Get The App

શારદાનંદ તિવારી : દુકાનમાં નોકરી કરીને કમાયેલા નાણાંથી પહેલી હોકી સ્ટીક ખરીદી હતી

Updated: Dec 14th, 2025

GS TEAM

Google News
Google News
શારદાનંદ તિવારી : દુકાનમાં નોકરી કરીને કમાયેલા નાણાંથી પહેલી હોકી સ્ટીક ખરીદી હતી 1 - image


- લખનઉમાં જન્મેલા ભારતની જુનિયર હોકી ટીમના ડિફેન્ડરની રોચક સફર

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- ભારતીય હોકીની આગામી પેઢીનો યુવા ખેલાડી જુનિયર એશિયા કપ અને સુલતાન જોહોર કપમાં સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે

સ્વ પ્નને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેનારને ક્યારેય કોઈ પણ વિઘ્ન નડતું નથી. પરિસ્થિતિ ભલે ને કેટલી વિકટ હોય અને આગળ વધવાની કોઈ રાહ દેખાતી ન હોય, ત્યારે પણ નિષ્ઠાની સાથે કટિબદ્ધ રહીને મહેનત કરનારી વ્યક્તિ જ તેના પુરુષાર્થને સહારે ભાગ્યને પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવે છે. આ જ મિજાજ અને પ્રયાસો આગળ જતાં અસાધારણ પરિણામ આપનારા બની રહે છે, તેને દુનિયા ચમત્કાર સમજે છે. જોકે, અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી આગળ વધી જનારી પ્રતિભા જ તેની મહેનત અને અંધકારમાં છુપાયેલા તેના સંઘર્ષની એકમાત્ર સાક્ષી હોય છે. ભારતના યુવા હોકી ખેલાડી શારદાનંદ તિવારીની રાષ્ટ્રીય જુનિયર હોકી ટીમ સુધીની સફર પણ અનેક વિઘ્ન અને પરેશાનીઓને પાર કરીને આગળ વધતી રહી છે. 

છેલ્લા બે ઓલિમ્પિકમાં કાંસ્ય સફળતા મેળવનારી ભારતીય હોકી ટીમમાં આગામી સમયમાં સ્થાન મેળવી શકેે તેવા પ્રતિભાશાળી ખેલાડીઓમાં ૨૧ વર્ષના શારદાનંદ તિવારી અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. ભારતની જુનિયર હોકી ટીમમાં છેલ્લા ત્રણ વર્ષથી નિયમિત રીતે સ્થાન ધરાવતા લખનઉનો આ યુવા ખેલાડી રક્ષાપંક્તિમાં સામેલ છે,પણ તેની કુશળતા તેની પાવરફૂલ સ્ટ્રાઈકમાં રહેલી છે. ગોલ પોસ્ટની નજીક પહોંચ્યા બાદ શારદાનંદ જે સ્ફૂર્તિ અને શક્તિથી બોલને ગોલ તરફ ધકેલી દે છે, ત્યારે બંદૂકમાંથી નીકળેલી ગોળીની જેમ ગતિ કરતાં બોલને કોઈ અટકાવી શકતું નથી.

ચેન્નાઈ-મદુરાઈમાં યોજાયેલા (૨૦૨૫) જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં જ્યારે ભારત અને બેલ્જીયમ વચ્ચેનો મુકાબલો નિર્ધારિત સમય બાદ ૨-૨થી ડ્રો થયો, તે પછી પેનલ્ટીશૂટઆઉટનો નિર્ણય લેવાયો. તેમાંય હરિફ ટીમના ગોલકિપરે પેનલ્ટીમાં કરેલા ફાઉલને કારણે ભારતને ત્રણ વખત પેનલ્ટી સ્ટ્રોક મળ્યો. હોકીમાં નવા નિયમ અનુસાર પેનલ્ટી દરમિયાન ખેલાડી બોલને ડ્રિબલ કરતાં-કરતાં આગળ વધે છે અને ગોલ ફટકારવાની કોશીશ કરે છે. હવે આ દરમિયાન જો ગોલકિપર ફાઉલ કરે તો હરિફ ટીમને પેનલ્ટી સ્ટ્રોક મળે છે, જે ફૂટબોલની પેનલ્ટી કીક જેવો હોય છે. જેમાં ખેલાડીને ગોલપોસ્ટ નજીકના સ્પોટથી એક જ પૂશમાં બોલને ગોલમાં મોકલવાનો હોય છે. 

