Get The App

મા-બાપ નથી જોઈતા, ઈચ્છા મૃત્યુ આપો .

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
મા-બાપ નથી જોઈતા, ઈચ્છા મૃત્યુ આપો                        . 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'સર આ બંને લોકો પતિ અને પત્ની થવા માટે કેપેબલ અને કદાચ ક્વોલિફાય જ નથી. તેમને પોતાને જ ખબર નથી કે, મેરેજ શું હોય, પરિવાર શું હોય અને સંતાનો શું હોય...'

'જુ હી બેટા, થોડા સમયમાં લોયર અંકલ આવશે. તને ખબર જ છે કે, લોયર અંકલ તને શું પુછવાના છે. તારે હવે નક્કી કરી નાખવું પડશે કે તારે કોની સાથે રહેવું છે. બેટા કોઈના આધારે ક્યાં સુધી રહીશ. તારી લાઈફ સેટલ કરવા માટે કોઈ તો નિર્ણય લેવો પડશે ને.' - દિવ્યાએ કહ્યું અને જુહીએ માત્ર હકારમાં માથું હલાવ્યું.

'તારી સ્કુલમાં પણ મેં વાત કરી લીધી છે કે આ વીકમાં તારે કોર્ટમાં જવાનું છે અને તેથી તું એકાદ-બે દિવસ આવીશ નહીં. લગભગ આ હિયરિંગમાં ડિસિઝન આવી જ જશે પણ કદાચ ન આવે તો આવતા હિયરિંગમાં તો જજ ચુકાદો આપી જ દેશે. મેં પ્રિન્સિપાલ મેડમને આ બધું જ જણાવી દીધું છે.' - દિવ્યા ફરીથી બોલી. જુહીના ચહેરા ઉપર એક કટાક્ષભર્યું સ્મિત આવ્યું. 

'ફીયા તમને શું લાગે છે, મારે કેવો નિર્ણય કરવો જોઈએ. મારે કોની સાથે રહેવું જોઈએ જેનાથી મારું ફ્યુચર સિક્યોર થઈ જાય. મને નથી લાગતું કે, આ લોકોનું પોતાનું ફ્યુચર સિક્યોર હોય. તેમાંથી કોઈની પાસે પણ જવાનું આવે મને તો ફ્યુચર ડાર્ક જ દેખાય છે. આઈ થિંક આઈ હેવ ટુ ચુઝ સમથિંગ ડિફ્રન્ટ. ડોન્ટ વરી આઈ વિલ મેનેજ.' - જુહી મક્કમતાથી બોલી અને દિવ્યા વિચારમાં પડી ગઈ. તે આગળ કંઈ બોલવા જાય તે પહેલાં જ ડોરબેલ વાગ્યો. તેણે ઊભા થઈને દરવાજો ખોલ્યો ત્યાં સામે સ્વરૂપ વકીલને લઈને આવી ગયો હતો.

સ્વરૂપ અને વકીલ આવીને સોફામાં ગોઠવાયા અને જુહી પણ પોતાની ચેરમાં વ્યવસ્થિત બેસી ગઈ. દિવ્યા કિચનમાં પાણી લેવા માટે ગઈ પણ તેનું મન અને કાન બંને લિવિંગરૂમમાં જ હતા. તે ઝડપથી પાણી લઈને આવી ગઈ અને રસોઈવાળા બેનને ચા બનાવવાનું કહી દીધું.

'કેમ છે જુહી બેટા. સ્કુલ કેવી ચાલે છે. બધું બરોબર સેટ થઈ ગયું છે. તારા ફ્રેન્ડ્સ શું કરે છે.' - જુહીને મળવા આવેલા વકીલે ઔપચારિક વાતો કરી.

'અંકલ, એવરિથિંગ ઈઝ ઓલરાઈટ. આઈ એમ સોરી બટ... તમે જેના માટે આવ્યા છો તેની જ વાત કરવા માંડો. આ બધી ફોર્માલિટીની જરૂર નથી.' - જુહીએ જવાબ આપ્યો અને સામે બેઠેલા ત્રણેય અવાચક રહી ગયા.

'જો દીકરી સ્થિતિ એવી છે કે, તારી મમ્મી તારી કસ્ટડી લેવા માગે છે પણ તેમની કોઈ ફાઈનાન્સિયલ કન્ડિશન છે નહીં કે તને સારી સ્કુલમાં ભણાવી શકે અને તારું ફ્યુચર સિક્યોર કરી શકે. તારા પપ્પાએ તારા માટે કેટલું બધું કર્યું છે. તારી દરેક ડિમાન્ડ પૂરી કરી છે. તને શહેરની સારામાં સારી સ્કુલમાં ભણાવે છે. વેકેશનમાં તને અબ્રોડ લઈ જાય છે, તને સ્કુલ જવા અને આવવા માટે કારની વ્યવસ્થા કરી છે.'

