Get The App

આધ્યાત્મિક ટુરિઝમ : દેશના અર્થતંત્રમાં 23 લાખ કરોડ રૂપિયાનો ફાળો

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
આધ્યાત્મિક ટુરિઝમ : દેશના અર્થતંત્રમાં 23 લાખ કરોડ રૂપિયાનો ફાળો 1 - image

- હોટલાઈન-ભાલચંદ્ર જાની

- વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના તાજા સર્વેમાં એવી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષ ભારતના ટુરિઝમ સેક્ટર માટે ખૂબ જ ફળદાયી નીવડશે 

આ જના ખૂબ જ વ્યસ્ત અને તનાવપૂર્ણ જીવનમાં માનવીને શારીરિક આરામ કે માનસિક શાંતિ મળતી નથી. રોજિંદી જિંદગીની દોડધામથી ત્રાસેલો માનવી થોડો વખત મનની શાંતિ ઝંખે છે. એવે વખતે પર્યટન કેંદ્રો કે ધાર્મિક સ્થળોની મુલાકાત લાભદાયી થાય છે. કહેવાય છે કે આપણા દેશમાં સ્કૂલો, કોલેજો, કે હોસ્પિટલો છે એના કરતાં મંદિરો વધારે છે. ઉત્તરમાં કેદારનાથથી માંડીને દક્ષિણમાં રામેશ્વર અને પશ્ચિમમાં દ્વારકાથી પૂર્વમાં જગન્નાથપૂરી સુધી અનેક મંદિરો આવેલા છે. હિંદુઓના જાત્રાધામો ઉપરાંત મસ્જિદો, ગુરુદ્વારાઓ, ચર્ચ અને અગિયારીઓ ઠેરઠેર ફેલાયેલા છે. લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટે છે. એ ઉપરથી એક વાતને પુષ્ટિ મળે છે કે દરેક વ્યક્તિના દિલમાં ઊંડે ઊંડે શ્રધ્ધા હોય છે કે ભગવાનના દર્શન કરવાથી  અમને સુખશાંતિ મળશે. પ્રભુને ચરણે માથું ટેકવીને લોકો ધન્યતા અનુભવે છે.

એવી જ રીતે દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે તે એવા સ્થળનો પ્રવાસ કરે જે તેણે અગાઉ કદી જોયો ન હોય. પણ અધ્યાત્મની શોધમાં નીકળેલા  પ્રવાસીઓ માત્ર આનંદ અને મોજ ખાતર પ્રવાસ નથી કરતા. તેઓ પ્રવાસ સાથે પોતાના મનની શાંતિ ઝંખતા હોય છે.

એમાં પણ કોરોનાની મહામારીએ લોકોને બોધ આપ્યો છે કે વૈભવ અને વિલાસ કરતા પણ અધ્યાત્મ કેટલું મહત્વનું છે. એથી જ તો કોરોના પછી  લોકડાઉન હળવો થયા બાદ લોકોનો યાત્રાના સ્થળોએ ધસારો થયો હતો જે હજું પણ ચાલુ છે. વર્તમાન સમયમાં ખાડી યુદ્ધને કારણે મિડલ ઇસ્ટના મશહૂર ડેસ્ટિનેશન કે યુરોપનો પ્રવાસ લોકો ટાળતા હોવાથી પણ દેશની અંદર જ વિવિધ સ્થળે ફરવાનો ટ્રેન્ડ સ્પષ્ટ દેખાય છે. વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલના તાજા સર્વેમાં એવી આગાહી કરવામાં આવી છે કે આ વર્ષ ભારતના ટુરિઝમ સેક્ટર માટે ખૂબ જ ફળદાયી નીવડશે. આ વર્ષે આ યાત્રા- પ્રવાસના ક્ષેત્રમાંથી ૨૩ લાખ કરોડ રૂપિયા દેશના અર્થતંત્રને મળશે. ઉપરાંત આશરે પાંચ કરોડ લોકોને રોજગાર મળશે.

