Get The App

એક જ ચિત્તમાં વસે છે જ્ઞાન, ભક્તિ અને કર્મ!

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
એક જ ચિત્તમાં વસે છે જ્ઞાન, ભક્તિ અને કર્મ! 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- શ્રીમદ્ ભગવદ્ગીતા સાર્વત્રિક સ્વીકાર પામી છે. આમાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને વૈદિક કર્મકાંડની વાત કરી છે. ઉપનિષદોનું અદ્વૈતપરક તત્ત્વચિંતન આપ્યું છે...

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બ્રહ્મવિદ્યાનો આશય નિવૃત્તિપરક જ્ઞાનમાર્ગ છે આને સાંખ્યમત પણ કહી શકાય, જેની સાથે નિવૃત્તિમાર્ગી પદ્ધતિ પણ જોડાયેલી છે

શ્રી મદ્ ભગવદ્ ગીતા ધર્મને વિશાળ અર્થમાં નિરૂપે છે અને સાધકને સર્વવ્યાપી પરમ તત્ત્વ સાથેનો યોગ તથા ઐક્ય ભાવ શીખવે છે. એની આવી વ્યાપક દ્રષ્ટિને કારણે જ આ ગ્રંથ દેશ, કાળ અને સંપ્રદાયની મર્યાદાથી પર ગણાયો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બ્રહ્મવિદ્યાનો આશય નિવૃત્તિપરક જ્ઞાનમાર્ગ છે આને સાંખ્યમત પણ કહી શકાય, જેની સાથે નિવૃત્તિમાર્ગી પદ્ધતિ પણ જોડાયેલી છે, પરંતુ ભગવદ્ ગીતા એ ઉપનિષદની વાતથી આગળ વધીને એના પછીના યુગની દેન છે. ઉપનિષદ પાસે જે દર્શન હતું, એ જ દર્શનની પરંપરામાંથી એક નવું દર્શન ગીતામાં આકાર લે છે. અહીં ગૃહસ્થના પ્રવૃત્તિધર્મનો મહિમા કરવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ગૃહસ્થનો પ્રવૃત્તિધર્મ નિવૃત્તિ માર્ગની સમકક્ષ અને એટલો જ ફળદાયક માનવામાં આવતો હતો. આનો સંકેત આપતો શબ્દ શ્રીમદ્ ભગવદ્ગીતાની પુષ્પિકામાં 'યોગશાસ્ત્ર'માં છે. આ યોગશાસ્ત્રનો અભિપ્રાય નિ:સંદેહ કર્મયોગ સાથે છે.

ગીતામાં યોગની બે પરિભાષા સાંપડે છે. એક પરિભાષામાં 'સમત્વં યોગ ઉચ્ચયતે' કહેવામાં આવ્યું છે. અર્થાત્ ગુણના વૈષમ્યમાં સામ્યભાવ રાખવો તે યોગ છે. સાંખ્યની સ્થિતિ આ છે પરંતુ એ એમ કહે છે કે, આ પ્રકારનો સામ્યભાવ ગૃહત્યાગથી જ સંભવ બને છે. યોગની બીજી પરિભાષા છે 'યોગ: કર્મસુ કૌશલમ્' એટલે કે કર્મોમાં રહેવા છતાં એવી રીતે કર્મો કરવા કે જે બંધનનું કારણ ન હોય અને કર્મ કરનાર અસંગ અને નિર્લેપ સ્થિતિમાં રહી શકે જે સ્થિતિ જ્ઞાનમાર્ગીઓને મળે છે. આ યુક્તિનું નામ છે બુદ્ધિયોગ અને તે ગીતામાં યોગનો સાર છે.

ગીતાના બીજા અધ્યાયમાં 'તસ્ય પ્રજ્ઞાપ્રતિષ્ઠા'ની વાત મળે છે. એનો સંકેત નિર્લેપ કર્મ કરનારી બુદ્ધિ સાથે છે. સંન્યાસ દ્વારા વૈરાગ્ય પ્રાપ્તિની સ્થિતિમાં ન હોય, પરંતુ કર્મ કરતા કરતા ક્રમશ: મન વૈરાગ્ય સ્થિતિમાં લાવવાનું છે. ગીતાનો આ કર્મયોગ છે. મહાભાતની માફક ગીતામાં પણ ઘણી જગ્યાએ સાંખ્યના નિવૃત્તિ માર્ગ અને કર્મના પ્રવૃત્તિ માર્ગ બંને પ્રકારની રુચિ રાખનારા મનુષ્યો માટે હિતકર થઈ શકે છે અને છે પણ.

