- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- આંબા-મહુડા-લીમડા જેવા વૃક્ષોનો મહિમા ભલે કરીએ, પણ એમને રક્ષણ આપી બાળપણમાં લાડ લડાવનારા તો થોર છે!
પા ણિયારાંને રેફ્રિજેટર ભરખી ગયાં, ખલ-ખાંડણીને મિક્સચર ગળી ગયાં, રેતાળ પગદંડી ઉપર ડામર પથરાઈ ગયો. ગામડાંને નગરની નજર લાગી એમ ખેતરની કોર્યમોર્ય ઊભેલી થોરિયાની વાડને તારની કાંટાળી વાડ ભરખી ગઈ છે. થોર અને થોરની વાડનો એક જમાનો હતો. ભર ઉનાળામાં એ માતેલા સાંઢ જેવા, લીલાછમ્મ અડીખમ ઊભા હોય. એની એક હરોળ જુઓ તો ખેતરની હદ દર્શાવતી સ્થિર ઊભેલી નદી!
ધ્યાનથી જુઓ તો થોરનાં પર્ણો લવારાને ફૂટેલા કાન જેવા થોરના કંટક કથ્થઈ રંગના, 'વિ' આકારના, અણિયાળા, બાવળના શૂળની નેનો (ન્યૂનતમ) આવૃત્તિ. શૂળ સફેદ હોય થોરના કાંટા કથ્થઈ. થોર ખેતરના રખેવાળ. મોલને સાચવે, વાડ નીચી હોય તો ઉપર કંથેર-બોરડીના કાંટા હોય - એ સજાવટ પણ નયનરમ્ય! કેટલાક ખેડૂતોના ખેતરની વાડ તો એવી ઘટાટોપ કે ધોધમાર આવતી આંધી પણ અટવાઈને ઊભી રહી જાય. સસલું પણ તેમાંથી નીકળી ન શકે. ખેતર એ ખેડૂતનું ઘર છે તે અર્થમાં થોરની વાડ એ ઘરની ભીંતો છે. ખેતરમાં ઊભેલાં વૃક્ષોને લોકગીતો કહીએ તો થોરની વાડને દેશ્ય શબ્દો છે! થોરની વાડનું કામ જન-અવરનો પ્રવેશ નિષેધ! આંબા-મહુડા-લીમડા જેવા વૃક્ષોનો મહિમા ભલે કરીએ, પણ એમને રક્ષણ આપી બાળપણમાં લાડ લડાવનારા તો થોર છે!
એક થોરને સ્પર્શ કરો કે કાપો તો બીજો થોર એની સંવેદના અનુભવે! ગજબની મૈત્રી! થોરની કાયાને ગમે ત્યાંથી કાપો તો અંદરથી દૂધની ધારા વહે. એ ઔષધીય દૂધના પણ ઉપયોગો! દૂધસોતા થોરના કટકાને જમીનમાં રોપો એટલે વળી પાછો મૂળ નાખેલો થોર તૈયાર થાય. થોર નિર્વંશ ના જાય, પણ આજકાલ સીમમાં એ નજરે પડતા નથી. માનવી પોતાના સંકલ્પમાં ચલિત થાય પણ થોર યોગીની જેમ પોતાની જગ્યાએ અચલ ઊભા રહે છે. સંરક્ષણ અને સ્થિર શિસ્તના પાઠ થોરની પાસેથી શીખવા જેવા છે!
થોરને ઉત્તર ગૂજરાત થુવેર તરીકે ઓળખે છે. ગધેડાં જેમ ઉનાળામાં તાજાંમાજાં હોય અને ચોમાસામાં દુર્બળ પડી જાય... એમ થોર ઉનાળામાં લીલાછમ્મ હોય ને પાણીમાં જો ડૂબી જાય તો મુરઝાવા માંડે... થોરનું દૂધ ગુંદરનું કામ કરે. થોરના દૂધથી ઘણી પતંગોએ આકાશ સર કર્યાં છે! અને થોરના દૂધથી ઘણા વિદ્યાર્થીઓની નોટ-ચોપડી સાંધી આપીને તેજસ્વી તારક બનાવ્યા છે. વનસ્પતિનું એ વિસ્મય હજુ પામી શકાયું નથી. વડ, રાયણ તોડો, કદમ્બ તોડો એટલે દૂધના ટસિયા ફૂટે જ. થુવરની દૂધ આંખમાં પડે તો ભારે નુકસાન થાય પણ ઊંટ એ થુવરનાં કૂણાં પાન ખાઈ જાય, બકરાંને પણ ભાવે... તેમને કંઈ ના થાય! 