પરદેશથી ભારતયાત્રાએ આવનારા ટુરિસ્ટો લગભગ રૂ. સાડા ત્રણ લાખ કરોડ ખર્ચશે જ્યારે દેશના જ પ્રવાસીઓ દ્વારા ખર્ચાનારા નાણાંની રકમ ૧૬ લાખ કરોડને આંબી જશે. ૨૦૩૫ની સાલ સુધીમાં ટુરિઝમ સેક્ટર થકી ભારતીય અર્થતંત્રને ૪૨ લાખ કરોડ રૂપિયાની ઉપજ થશે. જ્યારે રોજગારની તકો વધીને સાડા છ કરોડ થઇ જશે.

છેલ્લા કેટલાક સમયથી વેકેશનમાં ફરવા જતા ભારતીય પર્યટકોમાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું વલણ વધ્યું છે. આ બદલાયેલા અભિગમનેે કારણે તિરુપતિ બાલાજીનું મંદિર ધરાવતા આંધ્ર પ્રદેશની મુલાકાત લેતા મુલાકાતીઓની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. તિરુપતિ બાલાજીના દર્શન કરીને પર્યટકો ફરવા માટે વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદ જવાનું પસંદ કરતા હોવાના કારણે અહીં આવતા ટુરિસ્ટોની સંખ્યામાં પણ સારો એવો વધારો થયો છે.

૨૦૨૩માં સૌથી વધારે ભારતીય પર્યટકોએ આંધ્ર પ્રદેશની મુલાકાત લીધી હતી. આ વર્ષના આંકડાઓ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે ૨૦૨૩ના વર્ષમાં આંધ્ર પ્રદેશની ૧૬ કરોડ લોકોએ, ઉત્તર પ્રદેશની ૧૪.૩૦ કરોડ લોકોએ તથા તમિળનાડુની ૧૨.૫૭ કરોડ  પર્યટકોએ મુલાકાત લીધી હતી. આ ત્રણ રાજ્યો પછી ચોથા, પાંચમા અને છઠ્ઠા નંબર પર અનુક્રમે કર્ણાટક (૩.૨૭ કરોડ), રાજસ્થાન (૨.૫૫ કરોડ) અને મહારાષ્ટ્ર (૨.૩૭ કરોડ) આવે છે. મહારાષ્ટ્રના મુલાકાતીઓની સંખ્યા ૨૦૦૭માં ૧.૯૨ કરોડ હતી જે વધીને ૨૦૨૩માં ૩.૨૦ કરોડ થઇ છે અને આ સંખ્યામાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. 

મહારાષ્ટ્રની જેમ બીજા રાજ્યોમાં પણ ક્રમશ: ધીરેધીરે ટુરિસ્ટોની સંખ્યા વધી રહી છે.

આ મુદ્દે વાત કરતા આંધ્ર પ્રદેશના ટુરિઝમ સેક્રેટરી કહે છે કે ''રાજ્યમાં મોટાભાગના પ્રવાસીઓ તિરુપતિ બાલાજીના દર્શન માટે આવે છે. આ પ્રવાસીઓ પછી બીજા નંબરે વિશાખાપટ્ટનમ અને આસપાસના શહેરોમાં ફરવા આવતા ટુરિસ્ટો આવે છે. આ સિવાય હૈદરાબાદ જેવા શહેરમાં ટોચની કંપનીઓની ઓફિસ હોવાના કારણે પ્રોફેશનલ પ્રવાસીઓની સંખ્યા પણ સારી એવી છે. ૨૦૨૫માં આંધ્ર પ્રદેશે માત્ર ટુરિઝમમાંથી જ ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.''

ભારતમાં મોટાભાગના દરેક રાજ્યના ટુરિઝમ બોર્ડ પ્રવાસીઓને ફરવાની સમાન સુવિધા આપે છે, પણ જે રાજ્યમાં ફરવા માટે ધાર્મિક સ્થળ ઉપલબ્ધ છે એના પર પ્રવાસીઓ પસંદગીનો કળશ પહેલાં ઢોળે છે. આ મુદ્દે વાત કરતા તમિળનાડુ ટુરિઝમ બોર્ડના ડિરેક્ટર  કહે છે કે ''અમારા રાજ્યમાં ટુરિસ્ટો માટે ઘણા આકર્ષણો છે, પણ ઉત્તર ભારત અને ખાસ કરીને ગુજરાતના પ્રવાસીઓ ખાસ તો રામેશ્વરની મુલાકાત લેવા માટે તમિળનાડુ આવે છે. હવે તો ઉત્તર ભારતથી તમિળનાડુ સુધી પહોંચાડતી કેટલીક સીધી ટ્રેનો પણ ઉપલબ્ધ છે અને પર્યટકોમાં અહીંની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પણ લોકપ્રિય બનતા મેડિકલ ટુરિઝમનો વિકાસ થતા તમિળનાડુની મુલાકાત લેતી વ્યક્તિઓની સંખ્યામાં વધારો થયો છે.''