જગતના કોઈ પણ ગ્રંથમાં કર્મના શાસનનું પ્રતિપાદન આટલી સુંદરતા, સૂક્ષ્મતા અને નિષ્પક્ષતાથી નહીં મળે. આ અર્થમાં જ ભગવદ્ગીતા અદ્ભુત માનવીય શાસ્ત્ર છે. એની દ્રષ્ટિ એકાંગી નથી, પરંતુ સર્વાંગપૂરણ છે. તત્ત્વજ્ઞાનનું સુસંસ્કૃત કાવ્યશૈલી દ્વારા વર્ણન એ ગીતાની આગવી સૌરભ છે જે પ્રત્યેક સહૃદયને મુગ્ધ કર્યા વિના રહેતું નથી. આથી જ આનું નામ 'ભગવદ્ગીતા' પડયું, એટલે કે ભગવાને ગાયેલું જ્ઞાન.

શ્રીમદ્ ભગવદ્ગીતા કોને શ્રેષ્ઠ કહે છે ? જ્ઞાન, કર્મ કે ભક્તિને ? દરેક વ્યક્તિની પ્રકૃતિ જુદી જુદી હોય છે. કોઈ દર્દીને ડૉક્ટર ઔષધ આપે છે, કોઈને ઇંજેક્શન આપે છે અને કોઈ ઉપર ઓપરેશન કરે છે. કોઈ દર્દી એવો હોય કે જેને પીવાની દવા આપવી પડે ને કોઈને મલમ આપવો પડે. દરેક વ્યક્તિને સરખી દવા ન ચાલે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એક જ ચિત્તમાં વસે છે, પરંતુ જ્ઞાનમાં બુદ્ધિ, કર્મમાં ઇચ્છા અને ભક્તિમાં ભાવ હોય છે. આ ત્રણેય વૃત્તિ એકબીજાથી સંપૂર્ણપણે અલગ હોતી નથી. બલ્કે દરેક વ્યક્તિની ભિન્ન ભિન્ન પ્રકૃતિ પ્રમાણે એ જુદો જુદો માર્ગ અપનાવીને પરમ તત્ત્વનો પ્રયાસ કરે છે. આનો અર્થ એ નહીં કે જ્ઞાાનમાર્ગને અનુસરનાર માત્ર એને જ અનુસરે અને કર્મ કે ભક્તિનો લેશમાત્ર વિચાર પણ ન કરે. હકીકત એ છે કે જ્ઞાનમાર્ગ માટે પણ કર્મ અને શ્રદ્ધાપૂર્ણ ભક્તિ જરૂરી છે. કર્મ માર્ગના સાધકને માટે જ્ઞાન અને ભક્તિ પણ જરૂરી છે. ભક્તિ માટે કર્મ અને જ્ઞાન જોઈએ છે. આનો અર્થ એ કે આમાં એકનું પ્રાધાન્ય હોય છે પણ બાકીના બેની બાદબાકી હોતી નથી. માત્ર જ્ઞાનની ઉપાસના આળસને આમંત્રણ આપે છે. ફક્ત કર્મની ઉપાસના જડતાને બોલાવી લાવે. એકલી ભક્તિની ઉપાસના અજ્ઞાન સર્જે. આ રીતે પરમ તત્ત્વને પામવા માટે પ્રાધાન્ય ભલે એક માર્ગનું નામ હોય પણ બીજા બે માર્ગ જરૂરી છે એ વાત જિજ્ઞાસુ અર્જુનની શંકા દ્વારા પ્રકટ કરી છે. એક જ ઉપદેશ સહુને લાગુ ન પડે એમ એક જ માર્ગ સહુ અપનાવી શકે નહીં.

શ્રીમદ્ ભગવદ્ગીતાની વિશેષતા એ છે કે એણે જ્ઞાન, કર્મ કે ભક્તિ ત્રણેમાંથી એકેનો વિરોધ કર્યો નથી. આ ત્રણેની ઓછાવત્તા પ્રમાણમાં આવશ્યકતા છે. જો વ્યક્તિ માત્ર એક જ માર્ગને આંખો મીંચીને અનુસરે તો એને પરમ તત્ત્વની અનુભૂતિ થતી નથી અને તેથી ય વિશેષ તો એનું સાંસારિક જીવન પીડા અને વેદનાથી ભરાઈ જાય છે. સત્યની અનુભૂતિ અને લોકસંગ્રહ માટે કોઈનો ય નિષેધ કર્યા વિના સર્વનો વિરોધ કરીને આગળ ચાલવાનું કહે છે. એણે સમન્વય માટે શ્રીમદ્ ભગવદ્ગીતામાં બધી જ બાબતો તમામ વિચારધારા અને બધા જ વાદોમાંથી જે કંઈ સારું લાગ્યું, વ્યવહારુ લાગ્યું અને માનવ ચિત્તમાં વસે એવું લાગ્યું એ બધાનો આમાં સમાવેશ કર્યો છે.

