- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- એરક્રાફ્ટના નિષ્ણાતો કહે છે કે વિમાનોનું ભલે યોગ્ય મેન્ટેનન્સ થતું હોય, પણ તેની કાર્યક્ષમતા થોડાં વર્ષો પછી નબળી પડી જ જાય છે
- 1980-90નાં દાયકા સુધી મિગ-21 લડાકુ વિમાન ભારતીય વાયુ સેનાની પ્રહાર ક્ષમતામાં 60 ટકા યોગદાન આપતા હતા.
છ દાયકાથી વધુ સમય સુધી ભારતીય હવાઈની કરોડરજ્જુ ગણાયેલાં પણ છેલ્લે 'ઉડતી શબપેટી' તરીકે વગોવાયેલાં મિગ ૨૧ ફાઈટર જેટ્સને ૧૯ સપ્ટેમ્બરે નિવૃત્ત કરવાનો નિર્ણય લેવાયો છે. મિગ-૨૧ની કામગીરી આપી શકવાનું આયખું તો ક્યારનુંય પૂરું થઈ ગયું હોવા છતાં વાયુ સેનાએ વિકલ્પના અભાવે તેને નીભાવે રાખ્યાં હતાં. હવે, મિગ-૨૧ની જગ્યા સ્વદેશી બનાવટનાં લાઈટ કૉમ્પેક્ટ ઍરક્રાફ્ટ (એલસીએ એમકે૧એ) તેજસ લેશે.
જોકે મિગ- ૨૧ માટે યોજાયેલો આ વિદાય સમારંભ પહેલીવારનો નથી. અગાઉ ૨૦૧૩માં પણ મિગ- ૨૧ને વિદાય અપાઈ ચૂકી હતી. પણ વિધિની વિચિત્રતા જુઓ કે 'ઘરબહાર' કરાયા પછી પણ ભારતીય વાયુસેના મિગ- ૨૧ ફાઈટર વાપરતી રહી. આ માટેની પરિસ્થિતિ સમજવા જેવી છે.
થોડાં વર્ષ પૂર્વે એરફોર્સનું મિગ-૨૧ બી વિમાન જલંધરના રહેણાંક વિસ્તારમાં પડયું. અને નવ વ્યક્તિના મોત નીપજ્યા તેથી સત્તાવાળાઓ પણ ચોંકી ઊઠયા હતા. થોડાં દિવસ માટે તો વાયુસેનાના તમામ મિગ-૨૧ વિમાનોના ઊડવા પર પ્રતિબંધ મૂકાયો. પરંતુ વિમાન તૂટી પડવાના કારણો શોધાયા પછી આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો. આમપણ હાલ પાકિસ્તાનની સરહદે વાતાવરણ તંગદિલીભર્યું છે ત્યારે મિગ-૨૧ જેવા 'વર્કહોર્સ'ને હેંગરરૂપી તબેલામાં બાંધી રાખવાનું પોસાય નહીં.
એવું સરકાર વિચારતી હતી, પરંતુ છેવટે સરકારે નિર્ણય લઈ લીધોે કે પુરાણા મિગ-૨૧ વિમાનને વાયુસેનામાંથી નિવૃત્ત કરી દો. એ મુજબ ૧૨ વર્ષ પહેલાં ભારતીય વાયુસેનાએ પશ્ચિમ બંગાળના ક્લાઈકુંડા વાયુ સૈનિક સ્થળેથી પાંચ દસકા જૂના લડાકુ વિમાન મિગ-૨૧ અને ટી-૭૭ ને વિદાય આપી હતી. આ પ્રસંગે ત્રણ મિગ-૨૭ વિમાનોએ આકાશમાં ત્રિશુલની આકૃતિ બનાવી પોતાનાં જુના લડાકુ વિમાનને ભાવભીની વિદાય આપી હતી.
૧૯૮૦-૯૦નાં દાયકા સુધી મિગ-૨૧ લડાકુ વિમાન ભારતીય વાયુ સેનાની પ્રહાર ક્ષમતામાં ૬૦ ટકા યોગદાન આપતા હતા.
