Get The App

હોલિવૂડનો દેહ અને ભારતીય સંસ્કૃતિનો આત્મા .

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
હોલિવૂડનો દેહ અને ભારતીય સંસ્કૃતિનો આત્મા                . 1 - image

- 'મહાવતાર  નરસિમ્હા'ની બોક્સ ઓફિસ પરની ગર્જના પછી હવે ભારતના ધાર્મિક ગ્રંથો અને 

- પૌરાણિક પાત્રો પરની ફિલ્મો મેકિંગની રીતે  નવા અવતાર સાથે જોવા મળશે; રોમાંચ સાથે જ્ઞાન

- હોરાઈઝન-ભવેન કચ્છી

- શિક્ષણ પરંપરાગત વર્ગખંડમાં ભલે ન અપાય પણ ફિલ્મ, દસ્તાવેજી, એનીમેશન, એ.આઈ., ડ્રોન શો, લેસર શોનો ઉપયોગ રોમાંચ સાથે જ્ઞાન આપવા કરવો જ રહ્યો..

- નવરાત્રીના તહેવારની ઉજવણી નવ  દિવસની કેમ?: નવી પેઢીને કલ્ચરલ સાક્ષરતા પણ ટેકનોલોજીના સહારે આપવી હવે જરૂરી બની છે 

૪૦ કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી 'મહાવતાર નરસિમ્હા' ફિલ્મે રૂ .૩૨૦ કરોડની કમાણી સાથે બોલિવૂડના  પંડિતો અને નિર્માતાઓને અચંબામાં પાડી દીધા છે.બોક્સ ઓફિસમાં માસ હિસ્ટેરીયાના પ્રભાવ હેઠળ ચાલેલી  'સૈયારા' ૧૮ જુલાઈએ રજુ થઇ હતી. પ્રથમ અઠવાડિયામાં જ જુવાળ સર્જી ચુકેલી આ ફિલ્મની સફળતા જોતા મોટા બેનર અને સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મ પણ તેની રજૂઆત પાછી ઠેલે પણ 'મહાવતાર નરસિમ્હા' ફિલ્મ કોઈપણ  પબ્લીસીટી વગર તે પછીના અઠવાડિયે ૨૫ જુલાઈએ રીલીઝ કરવામાં આવી. મૂળ તમિલ ફિલ્મ અને તેમાં પણ કોઈ દક્ષિણ ભારતના મોટા સ્ટાર નહિ કેમ કે આ ફિલ્મ એનીમેશન છે. આ ફિલ્મ હિન્દી ડબિંગ  સાથે જુદા જુદા રાજ્યોમાં રીલીઝ થઇ હતી. બહુ તો બાળકો માટેની ફિલ્મ છે તેવી તેની શ્રેણી મનાતી હતી.પણ એક બે અઠવાડિયામાં એક કરતા વધુ ફિલ્મ જોતા દર્શકો તો સુખદ અચરજ કહોને કે દંગ થઈને થીયેટરમાંથી બહાર નીકળ્યા અને તેમના પરિચિતોને રીતસરની આજીજી પૂર્વકની ભલામણ કરતા હતા કે ફિલ્મ અમારી લાગણીને માન આપીને એક વખત જોઈ આવો. શરૂમાં બાળકો જોડે અને પછી તો યુવા અને વયસ્ક પણ ભીડ જમાવતા ગયા. માઉથ પબ્લીસીટીથી મોટો કોઈ પ્રચાર નથી.

'સૈયારા'નાં ઘોડાપુર સામે તો એ હદે ઝીંક ઝીલી કે ઘોડાપૂરને ધીમું પાડીને ભરતી અને તે પછી તેને ઓટમાં ફેરવી દીધી. 'અજય દેવગન'ની 'સન ઓફ સરદાર'ની સિકવલ અને વિજય દેવેરાકોન્ડાની 'કિંગ્ડમ' પણ ધોવાઇ ગઈ. એટલે સુધી કે રિતિક - જુનિયર એન.ટી.આર.ની મેગા બજેટ અને આ વર્ષની મહત્ત્વકાંક્ષી ફિલ્મ 'વોર -ટુ ' કરતા જ્યાં 'મહાવતાર નરસિમ્હા' જારી હતી તે ઓડિટોરિયમમાં  વધુ દર્શકો હતા.