બેલ્જીયમ સામેની મેચમાં ભારતને પેનલ્ટી શૂટઆઉટ દરમિયાન ત્રણ વખત આ પ્રકારના પેનલ્ટી સ્ટ્રોક મળ્યા હતા અને ત્રણેય વખત શારદાનંદ તિવારીએ ગોલ ફટકારીને જુનિયર ટીમ ઈન્ડિયાને જીત તરફ આગળ ધપાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેનું આ જ કૌશલ્ય આગળ જતાં તેને એક અચ્છા પેનલ્ટી કોર્નર સ્પેશિયાલીસ્ટ કે પછી ડ્રેગ ફ્લિકર તરીકેની ઓળખ અપાવી શકે તેમ છે. અલબત્ત, હાલમાં તેની પેનલ્ટી સ્ટ્રોક નિષ્ણાત તરીકેની કુશળતા ચારેેબાજુથી સરાહના કરવામાં આવી રહી છે. 

ભારતને નવ વર્ષ બાદ જુનિયર હોકી વર્લ્ડ કપમાં ચંદ્રક જીતાડવામાં પણ શારદાનંદે મહત્વની ભૂમિકા ભજવી હતી અને કાંસ્ય ચંદ્રક મેચમાં આર્જેન્ટીના સામે ગોલ ફટકાર્યો હતો. આ સાથે ભારત પહેલીવાર બ્રોન્ઝ જીત્યું હતુ. 

માત્ર ૧૫ વર્ષની ઉંમરે આગવી ઝડપની સાથે બોલ પરના જબરજસ્ત નિયંત્રણના કારણેે શારદાનંદને ભારતની જુનિયર હોકી ટીમમાં સ્થાન મળ્યું હતુ અને હવે તે સિનિયર ટીમમાં તક મેળવવાની આશા રાખી રહ્યો છે. ભારતીય ટીમ તરફથી સતત બે જુનિયર વિશ્વકપમાં ભાગ લઈ ચૂકેલા શારદાનંદ તિવારીની રમતમાં ઉત્તરોત્તર સુધારો જોવા મળી રહ્યો છે. અલબત્ત, ભારતમાં હોકી-ફૂટબોલ સહિતની રમતમાં માત્ર સ્ટ્રાઈકર્સના નામ જ વિશેષ ચર્ચામાં રહેતા હોય છે, જ્યારે ટીમની રક્ષાપંક્તિમાં નિર્ણાયક ભૂમિકા ભજવનારા ખેલાડીઓ જાણે કે મૂકસેવકની જેમ હંમેશા ગુમનામીના અંધકારમાં જ રહેતા હોય છે.  જો કે શારદાનંદની પ્રતિભાએ તેની કુશળતા થકી આગવી ઓળખ ઉભી કરી છે. 

ભારતીય હોકીની રક્ષાપંક્તિના ખેલાડી શારદાનંદે જુનિયર લેવલની તમામ મેજર ટુર્નામેન્ટ્સમાં નોંધપાત્ર દેખાવ સાથે સફળતા હાંસલ કરી બતાવી છે. ભારતની સિનિયર ટીમમાં સ્થાન મેળવવા માટે દરવાજો ખખડાવી રહેલા આ યુવા ખેલાડીની હોકીની સફર અત્યંત સંઘર્ષ અને અનિશ્ચિતતાથી ભરેલી રહી છે. લખનઉમાં એક સાધારણ પરિવારમાં ત્રીજા સંતાન તરીકે જન્મેલા શારદાનંદ તિવારીનું બાળપણ લખનઉની ગલીઓમાં વિત્યું હતુ. પિતા ગંગા પ્રસાદ તિવારી હોમગાર્ડનું કામ કરતાં અને સરકારી અધિકારીની કાર પણ ચલાવતા. જ્યારે તેની માતા રાની દેવી ઘરકામ કરતાં. શારદાનંત આઠ વર્ષનો હતો, ત્યારે તિવારી પરિવાર નવા ઘરમાં રહેવા ગયો અને ત્યાં નજીકમાં જ કે. ડી. સિંઘ બાબુ સ્ટેડિયમ આવેલું હતુ. બાળપણમાં શારદાનંતને પતંગબાજીનો શોખ અને તે સ્ટેડિયમની આસ-પાસ જ પતંગ ઉડાડતો અને આ દરમિયાન તેની નજર હોકી રમતાં ખેલાડીઓ પર પડી.

