સિદ્ધ યોગીઓ યોગશક્તિથી એક પદાર્થને બીજા પદાર્થ રૂપે પરિવર્તિત કરી શકે છે!
- અગોચર વિશ્વ-દેવેશ મહેતા
- સિદ્ધ યોગી ગુરુ ગોરખનાથની પરંપરાના મહાન યોગી ગંભીરનાથ જ્યારે ગયા તીર્થમાં થોડો સમય રોકાયા ત્યારે કપિલધારા નામના સ્થળે સાધના કરી હતી
યો ગ વિજ્ઞાાન અનેક પ્રકારની સિદ્ધિઓની વાત કરે છે. મહર્ષિ પતંજલિએ કૈવલ્યપાદના પ્રથમ સૂત્રમાં લખ્યું છે - 'જન્મૈધિમન્ત્રતપઃ સમાધિભઃ સિદ્ધયઃ ।।' જન્મ, ઔષધિ, મંત્ર, તપ તથા સમાધિથી ઉત્પન્ન પાંચ સિદ્ધિઓ હોય છે. પૂર્વ જન્મના સંસ્કારથી કેટલીક સિદ્ધિ જન્મથી જ પ્રાપ્ત થઇ જતી હોય છે. વિશેષ ઔષધિઓના સેવનથી શરીરમાં રસાયણિક પરિવર્તન થતાં કાયાકલ્પ થઇ જાય એવી સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. વેદમાં પ્રગટ થયા છે તેવા દિવ્ય મંત્રોના પ્રભાવથી પણ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. શારીરિક, માનસિક, વાચિક સ્તર પર ઉચ્ચ પ્રકારનું તપ કરાય ત્યારે પણ સિદ્ધિઓ પ્રગટ થાય છે. સમાધિ દ્વારા અષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ થઇ શકે છે એનું વર્ણન યોગ દર્શનમાં કરવામાં આવ્યું છે. અણિમા, મહિમા, લઘિમા, ગરિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશિત્વ અને વશિત્વ એ અષ્ટ સિદ્ધિ છે.
સિદ્ધ પુરુષો એમની યોગશક્તિથી પદાર્થનું પણ પરિવર્તન કરી દે છે. વિજ્ઞાાન ઊર્જાના રૂપાંતરણની વાત તો કરે છે, પણ હજુ સુધી પદાર્થના રૂપાંતરણ સુધી પહોંચ્યું નથી. પરંતુ અધ્યાત્મ આધારિત યોગ વિજ્ઞાાન સિદ્ધ યોગીમાં એવી ક્ષમતા પ્રગટ કરે છે જે એક પદાર્થનું તત્કાળ બીજા પદાર્થરૂપે રૂપાંતરણ કરી દે છે.
ઇ.સ. ૧૮૬૦ની સાલમાં બનેલો આ પ્રસંગ છે. પશ્ચિમ બંગાળના તારાપુર (તારાપીઠ)ના સ્મશાનના શીમળાના વૃક્ષ નીચે અઘોરી યોગી વામાચરણ (વામાખેપા) એમની તારા વિદ્યાની સાધનામાં લીન હતા. તે તારા, ઉગ્રતારા, મહોગ્રતારા, વભ્ર, નીલા, સરસ્વતી, કામેશ્વરી, ભદ્રકાલીએ અષ્ટતારાનું ધ્યાન કરી રહ્યા હતા. વશિષ્ઠ, પરશુરામ, ભૃગુ, દત્તાત્રેય, દુર્વાસા વગેરે મુનિઓએ તારા વિદ્યાની સાધના કરી સિદ્ધિ મેળવી હતી તેને અનુસરી વામાચરણ પણ 'કૌલ તંત્ર'ની 'તારા સાધના' કરી રહ્યા હતા. તે વખતે એક આધેડ ઉંમરની વ્યક્તિએ આવીને એમને પ્રણામ કર્યા અને અત્યંત કાકલૂદી ભર્યા અવાજે તેમને કહેવા લાગ્યો - 'બાબા, મારો પુત્ર મરણ પથારીએ પડયો