'તું તારી મમ્મી સાથે જતી રહીશ તો આ બધી જ ફેસિલિટી નહીં મળે. તારી મમ્મી પાસે એ ક્વોલિફિકેશન પણ નથી કે તેમને આટલી સારી સેલેરી મળે કે પોતાનો બિઝનેસ શરૂ કરીને તને ક્વોલિટી લાઈફ આપી શકે. સારી લાઈફ જીવવા માટે પૈસા ખૂબ જ જરૂરી છે.' વકીલે તેને સમજાવતા કહ્યું.

'ઓકે અંકલ. મને તમારી વાત સમજાઈ ગઈ છે. મારે હજી મમ્મીને પણ મળવાનું બાકી છે. હું તમારી વાત ઉપર વધારે ફોકસ કરીશ એવું મને લાગે છે. મારે જે કરિયર એસ્પાયર કરવી છે તેના માટે વધારે પૈસા જોઈશે અને તે પપ્પા જ આપી શકે તેમ છે. હું મમ્મીને મળવા જાઉં છું. બે દિવસ પછી કોર્ટમાં આવી જઈશ. થેંક્યુ ફોર યોર કન્સર્ન એન્ડ એડવાઈઝ.' - જુહીએ જવાબ આપ્યો અને ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી. સાંજે સ્વરૂપ અને દિવ્યા તેને તેની મમ્મીના ઘરે મુકી આવ્યા. 

જિગિશા અને ધ્યેયના લગ્ન ભંગાણના આરે હતા. તેઓ ડાઈવોર્સનો કેસ લડી રહ્યા હતા. તેના પગલે કોર્ટ દ્વારા તેમની દીકરી જુહીને આ કેસમાં કાઉન્સેલિંગ માટે દિવ્યા અને સ્વરૂપને સોંપી હતી. દિવ્યા અને સ્વરૂપ જિગિશા અને ધ્યેયના જ ફેમિલિ ફ્રેન્ડ હતા અને તેમની સાથે રહેવામાં જુહી કમ્ફર્ટેબલ હતી તેથી આ કામચલાઉ નિર્ણય લેવાયો હતો. જુહી સોમથી શુક્ર અહીંયા રહેતી અને વિકેન્ડમાં એક વખત મમ્મી પાસે અને બીજી વખત પપ્પા પાસે જતી હતી. છ મહિનાથી આ ક્રમ ચાલતો હતો. હવે તેમના ડાયવોર્સનો ફાઈનલ ચુકાદો આવવાનો હતો.

જુહી સાંજે મમ્મીના ઘરે પહોંચી ગઈ. બંને જણા ત્યાંથી જ બહાર ચક્કર મારવા નીકળી ગયા અને ડિનર કરીને રાત્રે ઘરે આવ્યા. બંને જણા બેડરૂમની બાલ્કનીમાં વાતો કરવા ગોઠવાયા.

જિગિશાની મોટી બહેન, જિગિશાના ભાઈ-ભાભી અને જુહી એમ બધા જ લોકો બાલ્કનીમાં ગોઠવેલી ખુરશીઓમાં બેઠા હતા.

'જો બેટા, તારા ફ્યુચરની વાત છે. તારે એવી વ્યક્તિ પસંદ કરવી જોઈએ જે આખી જિંદગી તારી સાથે રહે, તને ઈમોશનલ સપોર્ટ કરે અને તારું ફ્યુચર સિક્યોર કરવામાં મદદ કરે.' - જિગિશાની મોટી બહેને કહ્યું.

'હા. વાત સાચી છે. તું જે સ્કુલમાં ભણે છે અને આગળ તારે જે ભણવું છે તેના માટે તારા પપ્પા જ પૈસા ખર્ચી શકે છે તેવું નથી. તારા મામા હજી જીવે છે. તું અને જિગિ અહીંયા આખી જિંદગી રહેશો અને આનંદ કરશો. તમને જરાય કચાશ રહેશે નહીં. તારી પસંદગી ઉપર જ તારું ભવિષ્ય નક્કી થવાનું છે.' - જિગિશાના ભાઈએ જુહીને કહ્યું.

