Get The App

અતૂટ સંબંધ .

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
અતૂટ સંબંધ                                                            . 1 - image

- સુમન ઓઝા

- ધનજી, તું ચિંતા ના કર. તારો મારો પ્રેમ સંબંધ વાસના વિહિન છે. ભલે શરીરથી હું મારા પતિ કાનજીની છું, પણ દિલથી હું તારી જોડે છું....

હી રા અને ધનજી બેઉનું એક જ શેઢે ખેતર હતું. એક જ શેઢેથી  બે ગામ રાજપુર અને બાજપુરની સીમાઓ જોડાયેલી હતી. હીરાનું ગામ રાજપુર અને ધનજીનું ગામ બાજપુર હતું. સરહદ પર બંનેનાં ખેતર હતાં. બંનેનાં ખોરડા પણ નજીક નજીક જ હતાં. બંને ગામ વચ્ચે સગપણ થઇ શકતાં હતાં. બંને ગામની છોડીયું પરસ્પર બંને ગામમાં પરણાવી હતી તેથી વેવાઈ-વરોટનાં બંનેય ગામ હતાં.

હીરા અને ધનજી ખેતરમાં કામ કરવા રોજ આવતાં. બંનેનો પરિવાર પણ રોજ મળતો હતો. બંનેનાં ખોરડાં ઉત્તરમુખે હતું જ્યારે હીરાનું ખોરડું દક્ષિણ મુખે હતું. બંને નાનાં હતાં ત્યારથી જોડે રમ્યાં હતાં.

હીરાનું ગામ રાજપુર થોડું મોટું હતું. તેથી તે ગામમાં એકથી સાત ધોરણ સુધીની શાળા ચાલતી હતી. ધનજી અને હીરા બંને ગામની એક જ શાળામાં સાથે દાખલ થયાં હતાં. હીરા ગામમાંથી ચાલીને શાળાએ આવતી અને ધનજી બાજપુરથી ચાલીને રાજપુરની શાળામાં ભણવા આવતો.

સાતમા ધોરણમાં આવેલાં હીરા અને ધનજી હવે તો જોડે બેસીને વર્ગમાં અભ્યાસ કરતાં. બંને હવે પંદર વર્ષનાં સમજણાં થયાં હતાં. બંને વચ્ચે સ્નેહનાં અંકુર ફૂટી ચૂક્યાં હતાં. એકબીજાની પેન-પાટીની આપ-લે કરીને આત્મીયતા પણ બંધાઈ ગઈ હતી. હીરા વર્ગમાં પ્રથમ નંબરે પાસ થતી હોશિયાર છોકરી હતી. તે ધનજીને ચોપડી વાંચવામાં મદદ કરતી હતી. પરીક્ષા સમયે હીરાની ઉત્તરપોથીમાં નકલ કરીને લખતો હતો. ઘણી વાર ધનજીનું ગૃહકાર્ય પણ હીરા કરી આપતી હતી. આ બાબતે હીરાને શિક્ષક તરફથી બે-ત્રણ વાર ઠપકો પણ મળ્યો હતો. પરંતુ પોતાના હૃદયથી સગો માનેલા ધનજી માટે માર ખાવા તૈયાર રહેતી. બાળપણની પ્રીતનું બંધન શરૂ થઈ ગયું હતું. ધનજી શાળાએથી છૂટતાં તેના ઘેર જવા રવાના થતો ત્યારે હીરા તેના ગામની સીમ સુધી મૂકવા જતી હતી. ધનજી હસતા મુખે હાથ હલાવી તેને વળાવી દેતો. હીરા તેને દૂર સુધી જોઈ રહેતી. ધનજી ઘણી ઘડી પાછું વળી હીરાને જોતો હતો. 'આવજો' ના ઇશારાથી હાથ હલાવતાં બંને જુદાં પડી જતાં. એમાં હીરાનું હૈયું ભરાઈ જતું.

બંનેનું ગામ માત્ર એક કિલોમીટર દૂર હતું.રવિવાર અને તહેવારોની રજાના દિવસે બંને ખેતરે અવશ્ય મળતાં. બંને જોડે બેસી ગૃહકાર્ય કરતાં. જોડે બેસી નિર્દોષ ભાવે એકબીજાને અડોઅડ અભ્યાસ પણ કરતાં. હીરાનાં મા-બાપ બંનેનો નિર્દોષ પ્રેમ જોઈ વિચારે ચઢી જતાં. જોડું કેટલું સુંદર છે ! બંનેની સગાઈ કરી નાખીએ તો કેટલું સારું ! હીરા દેખાવે રૂપસુંદરી હતી. એટલો જ રૂપાળો ગોરો ધનજી પણ હતો. બંનેનું સગપણ થઈ જાય તો એનાથી મોટું કોઈ સુખ નથી એવું બંને પતિ-પત્ની ઇચ્છતાં હતાં.