અન્ય રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ ત્ર્યંબકેશ્વર, ભીમાશંકર, તુળજાભવાની, કોલ્હાપુર મહાલક્ષ્મી, શિરડી અને પંઢરપુર જેવા ધાર્મિક સ્થાનોની મુલાકાત લેવા માટે બીજા રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા ટુરિસ્ટોની સંખ્યા ઘણી વધારે છે.

મહારાષ્ટ્રના ધાર્મિક, સાંસ્કૃતિક અને પર્યટન ક્ષેત્રમાંતો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યના લાખો શ્રધ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર એવા અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો વિસ્તાર ટૂંક સમયમાં જ એક નવું સ્વરૂપ ધારણ કરશે.

કેરળ અને ઓડિશા જેવા રાજ્યોની જેમ મહારાષ્ટ્રમાં પણ ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનનું વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતા છે. આ માટે આધુનિક સુવિધાઓ, ઉચ્ચ ગુણવત્તાવાળી સેવાઓ અને પર્યટનલક્ષી પ્રવૃત્તિઓનું અમલીકરણ સમયની જરૂરિયાત છે.

થોડા જ સમય પૂર્વેમહારાષ્ટ્ર સરકારે રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા માટે હેરિટેજ કન્સર્વેશન પ્લાન શરૂ કર્યો છે.રાજ્યનાં ૫૦ મંદિરો, ૬૦ કિલ્લાઓ અને ૧૮૦૦ વાવના કન્ઝર્વેશન અને રીસ્ટોરેશન માટે વિગતવાર રોડમેપ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે. આ પ્લાનનો ઉદ્દેશ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને રીસ્ટોરેશન સાથે ત્યાંના ટૂરિઝમને વેગ આપવાનો પણ છે.

મહારાષ્ટ્રમાં ભીમાશંકર જ્યોતિલિંગ મંદિર, શ્રી કૃષાણા ત્ર્યંબકેશ્વર જ્યોતિલિંગ, ક્ષેત્ર ઘૃષ્ણેશ્વર જ્યોતિલિંગ મંદિર, શ્રી ક્ષેત્રા ઔંધા નાગનાથ જ્યોતિલિંગ મંદિર, અને પરલી વૈજનાથ જ્યોર્તિલિંગ મંદિરનો વિકાસ કરવાનો નિર્ણય  પણ સરકારે લઈ લીધો છે. અને આ તમામ મંદિરો વિકસાવવાની જવાબદારી પાંચ વરિષ્ઠ આઈ.એ.એસ. અધિકારીઓને સોંપવામાં આવી છે.

હવે આ તીર્થસ્થાનોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને કનેક્ટિવિટી વિગેરે હાથ ધરવામાં આવશે.

આ સિવાય પૂણેના શ્રીમંત દગડૂશેઠ હલવાઇ ગણપતિને રાજ્ય સરકારે ઉત્તમ કક્ષાના ટૂરિસ્ટ સ્પોટ તરીકે નોંધીને એનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન અંદાજે બે કરોડ જેટલા ભાવિકો આ ગણપતિનાં દર્શન કરે છે. પરંતુ સામાન્ય દિવસોમાં પણ રોજ અંદાજે ૫૦,૦૦૦ ભાવિકો દર્શન કરવા આવતા હોય છે. આ મંદિરની સુવિધા વધાર્યા પછી તો રોજ ભાવિકોના ઘોડાપૂર ઉમટશે તેમાં કોઇ શંકા નથી.

આ સિવાય કોલ્હાપુર મહાલક્ષ્મી મંદિર, પંઢરપુરનું વિઠ્ઠલ મંદિર તથા તુળજાભવાની જેવા મંદિરો તરફ પણ વધુને વધુ યાત્રાળુઓ આવે છે.