શારદાનંદનો એક ભાઈબંધ હોકીની પ્રેક્ટિસ કરવા જતો અને તેના આગ્રહના કારણે શારદાનંદે પણ હોકી રમવાની શરુઆત કરી. પરિવારની આર્થિક હાલતથી સુપેરે પરિચીત શારદાનંદ એક પણ રુપિયાનો ખર્ચ કરી શકે તેમ નહતો, પણ તેની હોકી રમવાની તીવ્ર ઈચ્છાના કારણે સ્થાનિક કોચ અરુણ યાદવે તેની મદદ કરવાનું નક્કી કર્યું. તેને જુની હોકી સ્ટીક અને શૂઝ મળ્યા અને તેની હોકી ખેલાડી તરીકેની સફરનો પ્રારંભ થયો. અલબત્ત, જુની હોકી સ્ટીક વધુ ચાલે તેમ નહતી, પણ શારદાનંદ દોરી બાંધીને કે પટ્ટીઓ લગાવીને એ સ્ટીક સાવ તૂટી ન જાય ત્યાં સુધી ચલાવતો.

પિતાને તો તે નવી સ્ટીક લાવવાનું કહી શકે તેમ હતો જ નહીં, આખરે ઉનાળાના વેકેશન દરમિયાન તેણે નજીકની કરિયાણાની દુકાનમાં કામ કરવાનું શરુ કર્યું અને ત્રણ મહિનામાં ૭૦૦ રુપિયાની કમાણી કરી. આ કમાણીમાંથી તેણે તેની પહેલી હોકી સ્ટીક ખરીદી. આ અંગેની જાણ થતાં તેના પિતા ગંગાપ્રસાદ પહેલા તો પુત્ર પર રોષે ભરાયા પણ બીજી જ પળે પુત્રની સમજણને જોઈને આંખોમાં ઝળહળિયા આવી ગયા. તે દિવસથી જ તેમણે ડબલ શીફ્ટમાં કામ કરવાનું શરુ કરી દીધું અને શારદાનંદને કહ્યું કે, તારે જે કંઈ પણ જરુર હોય તે વિના સંકોચે મને કહી દેવાનું.

નાનકડા શારદાનંદની પાસે હવે હોકી સ્ટીક અને કીટ પણ હતી. તેને એટલી ખબર હતી કે, હવે પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી અને આ કારણે તેને હોકીમાં તેનો જીવ રેડી દીધો. આ પછી જ પિતાએ તેને લખનઉ સ્થિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં તાલીમ માટે દાખલ કર્યો, જ્યાં કોચ નીલમ સિદ્દીકીએ તેની પ્રતિભાનો ચમકારો જોયો અને તેની પાછળ મહેનત કરવાનું શરુ કર્યું. આ પછી ૨૦૧૯ સબ જુનિયર નેશનલ હોકીમાં રજત ચંદ્રક જીતનારી ઉત્તર પ્રદેશની ટીમ તરફથી શારદાનંદ તિવારીએ શાનદાર દેખાવ કરતાં જુનિયર હોકી ટીમના પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું અને આ પછી માત્ર ૧૫ વર્ષની વયે તેને ભારતની જુનિયર હોકી ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.

૨૦૧૯માં ભારતીય ટીમ મલેશિયામાં યોજાતી જુનિયર હોકીની એલિટ ટુર્નામેન્ટ - સુલતાન જોહોર કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય જુનિયર હોકીની સફળતાના પગલે તેની આર્થિક મુશ્કેલીઓનો અંત આવી ગયો, તેની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરની હોકીમાં પણ તેેને આગવી ઓળખ મળી. આ પછી ૨૦૨૩ના જુનિયર  એશિયા કપ અને સુલતાન જોહોર કપમાં સુવર્ણચંદ્રક અને તે પછી ૨૦૨૪ના જુનિયર એશિયા કપમાં સુવર્ણ સફળતા મેળવનારી ટીમમાં સ્થાન ધરાવતી ટીમમાં પણ શારદાનંદ સામેલ હતો. 

ઘરઆંગણાના જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભારતે મેળવેલી કાંસ્ય સફળતામાં નોંધપાત્ર પ્રદાન કરનારા શારદાનંદે જુનિયર લેવલે પોતાની આગવી ઓળખ ઉભી કરી દીધી છે, ત્યારે હવે તે આગામી ઓલિમ્પિકમાં ભારતની રક્ષાપંક્તિમાં સ્થાન મેળવવા માટે કટિબદ્ધ છે.

Tags :