ભારત પાસે વિશ્વમાં ક્યાંય ન હોય તેવી મહાભારત, રામાયણની કથા અને આગવું તત્ત્વજ્ઞાન છે. પૌરાણિક કથા અને પાત્રોની હેરત જગાવતી વાર્તાઓ છે. આટલો બધો ખજાનો પડયો છે તો પણ બેટમેન, સુપર મેન, સ્પાઈડર મેન , લાયન કિંગ અને  માર્વલ પ્રોડક્શનની હોલિવૂડ ફિલ્મો જોઇને એક જમાનાના કિશોર હવે વડીલ બની ગયા તો હવે તેમના સંતાનો આવી ફિલ્મની લગભગ એકની એક લાગે તેવી સિકવલ જુએ છે છતાં આપણા નિર્માતા નિર્દેશકોને કેમ ક્યારેય વિચાર નથી આવતો કે આપણે તો કથા અને પાત્રોમાં તો વિશ્વના બાપ છીએ.હા,રામાનંદ સાગરે 'રામાયણ' અને બી.આર . ચોપરાએ 'મહાભારત' ટીવી શ્રેણી સાથે ભારતમાં એક જમાનામાં આપણા ધર્મગ્રંથો અને તેના વાર્તા તત્ત્વ તેમજ પાત્રોમાં કેવી તાકાત છે તેનું નિરૂપણ કરતા  નિર્માણ કરી બતાવ્યું હતું.તે પછી છૂટક છૂટક ધાર્મિક શ્રેણીઓ રજુ થઇ પણ કોઈ જુવાળ કે દેશવ્યાપી કલ્ચર ઉભું નથી કરી શકી.

આની સામે હોલિવૂડની એનીમેશન કે કાલ્પનિક પાત્રોની સિકવલ રજૂઆત પહેલા જ ભારતમાં  હીટ બનવા  માટે નિશ્ચિત થઇ જતી. આ ફિલ્મો કંઈ એમ જ પશ્ચિમ જગતના પ્રભાવ હેઠળ કે દેખાદેખીને લીધે નથી ચાલતી પણ તેમાં બદલાતા  જમાના સાથેની   ટેકનોલોજી,  સ્ટંટ, સ્પેશિયલ  ઈફેક્ટસ, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક, મલ્ટીપ્લેક્સ અને આઈમેક્સને નજરમાં રાખીને નિર્માણ થાય છે. થ્રી ડીનો વિકલ્પ પણ અપાય છે. હોલિવૂડની આવી ફિલ્મ બાળકોને જ નહીં વયસ્કોને પણ રોચક જર્નીનો રોમાંચ પૂરો પાડે છે. હોલિવૂડની આ ફિલ્મો સુપર હીટ થવાને લાયક જ હોય છે. અડધા દાયકા જૂની ફ્રેન્ચાઈઝીને બદલાતી પેઢી સાથે વધુને વધુ સફળતાના શિખરો સર કરતા જીવંત રાખવી તે ઉદાહરણીય સિદ્ધિ છે.

ભારતની પૌરાણિક કથા (અહીં રામાયણ, મહાભારત, તેના પાત્રો કે અન્ય અવતાર કલ્પના છે તેમ કહેવાનો આશય નથી પણ કથા એટલે તે ઘટનામાં રહેલું વાર્તા કે હાર્દ તત્ત્વ તેમ સમજવું.) ની જીવંત કલાકારો  દ્વારા અભિનિત કે એનીમેશન તે બંને શ્રેણીમાં બનેલી ફિલ્મોમાં  'મહાવતાર નરસિમ્હા' અત્યાર સુધીનું શ્રેષ્ઠ સર્જન કહી શકાય કેમ કે તેનું નિર્માણ, એનીમેશન, સંગીત, એક્શન, અને ફિલ્મની ગતિ બધું જ હોલિવૂડ સ્તરનું અને શ્વાસ થંભાવી દેતું છે.અત્યાર સુધી આપણે 'બેટમેન' અને  'સ્પાઈડર મેન'ની સિકવલ દાયકાઓથી જોતા આવ્યા છીએ હવે આ ફિલ્મની સફળતા બાદ ભગવાન વિષ્ણુના દસ અવતાર પરની ફિલ્મ વારાફરતી જોવા મળશે.