બીજી તરફ ગુજરાતના જુદાં જુદાં યાત્રાધામોના વિકાસ માટે પણ તાજેતરમાં રૂ. ૫૫૦ કરોડની ફાળવણી કરી છે. તેમાંય ખાસ કરીને અંબાજી ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂ. ૩૦૦ કરોડ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની માળખાકીય સુવિધા વધારવા માટે રૂ. ૨૩૬ કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

નોંધનીય બાબત એ છે કે વર્તમાન સમયમાં જ્યારે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ભારતીય બજારમાં મંદીનો માહોલ છે. ત્યારે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો પ્રવાહ આવી મંદીને પણ મ્હાત આપી રહ્યો છે. અંબાજી, સોમનાથ અને દ્વારકામાં છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૭૧૮ કરોડથી પણ વધુનુ દાન મળ્યું છે. એટલું જ નહીં સોનાના દાનમાં પણ વધતા ભાવની કોઈ ખાસ અસર પડી નથી અને અંબાજી મંદિરમાં સોનાના દાનનો અવિરત પ્રવાહ ચાલું છે. મંદીના મહોલમાં લોકો જરૂરિયાત સિવાયના અન્ય ખર્ચા પર કાપ મૂકતા હોય છે. પરંતુ દેવદર્શન યાત્રા પાછળ થતા ખર્ચની ચિંતા કરતા નથી.

ભારતના પર્યટન ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા માટે રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમ જ દાહોદ ખાતે નવું એરપોર્ટ વિકસાવવા અને પોરબંદર, વડોદરા, અંકલેશ્વરના એરપોર્ટની સુવિધા વધારવા રૂ. ૯૫ કરોડની ફાળવણી કરવામાં આવશે. નાના શહેરોને માટો શહેરો સાથે હવાઈ માર્ગથી જોડવા માટે રૂ. ૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તાજેતરમાં જ દમણમાં નવું એરપોર્ટ શરૂ થયું છે. 

હવે નવેસરથી સોમનાથ, શિવરાજપુરમાં બીચના પ્રવાસે આવનારા શોખીનો માટે વિશ્વસ્તરની સુવિધાઓ વિકસાવવા પર ફોકસ કરવામાં આવશે. આ જ રીતે વિસાવડા-પોરબંદર ખાતે 

પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૬૦ કરોડની  તથા સોમનાથ માટે રૂ. ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ-આશાપુરા અને ગિરનાર ખાતે શ્રદ્ધાળુઓને સુવિધા મળે તે માટે તથા મા નર્મદાની પરિક્રમા કરવા માટે અનુકુળતા રહે તે માટે રૂ. ૨૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ સિવાય ગુજરાતમાં ગીર, સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન સ્થાપવામાં આવશે.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં આવેલા સાડાપાંચસો વર્ષ જૂના ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળ ઘેલા સોમનાથ મંદિર પરિસરની કાયાપલટ પણ થઇ રહી છે. અહીં લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ થવાનું છે. જેના પગલે શિવભક્તોનું હૃદયસ્થ એવું આ ધાર્મિક સ્થળ લેઝર લાઇટથી ઝળહળશે. સ્વાભાવિક રીતે જ આવનારા સમયમાં અહીં પણ ટુરિસ્ટોના ધાડેધાડા જોવા મળશે.

થોડા સમય પૂર્વે ચારધામ યાત્રા શરૂ થઈ છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી એમ ચાર હિમાલયો તીર્થસ્થાનોમાં ધાર્મિક પર્યટનનો ધમધમાટ વધી રહ્યો છે. ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન બદ્રીનાથના પ્રવાસીઓ ૧.૮ લાખથી વધીને ૧૪.૩ લાખ થયા, જે આઠ ગણો વધારો છે. કેદારનાથના પ્રવાસીઓ ૪૦,૮૦૦થી વધી ૧૬.૫૨ લાખ થયા જે ચાલીસ ગણો વધારો દર્શાવે છે. એવી  જ રીતે ગંગોત્રી માટે ૩૫,૦૦૦થી ૭.૫ લાખ અને યમુનોત્રી માટે ૩૫,૦૦૦થી ૬.૫ લાખનો વધારો નોંધનીય છે.

