- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- મધુ અને કૈટભ દ્વારા આ બીજમંત્રના જપ થકી પ્રાપ્ત થયેલી સિદ્ધિ દર્શાવે છે કે માણસની બુદ્ધિ જ્યારે સત્માર્ગ પર સ્થિર થાય, ત્યારે ભલભલી આસુરિક વૃત્તિઓને શાંત કરી દેવાની ક્ષમતા ધરાવે છે
ક ઈ રીતે વાગ્બીજ થકી મૂર્ખ કાલીદાસ દૈવીય કૃપાથી મહાકવિ કાલીદાસ બન્યા, એ અંગે ગત અઠવાડિયે લાંબી ગોિ કર્યા પછી હવે આ બીજમંત્રના મહત્ત્વપૂર્ણ માર્મિક પાસા તરફ મીટ માંડીએ. વાગ્બીજ અર્થાત્ 'ઐં' (છૈહ-ય) બીજમંત્ર મોટાભાગની દેવીસાધનાનું એક પ્રમુખ અંગ હોય છે.
શ્રીદુર્ગાસપ્તશતીમાં એક અદ્ભૂત કથા વર્ણવવામાં આવી છે. ભગવાન શ્રીહરિના યોગનિદ્રામાં હોવાને લીધે એમના કાનમાંથી બે અસુરો - મધુ અને કૈટભ - ઉત્પન્ન થાય છે. સમસ્ત બ્રહ્માંડ એ સમયે જળબંબાકાર હતું. ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં નિવાસ કરી રહ્યા હોવાને કારણે બંને અસુરો સમુદ્રમાંથી બહાર આવે છે. તેમને સૌથી પહેલોવહેલો જે ધ્વનિ સંભળાયો, એ હતો 'ઐંકાર' એટલે કે વાગ્બીજ! મધુ અને કૈટભને લાગ્યું કે આ ધ્વનિ જ એમના માટે આદેશ છે. આથી, બંને ભાઈઓએ વાગ્બીજની સાધના આરંભી દીધી. સાધનાને અંતે એમને અપાર બળ અને બુદ્ધિ પ્રાપ્ત થયાં, પરંતુ સમય સાથે દેવીની કૃપા ધીરે ધીરે એમના પરથી દૂર થવા લાગી. એમણે સુમતિને બદલે કુમતિને વધુ પ્રાધાન્ય આપ્યું. જપ-તપ છોડીને માત્ર અય્યાશીમાં તેઓ વ્યસ્ત રહ્યાં અને અંતે એમનો વધ કરવામાં આવ્યો.
સામાન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો આ કથા સાવ કપોળકલ્પિત અને અર્થવિહીન લાગે, પરંતુ દરેક પૌરાણિક કથા પાછળ ઊંડો મર્મ છુપાયેલો હોય છે એ ચકાસવાનું આપણે ભૂલી જઈએ છીએ. મધુ અને કૈટભ એ સારા અને ખરાબ એમ બે પાસાં પાસે સંકળાયેલી નકારાત્મક વૃત્તિ દર્શાવે છે. દરેક માણસ પોતાના માટે ફક્ત સારું જ સાંભળવા ઈચ્છે છે. પોતાની આલોચના અથવા ટીકા કોઈ સાંભળવા નથી માગતું. મોટાભાગના સાંસારિક લોકો પોતાના વખાણ સાંભળવા અથવા વાહવાહી મેળવવા તત્પર હોય છે. એમને પોતાની ખામી અંગે કોઈ અંગુલિનિર્દેશ કરે એ પસંદ નથી આવતું. બસ, આ પ્રકારની વૃત્તિ એ એમના અંતરમનમાં નિહિત મધુ અને કૈટભ નામના બે અસુરોની હાજરી તરફ ઈશારો કરે છે. આ પ્રકારના મનુષ્યો આખું જીવન સારા અને ખરાબ પ્રતિભાવો થકી પેદા કરેલી દુશ્મની નિભાવવામાં વિતાવી દે છે. એમનામાં નિવાસ કરતા મધુ અને કૈટભ કદાચિત એમને કૂપમંડુકની માફક બંદીવાન બનાવી રાખવામાં જ સફળ થઈ જાય છે.
