Get The App

મને સાંભળવા આવ્યા છો કે મારાં વસ્ત્રોને જોવાં?

Updated: Dec 13th, 2025

GS TEAM

Google News
Google News
મને સાંભળવા આવ્યા છો કે મારાં વસ્ત્રોને જોવાં? 1 - image

- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ

- ''જુઓ, આ કાળો સૂટ તે તમારે વ્યાખ્યાન સમયે પહેરવાનો છે. કરચલીવાળો જૂનો સૂટ પહેરાઈ જાય નહીં તેનું ઘ્યાન રાખજો. વળી કાળા સૂટ સાથે આ મોજા અને ટાઈ તથા ધોયેલું ખમીસ પહેરજો.''

મા નવીની મનની ઇચ્છાઓનો કાર્ડિયોગ્રામ સાંભળવા જેવો હોય છે. એ કાર્ડિયોગ્રામમાં ઝિલાયેલા ધબકાર જોવા જેવા છે. એમાં થતી વધ- ઘટનાં સંચલનો જાણવા જેવાં હોય છે. મનનાં બાહ્ય આવરણ અને આચરણને આપણે જોઈએ છીએ, જેમ માનવીના બાહ્ય દેખાવ અને વર્તાવને જોઈએ તેમ. કિંતુ ખરેખર તો એ મનનાં આચરણ પાછળનાં કારણો અને પ્રયોજનોની લીલા જોવી જોઈએ. અજાગ્રત મનમાં શું ચાલે છે ? એ કેમ ચાલે છે ? એનો હેતુ શો છે ? અને જાગ્રત મનને એ કઈ રીતે દોરે છે, તે જાણવું જોઈએ. માનવીના બાહ્ય વર્તનના મૂળમાં એની વાસના, વૃત્તિ, ઇચ્છા કે ઝંખના જ એને કઠપૂતળીની જેમ નચાવતી હોય છે. 

માનવીની એક એવી પણ વ્યાખ્યા થઈ શકે કે તે 'ઇચ્છાથી દોડતું પ્રાણી' છે. ઇચ્છાઓ એને દોડાવે છે અને એ સતત એની પાછળ દોડો જાય છે. વળી ઇચ્છાઓ એને એ રીતે દોડાવે છે કે એની એક ભાવના સિદ્ધ થાય, તો એના મનમાં બીજી ભાવના મૂકી દે છે, પણ એની દોડને ઇચ્છા અટકવા દેતી નથી. ૨મતની દોડ અમુક અંતરે પૂર્ણ થાય છે, જ્યારે ઇચ્છાની દોડનું અંતર સતત વધતું રહે છે અને સદા અપૂર્ણ રહે છે. 

માનવી ધનની ઇચ્છા રાખે છે અને પહેલાં તો આજીવિકા પૂરતા ધનનો વિચાર કરે છે. આજીવિકા માટેનું ધન મળતાં નવી સ્પૃહા જાગે છે. એ રહેવા માટેના મકાનની ઇચ્છા રાખે છે, પરંતુ જેવું ઘરનું ઘર થાય કે એને બંગલાની ઇચ્છા જાગે છે. ફરી પાછી એની દોડનો પુન: પ્રારંભ થાય છે. ઇચ્છાઓ એની પાસે માગણી કરતી જ રહે છે અને એ માગણીઓનો તાબેદાર બનીને કામ કરે છે. વળી પ્રત્યેક ઇચ્છા માનવીને સતત કહેતી હોય છે કે આટલું મેળવી લે એટલે તને બધું મળી જશે. પછી થશે નિરાંત અને જાગશે સંતોષ. આ મળ્યે જીવનનો સઘળો આનંદ તને પ્રાપ્ત થઈ જશે. તારા જીવનમાં શાંતિ આવશે અને આ સઘળી દોડધામ ચાલી જશે. 

આવી ઇચ્છાથી એ મહેનત કરીને સ્કૂટર કે મોટર મેળવે છે, પરંતુ એ ઇચ્છા પૂર્ણ થવા સાથે એની વાહન માટેની ધનની દોડ અટકતી નથી. વળી પાછો એના મનમાં નવી ભૌતિક વસ્તુની પ્રાપ્તિનો કે વધુ ધનપ્રાપ્તિનો નવો વિચાર જાગે છે. પુન: એ દોડવાનો પ્રારંભ કરે છે અને આમ આખી જિંદગી પૂરી થાય તો પણ એની દોડ અટકતી નથી અને એની ઇચ્છાઓ પૂર્ણ કે તૃપ્ત થતી નથી. વ્યક્તિમાં કામેચ્છા જાગે અને એ ઇચ્છા પણ વધુ ને વધુ એને દોડાવતી રહે છે. પ્રથમ એક વ્યક્તિમાં એની ઝંખના પૂરી કરવાનો વિચાર કરે. એક વ્યક્તિ મળે, છતાંય એની કામેચ્છા જગતમાં કામના અને વાસનાને શોધતી રહે છે.

