Get The App

કુંડલિની ઊર્જા અને પરિપૂર્ણતાની અનુભૂતિ

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
કુંડલિની ઊર્જા અને પરિપૂર્ણતાની અનુભૂતિ 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- મનુષ્યને લાગે છે કે તેની પાસે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ એવી હોવી જોઈએ, જે તેને પરિપૂર્ણતાની અનુભૂતિ કરાવી શકે. આપણી ખરી પ્રકૃતિ તો સ્વત: જ સંપૂર્ણ અને વિશુદ્ધ છે... 

કું ડલિની ઊર્જા સૌની અંદર સુષુપ્ત અવસ્થામાં વિદ્યમાન છે. સુષુપ્ત... કારણ કે જન્મ સમયથી જ બાળકને તેની ઓછપ અને અધૂરપનો સતત અહેસાસ અપાવવામાં આવે છે. તેની સરખામણી હંમેશા અન્યો સાથે કરવામાં આવે છે અને એમના જેવાં બનવા માટે ઉદાહરણો આપવામાં આવે છે. કદી પણ એવું નથી જણાવવામાં આવતું કે જે છે એ બરાબર છે... માણસ જેવો છે, એવો સારો છે. સમાજ આપણી ભીતર સતત કોઈક પ્રકારની ખૂબી અથવા ગુણ વિકસાવવા તત્પર હોય છે. આ પ્રકારની સાંકળો જ માણસની અંદર અપૂર્ણતાના ભાવને જન્મ આપે છે. એનાથી ઉપર ઊઠવા તેમજ ભૌતિક દુનિયામાં પરિપૂર્ણતા પામવા માટે ખાંખાખોળા કરવાની શરૂઆત કરી દે છે. આપણે એવા લોકોની શોધમાં મચી પડીએ છીએ, જે આપણને 'અપ્રૂવલ' આપી શકે... જે વખાણ કરી શકે... પીઠ થપથપાવી શકે! આવું કરવાના ચક્કરમાં, માણસ પોતાની એ શક્તિઓથી દૂર થતો જાય છે, જેની સાથે તેને ધરતી પર મોકલવામાં આવ્યો હોય છે... જે વાસ્તવમાં જન્મજાત હોય છે.

ઓમ સ્વામી લિખિત અંગ્રેજી પુસ્તક 'કુંડલિની'ના ત્રીજા અધ્યાયમાં આ લખાણ હૃદયને સ્પર્શી ગયું હતું. કદી વિચાર્યુ છે કે સ્ત્રી અને પુરુષ મોટેભાગે સંભોગ પછી શા માટે પરિપૂર્ણતાનો અનુભવ કરે છે? ભલે એ સંતોષ સાવ ક્ષણિક હોય, પરંતુ એ ભાવનું મનમાં પ્રગટ થવા પાછળનું મૂળ કારણ શું છે? ખરેખર તો એ સમયગાળા દરમિયાન સ્વાભાવિક રીતે જ સુરક્ષિતતા, પ્રેમ અને સહજતાનો ભાવ પ્રગટ થાય છે. મનુષ્ય દ્વારા જે પણ કાર્યો થાય છે, એનું પ્રયોજન સ્વયંનો સંપૂર્ણ અનુભવ થાય અને સંતોષ અનુભવાય એ હોય છે, ભલે પછી એ ગમે એટલી નિુરતા સાથે કે અવચેતન મનની અવસ્થામાં થતાં હોય! તરસ લાગે ત્યારે પાણી અને ભૂખ લાગે ત્યારે આપણે ભોજન કરીએ છીએ. સ્વયંની ભીતર મનુષ્ય જે અભાવનો અનુભવ કરે, એ ઓછપને પરિપૂર્ણતામાં પરિવર્તિત કરવા માટે પ્રકૃતિ તેને એ કાર્ય કરવા માટે વિવશ કરે છે.

આપણામાંથી અમુક લોકો એ પરિપૂર્ણતાનો ભાવ અનુભવવા માટે પદ, સત્તા, યશ અને ધન વગેરેની પાછળ દોટ મૂકે છે. મોટેભાગે લોકો પોતાના તૂટેલાં સંબંધોની ભરપાઈ કરવા માટે એક પછી એક નવા નવા તાંતણે બંધાતા જાય છે. આવું શા માટે? કારણ કે આપણને આ રીતે જ બનાવવામાં આવ્યા છે. મનુષ્યને લાગે છે કે તેની પાસે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ એવી હોવી જોઈએ, જે તેને પરિપૂર્ણતાની અનુભૂતિ કરાવી શકે. આપણી ખરી પ્રકૃતિ તો સ્વત: જ સંપૂર્ણ અને વિશુદ્ધ છે... આ જ પરમાનંદ છે. અલબત્ત, માનવમાત્રનાં વિચારો અને સમાજ દ્વારા રખાતી માંગણીઓ જ તેને સતત અધૂરપનો અહેસાસ કરાવતાં રહે છે. જીવનમાં પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે માણસને કોઈ વસ્તુ અથવા વ્યક્તિનો સાથ જોઈશે જ, એ ધારણા આનું મૂળ છે.

એકસમાન વસ્તુ કદી એકબીજા તરફ આકર્ષાતી નથી અથવા પરસ્પર પૂર્ણતાનો અનુભવ નથી કરાવી શકતી. માત્ર એકબીજાથી વિરોધી ગણાતી વસ્તુઓને જ પરસ્પર આકર્ષણ અનુભવાતું હોય છે, જેમકે, ઉત્તર ધુ્રવ અને દક્ષિણ ધુ્રવ! ઉત્તર ધુ્રવ ક્યારેય બીજા ઉત્તર ધુ્રવ તરફ આકર્ષિત નહીં થાય. ઉત્તર ધુ્રવનું આકર્ષણ દક્ષિણ ધુ્રવ માટે જ હશે. સ્વયંને સંપૂર્ણ અનુભવવાની ભાગદોડ અને સંઘર્ષ વચ્ચે મનુષ્ય પોતાની જરૂરિયાત અનુસાર વિપરિત વસ્તુ અથવા વ્યક્તિ પ્રત્યે આકર્ષણ અનુભવતો રહે છે. તેને લાગે છે કે આવું કરવાથી તેની અંદર પ્રવર્તમાન ઓછપ અથવા અધૂરપ ખતમ થઈ જશે, પરંતુ થાય છે એનાથી સાવ ઉલ્ટું! આ વૃત્તિને કારણે માણસ સતત ખોટા જીવનસાથી, ખોટી નોકરીઓ, ખોટા બોસ વગેરેને પોતાના જીવનમાં પ્રવેશ આપતો રહે છે.