- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત
- મારાડોનાના હેન્ડ ઓફ ગોડથી લઈને 1950ના વર્લ્ડ કપમાં ભાગ લેવાનો ભારતના ઈન્કારની ઘટના ફૂટબોલ જગતમાં ચર્ચાય છે: યુરોપ અને લેટિન અમેરિકન દેશો વચ્ચેનો સંઘર્ષ પણ મેદાનની બહાર ચાલતો રહ્યો છે
આં તરરાષ્ટ્રીય સ્તરે સૌથી લોકપ્રિય રમતોમાં અગ્ર સ્થાન ધરાવતા ફૂટબોલના વર્લ્ડ કપનું ભારે આકર્ષણ જોવા મળતું હોય છે. ફૂટબોલના મેદાનમાં ટીમ વર્કની સાથે વ્યક્તિગત કૌશલ્ય અને તકને ઝડપી લેવાની આવડતને સહારે ચેમ્પિયન બનવા માટે સંઘર્ષ કરતા દેશોના ખેલાડીઓ અને તેમનો જુસ્સો વધારવા માટે નિત-નવી યુક્તિઓ શોધી કાઢતા ચાહકોની ચારેબાજું બોલબાલા જોવા મળી રહી છે. ફૂટબોલ વર્લ્ડ કપ ચાલતો હોય, ત્યારે આખી દુનિયા જાણે થંભી જઈને ભારે આતુરતાની સાથે પરિણામના ઈંતજારમાં હોય તેવો અહેસાસ થયા વિના ન રહે. તેમાં ય આ વખતનો ફૂટબોલ વર્લ્ડ કપ વિશિષ્ટ પરિસ્થિતિમાં યોજાઈ રહ્યો છે. એક તરફ રશિયા--યુક્રેન વચ્ચે તો બીજી તરફ અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન-લેબનોન વચ્ચે યુદ્ધ જારી છે અને જીવ સટોસટના જંગની વચ્ચે ફૂટબોલના મેદાનમાં શ્રેતા પૂરવાર કરવાનો વૈશ્વિક મુકાબલો શરુ થઈ ગયો છે.
ફૂટબોલ વર્લ્ડ કપના પ્રારંભ અગાઉ જ સોમાલિયન રેફરીને વિઝા તેમજ રાજદ્વારી પાસપોર્ટ છતાં લોસ એંજલસના એરપોર્ટ પરથી જ અમેરિકાના સત્તાધીશોએ પરત મોકલી આપતાં વિવાદ સર્જાયો છે. ફૂટબોલ વર્લ્ડ કપ રમવા માટે અમેરિકાની મહેમાન બનેલી સેનેગલ અને ઉઝબેકિસ્તાનની ટીમના ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફની સાથે સિક્યોરિટીના નામે થયેલા અપમાનજનક વર્તનની સોશિયલ મીડિયામાં ઉગ્ર ટીકા થઈ રહી છે. આ કારણે ફૂટબોલ વર્લ્ડ કપમાં ખરાખરીના મુકાબલા શરુ થાય તે પહેલા વિવાદનો વંટોળ શરુ થયેલો જોવા મળી રહ્યો છે. જોકે, ફૂટબોલ વર્લ્ડ કપ અને વિવાદોનો નાતો ઘણો જૂનો છે. ફૂટબોલ વર્લ્ડ કપના ઈતિહાસના કેટલાક ઉડીને આંખે વળગે તેવા વિવાદો પર એક નજર...