એને પદની આકાંક્ષા જાગે અને સત્તા મેળવવા માટે રાતદિવસ એક કરે છે. આખરે માંડ માંડ સત્તા મેળવે, ત્યારપછી એ સત્તાની જાળવણીની ચિંતા એને બમણી કોરી ખાય છે. પહેલાં તો માત્ર સત્તા મેળવવાનું જ લક્ષ્ય હતું, પણ હવે તો સત્તા ઝૂંટવાઈ જાય એનો નવો ભય ઊભો થયો છે. કોઈ મિત્ર દગો કરશે તો શું થશે, એમ માનીને એ સત્તાવાન સહુને સતત શંકાની નજરે જોતો હોય છે. મળેલી સત્તા ચાલી જશે તો પોતાની કેવી દુર્દશા થશે એવા કાલ્પનિક ભયથી પીડાતો હોય છે અને પ્રધાન બનવા મળ્યું હોય તો મુખ્યપ્રધાનની ખુરશી ભણી એની દોટ હોય છે, આથી એની દોડ તો ચાલુ જ રહે છે. પહેલાં માત્ર સત્તાની દોડ હતી. એ પૂર્ણ થતાં ભય, આશંકા, ડર એ બધાં સાથે નવી દોડનો પ્રારંભ કરે છે. 

ધનવાન હોય કે સત્તાવાન હોય - એની નજર તો જેની પાસે પોતાનાથી વધુ કે વિશેષ ધન કે સત્તા હોય, તેના પર રહે છે અને તે મેળવવાનો એનો પુરુષાર્થ હોય છે. ધનથી થોડી ભૌતિક સમૃદ્ધિ મેળવે એટલે એને વધુ ભૌતિક સમૃદ્ધિ પોકાર પાડે છે. ગમે તે પરિસ્થિતિમાં હોય, પણ તે પોતાનાથી અધિકને કે વધુ સત્તા-સંપત્તિ ધરાવનારને જ સદાય જોતો હોય છે, ન્યૂનને નહીં. અર્થાત્ એની પાસે બંગલો હોય અને એની ઇચ્છા ઈશ્વરે પૂર્ણ કરી એમ માનીને એમાં એ આનંદ ભોગવતો નથી. એને બીજાનો બંગલો કે મહાલય દેખાય છે અને વહેલી તકે એ પ્રકારનો મોટો બંગલો કે મહાલય મેળવવા દોડ લગાવે છે. આથી ઇચ્છાને ક્યારેય પૂર્ણતા હોતી નથી. એ તો જીવનના માર્ગે એક પછી એક પડાવ નાખીને અને તેને પાર કરીને આગળ ધપતી રહે છે. 

એ પોતાની ઇચ્છા તૃપ્ત થતાં વિરામ કે વિશ્રામ કરતો નથી, પરંતુ એને પોતાનાથી વધુ ક્ષમતા કે સમૃદ્ધિ ધરાવતી વ્યક્તિ જોઈને દોડતો હોય છે. એની વાસના વધુ ને વધુ ઉદ્દીપ્ત થતી જાય છે. એનો લોભ વધારે ને વધારે એને દોડાવતો જાય છે. આ બધાંને કારણે માનવીનું મન સતત અશાંત રહે છે. એના જીવનમાં માત્ર બે જ બાબત હોય છે અને તે એ કે પોતાને પ્રાપ્ત થયેલી સ્થિતિ પ્રત્યેનો અસંતોષ અને મેળવવાની સ્થિતિ તરફની આંધળી કામના. આને પરિણામે એનું જીવન સદૈવ ચિંતામાં, દુ:ખમાં, ભયમાં કે લાલસામાં દોડતું રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે વ્યક્તિ ક્ષણિકમાં સનાતનને શોધે છે. થોડો સમય ટકનારી વસ્તુમાં એને ભરપૂર સુખ લાગે છે અને તેથી એ શાશ્વત સુખની કોઈ ખેવના કરતો નથી. આવી વ્યક્તિને સ્વાધીન સુખ ક્યારેય મળતું નથી. બાહ્ય સુખ શોધનારી વ્યક્તિ વિચારે કે સત્તા, સંપત્તિ, કામવૃત્તિ કે લોભવૃત્તિ વધારવા જતાં એણે પોતાની આત્મસમૃદ્ધિ કેટલી ઓછી કરી છે, તો એને ખરો ખ્યાલ આવે. ખબર પડે કે સંસાર બાહ્ય વસ્તુમાં સુખ માને છે અને હકીકતે એમાં સહેજે સુખ નથી. આ બાહ્ય વસ્તુ એના અહંકારને જગાડે છે. એ બીજાની સાથે પોતાની તુલના કરતો થઈ જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન માત્ર બાહ્ય બાબતોમાં વીંટળાઈ જાય છે. આવી વ્યક્તિ માત્ર દેહની આસપાસ ભમતી હોય છે. એ સૌથી પહેલો પોતાના સ્વાર્થ અને સુખાકારીનો વિચાર કરતો હોય છે અને આથી જેમ જેમ પદ, સત્તા કે સંપત્તિ વધે છે, તેમ તેમ એના બહારી દેખાવમાં પરિવર્તન આવે છે. ધન વધતાં એનાં વસ્ત્ર બદલાય છે. સત્તા વધતાં એનો તોર વધે છે અને કામના વધતાં એ સતત પોતાની વાસના અને વિષયોને વધારતો રહે છે. આમ, એની બહારની જીવનશૈલી બદલાશે, પરંતુ એ જીવનશૈલી એને વધુ ને વધુ બહાર રાખશે. પહેલાં સાદાં વસ્ત્રો પહેરતો હોય તે મોંઘાં વસ્ત્રો પહેરશે અને મોંઘાં વસ્ત્રો પહેરતો હોય તે છેલ્લી ડિઝાઇનનાં વસ્ત્રો પહેરશે. સતત વસ્ત્રોથી પોતાની જાતને આગળ ધરશે. 

