Get The App

માહિતીના અતિરેકથી વિખેરાતી એકાગ્રતા

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
માહિતીના અતિરેકથી વિખેરાતી એકાગ્રતા 1 - image

- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ

સંદર્ભ વિનાનો ડેટા નિરર્થક છે.

- નેઈત  સિલ્વર

પો ત વિનાની વિગતો નિરૂપયોગી છે. કોન્ટેકસ્ટ વિનાની ટેક્સ્ટ સમસ્યા છે. આપણી ક્ષમતા અને જરૂરિયાતથી વધારે તથ્યો અને માહિતીઓ આપણી એકાગ્રતા વિખેરી નાખે છે. બેહિસાબ અને બેસુમાર ડેટાને લીધે માનવીય વિવેકનું સમત્વ અને સમતોલન પણ ખોવાય છે. કોઈ તરુણને વિશ્વભરની વિડીયો ગેમ રમતા આવડી જાય તે સ્વયં કોઈ પ્રાપ્તિ નથી. તથ્યોનો  સરવાળો સત્ય નથી અને સંખ્યા સત્યનું અનિવાર્ય અંગ નથી. ક્યારેક તથ્યોના-ડેટાના અતિરેકને લીધે આપણું ચિંતન દિશાહીન બને છે અને ધ્યાન ખંડિત થાય છે. આધુનિક મનોવિજ્ઞાન તેને 'એનાલિસિસ પેરેલિસિસ' તરીકે ઓળખાવે છે. સમગ્ર ચંદ્ર-પૂર્ણિમાનું પ્રતિબીંબ ઝીલવા માટે સરોવરના જળ શાંત-સ્થિર હોવા જોઈએ. તે રીતે ડેટાની  અર્થપૂર્ણતા   સમજવા ચિત્તને શાંત સરોવર સમું રાખવાનું છે. રોમન વિચારક માર્કે ઓરેલીઅસે એક અફલાતૂન કસોટી આપી છે. દરેક પળે અને પ્રસંગે જ્યારે પણ વિગત સામે આવે ત્યારે સ્વયંને પ્રશ્ન પૂછો 'આ વિગત મારી માટે અનિવાર્ય  છે?' આ પ્રશ્ન થકી આપણને શું સ્વીકારવું અને શું નકારવું તેનો ખ્યાલ આવી જશે. કદાચ, આપણને તાકીદનું  શું છે અને અગત્યનું શું છે તેની વચ્ચેના ભેદની નથી ખબર. ક્યારેક આપણી મહત્તા આપણે શું સ્વીકારીએ છીએ તેના પર નહીં પણ આપણે શું નિવારીએ છીએ તેના પર હોય છે. દરેક વિગતને પ્રત્યુતર આપવાની જરૂર નથી. જીવનનો આ સૌથી મોટો વિવેક છે.

રાયન હોલીડે ફ્રાન્સનાં નેપોલિયન બોનાંપાર્ટની એક ટેવ નોંધે છે. તેણે તેના સેક્રેટરીને આદેશ આપેલો કે કોઈ પણ ટપાલનો જવાબ ત્રણ અઠવાડિયા સુધી ન આપવો. તેથી  ક્યારેક તો આ સમય દરમ્યાન સમસ્યા જ ઉકેલાઈ જતી અને જવાબ લખવાની જરૂર જ ના પડતી. આપણે ૨૪ટ૭ના મલ્ટી-મીડિયાના યુગમાં તથ્યો  નિવારવાની જરૂર હોય છે. પળે-પળે બદલાતી ડેવલપીંગ સ્ટોરીમાં કોઈ નિર્ણય લેવાની અને ચુકાદો આપવાની જરૂર નથી. કારણ ત્યારે અધુરી વિગતે સમગ્રતાનો ખ્યાલ નથી આવતો. જેમ બધા ડોટ્સ દોરાઈ ગયા  પછી ચિત્ર બને તેમ બધા પ્રસંગો પછી નિર્ણય બને. ટ્રેન્ડ સત્ય નથી, ઘડી ભર નો વંટોળ છે. ટ્રેન્ડમાં નાનકડી અને નિરર્થક વિગતોને મેગ્નીફાય ગ્લાસથી દેખાડવામાં આવે છે. જે આપણી માટે અપ્રસ્તુત છે પણ આપણને તે ઝકડે છે. આપણે  અપડેટ છીએ તેવી ઓળખ અને અહંકાર પોષે છે. ગોસીપ કોઈ જ્ઞાન નથી. ક્યારેક આપણે એક  સાથે અખબાર, ટીવી અને મોબાઇલમાં એન્ગેજ હોઈએ છીએ. જાણે ડેટાના  તોફાની વહેણમાં તણાઈ રહ્યા છીએ.  સંસ્કૃતિઓના  અભ્યાસુ યુઅલ નોઆ હરારી કહે છે 'ઇતિહાસનો ખરો નાયક હોમોસેપિયન નથી પણ ડેટા છે' ખરી વાત, પણ તે વીલન ન બને તેની જવાબદારી આપણી છે. માર્સેલ ગ્લેઇઝર આ રીતે આપણને સાંત્વના આપે છે, 'બધું જાણતાં ન હોય તો ચાલે વાંધો નહીં. તેથી વિજ્ઞાન અશક્ત નહીં બને. પણ  હા તે વધુ માનવીય બનશે.' મને અંગત રીતે લાગે છે :

અબજો શબ્દો વચ્ચે જીવન ખોવાય છે, 

અઢળક તથ્યો વચ્ચે સત્ય ખોવાય છે, અસંખ્ય સરનામાઓ વચ્ચે મારી કેડી-મારું ઘર ખોવાઈ જાય છે.