સાતમું ધોરણ પાસ થયાં. ત્યાર પછી દૂરના શહેરમાં અભ્યાસ કરવા જવું પડતું. હીરા અત્યંત દેખાવડી છોકરીને અભ્યાસ છોડાવી દીધો. ધનજી નજીકના શહેર ગોરવા અભ્યાસ કરવા ચાલ્યો ગયો. જતાં જતાં એક દિવસ હીરા તેને ખેતરમાં મળી. બંનેએ વિદાયની પળોમાં મળી ત્યારે ધનજીએ હીરાને પૂછ્યું પણ ખરું...

'હીરા ! તું મને રોજ મૂકવા કેમ આવતી હતી ?'

એ સાંભળી હીરા શરમાઈને સ્મિત આપતી.

'બોલ તો ખરી, મારી અંદર એવું શું છે કે તને ગમે છે ?'

'તારા જેવો બીજો કોઈ છોકરો ગામમાં નથી.'

'પણ આપણા વર્ગમાં તો ઘણા છોકરા હતા.'

'એ બધા તારા જેવા પ્રેમાળ કોઈ નથી. તું તો મારો સગો હોય એવું મને લાગ્યા કરે છે.' એમ બોલીને હીરા શરમાઈન ેમરડાઈ ગઈ ને હસી પડી.

'પણ હું તારો શું સગો થાઉં ? 

કહે ને !'

'તું મારો.... મારો...???' કહીને દોડીને જતી રહી.

હીરા યૌવનમા ંખીલી ગઈ. સત્તરે તોએ અત્તર અત્તર થઈ ગઈ. જોબનવંતી બનીને મહેંકી ઊઠી. દીકરીને તો વધારે ભણાવાય નહીં, આવી માન્યતા ધરાવતા ગામડાના સમાજે હીરાના શિક્ષણનો ભોગ લઈ લીધો. ધનજી કોલેજનું શિક્ષણ લેતાં લેતાં વેકેશનમાં ઘેર આવતો. હીરાને જોયે મહિનાઓ થઈ ગયા. હીરા એની સ્મૃતિમાં કોતરાઈ ગઈ હતી. જ્યારે જોઈ હતી ત્યારે છોકરી હતી, અત્યારે, તો મઘમઘતી યૌવના થઈ હશે. ગોરી દૂધ જેવી તો હતી જ વળી યૌવને એનાં અંગો ભરી દીધાં હશે ! અત્યારે કેટલી સરસ લાગતી હશે ! એ દર્શન કરવા જેવી દેવી લાગતી હશે !

બીજી બાજુ હીરા રોજ ખેતરે આવતી. ધનજીની સાથે વિતાવેલું બાળપણ અને શાળાના દિવસો યાદ કરતી. ધનજીનો સ્નેહાળ સ્વભાવ યાદ આવી જતો હતો. એના ખેતરમાં કામ કરવા આવતા મજૂરોને જોઈ ધનજીનો ચહેરો ખોળતી. પણ ક્યાંય ધનજી દેખાતો નહીં. નિરાશ થઈ જતી. યૌવનમાં આવ્યા પછી ખૂબ જ ફૂટડો યુવાન બની ગયો હશે ! તલવાર જેવી મૂછો ફૂટી હશે ! કસાયેલ બાંધાના ભરાવદાર દેહ જો હીરાને જોવા મળી જાય તો તે ગાંડી થઈ જાય.

જન્માષ્ટમીના મેળા પર ધનજી અવશ્ય બાજપુર આવતો. બચપણમાં હીરા સાથે માણેલી મેળાની મજાના દિવસોને યાદ કરી, મીઠી યાદમાં ખોવાઈ જતો. ઘણીવાર આંખોમાંથી હર્ષનાં આંસુ સરી પડતાં. યુનિવર્સિટીની ડીગ્રી લઈ ધનજી વતન આવી ગયો. નજીકમાં સાતમ-આઠમનો મેળો આવી રહ્યો હતો. તેને બચપણનાં સંસ્મરણો યાદ આવતાં. મેળાના દિવસે ગામડાના પોષાકમાં સજ્જ થઈ ઉપડયો. આજ તો મિલનનો મેળો માણવાનો છે.

શું હીરા મળશે ખરી ? હીરા મળી જાય તો જીવનનો અમૂલ્ય ખજાનો મળે સમજો. ડાકોરનો મેળો ખૂબ પ્રખ્યાત હતો. ચાલતો નીકળી પડયો. હીરાનાં સપનાં જોતો મદમસ્ત જુવાનની ગતિ તો જુઓ. રસ્તામાં એક વડલો આવ્યો. થાક લાગતાં વડલા નીચે બેઠો તેની સામે સરી જતા અનેક જુવાનડીઓને જોતો હતો કે ક્યાંય છે મારી સખી હીરા ? મારી બાળપણની ભેરુ... શું તેનાં મા-બાપ તેને મેળામાં આવવા દેશે ખરાં ? આવા વિચારો કરતો ધનજી આવતા-જતા મહેરામણને નીરખતો હતો. ત્યાં અરે વાહ, એની નજરે એક યુવતી નજરે પડી. દિલમાં ઝબકારો થયો. મન-મંદિરના ઝાલર ઝણઝણી ઊઠયા. હૈયામાં પ્રેમની જ્યોત પ્રગટી. મનમાં અને હૈયામાં  અષાઢી વીજળીનો ચમકારો થયો. ધનજીનું હૈયું હરિયાળું બની ગયુ. એ યુવતી ઝપાટાભેર ત્યાંથી સરી ગઈ.