હવાઈદળના કાફલામાંનાં સૌપ્રથમ સુપરસોનિક (ધ્વનિ કરતાં વધુ ગતિ ધરાવતા) વિમાન તરીકે સાઠ અને સિત્તેરના દાયકામાં સોવિયેત બનાવટના મિગ-૨૧ના કારણે ભારતની ક્ષમતા-શક્તિ વધી હતી. પૅન્શર નામથી ઓળખાતી સ્ક્વૉડ્રન ૨૩માંના છેલ્લા મિગ-૨૧ વિમાનનો વિદાય સમારંભ ચંડીગઢ ઍરબેઝ પર યોજાવાનો છે. આ વિદાય પછી હવાઈદળ પાસેના સ્કવૉડૂનની સંખ્યા માત્ર ૨૯ થઈ જશે. ૧૯૬૫ના યુદ્ધ દરમિયાન પણ વાયુ સેના પાસે ૩૨ સ્ક્વૉડ્રન્સ હતી. ૧૯૬૩માં સેવામાં સમાવવામાં આવેલાં મિગ- ૨૧ વિમાનોની પાકિસ્તાન સાથેના ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં તથા ૧૯૯૯ના કારગિલ યુદ્ધ તથા ૨૦૧૯ના બાલાકોટ હવાઈ હુમલામાં પણ ભૂમિકા હતી. હાલમાં ઑપરેશન સિંદૂર વખતે પણ મિગ-૨૧ની છેલ્લી સક્રિય સ્કવૉડ્રન ઑપરેશનલ ઍલર્ટ પર હતી. ભારતે ટ્રેનિંગ વૅરિયન્ટ સહિતનાં વિવિધ ૮૫૦ મિગ-૨૧ વિમાનો ઍક્વાયર કર્યા હતા, જેમાંનાં ૬૦૦ જેટલાં તો હિન્દુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડે (એચએએલ) ઘરઆંગણે જ બાંઘ્યાં હતાં. જોકે, એક તબક્કે વારંવાર તૂટી પડતાં આ વિમાનોએ અનેક હોનહાર પાઇલટોના જીવ લેવા સાથે ફ્લાઈંગ કૉફિન એવી નાલેશી પણ મેળવી હતી. ૧૯૯૩થી ૨૦૧૩ વચ્ચે ૧૯૮ મિગ-૨૧ ક્રેશમાં ૧૫૧ પાઇલટોનાં મોત થયાં હતાં.
ખેર, ભારતીય વાયુસેના પાસે મિગ ડિઝાઈનના છ વિવિધ મોડલો છે: મિગ-૨૧, મિગ-૨૧ બી, મિગ-૨૩, મિગ-૨૫, મિગ-૨૭ અને મિગ-૨૯. દરેક પ્લેન યુદ્ધ વખતે નોખી ભૂમિકા ભજવે છે. સૌથી જુનવાણી મિગ-૨૧ વિમાન ૧૯૬૩માં આપણી વાયુસેનામાં જોડાયા હતા. છેક ૧૯૭૬ સુધી આ પ્લેન ઉમેરાતા ગયા.
આ પ્રકારનાં એરક્રાફટની સરેરાશ આયુ ૩૫ વર્ષ ગણાય છે. એમ તો અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બોમ્બમારો કરવા વાપરેલા બી-પર બોમ્બર વિમાનો ૪૫ વર્ષ જૂનાં હતાં. ફાઈટર પ્લેનોની એરફ્રેમ પણ સામાન્ય રીતે ૩૦૦૦ ઉડ્ડયન કલાક સુધી ઠીક કામ આપે છે. દાયકા પૂર્વે જલંધરમાં તૂટી પડેલું મિગ-૨૧ બી વિમાનની એરફ્રેમ ૧૭૦૦ ઉડ્ડયન કલાક ધરાવતી હતી. તેથી ભારતીય વાયુસેનાના વડાઓ વારંવાર તૂટી પડતા મિગ વિમાનો માટે કેવળ વિમાનની જુની ટેકનોલોજીને દોષિત નથી ઠરાવતા.
