- સરદાર @150-હસિત મહેતા
- કોર્ટ બહાર નીકળીને તે બનાવટી ગુસ્સો કરતાં બરાડયો કે આ શું થયું? બોટલમાંથી દારૂ ક્યાં ગયો અને પાણી કેમનું આવી ગયું? વલ્લભભાઈએ હસતા-હસતાં પરખાવી દીધું કે એ બોટલો જેની કસ્ટડીમાં હતી, તે પી ગયા હશે.'
વ લ્લભભાઈએ બોરસદની વકીલાતમાં સફળ થવાની અને ધનભંડોળ એકઠું કરવાની એકમાત્ર જીવનનેમ રાખી હતી. સવાર-સાંજ તેઓ કોર્ટના કેસોની ગૂંચ ઉકેલવામાં, પુરાવાઓ એકઠાં કરવામાં, અસીલની ઝીણી વિગતો શોધવામાં, અને વિરોધીની ઉલટતપાસમાં પોતાની જીતનો પાયો નાંખવામાં વ્યસ્ત રહેતાં. બોરસદમાં મોટાભાઈ કે બે-ચાર દોસ્તારો સાથે ગામગપાટાં માર્યા સિવાય બીજો કોઈ આનંદ તેમણે રાખ્યો નહોતો. હા, ક્યારેક હૂક્કો ગટગટાવતાં તો ક્યારે પાનામાં બ્રીજની રમત રમતાં થોડી હસીમજાક લૂંટી લેતાં.
તેઓ પોતાની વકીલાત માટે પોતાની મુખમુદ્રા જેટલાં જ ગંભીર હતા. વકીલાતપણામાં તેમની ખરી આવડત કાયદાની કલમોના અર્થઘટનો કરવામાં કે પછી ઉપરી અદાલતોના જજમેન્ટો ટાંકવામાં હતી, તેથી વધારે અસીલને થયેલાં અન્યાયને મૂળ સુધી જઈને સમજવામાં હતી.
કોઈપણ કેસ હાથમાં લીધા પછી વલ્લભભાઈના મન-મગજમાં પહેલાં એ આખો કેસ ચાલી જતો, અને તેમાં જો એમને એમ પ્રતિત થાય કે પોતાનો અસીલ નિર્દોષ કે છેતરાયેલો છે, તો જ્યાં સુધી એને કોર્ટમાંથી છોડાવે નહીં, ત્યાં સુધી જંપીને બેસે નહીં.
આ માટે તેઓ અસીલ જોડે વાંરવાર વાતચીતો કરતા. એની માનસિક્તા, એની સામાજિક સ્થિતિ, એના ઉપર લગાવાયેલા આરોપની તર્કબદ્ધ સચ્ચાઈ, આ બધાનો અભ્યાસ વલ્લભભાઈ ખૂબ સંવેદનશીલતાથી અને ઝીણવટભરી રીતે કરતાં. એ માટે કેસની આંતરબાહ્ય વિગતોનો પૂર્વાપર સંબંધ પણ શોધતા.
એક વખત આવો જ એક નિર્દોષ અસીલ તેમના પગથિયે આવી ચઢયો. બોરસદના આબકારીખાતાના એક પોલીસ અમલદારે એ અસીલને ગેરકાયદેસર દારૂ ગાળનાર તરીકે ઝડપ્યો હતો. તેની પાસેથી રંગેહાથ ઝડપાયેલા દારૂ ભરેલા શીશા પણ કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસ ખાતાવાળાને તો કોઈપણ વ્યક્તિને ઝડપી પાડીને દારૂના ગુનાને ડામવાની કામગીરી અને સફળતાને સાબિત કરવાનું ભારણ માથે બેઠું હતું. આમ કરવા માટે પેલા અસલ ગુનેગારો, કે જેઓ રીતસર દારૂની હાટડી માંડીને બેઠા છે, તેમને તો અડકાય તેમ પણ નહોતું. કારણ કે એ દારૂના ધંધાવાળાઓ પોલીસને ટેબલ નીચે તગડી રકમ આપીને જ પોતાનો ગેરકાયદેસરનો ધંધો ચલાવતા હતા.
