Get The App

શેફાલીની સનફ્લાવર સિટી .

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
શેફાલીની સનફ્લાવર સિટી                        . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- 51 વર્ષના શેફાલી દાદાભોયને આશા છે કે થોડા જ સમયમાં તેમનું આ અભિયાન ચેન્નાઈને સનફ્લાવર સિટીની ઓળખ અપાવશે

પો તાનું શહેર સ્વચ્છ અને સુંદર હોય, તો કેવું મજાનું રળિયામણું લાગે ! કેટલીક વ્યક્તિઓ પોતાના શહેર માટે આવું ઇચ્છે છે પરંતુ એમ વિચારે છે કે તેના એકલાથી શું થઈ શકે ? આવો વિચાર કરનારને ચેન્નાઈના શેફાલી દાદાભોય પાસેથી યોગ્ય જવાબ મળી શકે. છેલ્લાં સત્તર વર્ષથી ચેન્નાઈમાં રહેતાં શેફાલી ચેન્નાઈને સનફ્લાવર સિટી બનાવવા પ્રયત્નશીલ છે. ટયૂલિપ્સ જોવા પર્યટકો એમ્સ્ટરડેમ જાય, ચેરી બ્લોસમ માટે જાપાન હોય કે ભારતમાં વેલી આફ ફ્લાવર્સ જોઈને પર્યટકો આનંદ માણે છે, તે રીતે એ ચેન્નાઈને ભારતનું પ્રથમ સનફ્લાવર સિટી બનાવવા માગે છે. શેફાલીના પિતા ઇન્ડિયન અરફોર્સમાં કાર્ય કરતા હોવાથી એમને ઘણી જગ્યાએ ફરવાનું-રહેવાનું બન્યું, પરંતુ ફૂલો પ્રત્યે અને બાગકામ પ્રત્યેના પ્રેમમાં ક્યારેય કોઈ પરિવર્તન આવ્યું નહીં.

બેંકરમાંથી શેફ બનનાર શેફાલીએ ચેન્નાઈમાં શેફ્સ ચેન્નાઈ બેકરી શરૂ કરી અને એ સરસ મજાની ફ્લોરલ બ્રાઉની બનાવે છે. તેઓ સારા ફોટોગ્રાફર પણ છે. ચેન્નાઈ એટલે ગરમી, બફારો અને ટ્રાફિક. આ ઓળખને તેઓ બદલવા માગે છે. તેમણે ચેન્નાઈમાં નુંગમબક્કર વિસ્તારમાં રૂતલેન્ડ ગેટ પાસે આવેલા એમના નિવાસસ્થાનમાં રૂફટોપ ગાર્ડન કર્યું છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પણ ગાર્ડન બનાવ્યું છે. તેઓને બાગકામનો એટલો બધો શોખ છે કે તેઓ ઋતુ-ઋતુનાં ફળ, શાકભાજી, ફૂલો અને અન્ય છોડ ઊગાડે છે. તેઓ અનેક પ્રકારના બીજ મેળવીને પ્રયોગો પણ કરે છે અને તેમાં તેમને ખૂબ આનંદ આવે છે. બે-ત્રણ વર્ષ પહેલાં જ્યારે ચેન્નાઈમાં પુષ્કળ વરસાદ આવ્યો, ત્યારે તેમના બગીચાની ઘણી ખરી માટી ધોવાઈ ગઈ. તેમણે અને તેમના પતિએ બગીચામાં સનફ્લાવર વાવવાનું નક્કી કર્યું, કારણ કે તેમણે વાંચેલું કે સનફ્લાવર માટીને ફળદ્રુપ બનાવે છે અને તેમાં રહેલા ઝેરી તત્ત્વોને શોષી લે છે.

સનફ્લાવર માટીમાં રહેલા ધાતુ કે રેડિયેશનને પણ દૂર કરવાનું કામ કરે છે. તે ખૂબ સહેલાઈથી ઊગે છે, તેને જરૂર હોય છે આઠ-નવ કલાકના સૂર્યતાપની. તો તે માટે ચેન્નાઈથી વધુ સારું સ્થળ શું હોય શકે તેમ વિચારીને તેમણે પોતાના પંદર ફૂટ બાય ત્રીસ ફૂટના ટેરેસ ગાર્ડનમાં પાંચસો બીજ વાવ્યાં. બાર વર્ષનો બાગકામનો અનુભવ ધરાવનાર શેફાલી દરરોજ તેની માવજત કરતા અને તે બીજમાંથી સનફ્લાવર ઊગતા હરખભેર નિહાળતા. તેમના મિત્રો અને અન્ય લોકો પણ તે 'ગોલ્ડન પૅચ'ના ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકવા લાગ્યા.