છે. ડોક્ટરોએ કહી દીધું છે કે તે થોડા કલાક જ જીવતો રહેશે. તમે કૃપા કરો. એને બચાવી લો. એ મારો એકમાત્ર આધાર છે. એના અવાજથી યોગિરાજ વામાચરણે આંખો ખોલી. તેમણે તે વ્યક્તિની આંખોમાં જોયું અને સ્મશાનની રાખ હાથમાં લઇ તેને મુઠ્ઠીમાં બંધ કરી પકડી રાખી. પછી પેલી વ્યક્તિને તે આપતાં કહ્યું - 'તારા પુત્રને આ ખવડાવી દેજે. તે એકદમ સ્વસ્થ થઇ જશે.' તેણે હાથ લાંબો કરી પેલી રાખ હાથમાં લીધી. તેની સાથે એક ચમત્કાર થયો. તેના હાથમાં સ્મશાનની રાખ નહીં, પણ કોઇ વૃક્ષના મૂળિયા જેવી જડીબુટ્ટી હતી ! મૃતદેહની રાખવાળી માટી એક પળમાં જડીબુટ્ટી બની ગઇ તે જોઇ તેના વિસ્મયનો પાર ના રહ્યો. તે બંગાળી ગૃહસ્થે ઘેર જઇ તેના બીમાર પુત્રને તે જડીબુટ્ટી ખવડાવી તે સાથે તે બિલકુલ સાજો નરવો થઇ ગયો.
સિદ્ધ યોગી ગુરુ ગોરખનાથની પરંપરાના મહાન યોગી ગંભીરનાથ જ્યારે ગયા તીર્થમાં થોડો સમય રોકાયા ત્યારે કપિલધારા નામના સ્થળે સાધના કરી હતી. તે વખતે માધવલાલ નામનો એક વ્યક્તિ તેમની પાસે આવી તેની અસાધ્ય બીમારીની વાત કરવા લાગ્યો હતો. તેના દુઃખ-દર્દ સાંભળી યોગી ગંભીરનાથજીનું હૃદય કરુણાર્દ્ર બની ગયું હતું. તેમણે જ્યાં બેઠા હતા તેની પાસે આવેલા એક વૃક્ષ પરથી પાંદડું તોડયું. હવામાં હાથ વીંઝીને તે પાંદડું માધવલાલને આપ્યું. તે સાથે તેને કહ્યું - 'આ ખાઈ લેજે. તારી બીમારી જડમૂળથી દૂર થઇ જશે.' બાબા ગંભીરનાથે માધવલાલની નજર સામે જ ઝાડ પરથી એક નાનું પાંદડું તોડીને તેને આપ્યું હતું એટલે એને તો એમ જ હતું કે તેના હાથમાં પાંદડું મૂકાયું છે. પણ જેવું તે હાથમાં મૂકાયું તેણે જોયું કે તે પાંદડામાંથી પાકું જામફળ બની ગયું છે ! તેને આરોગ્યા બાદ માધવલાલની ગંભીર, અસાધ્ય બીમારી ઘડીના છઠ્ઠા ભાગમાં દૂર થઇ ગઇ ! ગંભીરનાથ બાબાએ એમની યોગ સિદ્ધિથી પાંદડાને પાકા જામફળરૂપે પળભરમાં રૂપાંતરિત કરી દીધું એ ચમત્કાર અચરજ પમાડે તેવો છે.
શિરડીના સાંઇબાબાએ પણ એકવાર આવો પદાર્થ પરિવર્તનનો ચમત્કાર કર્યો હતો. એ જે મસ્જિદમાં રહેતા હતા તેનું નામ તેમણે 'દ્વારિકામાઈ' પાડયું હતું. ત્યાં તે હંમેશા દીવો કરતા. એકવાર દીવાનું તેલ ખલાસ થઇ ગયું. તેમણે આસપાસના લોકો પાસે તેલ માંગ્યું પણ કોઇએ આપ્યું નહીં. તેમણે દીવામાં પાણી ભરી દીધું. તેમની યોગસિદ્ધિથી પાણી તેલ રૂપે રૂપાંતરિત થઇ ગયું અને એનાથી આખી રાત દીવો પ્રજ્વલિત રહ્યો.