આ સંદર્ભમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનને યાદ કરવા જોઈએ. કરચલીવાળો સૂટ અને કપાળ ઢાંકતા વાળ સાથે ફરતા આઇન્સ્ટાઈને ક્યારેય પોતાના વસ્ત્રોથી પોતાની જાતને દેખાડવાનો પ્રયાસ કર્યો નહોતો. નોંધપાત્ર બાબત એ છે કે એમણે પોતાની જરૂરિયાતો ઓછી કરીને પોતાનું સંશોધનકાર્ય ચાલુ રાખ્યું હતું. બર્લિનમાં નાનકડી ઓરડી ભાડે રાખી આલ્બર્ટ આઇન્સ્ટાઇને સમગ્ર સમય અને શક્તિ શોધકાર્યમાં લગાડી દીધાં. વિશ્વભરમાંથી એમને વ્યાખ્યાનો આપવા માટે નિમંત્રણો મળવા લાગ્યાં. 

આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન માટે જાય ત્યારે એમની પત્ની એલ્સાને એમના પહે૨વેશ અંગે ખૂબ ચિંતા રહેતી. એમનાં લઘરવઘર કપડાં એલ્સાને પસંદ નહોતાં. 

મોભા મુજબ ઠાઠ રાખવામાં આઇન્સ્ટાઇન માનતા નહોતા. એક વાર આલ્બર્ટ આઇન્સ્ટાઇન વ્યાખ્યાન-પ્રવાસે જતા હતા, ત્યારે એલ્સાએ એમને ભારપૂર્વક કહ્યું, ''જુઓ, આ કાળો સૂટ તે તમારે વ્યાખ્યાન સમયે પહેરવાનો છે. કરચલીવાળો જૂનો સૂટ પહેરાઈ જાય નહીં તેનું ઘ્યાન રાખજો. વળી કાળા સૂટ સાથે આ મોજા અને ટાઈ તથા ધોયેલું ખમીસ પહેરજો.''

આલ્બર્ટ આઇન્સ્ટાઇને એમની પત્નીને કહ્યું, ''અરે ઇલ્સા, તું નકામી આવી મહત્ત્વહીન બાબતોની ચિંતા કરે છે. જે કપડાં હાથ જડયાં તે પહેરી લેવાનાં.'' એ પછી આઇન્સ્ટાઇન પ્રવાસે નીકળ્યા. વ્યાખ્યાન આપીને પાછા ફર્યા, ત્યારે એલ્સાએ એમની 

સૂટકેસ જોઈ તો ખ્યાલ આવ્યો કે પેલો કાળો સૂટ તથા મોજા, ટાઈ અને ખમીસ એમ ને એમ અકબંધ પડયાં હતાં. એલ્સાએ આઇન્સ્ટાઇનને ઠપકો આપતી હોય એ રીતે કહ્યું, ''તમે તો કેવા છો ? ખાસ તાકીદ કરી હતી અને ભૂલી ગયા. વ્યાખ્યાન સમયે આ નવો સૂટ ન પહેર્યો ?''

આલ્બર્ટ આઇન્સ્ટાઇને એના વિખરાયેલા વાળ પર હાથ ફેરવતાં કહ્યું, ''ઓહ, તમે કહ્યું હતું તે સાચું, પણ વ્યાખ્યાનના વિચારમાં એટલો બધો ડૂબેલો હતો કે મને એ યાદ આવ્યું નહીં.''