શેફાલીએ વિચાર્યું કે જો તે કરી શકે તો કોઈ પણ વ્યક્તિ કરી શકે. આમાં રસ લેનાર પચાસ વ્યક્તિઓનું વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું. તેમણે શરૂઆતમાં સરકારની સીડ બઁકમાંથી બીજ મેળવ્યાં. એક કિલો બીજની કિંમત પાંચથી આઠ હજાર હોય છે. તેમાં પચાસથી સાઠ ટકા બીજ સફળતાપૂર્વક ઊગે છે. વધુ સારી ગુણવત્તાવાળા બીજમાં સફળતાની ટકાવારી સિત્તેરથી એંશી ટકા સુધીની હોય છે. તેઓ એક વર્ષમાં ચાર વખત આ ફૂલો ઊગાડે છે. બીજમાંથી ફૂલ થતા છથી આઠ અઠવાડિયા થાય છે અને તે પંદરથી અઢાર દિવસ સુધી રહે છે ત્યારબાદ તે ફૂલ નમી પડે છે અને તેમાંથી બીજ મેળવી શકાય છે. તેઓ સનફ્લાવર ઉપરાંત બોલસમ, ગલગોટા, ચંપો, ગુલમહોર, રંગૂનટ્રીપલ જેવાં અનેક ફૂલો અને શાકભાજી તેમજ ફળ ઊગાડે છે. બૂકેમાં વપરાતા એક સનફ્લાવરનો ભાવ બસો રૂપિયા હોય છે, પરંતુ તેઓ ફૂલોને એટલા ચાહે છે કે તેને તેઓ કાપતા નથી અને કોઈને કાપવા દેતા નથી. સનફ્લાવરના છોડ બારથી પંદર ફૂટ ઊંચા થાય છે અને તે આશરે સિત્તેર પ્રકારના હોય છે. કેટલાક સનફ્લાવર બીજ માટે ઉગાડવામાં આવે છે, તો કેટલાક તેલ માટે. તેમના બગીચામાં આઠથી દસ પ્રકારના સનફ્લાવર ઊગે છે. પર્પલ અને મરુન કલરના સનફ્લાવર હોય છે, તો કેટલાક એકદમ આછા પીળા રંગના હોય છે, જેને આઇસક્રીમ સનફ્લાવર કહે છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ સનફ્લાવર  ઉગાડી શકે છે, પરંતુ છથી આઠ કલાક તડકો આવવો જોઈએ. 

શેફાલી દાદાભોય ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે. નિ:શુલ્ક વર્કશોપ ચલાવે છે. તેઓ વર્મીકમ્પોસ્ટ અને પંચગવ્યનો ઉપયોગ કરી ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવાનો આગ્રહ રાખે છે. અત્યાર સુધીમાં દસ હજાર બીજ વહેંચ્યાં છે. તેઓ ચાર સ્કૂલ, એક્સ્પ્રેસ એવન્યૂ મૉલ, પેટ્રોલ પંપના પાર્કિંગ સ્પૅસની બાજુમાં, જ્યાં જગ્યા હોય ત્યાં સનફ્લાવરના પેચ ઊભા કરવા લોકોને પ્રેરિત કરે છે. સ્કૂલે જતો વિદ્યાર્થી હોય, ઉદ્યોગપતિ હોય કે સિનિયર સીટીજન હોય - બધાને તેઓ શીખવે છે. બિલ્ડરોના એક ગ્રૂપ સાથે પણ તેઓ કામ કરી રહ્યા છે. સનફ્લાવર પરાગરજ લઈ જતાં જીવજંતુઓને આકર્ષે છે ખાસ કરીને મધમાખી અને પતંગિયાને. તેના કારણે જૈવવિવિધતા વધે છે અને જમીન ફળદ્રૂપ બને છે. દરરોજ તેમને સનફ્લાવર અંગેના સમાચાર મળતા રહે છે. ૫૧ વર્ષના શેફાલી દાદાભોયને આશા છે કે થોડા જ સમયમાં તેમનું આ અભિયાન ચેન્નાઈને સનફ્લાવર સિટીની ઓળખ અપાવશે.