ભારતીય વાયુદળ પાસે ૩૦૦ જેટલા મિગ વિમાનોની ૧૮ ફાઈટર સ્કવોડ્રન હતી. તેથી સરકાર ગમે તેટલી ઉતાવળ કરે તો પણ એમ આસાનીથી મિગના સંખ્યાબળને બદલી શકાય તેમ નહોતું. વળી આટલી મોટી સંખ્યામાં મિગના બદલે જેગુઆર, મિરાજ કે અન્ય ફાઇટર પ્લેન ખરીદવાનું ભારતને પોસાય એમ પણ નહોતું.
બન્યું એવું કે ૬૦,૭૦ અને ૮૦ના દાયકામાં ભારત સામ્યવાદી રશિયન રીંછની સોડમાં બેઠું હતું તેથી જગતના આગળ પડતાં શસ્ત્ર ઉત્પાદક દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે ભારતને ફાઈટર પ્લેન કે બીજા હાઈટેક શસ્ત્રો વેંચવા પર પાબંદી લગાવી હતી. ના છૂટકે ભારતે પોતાની જરૂરિયાતના લડાયક
વિમાનો રશિયા પાસેથી ખરીદવા પડતા હતા. વળી રશિયા પાસેથી મોટી સંખ્યામાં મિગ વિમાનો ખરીદવાનો સોદો એ વખતે આપણા લાભમાં હતો. કારણ કે એ અરસામાં ભારત રશિયા વચ્ચે રૂપિયા રૂબલનો નાણા વહેવાર હતો. રશિયા તેના વિમાનો વેંચી બદલામાં ભારત પાસેથી બીજી ખાદ્યસામગ્રી, કપડાં, જોડાં વગેરેની આયાત કરતું હતું. વળી મિગ વિમાનો વેંચવામાં કે તેની સિક્રેટ ટેકનોલોજી ભારતને આપવામાં પણ રશિયાએ જરાય પાછી પાની કરી નહોતી.
મિગ-૨૧ પ્લેનની ડિઝાઈન સોવિયેત એરક્રાફ્ટ ઉત્પાદક મિકોયાન ગુરેવીચે તૈયાર કરી હતી. ૧૯૫૯માં ફાઈટર પ્લેનનું ઉત્પાદન શરૂ થયું અને એ જ વરસમાં રશિયન એરફોર્સે તેને પોતાના કાફલામાં જોડી દીધું. જોત જોતમાં વિશ્વના ૬૦ દેશોએ મિગ-૨૧ વિમાનની ખરીદી કરી. આ સમયગાળામાં ભારત પાસે સુપરસોનિક સ્પીડ ધરાવતા લડાકુ વિમાનો નહોતા. પરંતુ ૬૦ના દાયકાના પ્રારંભે પાકિસ્તાને અમેરિકાના સુપરસોનિક સ્ટારફાઈટર વસાવ્યાં ત્યારથી ભારતીય વાયુસેનાના અધિકારીઓ ઊંચાનીચા થવા લાગ્યા. સંરક્ષણ ખાતા દ્વારા ખૂબ ભારપૂર્વક રજુઆત થયા બાદ ભારત સરકારે રશિયાનો સંપર્ક કર્યો અને એ રીતે ૧૯૬૨-૬૩માં આપણા હવાઈદળને મિગ-૨૧ વિમાનોની ડિલીવરી મળવા લાગી.