વાગ્બીજ અર્થાત્ વાણીની દેવી! મધુ અને કૈટભ દ્વારા આ બીજમંત્રના જપ થકી પ્રાપ્ત થયેલી સિદ્ધિ દર્શાવે છે કે માણસની બુદ્ધિ જ્યારે સત્માર્ગ પર સ્થિર થાય, ત્યારે ભલભલી આસુરિક વૃત્તિઓને શાંત કરી દેવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે જિહ્વા પર વાગ્દેવી બિરાજમાન હોય, ત્યારે માણસ પોતાના મુખમાંથી સત્યનું ઉચ્ચારણ કરી શકવાની હિંમત કેળવે છે અને સામે પક્ષે પોતાની આલોચના સાંભળી શકવાની સહનશક્તિ પણ! માત્ર આટલું જ નહીં, મધુ અને કૈટભ વાગ્બીજ થકી પ્રાપ્ત તપોબળને લીધે ત્રિલોક પર આધિપત્ય ભોગવી શક્યા, એ બાબત દર્શાવે છે કે જે મનુષ્યે પોતાને વાણી પર સંયમ સાધી લીધો, એ સમગ્ર દુનિયા પર વિજય મેળવી શકે છે, કારણ કે તેને સંસારનું કોઈ જ પરિબળ નડી શકતું નથી. તેને પ્રાપ્ત બુદ્ધિચાતુર્ય થકી તે સઘળી સમસ્યાનો ઉકેલ લાવી જાણે છે.
આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે કે 'કલમની તાકાર તલવારથી અનેકગણી વધુ હોય છે' (પેન ઇઝ માઇટીયર ધેન અ સ્વોર્ડ!) કલમ શું સૂચવે છે? શબ્દોની તાકાત. બુદ્ધિચાતુર્યની શક્તિ. વાણી પરનું પ્રભુત્વ. મધુ અને કૈટભની કથા પણ આ જ સૂચવે છે.
ભગવાન શ્રીવિષ્ણુના કાનમાંથી બહાર નીકળી ગયેલાં મધુ અને કૈટભ એ દિશામાં પણ ઈશારો કરે છે કે જે પરમપિતા છે, એ આ બધાથી પરે છે. એમને સારા અને ખરાબ એવા બે ચોકઠાંમાં ક્યારેય ન બેસાડી શકાય. તદુપરાંત, ઈશ્વર આ દ્વૈતવાદરૂપી દૈત્યોથી ક્યાંય ઉપર છે. જ્યારે જરૂર પડે, ત્યારે તેઓ શ્રીરામ તરીકે અવતાર ધારણ કરીને સંપૂર્ણપણે મર્યાદાપુરુષોત્તમ બની શકે અને બીજી બાજુ, જરૂર પડે ત્યારે શ્રીકૃષ્ણ તરીકે અવતાર ધારણ કરીને કુશળ રાજનીતિજ્ઞા અને સારથિ બનીને મહાભારત પણ કરાવી શકે! મહાભારતના અમુક પાત્રો (જેમકે દુર્યોધન, ગાંધારી, ધૃતરાષ્ટ્ર વગેરે) માટે શ્રીકૃષ્ણ કદાચ ખલનાયક હોઈ શકે, પરંતુ પાંડવો અને સમસ્ત મનુષ્યજાતિ માટે તો હંમેશા લીલાધારી નાયક જ રહેવાના ને!
વાગ્બીજ વિશેના ત્રીજા મણકામાં આ મંત્રની શક્તિ વિશે વધુ વિગતે ચર્ચા કરીશું.