વિનાયક લોહાનીનો પરિવાર

2011માં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની માટે અલગ કૅમ્પસ કર્યું છે. ભારતની સૌથી મોટી નિ:શુલ્ક આવાસીય સ્કૂલ છે. જાન્યુઆરી 2024માં અહીં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા

૧૯ ૭૮માં વિનાયક લોહાનીનો જન્મ ભોપાલમાં થયો હતો. આઈ.એ.એસ. પિતાને ત્યાં જન્મેલા વિનાયકનું બાળપણ મુશ્કેલી વિના સુખસુવિધા વચ્ચે પસાર થયું. ભોપાલની કેમ્પિયન સ્કૂલમાં અભ્યાસ કરીને તેઓ કૉલકાતા આવ્યા અને આઈ.આઈ.ટી., ખડગપુરમાં બી.ટૅક્.નો અભ્યાસ કર્યો. આઈ.આઈ.એમ., કૉલકાતામાં એમ.બી.એ.માં પ્રવેશ મેળવ્યો. આ અભ્યાસ દરમિયાન કૉલકાતામાં  તેઓ સ્વયંસેવકના એક ગ્રૂપ સાથે જોડાયા. કાલકાતાના કેટલાક વિસ્તારમાં ગયા અને ત્યાં અનાથ બાળકો, કુપોષણવાળા બાળકો અને ભૂખમરાથી પીડાતા લોકોને જોઈને તેમનું સંવેદનશીલ હૃદય દ્રવી ગયું.

આ બધી બાબતોએ તેમના મન પર એવી ઊંડી અસર કરી કે તેઓ આઈ.આઈ.એમ.માં કેમ્પસ પ્લેસમેન્ટથી અલિપ્ત રહ્યા. આઈ.આઈ.એમ., કૉલકાતાના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે કોઈ વિદ્યાર્થી કૅમ્પસ પ્લેસમેન્ટમાં હાજર ન રહ્યો હોય. વિનાયક લોહાનીના એક હાથમાં આઈ.આઈ.ટી.ની ડિગ્રી અને બીજા હાથમાં આઈ.આઈ.એમ.ની, પરંતુ હવે તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. તેઓ ભોપાલ પાછા ન ફરતાં કૉલકાતામાં જ રહ્યા. કૉલકાતામાં કોઈ પરિચિત નહીં, બંગાળી ભાષા આવડે નહીં, પરંતુ સમાજમાં નબળા વર્ગ માટે કંઈક કરવું એવી તીવ્ર ઇચ્છા હતી. તેમણે શેરીનાં બાળકો, રેડલાઇટ વિસ્તારનાં બાળકો, જરૂરિયાતવાળા બાળકો કે સિંગલ મધર હોય તેવા બાળકો માટે સંસ્થાની સ્થાપના કરી અને નામ આપ્યું પરિવાર ! પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે નારાજગી વ્યક્ત કરી, કારણ કે તેમને લાગ્યું કે પુત્ર પાસે આ અંગે ન તો અનુભવ છે કે ન પૈસા ! વિનાયકે કેટલાક લોકોને પોતાની વાત કરી, પરંતુ પચીસ વર્ષના યુવાનની આવી વાત પર કોઈને વિશ્વાસ ન બેઠો. તેમણે એમ.બી.એ.નો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. જે પૈસા મળ્યા તેમાંથી કૉલકાતાની બહાર ઠાકુરપુકુર વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું અને ૨૦૦૩માં ત્રણ બાળકો સાથે પરિવારની શરૂઆત કરી. વિનાયક લોહાની એક બાજુ એમ.બી.એ.ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા તો બીજી બાજુ ધીમે ધીમે પરિવારમાં પંદર બાળકોની સંખ્યા થઈ. ઘણી વખત સવારના કે સાંજના ભોજન માટે શું વ્યવસ્થા થશે તેની ચિંતા રહેતી, પરંતુ આવી પરિસ્થિતિની જાણ થતાં માતાએ ભોપાલથી આર્થિક મદદ કરી. છ મહિનામાં પંચાવન બાળકો તેના સભ્ય થઈ ગયા હતા. તેમની નિ:સ્વાર્થ સેવા જોઈને મદદ મળવા લાગી. ૨૦૦૪ના અંતમાં તો પરિવારે પોતાની બે એકર જમીન ખરીદી અને સ્વપ્નની ઇમારત ઊભી કરી. આજે બે એકરમાંથી વીસ એકરમાં પરિવાર આશ્રમ વિસ્તર્યો છે. ૨૦૧૧માં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની માટે અલગ કૅમ્પસ કર્યું છે. ભારતની સૌથી મોટી નિ:શુલ્ક આવાસીય સ્કૂલ છે. જાન્યુઆરી ૨૦૨૪માં અહીં બે હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. સ્કૂલમાં લાયબ્રેરી, કમ્પ્યૂટર લૅબ, ડાયનીંગ રૂમ, મેડિકલ રૂમ, પ્લે ગ્રાઉન્ડ વગેરે સર્વાંગી વિકાસ માટેની તમામ વ્યવસ્થા છે. સ્કીલ અને વોકેશનલ અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. આ બાળકોને સાચવવા માટે એંશી વ્યક્તિઓ અને વિનાયક લોહાની પોતે કેમ્પસ પર જ રહે છે. જ્યારે દિવસે અન્ય શિક્ષકો સહિત નેવું કાર્યકરો આવે છે. આમ કુલ એકસો સિત્તેર કાર્યકરો અહીં કામ કરે છે. હોસ્પિટલ સાથે જોડાણ કરી બાળકોનું નિયમિત મેડિકલ ચેક-અપ કરવામાં આવે છે.