ટૂંક સમયમાં દેશમાં ઘર આંગણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે મિગ-૨૧ ફાઇટર જેટનું એસેમ્બિલીંગ શરૂ કર્યું. આ સરકારી કંપનીમાં ૧૨૦૦થી વધુ મિગ-૨૧ પ્લેનનું નિર્માણ થયું છે. મિગ પ્લેનના અનેક પ્રકાર છે જેવાં કે મિગ-૨૧ એફએલ, મિગ-૨૧ એમ-એમએફ અને મિગ-૨૧ બિસન. આ લડાકુ વિમાને ૧૯૬૫ તથા ૧૯૭૧ના ઇન્ડો-પાક. જંગમાં રંગ રાખ્યો હતો. ૧૯૭૧ના યુધ્ધમાં તો આપણો એક બહાદુર પાયલટ પાકિસ્તાનના હવાઈસીમાડા વટાવી તેમના રફ્રીકુલ એરબેઝ પર ૫૦૦ કિ.ગ્રા.ના બે બોમ્બ ઝીંકી ઝડપથી આપણી સરહદ તરફ પાછો ફરી રહ્યો હતો. તરત જ પાકિસ્તાની એરફોર્સના (અમેરિકી બનાવટના) ચાર અદ્યતન, સુપરસોનિક ફાઈટર એફ-૮૬ સબરેસે મિગ-૨૧નો પીછો કર્યો. આમ છતાં મિગ-૨૧ના ચુનંદા પાયલટ પૃથ્વીસિંહ બ્રારે તેમને હંફાવી ભારતીય સીમામાં સલામત પ્રવેશ કર્યો હતો. મિગ-૨૧ની એક ખાસિયત એ હતી કે તે ખૂબ જ વેગીલી ગતિએ શત્રુ પ્રદેશમાં ઘુસી મિસાઇલ મારો પણ કરી શકતું. આ પ્લેન હાઈસ્પીડે, ખૂબ ઊંચાઈએ ઉડવા સક્ષમ હતું અરે, લેન્ડિંગ વખતે પણ ધસમસતી ૩૩૦ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડે રનવે પર ઊતરાણ કરતું હતું. ૧૯૯૯ના કારગિલ યુધ્ધ પછી ૨૦૧૯માં ભારત-પાક. સરહદે છમકલાં થયા ત્યારે વિંગ કમાન્ડર
અભિનંદને મિગ-૨૧-બિસનની મારક ક્ષમતાનો પરચો બતાવતા પાકિસ્તાનના એફ-૧૬ પ્લેનના ભુક્કા બોલાવી દીધા હતા.
મિગ-૨૧ વિમાનોની આખી જમાત મરણપથારીએ પડી હતી. બે દાયકા પૂર્વે એ સમાચાર આપણા માટે આઘાતજનક ગણાય. કારણ કે હવાઈદળની લડાયક વિમાનોની ૩૭ સ્કવોડ્રનમાંથી આશરે ૧૮ સ્કવોડ્રન (દરેકમાં આશરે ૧૦૦ પ્લેન હોય) મિગ-૨૧ની બનેલી હતી. ૧૯૯૭થી વાયુસેનાએ કુલ ૬૧ ફાઈટર એરક્રાફટ ગુમાવ્યા છે. તેમાંથી ૫૭ મિગ વિમાનો હતા. શાંતિના સમયમાં પણ હવાઈદળે ૨૮ પ્લેનક્રેશની શોકાંતિકા અનુભવી હતી. આમ છતાં વાયુસેનાના કેટલાંક ઉપરી અધિકારીઓ તથા નિવૃત્ત અફસરો મિગ-૨૧ને ઉડતી શબપેટી સાથે સરખાવાય એ વાતથી નારાજ હતા. ૧૯૬૫ના પાકિસ્તાન સામેના જંગમાં મિગ-૨૧ વિમાનોએ રંગ રાખ્યો હતો. પાકિસ્તાની ટેન્કોનો મોટી સંખ્યામાં કચ્ચરઘાણ કાઢવામાં પણ મિગ-૨૧ના બોમ્બમારાએ જ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. માત્ર ભારતમાં જ નહીં, એક સમયે આખા વિશ્વમાં ૩૦૦૦ મિગ-૨૧ વિમાનો ફ્રન્ટલાઈન કોમ્બાટ વિમાનનો રોલ અદા કરતા હતા. એટલે મૂળભૂત રીતે આ પ્લેન ખરાબ નથી કે ટેકનોલોજીની દ્રષ્ટિએ ઉતરતી કક્ષાનું પણ નથી.
