર ખાઈ ગયો... સોરી ! પણ હું તો હવે નિવૃત્તિને આરે ઊભો છું. તમારી ઉંમરના કોઈ....' હું વાક્ય પૂરું કરું તે પહેલાં તે બોલી ઊઠી 'મારે તમારા જેવા પરિપક્વ અને ઠરેલ, પીઢ મિત્રની તલાશ છે. જે મને માર્ગદર્શક નીવડી શકે. બાકી અત્યારના યુવાનો....તમે જાણો જ છો ને ! તમે મિત્રતના જે સ્વરૂપ સંબંધને પસંદ કરશો તે મને મંજુર છે. તમારામાં વિશ્વાસ છે.'
'ઓફિસમાં તેની આસપાસ ચકરાવા લેતી ગીધ નજરોં મેં નિહાળી હતી.. ક્યાંક આ નિર્દોષ, ભોળી છોકરી ફસાઈ જાય તો ??' મેં ત્વરિત નિર્ણય લઈ લીધો.
'પછી તો અમારી મિત્રતા ક્યારે પારિવારિક સંબંધોમાં પરિવર્તિત થઈ ગઈ તે ખ્યાલ જ ન રહ્યો. તેનું કન્યાદાન કરી યોગ્ય પાત્ર સાથે વિદાય આપી. તેનો મને ખૂબ જ સંતોષ અને આનંદ છે.' હસમુખરાયે ભાવુક બની આંખના ભીના ખૂણા લૂછી રહ્યા.
સહુ ઊભા થઈ ગયા અને કરતલ ધ્વનિથી તેમને સન્માની રહ્યા.
'હવે છેલ્લો પ્રશ્ન....સમાજને કોઈ સંદેશ !'
'અપને લિયે જિયે તો ક્યા જિયે, તુ જી અય દિલ, જમાને કે લિયે.'
'તમને ફિલ્મોનો શોખ છે....તો તમને ગમતો કોઈ ડાયલોગ !'
'પુષ્પા ! આઈ હેટ ટીચર્સ...' દોસ્તો..નો ટીચર્સ, ઓન્લી ચીયર્સ ! ઈઝ ઈટ ક્લીયર ?'
'યસ માય ડીયર !' સભાગૃહ એકી અવાજે આનંદથી ઉછળી પડયું.
હસમુખરાય નમસ્કાર કરી ખુરશીમાં બેસવા ડગ માંડી રહ્યા. અચાનક લથડિયું ખાતા તેમને સજાગ આયોજકે ઝડપથી પકડી ખુરશીમાં કાળજીથી બેસાડયા. પરંતુ તેમની અનંત સફરમાં તે ત્યાંથી જ નીકળી ગયા. સન્માન સભા શોકસભામાં ફેરવાઈ ગઈ.