૧૯૬૪માં જેમને ભારત સરકાર તરફથી 'પદ્મવિભૂષણ' પુરસ્કાર અપાયો હતો તે મહામહોપાધ્યાય મહા મનિષી પંડિત ગોપીનાથ કવિરાજના ગુરુ સિદ્ધયોગી વિશુદ્ધાનંદજીએ પણ પદાર્થ રૂપાંતરણના અનેક પ્રયોગો કરી બતાવ્યા હતા. એકવાર તેમણે કહ્યું - 'સૂર્ય વિજ્ઞાાન એક દિવ્ય વિજ્ઞાાન છે. સૂર્યની રશ્મિઓ અત્યંત શક્તિશાળી છે. એની મદદથી કોઇપણ વસ્તુને બીજી વસ્તુ રૂપે પરિવર્તિત કરી શકાય છે. આ વાતને પ્રત્યક્ષ સાબિત કરવા તેમણે રૂ મંગાવ્યું. એના પર લેન્સમાંથી પસાર કરેલ સૂર્ય કિરણો પ્રક્ષિપ્ત કરવા લાગ્યા. બધાની નજર સામે રૂનું રૂપાંતરણ થવા લાગ્યું. થોડીવારમાં રૂ લાકડાના રૂપમાં બદલાઈ ગયું. તેમણે કહ્યું - 'હજુ તમારે વધારે આગળ જોવું છે ?' બધાએ હા પાડી. એટલે તેમણે લેન્સ દ્વારા સૂર્યના કિરણો તે લાકડાના ટુકડા પર ફેંકવા માંડયા. થોડીવારમાં તે લાકડું પથ્થર થઇ ગયું. આ પ્રયોગો જોનાર વ્યક્તિઓમાં ક્વિન્સ કોલેજના પ્રાધ્યાપક અભયચરણ સાન્યાલ પણ હતા. તેમણ ેસ્વામી વિશુદ્ધાનંદજીને કહ્યું - 'આ પથ્થરને હું મારી સાથે લઇ જઇ શકું ? હું એની પ્રયોગશાળામાં ચકસાણી કરવા માગું છું.' સ્વામી વિશુદ્ધાનંદજીએ તે રૂમાંથી લાકડા રૂપે અને લાકડામાંમાંથી પથ્થર રૂપે પરિવર્તિત થયેલો ટુકડો અભયચરણને આપી દીધો. તેમણે તે લેબોરેટરીમાં તપાસ્યો તો તે પથ્થરના ગુણધર્મો જ ધરાવતો હતો.
આ પ્રયોગ પૂરો થયો ત્યારે તેમનો એક શિષ્ય એક ફૂલ લઇ આવ્યો. તેમણે તેના પર સૂર્ય કિરણો નાંખી જુદા જુદા ફુલ રૂપે તે પરિવર્તિત કરી બતાવ્યું. પછી તેને પથ્થરના ફૂલ રૂપે રૂપાંતરિત કરી દીધું. બધાના કહેવાથી તેમણે પ્રયોગ ફરી આગળ વધાર્યો. એક જ ફૂલમાં જુદા જુદા ફૂલની પાંખડીઓ નિર્મિત કરી બતાવી. એક જ ફૂલમાં એક પાંખડી ગુલાબની બીજી મોગરાની ત્રીજી ચંપાની ચોથી કમળની એવી પાંખડીઓ બનાવી બતાવી. બાકીનો ભાગ પથ્થરનો હતો એ રીતે આખું ફૂલ રૂપાંતરિત કરી બતાવ્યું હતું. 'એ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા'ના બ્રિટિશ લેખક પોલ બ્રન્ટને પણ સ્વામી વિશુદ્ધાનંદજીની યોગશક્તિના અને સૂર્ય વિજ્ઞાાનથી કરાતી પદાર્થ પરિવર્તનની શક્તિના પ્રયોગો નિહાળ્યા હતા.