'ઊંટ ટાળે આકડો ને બકરું ટાળે કાંકરો' એ લોકોક્તિ કંઈ અમથી વપરાશમાં હશે? જોકે આજે થોરના ફળના જ્યુસમાંથી લોહીની કમી દૂર થાય છે. થોરની વાડો ઘરનાં નળિયાંની જેમ સરખી કરાતી. વૈશાખમાં નવરા પડી ખેડૂતો આ કામ કરતા. મોટી મોટી વાડની પાછળ ચોર સંતાય. રોઝ, લીલ, ભુંડ, ગાય, ભેંસ કે ગામાત પાડા એને ઠેકી ના શકે. માણસને આવવા જવા વાડની વચ્ચે ખોડીબારું હોય, જેમાં ઢોર ન પ્રવેશી શકે. ખોડીબારા માટે વી આકારનું લાકડું રોપાય, એ લાકડા વગરની વાડમાં જગ્યા એને છીંડું કહેવાય. એ છીંડુ શબ્દ સમાજમાં કુચાલ ઊભી કરનારા સુધી વિસ્તર્યો છે. થોર કાયદેસર અને ગેરકાયદેસર દબાણો માટે વપરાય. થોર સરહદ નક્કી કરી આપે. સીમ-ખેતરનાં હોકાયંત્રો છે થોર! શેઢા ઉપર ઊભેલા થોર ખેતરમાં રોપેલી કેળના સ્પર્ધકો છે! થોરના પર્ણો પણ ઔષધ. જ્યાં શરીર દુ:ખે ત્યાં ગરમ કરી બાંધી દઈએ દર્દ ગાયબ! મોટી વાડને છાંયે બપોરા પણ થાય. દૂધી, ગલકી, કંકોડી, કારેલી એને આશરે જ મંડપની જેમ વિસ્તરે. ડોડી તો બારમાસી જાણે! ચણોઠી પણ એના જ આશરે! આપણે ત્યાં 'વાડ વગર વેલો ના ચઢે' એ કહેવત છે, તેનાં મૂળ ત્યાં પડેલાં છે - સમજાયું? થોરનું દૂધ ચીકાશવાળું હોય છે તેના પાનને વચ્ચેથી તોડી પ્હોળુ કરવાથી અંદર કાચ જેવું દેખાય. તેમાં તડકો ઝીલો એટલે સપ્તરંગી!
ખેડૂતના ખેતર ઘરની ભીંત બનીને થોર ઉપકારક બન્યો છે. તેની ઘટાટોપ વાડ ક્યારેક વૃક્ષની ગરજ સારે! તેમાં ખેડૂતો પોતાની ચીજ-વસ્તુ, ખેતીનાં ઓજારો સંતાડી રાખે. ચોમાસામાં તેની ઉપર પતંગિયા ઊડા ઊડ કરે... જાતભાતના વેલા ઉપર ફૂટેલા રંગબેરંગી પુષ્પો તથા કાંટાળીવાડ ઉપર વિવિધ પક્ષીઓની અવરજવર જાણે કાશ્મીર!! ક્યારેક થોર ઉપર માણસના પંજા જેવો હાથ ફૂટે ત્યારે વડીલો કહે 'બેન, દીકરીને મારીએ તો આવા હાથમાં કાંટા ઊગે!' પ્રકૃતિમાંથી કેવો બોધપાઠ મળતો!
સુકાઈ ગયેલા થોર બળતણ થઈ ખપ લાગ્યા છે અને લીલાછમ્મ થોરે બદલાની અપેક્ષા વગર નિષ્કામ કર્મ કર્યું છે. - ખરેખર તો થોરની વાડે આજ સુધી માણસની માલિકીનાં ખેતરો સાચવ્યાં છે. તારની કાંટાળી વાડે વીજળીનો કરંટ દાખલ કરીને માણસ જાતે તો મોટો ગુનો કર્યો છે! કોણ માફ કરે? કેટકેટલા નિર્દોષ જીવોનો એ કરંટે ભોગ લીધો છે - લઈ રહ્યા છે! થોરની વાડમાં આવી હિંસા ન્હોતી થતી.
વાડમાંથી જ વાડા શબ્દ ઉત્પન્ન થયો. વાડા જમીન પૂરતા સીમિત ન રહેતાં જ્ઞાતિ, વૃત્તિ-પ્રવૃત્તિ, રાજકીય પક્ષ, સંપ્રદાય, ગામ, દેશ, સુધી વિસ્તરતા રહ્યા છે. જ્યાં જ્યાં તમને સંકુચિતતાની બૂ આવે ત્યાં વાડાનું સામ્રાજય હોવાનું જ. વાડ ભલે અદ્રશ્ય થઈ પણ આપણી લોકબોલીમાંથી 'વાડ વગર વેલો ન ચઢે' કહેવતને કેવી રીતે દૂર કરીશું?
ચાંદા સૂરજ રમતાંતા રમતાં રમતાં કોડી જડી, કોડી મેં વાડમાં નાખી, વાડે મને વેલો આપ્યો. આ પ્રેરક લાંબી પદ્યવાર્તા વાડ અને વેલા જેણે જોયા જ નથી એવા બાળકોને શી રીતે ભણાવીશું?