એટલે, પોલીસે, 'પુરી એક અંધેરી નગરી'ની વાર્તામાં આવે છે, તે રીતે જે કોઈ હાથે ચઢયો એ નિર્દોષને ઝડપી પાડીને કોર્ટમાં રજૂ કરી દીધો. પોતાના અસીલની આવી આપવીતી સાંભળીને વકીલ વલ્લભભાઈ તો વિફર્યા અને કોર્ટના કઠેડા સામે ઉભા રહીને પોતાના અસીલને બચાવવા ઝઝુમવા લાગ્યા.
એક સવારે આ કેસ જજ સામે ચાલવા ઉપર આવ્યો. પોલીસ તરફેના વકીલે આરોપી દારૂનો વ્યવસાય કરતો નામચીન ગુનેગાર છે, એમ કહીને પોતાની દલીલના સમર્થનમાં બે દારૂ ભરેલા શીશા પણ તેની પાસેથી જ ઝડપાયા હોવાની દલીલો કરી.
વલ્લભભાઈએ કોર્ટ બહાર પોતાના અસીલને બેસાડીને બરાબરની પૂછપરછ કરી હતી. પોતાની ઓફિસમાં જ જાણે કોર્ટ ચાલી રહી હોય તેવી ઉલટ તપાસ અસીલની કરી જોઈ, અને મનોમન ઠેરવ્યું કે અસીલ નિર્દોષ છે, અને પોલીસવાળા તેને ખોટું તરકટ ઉભું કરીને ફસાવી રહ્યા છે.
આ વાત દાઢમાં રાખીને બીજી મુદ્દતે વલ્લભભાઈ આ આરોપીના બચાવમાં કોર્ટમાં ઉભા થયા. કેસની શરૂઆત થઈ. સુનવણી ચાલતી હતી તે દરમ્યાન જ વલ્લભાઈએ કોર્ટમાં પેલા બે દારૂના શીશા જોવાની માંગણી કરી. તેમને બે ભરેલા શીશા બતાવવામાં આવ્યા. વલ્લભભાઈએ તેનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું, અને પોતાના અસીલે તેમને જણાવેલ વાત સાચી હશે, એમ તેમને લાગ્યું. એટલે વલ્લભભાઈ અચાનક કોર્ટમાં તાડૂક્યાં, અને દલીલો કરી કે આ શીશામાં જે પ્રવાહી છે તે શંકાસ્પદ છે, તેનો ડોક્ટરી રીપોર્ટ મેળવવો જોઈએ. વલ્લભભાઈની દલીલો સ્વીકારાઈ, અને પેલા શીશાઓની મેડીકલ તપાસ કરાવવાનો હુકમ થયો.
બીજી મુદતે એ રીપોર્ટ કોર્ટમાં વંચાયો, ત્યારે ખબર પડી કે એમાં તો જે પ્રવાહી છે એ માત્ર પાણી છે, દારૂ નથી. મજિસ્ટ્રેટે પોતાના અસીલને નિર્દોષ ઠેરવતો હુકમ કર્યો, અને પેલા આબકારીખાતાના પોલીસમેનનો ચહેરો સાવ પડી ગયો.
કોર્ટ બહાર નીકળીને તે બનાવટી ગુસ્સો કરતાં બરાડયો કે આ શું થયું? બોટલમાંથી દારૂ ક્યાં ગયો અને પાણી કેમનું આવી ગયું? વલ્લભભાઈએ હસતા-હસતાં પરખાવી દીધું કે એ બોટલો જેની કસ્ટડીમાં હતી, તે પી ગયા હશે. મજિસ્ટ્રેટ સામે તો પેલો પોલીસ અધિકારી બોલે પણ શું?