સ્વામી વિવેકાનંદના વ્યક્તિમાં દિવ્યતાની સેવાના ખ્યાલથી પ્રભાવિત તેમણે વિદ્યાર્થીઓ માટેની સ્કૂલનું નામ પરિવાર વિવેકાનંદ આશ્રમ અને વિદ્યાથનીઓ માટેની સ્કૂલનું નામ પરિવાર શારદાતીર્થ રાખ્યું છે. ૨૦૧૬માં પરિવારનો વિસ્તાર મધ્યપ્રદેશના સંદલપુરમાં સત્તર એકર જમીન ખરીદીને કર્યો. ત્યાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢના ઓગણીસ જિલ્લાઓમાં રહેતા આદિવાસીઓ માટે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા કુટિરની સ્થાપના કરી છે. અઢાર જિલ્લાના ચાળીસ હજાર બાળકોને ભોજન પહોંચાડી રહ્યા છે. બે આવાસીય સ્કૂલ અને હોસ્ટેલમાં અગિયારસો વિદ્યાર્થી-વિદ્યાથની અભ્યાસ કરે છે. મોબાઈલ મેડિકલ ક્લિનિક અને ચોવીસ કલાક એમ્બુલન્સની સેવા મધ્યપ્રદેશના આઠ જિલ્લાના આશરે એક હજાર ગામડાંઓમાં પહોંચે છે. અત્યાર સુધીમાં પંદર લાખ દર્દીઓ તેનાથી લાભાન્વિત થયા છે. આઈ કેમ્પ દ્વારા બોતેર હજાર લોકોના નિ:શુલ્ક આંખના ઓપરેશન થયા છે.

પરિવારમાં અભ્યાસ કર્યા પછી નોકરી મેળવનાર વ્યક્તિની ચિંતા પણ વિનાયક લોહાની કરે છે. સરકાર કે કોઈ એન.જી.ઓ. વ્યક્તિને અઢાર વર્ષ થતાં તેની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ અહીં તો જે સ્થળે નોકરી મળે ત્યાં તે ક્યાં રહેશે તેવી માતા-પિતા જેવી જ ચિંતા પરિવાર કરે છે. કૉલકાતામાં નોકરી મળી હોય તો શરૂઆતમાં મકાનના ભાડાની વ્યવસ્થા પણ પરિવાર કરે છે. આમ એક સાચા અર્થમાં પરિવાર બની રહે છે.