ચારધામ પરિયોજના આ ધસારાને પહોંચી વળવા સક્ષમ રહી છે. રસ્તા પહોળા કરવા અને યાત્રાધામો સુધી મોટરરાઈઝડ પહોંચ પૂરી પાડવા માટે આ ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. રાજ્ય સરકાર પ્રવાસીઓને મુશ્કેલ સ્થળોએ લઈ જવા માટે રોપવેની પણ યોજના ધરાવે છે. પહેલાં પ્રવાસીઓને ગૌરીકુંડથી કેદારનાથ સુધી ચાલીને જવું પડતું હતું. પણ એક નવો રોપવે ટૂંક સમયમાં નવ કલાકના ટ્રેકને ૩૬ મિનિટના પ્રવાસમાં ફેરવી નાખશે.

આવી જ રીતે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને પગલે ભવિષ્યમાં રાષ્ટ્રીય સ્તરે ટેમ્પલ ટૂરિઝમનો નોંધપાત્ર વિકાસ કાયમી ધોરણે થશે જેની સાનુકૂળ અસર દેશના સમગ્ર અર્થતંત્ર પર જોવા મળશે. ધાર્મિક પર્યટનના ક્ષેત્રમાં જે વૃદ્ધિ જોવા મળશે એને કારણે અર્થતંત્રના બધા જ સેકટર્સ પર પ્રોત્સાહક અસર જોવા મળશે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ જેવા ધાર્મિક ટૂરિઝમનાં સ્થળોનો વિકાસ કરવાની કામગીરી હાથ ધરી હતી. એમના આ ટેમ્પલ ટૂરિઝમ પ્રોજેક્ટને કારણે આ બધા જ યાત્રાધામો પર પર્યટકોની સંખ્યામાં વધારો થયો હતો. તેમનું માનવું છે કે ધાર્મિક ટૂરિઝમ એક એવું ક્ષેત્ર છે જેના વિકાસ માટે વિદેશી રોકાણની કે વિદેશી કંપનીઓની જરૂર નથી પડતી. આ ઉપરાંત, અર્થતંત્રનું આ એક એવું ક્ષેત્ર છે જેમાં સ્થાનિક રોજગારીમાં સૌથી વધુ વૃદ્ધિ થાય છે.

આગામી સમયમાં ભારતનાં વિવિધ રાજ્યોમાં આવેલા યાત્રાધામોનો જો આ રીતે વિકાસ થાય, એમને પ્રમોટ કરવામાં આવે તો અર્થતંત્રને લાંબાગાળા માટે ટકાઉ વેગ મળી શકે. અયોધ્યામાં રામ મંદિરને પગલે જ્વેલરી ક્ષેત્રના બિઝનેસમાં પણ કાયમી વધારો થશે. ભગવાન રામ, સીતા, હનુમાનજી, રામાયણ વગેરેના સોના-ચાંદીના સિક્કાનું વેચાણ વધશે.

આમ આધ્યાત્મિક ટુરિઝમ  તરફ લોકોનો ઝોક ખૂબ વધી રહ્યો છે એ જાણ્યા પછી ગયા વર્ષથી જ હોટલ અને ગેસ્ટ હાઉસ માલિકોએ પણ યાત્રાધામો તરફ નવેસરથી મીટ માંડી છે. ખાસ કરીને રાજસ્થાન, યુ.પી., મધ્યપ્રદેશ અને સાઉથના કેટલાક શહેરોમાં રીયલ એસ્ટેટની બજારમાં નવા જ પ્રકારની તેજી જોવા મળે છે. આ ક્ષેત્રના જાણકાર એક પ્રોપર્ટી ડેવલપર એવો અંદાજ મૂકે છે કે ૨૦૩૦ સુધીમાં આ યાત્રા સ્થળોએ નવી ૯૦૦૦ હોટલ રૂમોની જરૂર પડશે. ખાસ કરીને અયોધ્યા, વૃંદાવન, વારાણસી અને પ્રયાગ રાજમાં છેલ્લા બે વર્ષમાં યાત્રા- પ્રવાસને અનુલક્ષીને અનેક હોટલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અભૂતપૂર્વ મૂડી રોકાણ થઇ રહ્યું છે.