મારાડોનાનો હેન્ડ ઓફ ગોડ
ફૂટબોલર તરીકેની વિશિષ્ટ પ્રતિભા ધરાવતા આર્જેન્ટીનાના લેજન્ડ મારાડોનાનો ૧૯૮૬ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેનો હેન્ડ ઓફ ગોડ ગોલ વિવેચકો અને ચાહકોની ઉત્સુકતાનું કેન્દ્ર બની રહેતો હોય છે. બોલને નિયંત્રિત કરવાની જબરજસ્ત કુશળતા અને અસાધારણ કહી શકાય તેવા મુવ્સ માટે જાણીતા મારાડોનાએ હવામાં જમ્પ લગાવ્યો હતો અને આ સમયે ઈંગ્લિશ ગોલકિપર પીટર શિલ્ટોન પણ તેની નજીક હતો. આ દરમિયાન મારાડોનાએ સિફત પૂર્વક હાથથી બોલને ગોલમાં ધકેલી દીધો. ઈંગ્લેન્ડના ખેલાડીઓના વિરોધ છતાં રેફરીએ તેના સહાયક ઓફિશિઅલ્સની સલાહ લીધા બાદ તે ગોલને ઓફિશિઅલ ગણાવ્યો હતો. જોકે આગળ જતાં તેની તસવીરો પણ સામે આવતા વિવાદ વધી પડયો હતો. અલબત્ત, મારાડોનાએ તે ગોલને હેન્ડ ઓફ ગોડના ગોલ તરીકે ગણાવ્યો હતો. આ ગોલની ચાર મિનિટ પછી જ મારાડોનાએ ઈંગ્લેન્ડના પાંચ ડિફેન્ડરો અને ગોલકિપરને ચોંકાવતા ફટકારેલો ગોલ ફૂટબોલ ઈતિહાસના શ્રે ગોલમાં સ્થાન ધરાવે છે. મારાડોનાએ આ પછી આર્જેન્ટીનાને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતુ.
ભારતે ગોલ્ડન તક ગુમાવી
૧૯૫૦માં બ્રાઝિલમાં યોજાયેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં એશિયન ક્વોલિફાયર્સમાં ભારતની સાથે ઈન્ડોનેશિયા, મ્યાંમાર અને ફિલિપાઈન્સ સામેલ હતા. જોકે અન્ય ત્રણ દેશ ખસી જતાં ભારતને સીધો જ વર્લ્ડકપમાં પ્રવેશ મળ્યો હતો. જોકે, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન તે સમયે આ ગોલ્ડન તકને ઝડપવામાં નિષ્ફળ રહ્યું હતુુ. આ માટે એક કારણ એ ચર્ચામાં છે કે, ફિફાએ ભારતીય ખેલાડીઓેને ઉઘાડા પગે રમવાની છુટ આપી નહતી.જોકે આ કારણ એટલા માટે ગળેે ઉતરે તેવું નથી કારણ કે ફિફાએ વર્લ્ડ કપમાં ફરજીયાત શૂઝનો નિર્ણય તો છેક ૧૯૫૩માં લીધો હતો. વળી, ૧૯૫૨ના હેલસિંકી ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ ઉઘાડા પગે જ ફૂટબોલ રમવા ઉતર્યા હતા. ભૂતકાળના રેકોર્ડ અને પરિસ્થિતિને જોતા મનાય છે કે, બ્રાઝિલ જવાનો ખર્ચ તે સમયે પરવડે તેમ નહતો. વળી, ફૂટબોલ વર્લ્ડ કપ નવો-સવો હોવાથી તે અંગે ભારતીય ફુટબોલ જગતમાં અને ખેલાડીઓમાં પણ તે અંગે જાગૃતિ નહતી. હોકીમાં ભારતનો ઓલિમ્પિકમાં દબદબો હતો અને તમામ રમતોમાં એકમાત્ર લક્ષ્ય ઓલિમ્પિક હતુ. ભારતીય ફૂટબોલ ટીમને વર્લ્ડ કપમાં ભાગ લેવાનું આમંત્રણ વિલંબથી મળ્યું હતુ અને તૈયારી માટેનો પુરતો સમય ન હોવાથી આખરે આ ગોલ્ડન તક સરી ગઈ હતી. નોંધપાત્ર છે કે, તે સમયે દ્વિતિય વિશ્વયુદ્ધ પુરુ થયાને ગણતરીના જ વર્ષો થયા હોવાથી ૧૯૫૦ના વર્લ્ડ કપમાં માત્ર ૧૩ જ દેશોએ ભાગ લીધો હતો અને એશિયાની એક પણ ટીમ તેમાં રમી નહતી.