''ઓહ, લોકોને તમારા ધોયા વગરના ખમીસ અને કરચલીવાળાં સૂટ જોઈને કેવું લાગ્યું હશે ?'' 

આલ્બર્ટ આઇન્સ્ટાઈને કહ્યું, ''મને તું એ વાતનો જવાબ આપ કે એ લોકો મને સાંભળવા આવ્યા હતા કે મારાં કપડાં જોવા ?''

સુવિધાવાળા નિવાસમાં રહેનારો ભવ્ય, વૈભવશાળી બંગલાની ઇચ્છા રાખશે અને એક દિવસ એવો ઇચ્છશે કે કોઈનોય ન હોય, તેવો વિશાળ અને ભવ્ય એનો બંગલો હોય. જેમ બંગલો વિશાળ બને છે, તેમ એનો અહંકાર વધુ ને વધુ બહેકે છે, એની બાહ્યાડંબરની ઇચ્છા એનામાં સતત ચળ જગાવતી હોય છે અને 'સૌથી વધુ વૈભવશાળી બંગલો' ધરાવવાની એની દોડ વણથંભી ચાલુ રહે છે. એના સમગ્ર બાહ્ય જીવનને વૈભવશાળી બંગલાને અનુરૂપ ઢાળવાની કોશિશ કરે છે. આવે સમયે આપણે આઇન્સ્ટાઈનને યાદ કરવા જોઈએ કે જેમણે બાહ્ય જીવનની ટાપટીપને ભૂલીને જગતને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો, પણ ક્યારેક જીવનમાં કોઈ વૈભવનો વિચાર કર્યો નહોતો.

મનઝરૂખો 

નાનકડી માર્થાના પિતા દિવ્યાંગ દર્દીઓના ફિઝિયોથેરાપિસ્ટ હતા. તેઓ દિવ્યાંગોને વ્યાયામ અને જુદી જુદી કસરતો શીખવતા હતા. મારથાને એના પિતા પાસેથી વ્યાયામ અને નૃત્યનો વારસો મળ્યો, પરંતુ માર્થાની સામે સૌથી મોટો અવરોધ એ હતો કે એ ખ્રિસ્તી ધર્મના જે પંથની અનુયાયી હતી, તે પંથમાં નૃત્ય કરવાની મનાઈ હતી. 

માર્થાની રગેરગમાં નૃત્યની કલા દોડતી હતી. એ પોતાની જાતને કઈ રીતે પ્રતિબંધને કારણે અટકાવી શકે ? અવરોધને ફગાવીને એણે નૃત્યકલા શીખવતી એક સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો અને એ પછી ટેડ શૉનની સાથે રહીને એણે વ્યવસાયી નૃત્ય કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. માર્થાએ અથાગ પરિશ્રમ કર્યો અને ઈ. સ. ૧૯૨૬માં 'માર્થા ગ્રાહમ ડાન્સ કંપની'ની સ્થાપના કરી. એના નૃત્યના પ્રયોગો સતત ખ્યાતિ મેળવતા ગયા અને એની મૌલિક નૃત્યકળાને સહુએ વધાવી લીધી. માર્થાએ પોતાના નૃત્યમાં અઘ્યાત્મ અને ભાવને જોડી દીધા અને પાશ્ચાત્ય નૃત્યશૈલીને એક નવી દિશા આપી. એથીય વિશેષ એણે નૃત્યની કેટલીય શૈલીઓ વિકસિત કરી. ફ્રન્ટિયર, એપ્લાચેન, સ્પ્રિંગ જેવી નૃત્યકળાઓને એમાં સામેલ કરી. સમય જતાં માર્થાની આ નવીન શૈલી આદર પામતી ગઈ અને નૃત્ય વિશેષજ્ઞાો પણ આ શૈલીઓને અમેરિકાના સાંસ્કૃતિક ઇતિહાસની મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ માનતા હતા. 

માર્થા સિત્તેર વર્ષ સુધી નૃત્ય કરતી રહી અને નૃત્ય શીખવતી રહી. અમેરિકાના પ્રમુખના નિવાસસ્થાન 'વ્હાઇટ હાઉસ'માં નૃત્ય કરવાનો અવસર મેળવનારી એ પહેલી નૃત્યાંગના બની. એણે સર્જેલી નૃત્યની મૌલિકતાને કારણે એને 'નૃત્યની પિકાસો' કહેવામાં આવી. 

આમ અવરોધોથી અટક્યા વિના મારથા હિંમતભેર નૃત્યકલામાં પારંગત બની અને પોતાની લગન અને મહેનતથી સાબિત કરી આપ્યું કે આ જગતમાં કશું અસંભિવત નથી.  માર્થાને અનેક પુરસ્કારો અને સન્માનો મળ્યા તેમજ એની નૃત્યશૈલી એ આધુનિક નૃત્યશૈલી તરીકે સ્થાન પામી.