આ વ્યાપકતાના કારણે જ શ્રીમદ્ ભગવદ્ગીતા સાર્વત્રિક સ્વીકાર પામી છે. આમાં વૈદિક ધર્મની મર્યાદામાં રહીને વૈદિક કર્મકાંડની વાત કરી છે. ઉપનિષદોનું અદ્વૈતપરક તત્ત્વચિંતન આપ્યું છે. સાંખ્ય યોગનો પ્રકૃતિ- પુરુષ વિષયક સિદ્ધાંત પણ શ્રીમદ્ ભગવદ્ગીતા આપે છે. ભાગવત પરંપરાની ભક્તિની ધારા પણ શ્રીમદ્ ભગવદ્ગીતામાં વહે છે. વળી સાધકને માટે ધ્યાન પ્રક્રિયાનું પણ આલેખન છે. આ રીતે જુદી જુદી વિચારધારાના ઉત્કૃષ્ટ તત્ત્વો શ્રીમદ્ ભગવદ્ગીતાએ સમાવ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આમાં કોઈનો નિષેધ નથી. પરિણામે ભગવદ્ગીતા પર અનેક આચાર્યો અને વિદ્વાનોએ ટીકા લખી છે. એટલે કે, અદ્વૈત, શુદ્ધાદ્વૈત કે દ્વૈત એ બધામાં માનનારાઓએ ગીતાને લક્ષમાં રાખીને વિવેચન કર્યું છે. જુદી જુદી વિચારધારાઓ કે સંપ્રદાયને અનુલક્ષીને શ્રીમદ્ ભગવદ્ પર મળતી ટીકાની સંક્ષિપ્ત સુચિ જોઈએ.

(૧) અદ્વૈતવાદને અનુલક્ષીને લખાયેલી શ્રીમદ્ ભગવદ્ગીતાની ટીકાઓમાં 'શાંકર ભાખ્ય', 'શ્રીધરકૃત સુબોધિની', 'મધુસૂદન સરસ્વતીકૃત ગૂઢાર્થદીપિકા'નો સમાવેશ થાય છે.

(૨) વિશિષ્ટ દ્વૈતને અનુલક્ષીને નીચે મુજબની ટીકાઓ મળે છે : 'યામુનાચાર્યકૃત ગીતા', 'અર્થસંગ્રહ' જેની પર વેદાંતદેશિકકૃત તાત્પર્યચંદ્રિકા ટીકા છે.

(૩) દ્વૈતવાદને અનુલક્ષીને ગીતા વિશે વિવેચન મળે છે અને જેમાં નીચે મુજબના ગ્રંથો મળે છે. 'માધ્વાચાર્ય કૃત ગીતાભાષ્ય' જેની પર જયતીર્થકૃત પ્રમેય દીપિકા ટીકા છે. માધ્વાચાર્યકૃત ગીતા-તાત્પર્ય નિર્ણય.

(૪) શુદ્ધાદ્વૈત વિશે શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે મળતી ટીકામાં વલ્લભાચાર્યકૃત તત્વ દીપિકા, જેની પર પુરુષોતમકૃત અમૃત તરંગિણી ટીકા છે. જ્યારે કાશ્મીરી ટીકાઓમાં : અભિનવગુપ્ત કૃત ગીતાર્થ સંગ્રહ, આનંદવર્ધનકૃત જ્ઞાનકર્મસમુચ્ચય જોવા મળે છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રના સંત જ્ઞાનદેવે ઇ.સ. ૧૨૯૦માં 'ભાવાર્થદીપિકા' લખી જે ગીતાના જ્ઞાનને ભાવાત્મક કાવ્યશૈલીમાં નિરૂપે છે. વર્તમાનયુગમાં ઇ.સ. ૧૯૧૫માં બાળગંગાધર તિલકે 'ગીતા રહસ્ય' નામ અત્યંત વિસ્તૃત ભૂમિકા અને વિવેચન સાથે ગ્રંથ લખ્યો. શંકરાચાર્ય પછી શ્રીમદ્ ભગવદ્ગીતાનું આ વિશિષ્ટ અર્થઘટન આપે છે. હકીકતમાં શંકરાચાર્ય એમના ભાષ્યમાં ગીતાનો જ્ઞાનલક્ષી અર્થ કરે છે. જ્યારે લોકમાન્ય તિલક ગીતા કર્મલક્ષી અર્થ કરે છે. એ પછી વિનોબા ભાવેએ ગીતા પ્રવચનો દ્વારા અર્થનો વિસ્તાર આપ્યો અને આજ સુધીમાં ગીતા પર અનેક ગ્રંથો લખાયા.