ધનજી ઊભો થયો. તે યુવતીનો પીછો કર્યો. મેળામાં ચાલી જતી એકલી એ હીરા જ હતી. હીરાને મળવાનો અભરખો હતો. પણ ધનજીને યાદ આવ્યું. બચપણમાં એકબીજાના થવાના કોલ આપી ચૂક્યાં હતાં. તે હીરાને તેના મા-બાપે હાથ પીળા કરી બીજે વળાવી તો નહીં દીધી હોય ને ! અને એવું હોય તો મેળામાં એકલી તો ના આવે. જરૂર કંઈક આશા દેખાય છે. આગળ જઈ તે ઊભી રહી.

આ દરમિયાન હીરાએ ધનજીને આવતો જોયો અને તેણે ઘૃણાથી દ્રષ્ટિ ફેરવી લીધી. પણ ધનજીએ આખું કારણ જાણી લીધું હતું. ધનજીના મા-બાપે હીરાની સગાઈ માટે પૂછાવ્યું હતું પણ હીરાએ ના પાડી દીધી હતી. આ વાતનું રહસ્ય ધનજીને ખબર નથી. હીરાએ શા માટે મારી સાથે સગાઈ કરવાની ના પાડી હશે ?

'હીરા ! તું શા માટે મારી સાથે બોલતી નથી ?'

'પણ કેમ બોલું ?'

'હું તારો પ્રેમ ભૂલ્યો નથી, તને ચાહું છું.'

'પણ હવે હું બીજાની થઈ ચૂકી છું. તું નફ્ફટ નીકળ્યો. મને છેતરી છે.'

'તું મારી થઈ નહી પણ કારણ શું છે ?'

હીરા ધનજીને રસ્તા વચ્ચેથી બાજુમાં લઈ ગઈ. નફરત સાથે હૈયે તો વ્હાલનો વીરડો ફૂટયો હતો. ધનજી એની પ્રીત હતો. બંને અડોઅડ ઊભાં રહ્યાં. હીરા બોલી તું હમણાં એકવાર મારા ગામમાં કોઈના લગ્ન પ્રસંગમાં આવ્યો હતો ખરું ને ? તેણે હા પાડી સ્વીકાર કર્યો. એ વખતે તે જ ેઅંગરખું પહેર્યું હતું એના પર પાછળ 'મારી પ્રિય હિરલ' એવું છોકરીનું નામ લખ્યુ ંહતું. હું તને મળવા જ આવી ત્યારે તું પૂંઠ ફેરવી મિત્રો સાથે વાતોમાં જામ્યો હતો. પણ મને થયું કે તું હિરલને પરણી ગયો છે. 'મારી હિરલ' શબ્દોએ મારુ ંહૈયું હચમચી ગયું. તારા જીવનમાંથી 'હીરા' ના કાઢી હિરલને બેસાડી દીધી છે. હું ખુબ જ દુ:ખી થઈ. લટ દઈને હું પાછી ફરી ગઈ. તારી સગાઈની વાત તારા મા-બાપ તરફથી આવી ત્યારે મે ંસગાઈ કરવાની ના પાડી દીધી. ને હું મારા મા-બાપના આગ્રહથી મારા ધનજીને છોડીને કમને હું કાનજીને પરણી ગઈ.

ઓ બાપરે !! હીરા તેં આ શું કર્યું ? ધનજીના દેહ પર કોઈએ ફટકો માર્યો એટલો ઘા થયો.

અરે હીરા... એ અંગરખુ મારા સગાની દીકરીનું એટલે કે એના ધણીનું હું માગીને લાવ્યો હતો. હીરલ તો મારા મામાની દીકરી છે.

હીરા તું મારી છે, મારી હતી અને મારી રહેશે. આજે કેટલા ઉમંગથી હું તને મળવા આવ્યો છું.  મને એક કોલેજના પ્રોફેસર તરીકેની નોકરી મળી ગઈ છે એ તને કહેવા મેળામાં આવ્યો હતો. તને મારા જીવન સાથી તરીકે સ્વીકારવાની વાત લઈને આવ્યો છું.

બોલ હવે હું શું કરું....!!

ધનજી, તું ચિંતા ના કર. તારો મારો પ્રેમ સંબંધ વાસના વિહિન છે. ભલે શરીરથી હું મારા પતિ કાનજીની છું, પણ દિલથી હું તારી જોડે છું. અને જીવનભર આપણું સ્નેહનું 'અતૂટ બંધન' અમર રહેશે.