યુરોપ અને લેટિન અમેરિકા વચ્ચેની ચડસાચડસી
સૌપ્રથમ ફૂટબોલ વર્લ્ડ કપ ૧૯૩૦માં ઉરુગ્વેમાં યોજાયો હતો, પણ ત્યારે મોટાભાગની યુરોપીયન ટીમોએ તેમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો. આ કારણે માત્ર ૧૩ જ ટીમો તે વર્લ્ડ કપમાં રમી હતી. તે સમય મહામંદીનો હતો. વળી જેટ વિમાન શોધાયા નહતા. આ કારણે યુરોપથી લેટિન અમેેરિકા જવા માટે માત્ર જમીન અને જળ માર્ગ જ હતા. યુરોપીયન ટીમોને આ બંને માર્ગથી ઉરુગ્વે પહોંચવામાં સપ્તાહો લાગે તેમ હતુ. પહેલો વર્લ્ડ કપ યજમાન ઉરુગ્વે જીત્યું હતુ. આ પછી ૧૯૩૪માં ઈટાલીમાં યોજાયેલા વર્લ્ડ કપનો બહિષ્કાર ઉરુગ્વેએ કર્યો હતો અને તેેણે પોતાના ઘરઆંગણાના વર્લ્ડ કપમાં ભાગ ન લેનારા યુરોપને જવાબ આપવા આ નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ૧૯૩૮માં ફ્રાન્સમાં વર્લ્ડ કપ યોજાયો, ત્યારે પણ ઉરુગ્વે અને આર્જેન્ટીનાએ તેનો બહિષ્કાર કર્યો હતો અને સતત બીજો વર્લ્ડ કપ યુરોપમાં યોજવાના નિર્ણયનો બહિષ્કાર કર્યો હતો.
આફ્રિકાનો બહિષ્કાર અને ઈંગ્લેન્ડમાં રેફરિંગ વિવાદ
ઈ.સ. ૧૯૬૬માં ઈંગ્લેન્ડમાં યોજાયેલા ફિફા વર્લ્ડ કપનો બહિષ્કાર કરતાં આફ્રિકાના એક પણ દેશની ટીમે તેમાં ભાગ લીધો નહતો. આફ્રિકા, એશિયા અને ઓસેનિયામાંથી એક જ ટીમને ફૂટબોલ વર્લ્ડ કપની ટિકિટ આપવાના નિર્ણયથી નારાજગી ફેલાઈ હતી. આ નિર્ણયના વિરોધમાં તમામ ૧૫ અફ્રિકન દેશોએ વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો હતો. આ વર્લ્ડ કપમાં આખરે ઈંગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી. જોકે, ફાઈનલમાં રેફરીએ યજમાન ટીમનો પક્ષ લીધો હોવાના આક્ષેપો પણ મૂકાયા હતા.જ્યારે સાઉથ અમેરિકન દેશોએ તો આ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડ - જર્મનીએ મળીને ફિક્સ કર્યો હોવાનો આક્ષેપ મૂક્યો હતો.
માથુ અફળાવવાથી લઈને બચકું ભરવા સુધી
બર્લિનમાં રમાયેલી ૨૦૦૬ની વર્લ્ડ કપની ફાઈનલમાં ફ્રાન્સના ફૂટબોલ લેજન્ડ ઝિદાને ઈટાલીયન હરિફ માર્કો મેટેરાઝીની સાથેના શાબ્દિક ટકરાવ બાદ તેની છાતીમાં જોરથી પોતાનું માથું અથડાવ્યું હતુ.આ કારણે મેટેરાઝી પડી ગયો હતો અને ઝિદાનને રેડકાર્ડ દેખાડવામાં આવ્યું હતુ. આ પછી ઈટાલીની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે ૨૦૧૪ના ફૂટબોલ વર્લ્ડ કપમાં ઉરુગ્વેના ફૂટબોલર સુઆરેઝે ઈટાલીના ચિલીઈનીને ચાલુ મેચ દરમિયાન બચકું ભરી લીધું હતુ. આ પછી સુઆરેઝ પર ચાર મહિનાનો પ્રતિબંધ મૂકાયો હતો. આ ઉપરાંત રેફરીના એક તરફી નિર્ણયો તેમજ ફૂટબોલમાં રાજકારણનો રંગ ભળતો હોવાના આક્ષેપો સમયે સમયે થતાં રહ્યા છે. અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહેેલા ફૂટબોલના મહાકુંભમાં ઈતિહાસ તો રચાશે જ. સાથે સાથે વિવાદોની ઘટમાળ પણ જોવા મળે તો નવાઈ નહીં.