એક દલીલ એવી હતી કે મિગ વિમાનો ૪૦ વર્ષ કરતાં પણ જુના હોવાથી તેમની આવરદા પૂરી થઈ ગઈ છે એમ ગણી તેમને ભંગારવાડે કાઢી નાંખવા જોઈએ. પરંતુ લડાયક વિમાનો પર 'જૂનવાણી'નું લેબલ મારી ભંગારમાં કાઢવા માટેનો નિયમ એવો છે કે વિમાને લઘુત્તમ ૩,૭૦૦ કલાક ઉડ્ડયન કર્યું હોવું જોઈએ જ્યારે હકીકતમાં જૂનામાં જુના મિગ-૨૧ વિમાનો પણ માંડ ૩૦૦૦ કલાકનો ઉડ્ડયન રેકોર્ડ ધરાવતા હતા.
જોવા જોઈએ તો એરફોર્સનું અન્ય એક વિમાન ૨૪ લેબ્રાડોર બોમ્બર પણ ફ્લાઇંગ કોફિનની યાદીમાં આવતું હતું. અનેક પાઇલોટો અને દેશના નાગરિકોનો જીવ આ વિમાનને કારણે ગયા છે. ખાસ કરીને આ વિમાન ઉડાડવાની પરફેક્ટ તાલીમ તેમજ મેન્ટેનન્સના અભાવને કારણે આ ફાઇટર પ્લેન્સ કેટલીય વાર હવામાં જ અગનગોળો બનીને ક્રેશ થઇ જતાં હતાં.
આ સુચિમાં ઔર એક વિમાન ઉમેરાયું હતું - મેકડોનેલ ડગ્લાસ ડીસી-૧૦. તેના પર પણ ફ્લાઇંગ કોફીન વિશેષણનો થપ્પા લાગ્યો હતો. મેન્ટેનન્સની ખામીના કારણે આ વિમાનો પણ વારંવાર અકસ્માતનો ભોગ બનતા હતાં.
ફ્લાઇંગ કોફિનની આ યાદીમાં હવે એક નવું નામ ઉમેરાયું છે. તે છે જેગુઆર. આમ, આ જીવલેણ યાદીમાં ચાર પ્રકારનાં વિમાનો સામેલ થઈ ચૂક્યાં છે. સદભાગ્યે તેમાંથી મિગ-૨૧, લેબ્રાડોર બોમ્બર તેમજ મેકડોનેલ ડગ્લાસ ડીસી-૧૦ હવે ઉપયોગમાં લેવાતાં નથી, પણ જેગુઆર હજુય કોફિન બનીને ઉડી રહ્યું છે.
વળી મિગ વિમાનો જુના છે માટે તેને હેંગરમાં ધૂળ ખાતા કરી દેવાની દલીલને નકારી કાઢતા એરફોર્સ ઓફિસરો એ વખતે એવું કહેતા કે ''આપણી પાસે મિગ-૨૧થી પણ જૂનાં કેનબરા વિમાનો છે અને એ ૮૫૦૦ કલાકનો ઉડ્ડયન રેકોર્ડ ધરાવે છે છતાં પણ આ વિમાન લાંબો સમય સેવામાં હતા. તો પછી મિગ-૨૧ની એમ સાવ અવગણના કઈ રીતે થઈ શકે?
ખેર, નિર્ણય લેવાઈ ચૂક્યોે છે. એટલે ભારે હૈયે પણ મિગ-૨૧ વિદાય આપ્યે જ છૂટકો છે.
સાથે એ વાતની પણ નોંધ લેવી પડે કે ભારતમાં યુદ્ધની સ્થિતિ વર્ષોના અંતરાલ બાદ પેદા થતી હોય છે. સામાન્ય સંજોગોમાં હેન્ગરમાં પડી રહેતાં લડાકુ વિમાનોને અપગ્રેડ કરવાનો સમય પાકી ગયો છે. એરક્રાફ્ટના નિષ્ણાતો કહે છે કે વિમાનોનું ભલે યોગ્ય મેન્ટેનન્સ થતું હોય, પણ તેની કાર્યક્ષમતા થોડાં વર્ષો પછી નબળી પડી જ જાય છે.