વારાફરતી બધાએ જુહીને વિવિધ દલીલો કરી અને ચોક્કસ નિર્ણય૨ કરવા માટે સમજાવી. જુહીએ માત્ર માથું હલાવીને દરેકની વાતમાં હામી ભરી અને બીજા દિવસે સાંજે પાછી દિવ્યા લોકોના ઘરે જતી રહી. તેના બે દિવસ બાદ કોર્ટમાં હિયરિંગ ચાલતું હતું ત્યારે જુહીને હાજર કરવામાં આવી.

'બેટા જુહી, આર યુ રેડી ટુ ટોક વિથ અસ. ડુ યુ નીડ એની અસિસ્ટન્સ.' - ધ્યેયના વકીલે કહ્યું. 

'નોટ એટ ઓલ સર. માય લોર્ડ આઈ વોન્ટ ટુ સે સમથિંગ બિફોર ધીસ કોર્ટ. એઝ એન ઈન્ડિવિડયુઅલ આઈ હેવ માય ઓન રાઈટ્સ એન્ડ ફિલિંગ્સ. આઈ વોન્ટ ટુ શેર વિથ યુ.' - જુહી બોલી. જજે માથું હલાવીને પરવાનગી આપી.

'સર તમને ખબર છે આ મારા પપ્પા. તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે. તે ઘરની બહાર હોય ત્યાં સુધી જ સારો છે. ઘરમાં તો તેઓ ડોમિનેટેડ મેલ તરીકે વર્તે છે. ઘરમાં તે પિતા, પતિ કે પુત્ર હોતા નથી પણ ઘરમાં પૈસાનો ઢગલો કરનાર એક પુરુષ હોય છે. એક એવો પુરુષ જેના માટે પોતાના સિવાય બીજા કોઈનું અસ્તિત્વ જ નથી. બાકીના લોકો માત્ર તેના ઈશારે ભૌતિક સુખ ભોગવવા આવ્યા છે.'

'બીજી તરફ મારી મમ્મી છે. તે અત્યંત લાગણીશીલ છે પણ હકિકતે ઈમોશનલ ફુલ છે. તેની મોટી બહેન કે જે પોતાના પતિ સાથે રહી નહોતી અને કરોડો રૂપિયાની એલિમની લઈને જલસા કરે છે તેની વાતમાં આવીને છુટાછેડા લેવા તૈયાર થઈ છે. તેની પોતાની કોઈ આઈડેન્ટિટિ નથી. તેની પાસે એવું ક્વોલિફિકેશન નથી કે અમારા બંનેને વ્યવસ્થિત કહી શકાય એવી જિંદગી મળે. તેમ છતાં લોકોની વાતમાં આવીને તે સંસાર તોડવા તૈયાર થઈ છે.'

'સર આ બંને લોકો પતિ અને પત્ની થવા માટે કેપેબલ અને કદાચ ક્વોલિફાય જ નથી. તેમને પોતાને જ ખબર નથી કે, મેરેજ શું હોય, પરિવાર શું હોય અને સંતાનો શું હોય. આ લોકો કૂતરાની જેમ ઝઘડે છે, એકબીજા સાથે મારપીટ કરે છે. 

ઘરમાં જ ગંદી ગાળો બોલે છે. આ લોકો વચ્ચે દેખીતો કોઈ મુદ્દો જ નથી કે જેના કારણે તેઓ છુટાછેડા લેવા સુધી પહોંચી ગયા. આ લોકોને એ વાતનો જરાય અંદાજ નથી કે, છેલ્લાં ચાર વર્ષથી તેમના જે ઝઘડા ચાલે છે તેની મારા ઉપર શું અસર થઈ છે. મારી મેન્ટલ કન્ડિશન એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે હું જાત ઉપરથી વિશ્વાસ ગુમાવી બેઠી છું.'

'જજ સર, મારી રિક્વેસ્ટ છે કે, આ લોકોને વહેલી તકે છુટા કરી દો. આ માણસો એક સ્ત્રી અને પુરુષ તરીકે જુદા જુદા રહેવા સર્જાયેલા છે. તેમના માટે દાંપત્ય જેવું કશું જ નથી. માત્ર પોતાના સ્વાર્થને પ્રાધાન્ય આપીને જીવતા લોકો સાથે મને રહેવામાં રસ નથી. મારે બંનેમાંથી કોઈની પાસે જવું નથી. મારે આ મા-બાપ જ જોઈતા નથી. તમે ખરેખર મને કંઈક આપવા માગતા હોવ તો ઈચ્છા મૃત્યુ આપી દો. આવા લોકો સાથે રહેવું તેના કરતા આરામથી મરી જવું મને વધારે ગમશે. થેંક્યુ સર. હું વધારે બોલી ગઈ હોઉં તો, આઈ એમ રિયલી વેરી સોરી.'