'મહાવતાર નરસિમ્હા'ની સફળતા દરમ્યાન અમદાવાદ સ્થિત ઉદગમવર્સના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર મનન ચોક્સીએ એક રસપ્રદ વિચાર જણાવ્યો કે ' હોલિવૂડની કાલ્પનિક પાત્રોની ફિલ્મો તો માત્ર રોમાંચ આપે છે પણ આપણા ધર્મગ્રંથો અને તેના પાત્રો જ માત્ર  નહી પણ પ્રત્યેક  તહેવારોની  ઉજવણીના કારણ સાથે જોડાયેલી કથા  અને તેનો મેસેજ જીવન જીવવા માટેનું માર્ગદર્શન, બોધ અને તત્ત્વ જ્ઞાન અર્પે છે. પણ કમનસીબે બાળકો કે ઇવન યુવા પેઢીને પણ પ્રત્યેક ધાર્મિક તહેવારોની ઉજવણી પાછળનો મર્મ જાણવાની પરવા નથી. તહેવારો   નર્યા ભૌતિક આનંદ, મસ્તીભર્યા પ્રવાસ સાથેની રજા અને ખાણીપીણી માટે જ હોય તેવું વાતાવરણ છે.નવરાત્રીની વાત કરીએ તો કેટલા વિદ્યાર્થીઓને ખબર હશે કે નવરાત્રીનો તહેવાર નવ દિવસ માટે કેમ. શા માટે આપણે નવરાત્રી ઉજવીએ છીએ.માતાજીની શક્તિપીઠ કેટલી અને  તે  ક્યાં ક્યાં તેમજ શા માટે ત્યાં આવેલી છે તે કેટલા વિદ્યાર્થીઓ કે વાલીઓને ખબર છે.જે રીતે 'મહાવતાર નરસિમ્હા'એ દ્રશ્ય શ્રાવ્ય મનોરંજન સાથે આપણી સંસ્કૃતિ અને ધર્મ,બોધનો પ્રચાર પ્રભાવી ટેકનોલોજી સાથે ફિલ્મ બનાવી કર્યો છે તેમ અમે નવરાત્રીનો તહેવાર  એટલે નવ  રાત્રીનો માત્ર ડાંસ ફેસ્ટિવલ જ નહિ પણ તેની ઉજવણી  પાછળની મહાત્મય કથા. માતાજી   મહિસાસુરનું   મર્દન કરે છે તે પ્રસંગ વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ખેલૈયાઓને ખબર પડે તે માટે ગરબાનો કાર્યક્રમ શરુ થાય તે પહેલા રોજ  આકાશમાં ડ્રોન શોથી તેનું નિદર્શન કરવાના છીએ. હવે 'મહાવતાર નરસિમ્હા' ફિલ્મની અભૂતપૂર્વ સફળતા પછી પ્રત્યેક શિક્ષણવિદ અને સંચાલકોએ બોધ લેવાનો છે કે વિદ્યાર્થીઓ અને નવી પેઢીને જુના ઢબની રજૂઆત કરતા એ.આઈ.નાં યુગમાં ટેકનોલોજીના સહારે જ્ઞાન અપાવું જોઈએ.'

'મહાવતાર નરસિમ્હા' ઘણા બાળકો અને વાલીઓએ એક કરતા વધુ વખત જોઈ છે. બાળકોમાં ભગવાન વિષ્ણુના અવતારો વિષે જાણવા અત્યાર સુધી ક્યારેય આ હદની ઇન્તેજારી નહોતી જાગી. અત્યાર સુધીના બજેટનો રેકોર્ડ તોડીને હોલિવૂડના સર્જકોને સાથે રાખીને  'રામાયણ' ફિલ્મ ૨૦૨૬ના અંતમાં  રીલીઝ થવાની છે. સનાતન ધર્મના ગ્રંથો અને પાત્રો પરની ટીવી શ્રેણી અને ફિલ્મોનું  નિર્માણ કેમ કરવું તેને 'મહાવતાર  નરસિમ્હા'એ એક બેન્ચમાર્ક આપ્યો છે.

નવી પેઢીએ જો સાચા અર્થમાં સુખ, દિવ્યતા અને સનાતન સંસ્કૃતિના અમૃત ફળોનો સ્વાદ પ્રાપ્ત કરવો હશે તો આપણા ધર્મ અને આપણી સંસ્કૃતિને કર્ણરંજન, ગાયન, કીર્તન કે શ્રવણ સુધી જ સીમિત ન રાખતા સાક્ષરતા સાથે જોડવું પડશે. શિક્ષણ શાસ્ત્રીઓએ કે નવી શિક્ષણ નીતિમાં આદર્શ ભારતના  નિર્માણ માટે અક્ષર સાક્ષરતા , ડીજીટલ સાક્ષરતા, પર્યાવરણ સાક્ષરતા. લાગણી તંત્ર પરની સાક્ષરતા ઉપરાંત સાંસ્કૃતિક સાક્ષરતા પણ સમયની માંગ છે. તે માટે પરંપરાગત વર્ગખંડનો ઉપયોગ ભલે ઓછો થાય પણ ફિલ્મ, દસ્તાવેજી, એનીમેશન, એ.આઈ. ડ્રોન શો, લેસર શોનો ઉપયોગ રોમાંચ સાથે જ્ઞાન આપવા કરવો જ રહ્યો..

જ્ઞાન પોસ્ટ 

 'if  we teach today as we taught yesterday ,we rob our children of tomorrow .'  -  john Dewey